15 November 2015

અંક - ૩૧ / નવેમ્બર ૨૦૧૫

અંકમાં
. જવા દો / વજેસિંહ પારગી
. અનામત ખતરામાં છે / ડૉ. કનુ પરમાર
. ચાલ હવે તો જીવી લઈએ / બ્રહ્મ ચમાર
. તમે શું આપવાના / વિનુ બામણિયા
. માંડ દેખાતી દોરી / ઉમેશ સોલંકી

----------------------------

જવા દો / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

રડી રડીને દરિયો ભરી શકે
એટલાં આંસુ આંખમાં હોય
તો કરજે પ્રેમ.
વીજળી પડે ને ખાખ થઈ જાય છાતી
તોય લીલોછમ રાખી શકે હૃદયનો ખૂણો
તો કરજે પ્રેમ.
હાથ છૂટે છતાં સાથ છોડે
દૂર રહીને સાથે રહેતાં ફાવે
તો કરજે પ્રેમ.
બેમોત મરવાની હોય તૈયારી
ને મરીને જીવવાની હોય હૈયારી
તો કરજે પ્રેમ.

પાત્રતા પાત્રતા, તોબા તોબા !
અમારે તો મરી મરીને જીવવાનું છે
ત્યાં ક્યાંથી કરીએ સિદ્ધ આવી પાત્રતા.
જવા દો પ્રેમની વાત
નથી કરવો અમારે પ્રેમ
નથી થવું અમારે અમર.

----------------------------

અનામત ખતરામાં છે / ડૉ. કનુ પરમાર (વડોદરા)

હે દલિત,
આજે તારી અનામત ખતરામાં છે
એને(બાબા સાહેબ) ક્યાં જરુર હતી અનામતની,
તોય અળખામણો થયો અનામતથી.
તારે કદાચ જરૂર ના હોય અનામતની
થવું પડશે તોય અળખામણું
અનામતથી.
મને મળી હતી અનામત એક
ભાથુંની જેમ
આજે  ભાથું માંગે છે ઋણની ભરપાઈની જેમ
લાગે છે અન્યાય હવે અનામતથી એમને ?
તો એમણે કર્યું શું અને કરે છે શું
વર્ણવ્ય્વસ્થા રાખી હજી ?

તો હાથીદાંત છે માત્ર
અનામત હટાવવા માટે
બાકી મને પણ ખબર છે
વિચારે છે શું મારા માટે

હે દલિત,
એક તુંય છે જેને
અનામતની એકડેએકની ખબર છે
અને એક એય છે જેને
અનામતના એકડાનીય ખબર નથી

માફી આપવાને લાયક પણ નહીં રહે,
હટશે જો અનામત
અને તું પણ
શું જવાબ આપીશ ઉપર જઈ બાબાને
હટશે જો અનામત
કંઈક વિચાર અંતરમનથી
કંઈક કર મન મક્કમ કરી
હે દલિત,
આજે તારી અનામત ખતરામાં છે.


ભાથું = ઊજળિયાત સમાજના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે જમણવાર પછી જે વધ્યું હોય એમાંથી દલિતને આપવાનો એક ભાગ.

----------------------------

ચાલ હવે તો જીવી લઈએ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

ચાલ હવે તો જીવી લઈએ
મળવાનું જ્યાં મન થાય ત્યાં મળી લઈએ

કૈંક કેટલું કરવાના હતા અભરખા
એટલે તો ઘણાં અમે ઘસ્યાં પગરખાં
ફળી ગયું એક કામ, વધુ કરી લઈએ
ચાલ હવે તો જીવી લઈએ

સ્વપનાં જોયાં અઢળક જોયાં
મહેનતનાં અમે બીજ બોયાં
પાક થયો છે લણી લઈએ
ચાલ હવે તો જીવી લઈએ

ધરમ-બરમની મૂકી દ્યો ટાંડી
નાત-જાતને મૂકી દ્યો છાંડી
માનવતાને વરી લઈએ
ચાલ હવે તો જીવી લઈએ

મારું મારું કરી કરીને
ક્યાં જઈશું મરી મરીને
ખુલ્લા થૈ હસી લઈએ
ચાલ હવે તો જીવી લઈએ

----------------------------

તમે શું આપવાના / વિનુ બામણિયા (ગોધરા, જિલ્લોપંચમહાલ)

તમે અમને શું આપ્યું
અત્યાર સુધી.
અમારા વડવાઓએ
ધર્માંધતાની વાડ ઠેકી
કૂદી આવ્યા વેરાન ભૂમિમાં
ભૂમિમાંથી
ગામ વસાવવા ગામના મુખી
સૂતેલા ખાટલે જંગલોમાં
રોપી દીધા થોડાંક માનપાન આપી
લખી આપ્યાં
હજારેક વીઘા જમીન
જીહજૂરી કરવાનાં તામ્રપત્રો
જે આજ સુધી નિભાવતાં નિભાવતાં
આંખો થોડી ખુલી તો -
અમે ડાળે વળગી
બે પાંદડે થયા.
થોડાક રાજી થોડાક કરાજી
તમે અમારાં મન પર કબજો ઠેરવ્યો
તો અને તો
અમે આટલા વિહ્વળ બની ચિત્કાર કર્યો.
તોય તમે સુધર્યા નહીં
ખાલી ખાલી ધર્મ પહેરી ફરનારા
નખ્ખોદિયાઓ
આપી આપીને તમે શું આપવાના ?

----------------------------

માંડ દેખાતી દોરી / ઉમેશ સોલંકી

ઉચ્છ્-વાસ તારા
બનવા લાગ્યા શ્વાસ મારા
ઉચ્છ્-વાસ મારા
બનવા લાગ્યા શ્વાસ તારા
હોઠની હદ હટવા લાગી
જીભને જીભ મળવા લાગી
થયું
આખ્ખો તારામાં ઘૂસી જઉં
પ્રકૃતિને એમ કરીને જીતી લઉં
પણ ધારેલું સઘળું
નથી થતું
સઘળાનો તેથી અંશ કર્યો
અંશને ધીમેથી બૂંદમાં ફેરવ્યો
બૂંદમાં હું સરી ગયો
અંદર તારી
તરત પછી
ટપ કરીને ટપકી ગયો
ઘડી બે ઘડીની વેળા ગઈ
બૂંદમાં હું જે ચરમ હતો
ચરમમાંથી અંશ થયો
અંશમાંથી પાછો સઘળું થયો
સઘળું થયો તો શ્વાસ જાણે ચૂકી ગયો
જુગો જૂની વેદનામાં
આખ્ખેઆખ્ખો ડૂબી ગયો :
તારા હૃદયને બાંધેલી
માંડ દેખાતી દોરીને
જોઈને હું તો રડી ગયો
રડાય એટલું રડી લઈને
દોરી કાપવા ધસી ગયો.

15 September 2015

અંક - ૩૦ / સપ્ટેમ્બર ૨૦૧૫

આ અંકમાં
૧. વારસાની ઇચ્છા / વજેસિંહ પારગી
૨. આવ દોસ્ત / વિનુ બામણિયા
૩. પ્રતિજ્ઞા / જયેશ સોલંકી
૪. ઇતિહાસબોધ / અરુણ વાઘેલા
૫. પ્રેમ એટલે / ઉમેશ સોલંકી


૧-------------------------------------------


વારસાની ઇચ્છા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)


ડુંગરી ખેડીને જીવેલા
બાપાના હાથમાં
ભાઠાં સિવાય કંઈ નહોતું.
ને મેં બાપ પાસે ઇચ્છ્યો હતો
દાળરોટી ચાલે એટલો વારસો.
વારસાની મારી ઇચ્છા જાણીને
બાપનો ચહેરો
ગ્રહણ લાગેલા સૂરજની જેમ
થઈ ગયો હતો કાળું ઠીકરું. (કાળું ઠીકરું - ગ્રહણ વખતે ભીલીમાં શબ્દપ્રયોગ)
ને ઝળહળતી મારી ઇચ્છા
થઈ ગઈ હતી અમાસ.
જ્યારે જ્યારે દાળરોટીનો વેંત થતો નથી
ત્યારે ત્યારે આંખ સામે ઊમડી પડે છે :
ગ્રહણ લાગેલો બાપનો ચહેરો
ને અમાસ થઈ ગયેલી મારી ઇચ્છા.


૨-------------------------------------------


આવ દોસ્ત / વિનુ બામણિયા (ગોધરા, જિલ્લો - પંચમહાલ)


આવ દોસ્ત
આ હાથ વરસોથી તારી રાહ જોઈ રહ્યો છે
હસ્તધૂનન માટે


આવ પ્રિયે,
બધાય વાડા તોડી
તારા વચનનું શું ?
જીવનમાં એકવાર સાથે
એક કપ કૉફી પીવાનું


એ મારી સહઅધ્યાપિકા !
તેં કેટલાં વરસોથી વાત છુપાવી રાખી
પેલો તુંડમિજાજી અધ્યાપક
મારા પીધેલા કપમાં ચા ન્હોતો પીતો


અરે, વડીલ વણિક મોવડી
તમે તો ભૂલી જ ગયા
ગામછેવાડે આવેલા પટેલના કૂવે
કળશ ભરી અભિષેક કરતા ઠાકુરજીને
કયું છોકરું તમને અડી ગયેલું ?


બહુ થયું હવે
અરે ભલા માણસ
આપણે એકવીસમી સદીમાં છીએ.


૩-------------------------------------------


પ્રતિજ્ઞા / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)


પ્રતિજ્ઞા પૂરી થતાંની સાથે જ
એણે વારાફરતી
બધા વિદ્યાર્થીઓની પાટીમાં
પાડ્યાં ખાનાં ચાર
પહેલાની પાટીમાં
એ બી સી ડી લખી
બીજાની પાટીમાં
ક ખ ગ ઘ લખ્યા
ત્રીજાની પાટીમાં
૧ ૨ ૩ ૪ લખ્યા
ચોથાની પાટીમાં
પહેલા ખાનામાં ભૂદેવ લખ્યું
બીજા ખાનામાં રક્ષક લખ્યું
ત્રીજા ખાનામાં વેપારી લખ્યું
ચોથા ખાનામાં લખવું શું ?
એ મૂંઝાયા
હાક્ થૂ
કરીને થૂક્યા
એણે
સાફ કરી પાટી
પાડ્યાં નવાં ખાનાં ચાર
પહેલા ખાનામાં લખ્યું પુનર્જન્મ
બીજા ખાનામાં લખ્યું ચાકરી
ત્રીજા ખાનામાં લખ્યું ઇશ્વર
ચોથા ખાનામાં લખ્યું મોક્ષ
આવ્યો મારી પાટીનો વારો
એમણે કહ્યું :
'તું સાલા ઢેડા
તું ખાનાની બહાર
એટલે જા જતો રહે
આ ઓરડાની બહાર'
ને મારાં કાનમાં
ગૂંજવા લાગી પ્રતિજ્ઞા :
ભારત મારો દેશ છે
બધાં ભારતિયો મારાં ભાઈબહેન છે !!

૪------------------------------------------- 


ઇતિહાસબોધઅરુણ વાઘેલા (અમદાવાદ)


તમે ગિરનારનો શિલાલેખ જોયો છે ?
ના, મેં તેની ભીતર કલિંગનું આક્રંદ સાંભળ્યું છે
તમે તાજમહેલ નિહાળ્યો છે ?
ના, હું રોજ ઓનર કિલિંગના સમાચાર વાંચુંસાંભળું  છું.
તમે નર્મદા બંધ પર તો ગયા જ હશો નહિ ?
ના, હું કડિયાનાકે આદિવાસીઓને ઉભેલા રોજ જોઉં છું.
તમે રીવર ફ્રન્ટની સુંદરતા માણી જ હશે ?
ના, ત્યાં અગાઉ દલિતવસાહત હોવાનો હું સાક્ષી છું.
અરે, તમે ઇતિહાસવાળા થઈ આવું બોલો છો ?
હા, હું ઇતિહાસવાળો છું એટલે જ આવું બોલું છું .
કારણ મને હેરિટેજમાં નહિ લિગસીમાં રસ છે.
જગતમાં નરસંહાર અટકતા હોય
તો ભલે ગિરનારનો શિલાલેખ ભૂંસાઈ જતો
કન્યાઓ મનપસંદને વરી શકતી હોય
તો ભલે તાજમહેલ ધ્વસત થઈ જતો
આદિવાસી તેના આંગણામાં હસતોખેલતો હોય
તો ભલે સરદાર-સરોવર સુકાઈ જતું
દલિતના ઘરના દીવા કરતાં
રીવર ફ્રન્ટની સુંદરતા વધારે છે ?
મને હેરિટેજમાં નહિ લિગસીમાં રસ છે.


૫-------------------------------------------


પ્રેમ એટલે / ઉમેશ સોલંકી


પ્રેમ એટલે
પડવાનું ભોંય
ભોંય પર રચવાનું આભ
આભમાં
હું બનું વાદળ, તારે બનવાનું ચાંદ
ચાલ, પહેરી લે ચંપલ
આવી જુઠ્ઠી દુનિયામાંથી
નીકળીને વસીએ, દૂર દૂર કયાંક
પ્રેમ એટલે
હોય નહીં પડવાનું ભોંય
રચવાનું હોય નહીં આભ
પ્રેમ એટલે
તું બને તું નકરી
હું બનું હું નકરો
તું-હું-ની વચ્ચે
આવે નહીં મૂછનો દોરો
ને નથણીનો ઘાવ રહે આઘો ને આઘો
વળી, ખિસ્સું નથી જો બુશકોટમાં મારા
પર્સ નથી હાથમાં તારા
યુદ્ધો લડાયાં ભલે દુનિયામાં સેંકડો
તોયે
પ્રેમ એટલે
લડવાનું હોય નહીં હોય નહીં મરવાનું
પ્રેમ એટલે
હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળ-પળનું.