17 July 2015

અંક - ૨૮ / જુલાઈ ૨૦૧૫

આ અંક્માં
૧. વિમાસણ / વજેસિંહ પારગી
૨.  સ્ત્રીઓને માફ કરી દેજો / જયેશ સોલંકી
૩. સીતા ઉવાચ / બ્રહ્મ ચમાર
૪. પરંપરા / ઉમેશ સોલંકી

--------------------------------------------------------

વિમાસણ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

ભૂંસાય નહીં એવું
પગલું પાડવાની શરતે
મને દીધા પગ.
ને પછી એણે બનાવ્યા
બે રસ્તા.
એક રસ્તો-
હવાની લહેરખી આવે
ને છાપ ભૂંસાઈ જાય એવો
રેતાળ છે
બીજો રસ્તો-
કોઈથી કદી છાપ ન પડે એવો
પથરાળ છે.
પગ સામે પડેલા
રેતાળ અને પથરાળ રસ્તા પર
ભૂંસાય નહીં એવું પગલું
કઈ રીતે પાડવુંની વિમાસણમાં
હું ઊભો છું - વર્ષોથી !

--------------------------------------------------------

 સ્ત્રીઓને માફ કરી દેજો / જયેશ સોલંકી (ભુવાલડીજિલ્લો - અમદાવાદ)

કોઈ શબાના
કોમી હુલ્લડોમાં
સામૂહિક બળાત્કારનો
ભોગ બનતી હોય છે
 સત્ય
નથી જાણતી  સ્ત્રીઓ.

એને  પણ નથી ખબર
કેટીમરુનાં પાન ચૂંટવા જતી
ફૂલીઓનાં બ્લાઉઝ ફાડી નાખી
ચણિયાના લીરેલીરા
કરી દેવાય છે
 દેશનાં જંગલોમાં.

વાળુ માંગી
ઘર તરફ પાછી ફરતી
સવલીઓને
ડેલાની દિવાલે ઘેરી
અવરજવર હોવા છતાં
પીંખી નંખાય છે
પળેપળ
 હકીકતથી પણ
 સ્ત્રીઓ અજાણ છે.

 સ્ત્રીઓને
સ્કૂટી લઈને
ગ્રંથાલય તરફ જતી
શીતલ પંડ્યાને જોઈને
સીટી વગાડતા
બદમાશો 
કેમ દેખાતા હશે ?
શું 
જાતિવાદી
કોમવાદી છે ?
હોઈ પણ શકે !
જો હોય તો
 સ્ત્રીઓને માફ કરી દેજોદોસ્તો !
છેવટે  પણ
સ્ત્રીઓ છે
આપણી
મા બહેન દીકરીઓ જેવી .

--------------------------------------------------------

સીતા ઉવાચ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર,  જિલ્લો – બનાસકાંઠા)

હું સીતા
જનકની પુત્રી કહો
કે
રામની પત્ની
મેં જે વેંઠ્યું છે
તેની મને ખબર છે
તમે બધા રામરાજ્યની વાહ... વાહ... કરો છો
ત્યારે મારા પેટમાં એનું બાળક હતું
ત્યારે એણે મને તગેડી મૂકી..!
એ સમયે તમારું રામરાજ્ય
ને
તમે ક્યાં હતા ?
બે બાળકને જન્મ આપી
છેવટે તો
આત્મહત્યા કરવી પડી
તમે બધા રામરાજ્યની વાહ... વાહ... કરો છો
તમારામાં માનવતા જેવું કંઈ છે..?
જો આજનો સમય હોત
તો
એની શી વલે થાત...!

--------------------------------------------------------

પરંપરા / ઉમેશ સોલંકી

મારા દેશનું નામ
ખબર નથી.
મારા દેશનો ધર્મ
ખબર નથી.
મારા દેશની જાતિ
ખબર નથી.
હા, મારા દેશની એક પરંપરા છે
પરંપરા પાછી રૂઢિચુસ્ત છે
પરંપરાનું નામ
ખબર નથી.
પણ
પરંપરા વિશે આમ કહી શકું :
પાણીને એની સાથે ફાવતું નથી
ભૂખને એનું વળગણ છે
હવાથી વિખેરાઈ જાય છે
વરસાદથી ઊભરાઈ જાય છે
એની ગોદડીમાં, ઠંડી ઠૂંઠવાઈ જાય છે
હજી ઉમેરણ કરી શકું :
બા કે વૃદ્ધ
કિશોર કે યુવાન
સ્ત્રી કે પુરુષ
મારાં દેશવાસીનાં
ભાલમાં પરંપરા
આંખમાં પરંપરા
બેસી ગયેલા ગાલમાં પરંપરા
ચામમાં પરંપરા
બહાર આવવા મથી રહેલા હાડમાં પરંપરા
એના શરીરમાં રક્તવાહિનીઓ નહીં
પરંપરાવાહિનીઓ છે
મારો દેશવાસી પરંપરા ખાય છે
ને પરંપરા કાઢે છે
મારા દેશમાં પરંપરા જીવે છે
જન્મે છે ને મરે છે
તો બસ, મારો દેશવાસી
મારો દેશ જોવા
તું આવીશને ?

(અહીં પરંપરાનો અર્થ અભાવ સમજવો)
(વિચરતા અને વિમુક્ત માનવસમુદાયોના સંદર્ભમાં)

15 June 2015

અંક - ૨૭ / જૂન ૨૦૧૫

આ અંકમાં
૧. મારા વીરા / અનીષ છારા
૨. ભગવાન વગરનો માણસ / વજેસિંહ પારગી
૩. ઠપકારજો / ડી. કે.
૪. હજુ બદલાતી નથી / બ્રહ્મ ચમાર
૫. સરહદ / ઉમેશ સોલંકી

---------------------------------------------------------------

મારા વીરા / અનીષ છારા (અમદાવાદ)

મારા વીરા, તારો ડુંગર કોઈ તોડે રે
મારા વીરા, તારો દરિયો કોઈ સોખે રે
જળ જંગલ હતાં મારાં હતાં મારાં ઠામ રે
હમણાં નથી મારું નામ કે નથી મારું ગામ રે

હું તો ભારતવાસી, દેશનો હું આદિવાસી

હું તો ચાલુ ઘૂમંતુ બનીને એકલો રે
માથે તાપ રાખી ખાધેલો મેં રોટલો રે
નથી છાપર નથી શાળા નથી ગુજરાન રે
દીકરાં મારાં માંગે રે બીજે ગામ ભીખ રે
મારાં હૈયાં એવાં છૂંદાયાં રે મારા જીવ રે
કોણ કોને દે આ ડામ?
કોણ કોને દે આ માર?

હું તો ભારતવાસી, દેશનો હું આદિવાસી

---------------------------------------------------------------

ભગવાન વગરનો માણસ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ધનવાન કહે છે :
ધન ભગવાન આપે છે.
સુખી માણસ કહે છે :
સુખ ભગવાન આપે છે.
ધન ને સુખ ને એવું બધું
ભગવાન આપતો હોય
તો હું કહીશ :
હું ભગવાન વગરનો માણસ છું.

ધન વગરનો સુખ વગરનો માણસ
બીજું તો શું કહે?

---------------------------------------------------------------

ઠપકારજો / ડી. કે. (ગાંધીનગર)

જૂઠાબોલા પણ છે
ધોખેબાજ પણ છે
ઠગવાની ટેવ છે
બેઈમાનીની આદત છે
અહંકારી અને ઉગ્રમિજાજી પણ છે
છેતરપિંડીમાં કુશળ
વેશપલટો કરવામાં પારંગત
અદ્-ભુત ઢોંગી પણ છે
ગોબેલ્સને શરમાવે એવા ફેંકુ
બધા જ દુર્ગુણો ધરાવનારમાં છે અવ્વલ
જો રસ્તામાં મળે તો
જરા ઠપકારજો!

---------------------------------------------------------------

હજુ બદલાતી નથી / બ્રહ્મ ચમાર  (ચલાદર, તાલુકો ભાભર,  જિલ્લો બનાસકાંઠા)

રાજાશાહી તો ગઈ
પણ
સાલ્લુ
એ લોકોની
અમારા પ્રત્યેની
બાપુગીરી ભરી માનસિકતા
હજુ બદલાતી નથી

---------------------------------------------------------------

સરહદ / ઉમેશ સોલંકી

કહેવાય છે
સરહદ કોઈ નડતી નથી પ્રેમને
તો કઈ સરહદ રોકી રહી તને?
હું ઓગળી ગયો તારામાં
ને તું બરફનું ગચ્ચુ થઈ
ઠંડીગાર ઊભી
જે આજે છે
એ ન્હોતું કાલે
હશે નહીં કાલે
નાહકની અટવાઈ ગઈ તું
ઉબેટવાળી આજમાં
અવસર છે
જંપલાવી દે
નવીનવેલી આગમાં
ગંઠાયેલા હ્ર્દય વડે નહિતર, કેમના લઇશ શ્વાસ
કરને યાદ
તું કહેતી :
"હું રાણી તારી
તું રાજા મારો"
તરત તને
હું કહેતો વળીને :
"નથી બનવું મારે રાજા તારો
નથી કરવી તને રાણી મારી
રાજા-રાણી
રીત નઠારી"
સરહદ તને જે નડી રહી છે
રાજા-રાણીમાંથી ખડી થઈ છે
એક ડગલું તું આગળ આવ!
સરહદ આપણે તોડી નાખીએ
વેરવિખેર થયા છે લોકો
વેરવિખેરને પણ જોડી નાખીએ.

15 May 2015

અંક - ૨૬ / મે ૨૦૧૫

આ અંકમાં
૧. અનાથ બાળકને / વજેસિંહ પારગી
૨. એકવાર / બ્રહ્મ ચમાર
૩. મા / જિનલ વર્મા
૪. છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૫. એક દાયકા પછી / ઉમેશ સોલંકી 

૧----------------------------------------------------------

અનાથ બાળકને / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)

પેટ ભૂખ્યું છે
હાથ ખાલી છે
એવું બધું ભૂલી જા.
તું જન્મ્યો નહોતો ત્યારે
તારે ક્યાં કોઈ જરૂરિયાત હતી ?!
જ્યાં જગા મળે ત્યાં
ટૂટિયું વાળીને સૂઈ જા
માના ગર્ભમાં સૂતો હોય એમ !
તારા જેવા અનાથ માટે
ઉપર આભ ને નીચે ધરતી
એટલો સહારો કંઈ ઓછો નથી.

તારી ખોબોક જરૂરિયાત માટે
પૃથ્વી પર કલ્પવૃક્ષ ઊગવાનું નથી.
તારું ખાલી પેટ ભરવા
કોઈ અન્નપૂર્ણા આવવાની નથી.
તારાં આંસુ લૂછવા
સ્વર્ગમાંથી દેવદૂત ઊતરવાનો નથી.
તારું મનોરંજન કરવા
પરી પાંખે બેસાડીને તને ઉડાડવાની નથી.
તારા આર્તનાદથી
કોઈનું કાળજું કોરાવાનું નથી.
તારા જીવતેજીવ
તારો ન્યાય તોળવા
કોઈ અવતાર આવવાનો નથી.

માણસાઈ મોહંજોદડોમાં દટાયેલી છે
ઈશ્વર દયાળુ છે
એવું માત્ર ધર્મગ્રંથોમાં છે
ને દેવદૂતો દંતકથા બની ગયા છે
કોઈના પર આશા રાખીને
વધુ દુઃખી ન થા.
બસ ટૂટિયું વાળીને સૂઈ જા.
માના ગર્ભમાં જીવતો હોય એમ !

૨----------------------------------------------------------

એકવાર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર,  જિલ્લો – બનાસકાંઠા)

તું એકવાર દલિત બની
કોઈ પણ ગામડામાં જા
મંદિરની નજીકના ઘરમાં જા.
તને માળિયા પરથી ઉતારેલી
ચીતરી ચડે એવી પવાલીમાં
ચા પીતાં તને જે કાંય થાય
તેવું બધું જ મને થાય છે
આ જાતિપ્રથાના ઓકેલા ઝેરથી

૩----------------------------------------------------------

મા / જિનલ વર્મા (મોડાસા, જિલ્લો – અરવલ્લી)

મારા જીવનનું તેજ તું મા
મારા હોઠનું સ્મિત તું મા
મા તું અબળા નારી ?
ના મા ના
તું તો વહાલનું નામ બીજું
સાસુ-જેઠાણીનો ત્રાસ વેઠતી
પપ્પાનો માર તું વેઠતી
ગાળો, તિરસ્કારોને તું વેઠતી
પણ કદી ઊહકારો તું ના કરતી
રડતી આંખે અમને વહાલ તું કરતી
જાણે અમારા માટે જ તું જીવતી.
મા
ક્યારે તને હું
આ યાતનામાંથી મુક્ત કરાવીશ
ક્યારે તારા કરજનું વ્યાજ હું ચૂકવીશ
મા
મારી મા
મારી આંખોનું તેજ તું
મારી આંખોનું આંસુ તું

૪----------------------------------------------------------

ગામડાંમાં પાણી નો’તું લી બેનો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

ગામડાંમાં પાણી નો’તું લી બેનો, બેનો સરવેયું કરે
સરવે કરી થપ્પો આલેલી અરજી, સરકાર ગભરાઈ જેલી
કોને આલું ને કોને ના આલું, સરકાર છટકી જેલી
સંગઠનના ટેકે મોટા ટોટા ફોડેલા, કૂવા ઊંડા કર્યા
કચરો ને પથરો કાઢેલો બેનો, પાણી આવી જેલું
શ્રમદાન, લોકફાળો કરેલી બેનો, પાણી સંગ્રહ કર્યાં
સંગઠનના ટેકે થયું લી બેનો, પાણીનાં સુખ કર્યાં

૫----------------------------------------------------------

એક દાયકા પછી / ઉમેશ સોલંકી

મમ્મી, તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !

તું  મરી ત્યારે
ભીનાશ પણ અડકી નહોતી આંખને
દુઃખ થયું નહોતું, એવું તો સાવ નહીં કહું
થયું હતું, થોડું ઘણું
પણ પરંપરાવશ.
સાચું કહું
તારા મર્યા પછી બહુ ખુશ હતો
ખુશીમાં ને ખુશીમાં
મેં મુંડન નહોતું કરાવ્યું
ઉત્તરાયણ પર
ઘરમાં મેં એકલાએ પતંગ ચગાવ્યા હતા
એવા પતંગ ચગાવ્યા હતા, એવા પતંગ ચગાવ્યા હતા
જાણે મારી યુવાનીને બાળપણ ફૂટી નીકળ્યું હતું
‘પોંતરીમાં’ ભલે રફેદફે થઈ ગયો              (પોંતરી – પાંત્રીસ ગામનું પરગણું)
પણ ખુશ હતો
બહુ ખુશ હતો
કારણ,
તારું મરણ
તારી લાંબ્બીલાચ્ચ વેદનાનો છેડો હતો

મને યાદ છે
પથારી થઈ ગયેલા તારા ભારેખમ શરીરને
હજારો માકણ ચોંટી પડેલા
ચૂસવા લાગેલા
ચૂસી ચૂસીને ભારે થઈ ગયેલા
એવા ભારે થઈ ગયેલા, એવા ભારે થઈ ગયેલા
તું મરી ત્યારે, ચાલી પણ નહોતા શકતા !
બોલ, પછી તારા મરણ પર કેવી રીતે રડું ?
પણ મમ્મી, તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !

તું હમેશા કહેતી
‘માંહ્યલો બધાનો સારો હોય
માણસ છોને સ્હેજ કે વધારે ખારો હોય’
પણ, માણસ આજ માકણ બની ગયો છે
માંહ્યલાને ચોંટી પડ્યો છે
ચૂસી રહ્યો છે
ચૂસી ચૂસીને ભારે થઈ ગયો છે
ભારે થઈને આગળ ધસી રહ્યો છે
ટોચ પર પહોંચી ગયો છે
જ્યાં જુઓ ત્યાં માકણ દેખાય છે.
હેં મમ્મી, તું ખોટી પડી ?!
સાવ ખોટી પડી
સાચું કહું છું
તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !