16 April 2015

અંક - ૨૫ / એપ્રિલ ૨૦૧૫

આ અંકમાં
૧. એક પ્રેમકરાર / જયેશ સોલંકી
૨. બે હાઈકુ / બ્રહ્મ ચમાર
૩. છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. પંચમહાલનું લોકગીત / પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’
૫. શિક્ષણ / બી. એમ. પરમાર
૬. ઉછીની લક્ષ્મણરેખા / ઉમેશ સોલંકી

૧----------------------------------------------------------------------

એક પ્રેમકરાર / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

પ્રિયે,
તું મારાં
બુસકોટને બટન
પાટલૂનને થીગડું
નહીં ચોંડી દે
તો ચાલશે.
દર રવિવારે
મારા ગંદા
કારખનાનાં કપડાં
નહીં ધૂવે
તો પણ મને ચાલશે.
પટેલિયાના
મરેલા પાડિયાનું શાક
રાંધી નહીં આપે
તો પણ ચાલશે.
ઘૂઘરા, કોંકણી
બાફેલાં ઈંડાંના
ચખણામાં
તું મીઠાને બદલે
બૂરુ ભભરાવી દઇશ
તો પણ હું
ચૂપચાપ ખાઈ લઇશ.
હું છો ને
નાસ્તિક છું
તું તારે કરજે
દશામાંનું વ્રત.
પણ, પ્રિયે!
તારે
માથેમેલું ઉપાડતી
મારી મા-બેનને
માણસ તો માનવા જ
પડશે!
તારી નવરાશે
ક્યારેક
એમનાં માથાંમાંથી
જૂઓ-લીખો પણ
વીણવી પડશે.
મૃત્યુ શૈયા પર સૂતા
મારા બીમાર બાપને
દેશીની થેલી
વાટકામાં ઓતી
ચમચી-ચમચી
દેશી દારુ પણ
પાવો પડશે.
રાત પડે
રામાપીરના મંદિરે
મંજીરા -કરતાર-ઢોલકાં વગાડી
ભક્તાણી હોવાનો
ડૉળ કરતી
મારા બંઘ મિલ
કામદારની પત્નીઓ
દિવસે લાલીનો લપેડો કરી
લટક મટક કરતી
ક્યાં જાય છે
કયા વરુઓ પાસે જાય છે
કેમ જાય છે
તો તારે
સમજવું પડશે, પ્રિયે!
કારખાનાંમાં કાળી મજૂરી કરતી
મારી ભાભીના
છોકરા ની
ચડ્ડીના ખિસ્સામાં
ઊંઘવાની વેળાએ પણ
રસ્સી-ભમરડો
કેમ હોય છે
એનું રહસ્ય પણ
તારે જાણવું પડશે, પ્રિયે.
ચિક્કાર પીને સૂતા
અમારી ચાલી-મહોલ્લા ના
દલિતકામદારો-શ્રમજીવીઓ
છેલ્લાં પોરની ઊંઘમાં
માલિકો-મૂડીપતિઓ ને
ગાળો કેમ બબડે છે
પણ
તારે સમજવું પડશે., પ્રિયે!
તારે
માર્ક્સ
બાબા સાહેબ
સાવિત્રીબાઇ ફૂલે ને
વાંચવા-સમજવાં -નજીકથી જાણવા પડશે, પ્રિયે.
તારે
જાતિવાદ વિરુદ્ધ
મૂડીવાદ વિરુ
પિતૃસત્તા વિરુદ્ધ
અમારી સાથે
યુદ્ધ
લડવું પડશે, પ્રિયે.
હું જાણું છું
શરતો બહુ આકરી છે, પ્રિયે
પણ આજ મારી શરતો છે, પ્રિયે
કબૂલ હોય તો બોલ
નહિતર...........!!

૨----------------------------------------------------------------------

બે હાઈકુ / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

      ૧
  આદિવાસી છું
વન મારી અંદર
  રૂંધાય શ્વાસ

      ૨
  હુંય માણસ
ને તું પણ માણસ
  આ ભેદ શાને?

૩----------------------------------------------------------------------

લીલી સાડી, પીળી સાડી / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

લીલી સાડી, પીળી સાડી, સફેદ સાડી લો
            બેન મારી મીટિંગમાં જવાનાં
ઘર છોડ્યાં, ઢોર છોડ્યાં, છોડ્યાં નાનાં બાળ
            બેન મારી મીટિંગમાં જવાનાં
ઘંટી છોડી, ચુલ્હા છોડ્યા, છોડ્યાં ખેતર-કામ
            બેન મારી મીટિંગમાં જવાનાં
મેહમાન છોડ્યા, સગાં છોડ્યાં, છોડ્યા ઘર-વ્યવહાર
            બેન મારી મીટિંગમાં જવાનાં
મેળા છોડ્યા, પ્રસંગ છોડ્યા, છોડ્યા સહુ તહેવાર
            બેન મારી મીટિંગમાં જવાનાં
લીલી સાડી, પીળી સાડી, સફેદ સાડી લો 
            બેન મારી મીટિંગમાં જવાનાં

૪----------------------------------------------------------------------

પંચમહાલનું લોકગીત / પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’ (પીંગળી, તાલુકો : કાલોલ, જિલ્લો : પંચમહાલ)

‘ઊંચા ટીમ્બે બેની તારી સાસરી’
નીચે કોઈ વણઝારાનો વાસ રે
     મારા વીરને કહેજો, વીરને કહેજો
     વાણા બેનીને મોકલે

એવો બ્લાઉઝ ફાટ્યો વીરા મારા અંગનો
જાય છે મારા વીરા કેરી લાજ રે
     મારા વીરને કહેજો, વીરને કહેજો
     વાણા બેનીને મોકલે
     ઊંચા ટીમ્બે.....

એવી સાડીઓ ફાટી છે મારા અંગની
જાય છે મારા પપ્પા કેરી લાજ રે
     મારા વીરને કહેજો, વીરને કહેજો
     વાણા બેનીને મોકલે
     ઊંચા ટીમ્બે.....
     નીચે કોઈ....

મારાં એવાં ખૂટ્યાં છે તેલ ને ધૂપેલ
જાય છે મારાં ભાભી કેરી લાજ રે
     મારા વીરને કહેજો, વીરને કહેજો
     વાણા બેનીને મોકલે
     ઊંચા ટીમ્બે.....
     નીચે કોઈ....

ખૂટ્યાં મેકપ ને પાવડર રે
જાય છે મારી બહેનપણી કેરી લાજ રે
     મારા વીરને કહેજો, મારા વીરને કહેજો
     વાણા બેનીને મોકલે
     ઊંચા ટીમ્બે.....
     નીચે કોઈ....

૫----------------------------------------------------------------------

શિક્ષણ / બી. એમ. પરમાર (ગાંધીનગર)

'અલ્યા, તું કોનો છોકરો ?'
એણે આજુબાજુ નજર કરી
છોકરા અને છોકરીઓ, 
વર્ગખંડની ઓસરીમાં, એક જ લાઈનમાં.
પલાંઠીવાળીને શિસ્તબદ્ધ..!
અને,
મધ્યાહ્ન ભોજન યોજનાનો સંચાલક 
પીળા પીતામ્બરવાળો...
કપાળે એના જેવા જ લાલ ચાંદલાવાળો..
મોટી ફાંદ પર જનોઈ ફેરવતો..!
એની તરફ
એના નવાં કપડાં તરફ 

નવું શર્ટ, નવી ચડ્ડી
અને નવા જ દફતરવાળો આ વળી કોણ ?
'અલ્યા તું કોનો છોકરો?'
'રમેશ જેઠા પરમારનો !'
એ ધીમા અવાજે બોલ્યો.
'રમેશ જેઠા મેતરનો?'
અહી લાઈનની વચ્ચોવચ્ચ
રમજુભા, દીપુભા, રામશંકર
અને ઉમાપ્રસાદ જોશીની જોડાજોડ ?
'અલ્યા, તું આઈ ક્યાંથી?'

'તારે તો, ત્યાં...ખૂણામાં 

છોકરાનાં ચપ્પલો દેખા છે ને ત્યાં 

ત્યાં જ
'ચાલ ભો થા..! તારી તો..!'

ભો થયો..

ધ્રૂજતો ધ્રૂજતો ક્યાંય સુધી..!
નિશાળથી ઘર સુધી..!
'બેટા ભણી આવ્યો !' 
આવતાં જ
માએ હરખનાં ઓવારણાં લીધાં.
તારો બાપ આજ હોત તો !
હા...મા...હું ભણી આવ્યો..!
નિશાળમાં ક્યાં બેસવું એ ..
ધ્રૂજતા અવાજે એટલું જ બોલી શક્યો..! 

૬----------------------------------------------------------------------

ઉછીની લક્ષ્મણરેખા / ઉમેશ સોલંકી

અંધાપો ઓકતી રાતોથી ઘેરાયેલા
ખદબદતા કાદવમાં
ફદફદતા વીતી સદીઓ :
આંખોમાં ફદફદતાં અંધારાં ખોસ્યાં
કાનોમાં ફદફદતા અવાજ ઠોક્યા
માય બાપકે એના જેવા
જીભ પર ફદફદતા શબ્દ ચોડ્યા
તેથી
બીજું કંઈ આવડ્યું નહીં
આવડ્યું બસ ફદફદવું
ફદફદવું એટલે જીવવું
ને, જીવવું એટલે ફદફદવું

એક રોજ એવું થયું
અંધાપો ઓકતી રાતો ચીરી
નાનકડું કિરણ અડક્યું કાદવને
ને ઝળહળતો ઊગ્યો સૂરજ           (સૂરજ = ડૉ. આંબેડકર)
ચોપાસ બસ અજવાળું અજવાળું
પછી કાદવનો થયો કાંપ
આમ જુઓ તો સૂરજ લાલચોળ લાગે
અડો તો અંગોઅંગને ટાઢક આપે

એક રોજ એવું થયું
મૂકીને ઝળહળતું અજવાળું
ડૂબ્યો સૂરજ ધીરે ધીરે

વખત વીતતાં
અજવાળાના કકડા કર્યા
નાના નાના કકડા
મોટા મોટા કકડા
કળ પ્રમાણે, બળ પ્રમાણે, છળ પ્રમાણે
કકડાઓને સેરવી લીધા
કકડો
કોઈએ ઝભ્ભાના ગજવામાં ગાલ્યો
કોઈએ શર્ટના ખિસ્સામાં નાખ્યો
કોઈએ સૂટના પૉકિટમાં રાખ્યો
કકડા આજે એવા ઝગારા મારે
આંખ ખોલો તો આંખોને આંઝી નાખે
સ્હેજ અડો તો અંગોઅંગને બાળી નાખે

પછી તો, ભાઈ, એવું થયું, ભાઈ, એવું થયું
કકડાવાળા
લાવ્યા ઉછીની લક્ષ્મણરેખા
હવે પેલી પા છે કકડાવાળા
ને પા
કાંપમાંથી બની રહેલા કાદવમાં ફદફદવાવાળા

15 March 2015

અંક - ૨૪ / માર્ચ ૨૦૧૫

આ અંકમાં
૧. અભિલાષા / વજેસિંહ પારગી
૨. હાઈકુ / જયસુખ વાઘેલા
૩. એક છોકરી હતી / જિનલ વર્મા
૪. સુત્તર વીંટાઈ ગયું / વિજય વણકર ‘પ્રીત’
૫. મોંઘી કેડ સસ્તી કેડ / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૬. પ્રિયે / ઉમેશ સોલંકી

૧---------------------------------------------------------

અભિલાષા / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો દાહોદ)

હું કાળી છું
વાદળી જેવી.
મારાં માંસ અને રક્તમાં
ગોરંભે છે જીવન.
મારી આંખમાં
સળાવો કરતી આશા છે.
મારી છાતીમાં ઘૂઘવે છે
ગંગાની ધોળી ધારા.
મારા સ્પર્શથી ફૂટે છે
ઝાડે ઝાડે કૂંપળો.
પૃથ્વી એના પેટાળમાં
સાચવી રાખે છે બીજ
એમ મેં મારી કૂખમાં
સાચવી રાખ્યું છે માનવરતન.
એક દિવસ મારી કૂખમાંથી અવતરશે
એ માનવરતન.
જેનો આત્મા હશે ધોળો
મારી કાળી છાતીના ધોળા ધાવણ જેવો.

ભરવાડના ડચકારે
વેરવિખેર ઘેટાં ટોળે વળી જાય
એમ મારા જાયાની હાકે
એકજૂટ થઈ જશે
વેરાણછેરણ આદિજાતિ.
ને પછી
અંધકારમાં લપેટાયેલી જાતિને
એ દોરશે
નવા લોક તરફ
જ્યાં હશે –
ઝળાં ઝળાં માનવતા ! 

૨---------------------------------------------------------

હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર)

  ચાંચમાં દાણા
પંખી આવતું માળે
  ન મળે બચ્ચાં

૩---------------------------------------------------------

એક છોકરી હતી / જિનલ વર્મા (મોડાસા, જિલ્લો : અરવલ્લી)

એક છોકરી હતી
હસતી ખેલતી કૂદતી
દુનિયાથી અજાણ હતી
આબરૂનો પ્રશ્ન હતી
પણ એ તો
પોતાના ખ્યાલોમાં રાચતી હતી
મોટાં સપનાં જોતી હતી
સપનાંની બહાર
ન એનું કોઈ હતું
ન એનું કોઈ ઘર હતું
સ્વતંત્રતાના આકાશમાં સ્હેજ ઊડી
ત્યાં જ એની પાંખો કાપી નાખી
સપનાંઓનું મરણ થયું
વાંક એનો શું હતો ?
કે એ એક છોકરી હતી.

---------------------------------------------------------

સુત્તર વીંટાઈ ગયું / વિજય વણકર ‘પ્રીત’ (મુ. : પીંગળી, તા. : કાલોલ, જિલ્લો : પંચમહાલ)

આખા ગામના ચોતરફ પેલા ગામવાળા ગાજે
કોણે રાખ્યું હશે આવું  કે એના દોરા વડે જ દાટે
ઢોલ-શરણાઈથી ગામને વશ કરવું
એમાં ગામના બધા જ લાગને જોવે
ઢોરઢાંખર ગામતળ બહાર મુકાવે
બોલ-બખાર સામ સાત કેવાય કુવાળે
શિકોતર ગામતળ જેવી માતાના પૂજન થાય ભાદરવે
મહોલ્લા ફળિયાં ખાંગામાં તોરણો બંધાય સંધ્યાએ
આમ કેમ કરતા હશે
કોણે કાઢ્યું હશે ફરતું નાટક
દરેક જણ જણ અને ગામને લાગે છે ફાયદાકારક.

( વર્ષોથી વડીલોની માન્યતા છે કે સુતર આખા ગામની ચોતરફ વીંટવાથી ઢોરઢાંખરને રોગચાળો ના થાય)
૫---------------------------------------------------------

મોંઘી કેડ સસ્તી કેડ / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

મોંઘી કેડ સસ્તી કેડ કેવાં નાટક કરે રે  (કેડ : રાશનકાર્ડ, મોંઘી કેડ : A.P.L. Card, સસ્તી કેડ : B.P.L. Card)
કમ્પ્યુટરમાં લખે રે હંઅ રે હોવે
ગરીબોના લાભો મોટા લોકો ખાય રે
તોય ના ધરાય રે હંઅ રે હોવે
દસ કિલો ચોખા ને દસ શેર ઘઉં આલે રે
ઘાસતેલ દબાવે રે હંઅ રે હોવે
આખા ગામનાં ઉંદેડાં ગોડાઉનમાં ફરે રે
ફાલ્યાંફૂલ્યાં રહે રે હંઅ રે હોવે
રાહતનું અનાજ ગોડાઉનમાં સડે રે
કૂપનો ના મળે રે હંઅ રે હોવે
કંટ્રોલવાળા શેઠિયા ‘પાવર’ બતાવે રે
બે દિવસ ચલાવે રે હંઅ રે હોવે
બે દિવસ બિલો ચાલે, રાતે કાળો બજાર રે
કોઈને ખબર છે રે, ના ને નો રે
નિરાધાર બેનોને મોંઘી કેડ આલી રે
કેડ દુકાનમાં રહે રે હંઅ રે હોવે
ગરીબોના લાભો મોટાઓએ લીધા રે
મોટા પેટ કર્યા રે હંઅ રે હોવે
મોંઘી કેડ સસ્તી કેડ આવાં નાટક થાય રે
આવાં નાટક થાય રે હંઅ રે હોવે

૬---------------------------------------------------------

પ્રિયે / ઉમેશ સોલંકી

પીઠ શેકતા રોડ
રોડ વચ્ચે શિસ્તબદ્ધ છોડ
બેચાર છોડને છોડી નાનકડું એક વૃક્ષ
એમ વૃક્ષો
વૃક્ષોમાં
આવે ને જાય ને અટકે
આવે ને જાય ને અટકે
વાયરાનું આવું વારે વારે થાય.
રોડ પડખે હરોળબદ્ધ ઇમારતો
સૈનિકની જાણે ઊભી કતારો
બગીચા ને તળાવો
મકાનો
મકાનોમાં માણસો
માણસોમાં બનતાં બીજાં મકાનો
ગલીઓ
ગલીઓના ધીમા ને વેગીલા વળાંકો
કલાકોના કલાકો કલાકોના કલાકો
આશ્ચર્યમાં ગરકાવ થયો છું
નાનકડું એક્કેય ઝૂપડું નથી
અંદરથી છેક હું તો ડરી ગયો છું
ક્યાં લઈને આવી, પ્રિયે, તું મને ?
આ તો મારો દેશ નથી
આ તો મારો દેશ નથી.

15 February 2015

અંક - ૨૩ / ફેબ્રુઆરી ૨૦૧૫

આ અંકમાં
૧. દલિત-પ્રેમીનું ગીત / બ્રહ્મ ચમાર
૨. હોઈશું પ્રલયકાળ સુધી / વજેસિંહ પારગી
૩. ઓળખ / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. બે હાઈકુ / જયસુખ વાઘેલા
૫. ‘તો ચાલ !’ / ઉમેશ સોલંકી

૧-----------------------------------------------------------------------

દલિત-પ્રેમીનું ગીત / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે,
છુપાતો છુપાતો મળવા હું જઉ ત્યારે આંગળીની વીંટી માગે.

મારી હોસ્ટેલ પાછળ એની હોસ્ટેલ અમે બારી ખોલીને ઊભાં રેતાં,
ઈશારે ઈશારે વાતો થતી ને પછી બારીએ નામ ચીતરી દેતાં.
ફૂલની ફોરમ જ્યારે પ્રસરતી હોય ત્યારે હૈયું આનંદ ઘેલું લાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.

રજાના દિવસે ફરવા જતાં ને વળી ગમતી ફિલમ અમે જોતાં,
હાથમાં હાથ એનો, અધર શરમાઈ જતા, કરુણ દૃશ્ય જોઈ રોતાં.
પ્રેમનાં છૂંદણાં છુંદાવી દીધાં ને ગાતાં'તાં ગીત ઊંચા રાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.

એક દિવસ મેં લગ્નની વાત મૂકી છોકરી ભરાઈ ગઈ રીસે,
ચિઠ્ઠી ચબરખી પાછી આપી ને વળી અબોલા દીધા નવી રીતે.
લગ્નમાં નીચ હું દેખાવા લાગ્યો હવે મારાથી દૂર દૂર ભાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.

૨-----------------------------------------------------------------------

હોઈશું પ્રલયકાળ સુધી / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો – દાહોદ)

પૃથ્વી પર પહેલપ્રથમ
ડુંગરા રચાયા
વરસાદ પડ્યો
ઝરણાં ખળખળ્યાં
ઝાડ ઊગ્યાં
તેની સાથે જ થઈ
અમારી ઉત્પત્તિ.

પરંતુ આજે તો
રોડાબોડા ડુંગર જેવું
સુકાયેલા ઝરણા જેવું
વેરાન વગડા જેવું
નામનું જ છે અમારું જીવતર !

પણ સબૂર !
પૃથ્વી પર વરસાદ પડતાં
જીવંત થઈ ઊઠે છે કુદરત
એમ અમારા પર જીવનરસ વરસતાં
અમારાં મડદાં થઈ જશે બેઠાં
ને બુક્કારી ઊઠશું અમે :           (બુક્કારવું – ગર્જના કરવી)
હા, અમે જીવંત છીએ !
પૃથ્વી પર જ્યાં સુધી
ડુંગર હશે
વરસાદ હશે
ઝાડ હશે
ઝરણાં હશે
અમેય હોઈશું ત્યાં સુધી.
અમે આદિમો
છીએ આદિકાળથી
ને હોઈશું પ્રલયકાળ સુધી.

૩-----------------------------------------------------------------------

ઓળખ / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

આપણે બધાં આદિવાસી, જંગલ સાથે જીવતાં રે
ડુંગરે વસતાં, વનફળ વેણતાં, ઝોરે પાણી પીતાં રે    (ઝોરે – નાનકડું ઝરણું)

ડુંગરે ચડતાં, ટીમરે ચડતાં, ટીમરું-પોનાં વેણતાં રે
ડુંગરે ચડતાં, ગુંદર વેણતાં, ચાવર વેચી જીવતાં રે    (ચાવર – ચારોળી)

અડદ, તુવેર, મકાઈ પકવી, મકાઈ રોટલો ખાતાં રે
ટૂંકી જમીન, રોજી નથી, બ્હાર મજૂરી જાતાં રે

આદિવાસી ભેગાં થઈને ઈંદ-પિઠોરા પૂજતાં રે         (ઈંદ-પિઠોરા – આદિવાસીના દેવ)
નાચણું નાચતાં, ગોણું ગાતાં, હોળી-દશેરા રમતાં રે

ઝાડ-મૂળી જોઈ લાવી મોંદાનં દવા કરતાં રે
ઘરનું કરતાં, ખેતીનું કરતાં, અઘરાં કામો કરતાં રે

આટલાં બધાં કામો કરી સમાજને ટકાવતાં રે
આપણે બધાં આદિવાસી, જંગલ સાથે જીવતાં રે

૪-----------------------------------------------------------------------

બે હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

      ૧
  ભગવું વસ્ત્ર
અસ્પૃશ્યતા-કલંક
  ફગાવી દીધું

      ૨
  વિશ્વ ડૂબતું
જળના હાથ લઈ
  હું બચાવતો

૫-----------------------------------------------------------------------

‘તો ચાલ !/ ઉમેશ સોલંકી

હોઠ તારા
હોઠને મારા
પહેલીવાર સ્પર્શ્યા
અને લાગ્યું મને
જાણે
ભૂખમરો વેઠનારને મળ્યો
ઊનો ઊનો મકાઈનો રોટલો
અહીં રોટલો અને વેઠનારની વચ્ચે
છે સંસ્કૃતિ ખડી
સંસ્કૃતિ સ્હેજ હલતી નથી
હોઠને હોઠ સુધી પહોંચવા દેતી નથી
અને
સંસ્કૃતિને ઝોકું જલ્દી આવતું નથી
ઝોકાની વાટ જોવામાં
પેટ વાટકો ના થઈ જાય
રોટલો પથરો ના થઈ જાય
તો ચાલ !
આગવું ખેતર બનાવીએ
ખેતરમાં મકાઈ ઉગાડીએ

પછી
ઊંચીઊંચી મકાઈની વચ્ચે
તારા હોઠને હોઠ મારા બનાવીએ
મારા હોઠને હોઠ તારા બનાવીએ
‘તો ચાલ !