15 August 2016

અંક ૪૦ / ઓગસ્ટ ૨૦૧૬

ગાયવાપસી-વિશેષાંક
(ઉનાકાંડના વિરોધમાં આંદોલનકારી અભિવ્યક્તિ)

૧. શૈલેષ ભાંભી                                     
૨. જયસુખ વાઘેલા
૩. મેહુલ મકવાણા                                 
૪. વજેસિંહ પારગી
૫. જિજ્ઞેશ પરમાર                                   
૬. વિક્રમ સોલંકી
૭. મહેન્દ્ર હરિજન                                    
૮. અનિષ ગારંગે
૯. વિનોદ સોયા                                      
૧૦. બ્રહ્મ ચમાર
૧૧. રોમેલ સુતરિયા                               
૧૨. કુશલ તમંચે
૧૩. રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’      
૧૪. હોઝેફા ઉજ્જૈની
૧૫. ઉમેશ સોલંકી

૧----------

જનસૈલાબ / શૈલેષ ભાંભી (સાગબારા, જિલ્લો – નર્મદા)

જોઈ લે,
સ્વયંભૂ જનસૈલાબ
હૃદયમાં ભરી
ક્રાંતિનું જોશીલું-મધુરું આબ (આબ – પાણી)
બેઠો છે શાંત ચિત્તે
જોવા ભાવિનાં અનેરાં ખ્વાબ
જોઈ લે..

જાત-પાત
તો ક્યારેક પશુ માત્રના નામે
અત્યાચાર
પીડા મળે હર પળે હર સરનામે
મૂંગો બની
એ તો સહેતો ગામે ગામે
ઝૂક્યું મસ્તક પળેપળ
ન દીઠો તોય ઉદ્ધાર એક પણ તીર્થધામે
માથું ઊંચકી
નાયક અતીતનો છે હવે
કંઇક નવલું કરવા બેતાબ
જોઈ લે..

અરે ઓ,
ક્યાં સુધી પહેરાવીશ તું
જાતભાતનાં વસ્ત્રો
ક્યાં સુધી શીખવીશ તું
ચલાવતાં રીતરસમ
કામકાજનાં શાસ્ત્રો
મેધાવીઓને કુંઠિત કરવા
ઘણું કર્યું તેં
બંધ કર્યો એક એક રસ્તો
ક્યાં છુપાવીશ લંપટ
રંગ બદલતો આ ચહેરો તારો હસતો
આગ ભડકી છે કંઇક દિલોમાં
ભડકે બાળશે
હવે તારો નવાબી નકાબ
જોઈ લે..

કલમ રૂપી ખડગ લઈ
ઝૂમે કૈંક કલમી ઉત્સાહે ઉન્માદમાં
થશે એવી કૂચ
કે દાંડી ફંગોળાશે થાન-ઉનાકાંડની યાદમાં
‘ન ઉપાડીશું માથે મેલું’
કરી એવી પ્રતિજ્ઞાઓ એક સૂરે એક સાદમાં
જોજે લહેરાશે વિજયપતાકા 
આ છે સુનામી ‘જય ભીમ’ની
દાબી શકે તો દાબ
જોઈ લે..

૨----------

મૂંઝારો / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

સતત મૂંઝાયો છું
નથી અકારણ આ મૂંઝારો
મૂળમાં છે એના હિન્દુત્વનું વાહિયાતપણું
હું ગાયને કેવી રીતે કહી શકું માતા.
માતા કહેનારા ખપ પૂરતી બાંધે એને ખીલે
પછી કરે રસ્તે રઝળતી
ઘાસ સિવાયનું ન જાણે એ કેટકેટલું ચરે.
ઉપયોગ થાય એટલો કરી
કતલખાને મોકલતા
સંતાનોનો નથી કોઈ તોટો
હું ન કરી શકું ઢોંગ આવો.
હું બરાબરનો મૂંઝાયો છું
મૂંઝારામાં ભળે છે
ગાયને કરી આગળ
નિર્દોષ માણસો પર થતો ક્રૂર અત્યાચાર.
કોઈ મારકણી ગાય
માણસને કરે નુકસાન
તો ગાયો બધી થાય ભેગી
ને વઢે પેલી મારકણી ગાયને ?
હું મૂંઝાયો છું
નિર્દોષ માણસની બર્બરતા પર
પણ
આ મૂંઝારો હવે મૂંઝારો નથી રહેવાનો
જન્મ લેશે એમાંથી આંદોલન
ને બાળી નાખશે તમારા અધમ વિચારો.

૩----------

ગાયની વેદના / મેહુલ મકવાણા (બંધવડ, તાલુકો – રાધનપુર, જિલ્લો – પાટણ)

નિચોવી લીધી ભગાડી દીધી
દૂધ દોહીને લાકડી મને મારી દીધી
ઊંબરે ઓટલે ગટર ગટર
ચરતી ફરતી દિવસભર
ભમતી ભાગતી ભાંભરતી થાકતી
ક્યારેય તેં મને ‘મા’ ના કીધી.

તું શું સમજે પેટની ભૂખ
ઘર ઘર નગર નગર હું તો ભટકી
પ્લાસ્ટિક કાગળ પડીકાં પાઉચ
રોજ ખાઈને પેટ હું ભરતી
તેં શું આલ્યું ભલા મને
તેં તો નામની મારા રોકડી કીધી
જીવતી જાગતી રોજ તરછોડી
મર્યા પછી ક્યાં તેં મને ‘મા’ કીધી.

દલિત નહોતો દુશ્મન મારો
એણે મારી ચાકરી કીધી
મહેનત કરતો પડકાર ઝીલતો
હિંમત કરી મને ઊંચકી લીધી
ભલે એણે મને ‘મા’ ના કીધી   

૪----------

થૂ થૂ થૂ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)

થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ.
દંભી ગોભક્તોના મોં પર થૂ થૂ થૂ

ગાયના નામે ગોચર ચરવાનો
મર્યા પછી વૈતરણી તરવાનો;
ઢોરના ઓઠે માણસ મારવાનો
ગાયના નામે લીધો પરવાનો.
જાણી ગયા છે અમે બદીના મૂળમાં તું તું તું
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

કોથળીઓ ખાઈને મરે છે ગાય
મરતાં સાથે મટે છે માય;
ઢાંઢાને ગોભક્ત અડે નહીં !   (ઢાંઢા – મૃત પશુ)
માનું સૂતક એને નડે નહીં ?
સમજી લો સત્યનું મૂલ કહેતા નહીં શું શું શું ?
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

રાજ તમારાં દંડ તમારા શાસ્ત્રો તમારાં
તેથી કર્યાં ઢોરથી બદતર જીવતર અમારાં;
મોડું મોડું જાગ્યું છે ઝમીર અમારું
જોઈ લેવું છે જાલિમો જોર તમારું.
જંગ અમારો જોઈને કરતા નઈં ઊં ઊં ઊં
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

ફગાવી છે જીવતરની લાચારી આજે
નથી ઉતારવાં ચામડાં પેટ કાજે;
છોને ગંધાય તેત્રીસ કોટિ દેવોનો વાસ
હા હવે નથી રહ્યા અમે તમારા દાસ
રૂપ અમારું જોઈને થઈ ના જાય સૂ સૂ સૂ !
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

૫----------

ફેંકી દે / જિજ્ઞેશ પરમાર (અમદાવાદ)

હકની ભીખ નહીં
અધિકારનો ઊંચેથી સાદ કર !
જુલમ હવે નહીં સહુ
એક ઝાટકે બોલી નાખ !
માથે ઉપાડેલું  
મેલું ભરેલું ટોપલું
માથે ફરી ના ચડે
એમ આઘું એને ફેંકી દે !
મરેલાં ઢોર નહીં ઢસડું
એવી હામ મનમાં ભરી લે !
કોઈ આવીને ટોકે
તો ડાચું એનું તોડી નાખ !
આંખોને નીચી કર નહીં
શર્ટનો કોલર ઊંચો રાખ !
અવાજમાં હવે
ઢીલાશ શાની
વાત ખોટી હોય તો
વાતની તરત ઝાટકણી કાઢ !
ઉપાડ કલમ,
બંધારણને ફરી લખવા બેસ !
કોઈ રોકે કલમ તારી
તો હાથ એનો તોડી નાખ !

૬----------

તું શું કરીશ / વિક્રમ સોલંકી (વડાલી, જિલ્લો – સાબરકાંઠા)

હવે નહીં ખેંચે કોઈ ઢોર
તું શું કરીશ
ભૂલી જઈશ બધી ખોળ
તું શું કરીશ
હતું, ચાલ્યું, વેઠયું
ભોળા અબુધ લોકોએ
ખરો પકડાયો હવે ચોર
તું શું કરીશ
પ્રમાણ હતું ઠીક બળ્યું
હવે નહીં વેઠી લેવાય
તેં જાતે ખોદી ઘોર
જયાં સુધી મળે ના
અમને અમારાં માનપાન
ખૂબ લગાવીશું જોર
તું શું કરીશ

૭----------

નામ છે / મહેન્દ્ર હરિજન (ટીંબારોડ, જિલ્લો – દાહોદ)

ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
આખા જગમાં છોને તારું નામ છે
કંઈ કેટલાય ‘દાદરી’ હવે ઉનાનું નામ છે
પહેલાં મુસ્લિમ હવે દલિતોનું નામ છે 
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
ગૌરક્ષકના નામે અમને મારનારા
હવે જુઓ
કેવું અમારું નામ છે
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
આજ સુધી રહ્યા અમે અભડાયેલા
પણ હવે કોઈનાથી અમે કમ નથી
ચારેકોર હવે તો છે દલિત દલિત દલિત
દલિતોનું ચારેકોર નામ છે
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે.

૮----------

હું તો છું દલિત દલિત / અનિષ ગારંગે (અમદાવાદ)  

હું તો નથી લલિત લલિત
હું તો છું દલિત દલિત
મારે તો ગણવાનું છે
સમાજનું ગણિત ગણિત
આંકડા ઘૂંટવાના છે અધિકારના
ભૂસવાનાં છે નામ જાતપાતનાં
મરેલા પછી નામ પડે છે ગૌહત્યાના
કરવું છે આજે કંઇક ફલિત ફલિત
હું તો છું દલિત દલિત

વિકાસપંથી કરશે ચાબુકના ફટકાર
સહી લઇશું અમે એમની પણ માર
જોમ રહેશે ત્યાં સુધી કરીશું પોકાર
મેળવીશું સંઘર્ષ કરીને જીત જીત
હું તો છું દલિત દલિત  

૯----------

ઊભો હું / વિનોદ સોયા (ગેડિયા, તાલુકો – પાટડી, જિલ્લો – સુરેન્દ્રનગર)

માથું ઊંચું કરી હું તો ઊભો
વગર હથિયારે નથી છૂટકો
કાયરતાનો કરી ભુક્કો.
લડી પડીશ હું
નહીં રડીશ હું
હા હા હી હી નહીં કરીશ હું
મૂછો મરડી મારી મુક્કો
છેદી નાખીશ ભેદી નાખીશ
દિવાલ તારી તોડી નાખીશ
નહીં સાંભળું હવે કોઈનું
સગપણ નથી આ લોહી લોહીનું
અહીં નથી કોઈ કોઈનું
નહીં ચાલે તારો કોઈ તુક્કો
નથી છૂટકો નથી છૂટકો
માથું ઊંચું કરી હું તો ઊભો
વગર હથિયારે નથી છૂટકો

૧૦----------

આ લોક નીચ છે / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)

આખલાને બાપ કે’તા ખચકાય છે.
ગાયને માને માતા, આ લોક નીચ છે.

ગૌરક્ષાના નામે ક્રૂરતાથી વર્તે છે,
મરેલી ગાય છે, આ લોક નીચ છે.

કતલખાને ગાયો જીવતી કપાય છે,
કરાવી શકે ના બંધ, આ લોક નીચ છે.

ગાયના નામ પર અઢળક દાન માગે છે,
રસ્તે રઝળે છે ગાય, આ લોક નીચ છે.

ગાય ખાય પ્લાસ્ટિક ને અંતે મરી જાય છે,
એનું ક્રિયાક્રમ નથી કરતા, આ લોક નીચ છે.

જો ગાય હોય માતા તો આખલો થયો પિતા,
બાકી મૂકી દ્યો આ તૂત, આ લોક નીચ છે.

૧૧----------

અંત બદલાશે / રોમેલ સુતરિયા (વ્યારા, જિલ્લો - તાપી)

ઈતિહાસ સાક્ષી છે
કાચા માટીના ઘરમા
સળગતા દીવાના અજવાળા પર
ફૈણ માંડીને બેસી ગયા છો તમે.
મારાં હાંડકાં અને માંસથી
તમે બનાવી હતી LED લાઈટો,
મારા લોહીને ડેમોમાં સંગ્રહી સંગ્રહી,
બનાવ્યાં છે પાવર હાઉસો
તમારા ઘરોમાં અંધકાર દૂર કરવા.
પણ યાદ રાખજો !
જે દિવસે ઈરાદો કરી લીધો
અને કહી દઈશુ બસ બહુ થયું હવે,
અંધકારમાં ખોવાઈ જશો તમે
હર હંમેશ માટે.

આર્યો-અનાર્યોનો સંઘર્ષ
આમ તો ઘણો જૂનો
રૂપ બદલાયાં પણ સંઘર્ષ તે
બ્રાહ્મણ્વાદથી હિંદુત્વ સુધીના
તમારાં કાવતરાંઓની
સાક્ષી છે પેઢી
માટે તમે રામ નહીં
વિકાસની વાતે ફાયા.
મનુને માનો છો ને તમે આદર્શ
જો ના માનતા હો જાતિવાદ
સમરસતાના કાવદાવા ના હોય
તો કહી દો તમારા ભાગવતને
સળગાવે "મનુસ્મ્રુતિ"
ને કહે
માફ કરો અમને, અમારા પૂર્વજોને.
પ્રગતિશીલતા ની ચાદર ઓઢી,
રાજકીય પક્ષ બનાવી આવ્યા અમારી જોડે
વળી અમને શીખવશો તમે
કેમ લડવું ને કેમ નહીં ?
માફ કરજો
તમારી સોસાયટીમાં જઈ
એક વાર તો કરો સમાનતાની વાત,
ધર્મનિરપેક્ષતાની વાત,
પણ ના તમે તેમ નહીં કરો
કે કરવા સક્ષમ નથી
હું નથી જાણતો
યજ્ઞોમાં ગાયોની બલિ ચડતી
તે  કઈ સંસ્કૄતિનું પ્રતીક છે ?
કૃષ્ણે ઉઠાવેલો ગોવર્ધન
ગૌ+વધ પરથી આવેલો શબ્દ નથી ?

કૃષ્ણ તો લડ્યા હતા ગૌ-વધ રોકવા
કોની સામે તે તો ચકાસી જુઓ
મડદાં ઢસેડવાનું થોપ્યું  કોણે અમને
તે તો એક વાર બોલી જુઓ
માગો તો ખરા માફી એક વાર
પછી કરીએ ને સમરસતા ની વાત.

જે રસ્તે તમે ચાલીને પહોંચ્યા
તે રસ્તેથી ચાલીને આવ્યા હતા અમે
છતાં તમે એટલા મોટા કે
આકાશ અડી લો છો !
અમે એટલા નાના કે
જમીનનેય ના અડી શકીએ !

તમે ત્યાં સુધી ઝાડ છો
જ્યાં સુધી પત્તાં તમારી જોડે છે,
પત્તાં પડતાં ઝાડ બુઠ્ઠું કહેવાય
બુઠ્ઠાં કહેવાશો તમે
જીવતે જીવ મરી જશે
અહંકાર તમારો.

ઉના ગામે તમે નીચતા બતાવી
ને અમારા સમાજે કહી દીઘું ને
ઊઠાવી લ્યો તમારી માતાનાં મડદાંઓને
ગૌ-ભક્તો ના પહહંચ્યા માતા પાસે
રસ્તે રઝળતા ગાયના મડદાની
રાજકીય ગંધ એવી તો પ્રસરી
ગુજરાતનાં મુખ્યપ્રધાને
ધરી દીઘું રાજીનામું
જય ભીમ - લાલ સલામને.

૧૨----------

ગૌઉના / કુશલ તમંચે (અમદાવાદ)

ખાનદેશમાં
ગૌઉના કરાવે
કલંકિત ત્રિકાળ માથે ચઢાવે
‘ગૌ’થી
ગંદાં કામ કરાવે
બા-પોતીની ગુલામી જકડાવે 
‘ગૌ’ ગંવિધાનનો ચીલો પાડે
કથિત રાષ્ટ્રનો અજેન્ડા વિસ્તરે
ખાનદેશમાં
ગૌકાનૂનનું ચલણ વધે
ગામ સીટીમાં
અટ્રોસિટીથી મરણ વધે
સંવિધાનની હોક નજર ફરે  (હોક – બાજ)
પ્યૂનથી માંડી પી.એમ. ડરે
પંચ્યાસીના સ્વમાન જાગે (પંચ્યાસી – બહુજન)
ગૌઉના પાછળ ભાગે

૧૩----------

આજ દલિત / રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’ (કાજ, તાલુકો – કોડીનાર, જિલ્લો – ગિર-સોમનાથ)

સોરઠ આખું, ગુજરાત આખું
આખું ભારતભર
આજ દલિત આઝાદી પછી પણ
તને કેટલો ડર.

શેરી ન બદલાણી, ઘર ન બદલાણું
ન બદલાણું કપડું કે વાસણ
આજ દલિત આઝાદી પછી પણ
તું કેટલો પાછળ.

આગથી ચાંપે, રહેસી નાખે
કેવા કરે જુલમ
તારી નાતની બહેન-દીકરી પર
ખુલ્લેઆમ દુષ્કર્મ
નાગની જેમ ડંખે તને
તોય તું કેમ છે નામ !

ઉના આખું, થાન આખું, થોરાળા આખું  
ચાણસ્મા આખું
કે આખું ભારતભર
આજ દલિત આઝાદી પછી પણ
તું કેટલો પાછળ.

બાળમજદૂર તું, બેરોજગાર તું
તું સહે મોંઘવારીનો માર
હિજરતો તું રોજ કરે
કેવાં તારાં ઘરબાર.
તોયે ન વિદ્રોહ, તોયે ન બળવો
તોયે ન રીસ કે ફરિયાદ
ચાલ ઊઠ, બહુ થયું
કર હવે બળવો, કર હવે પ્રહાર.

૧૪----------

ગજબ જેવી વાત છે / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

ગાય તારું જીવન નિરાળું છે
સત્તા મેળવવાનું
તું શતરંજનું પ્યાદું છે
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તારું જીવન અનમોલ છે
ઈલેક્શનના સમયે જ
વાગ્યો તારો ઢોલ છે
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તારું જીવન કામધેનુ
હિન્દુત્વવાદીઓનું
રાજ કરવાનું ઘરેણું
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તું અહીં
સૌની માતા કહેવાય
નામે તારા અહીં
માણસનું માંસ વ્હેંચાય
આ તે કેવી ગજબ જેવી વાત છે

૧૫----------

મોટા સમઢિયાળા / ઉમેશ સોલંકી

મોટા સમઢિયાળા !
એમની મરેલી ગાયમાતાને ફાડવા
ચલાવી તેં
રૂઢિની છરી
તો ઊકળી ઊઠ્યા
એમની ભારતમાતાને રોજ રોજ ફાડી ખાનારા.
પછી
મૃત્યુ તને અડ્યું
ડર્યું.
આઘું ખસ્યું.
જાહેરમાં એવી લજવાઈ
કે ક્રૂરતા સોળમાંથી નીકળી
નગ્નતાને ઓઢી
ખૂણામાં લપાઈ ગઈ.
બરડ થયેલાં તારાં હાડકાં
ભલે કરે કરડડ
પણ કરડડ કરતો અવાજ
આજ
ગાયવાપસીનો નારો બન્યો છે
રૂઢિને ચાંપતો અંગારો બન્યો છે.

મોટા સમઢિયાળા !
સંવેદનાનાં તેં તોડયાં છે તાળાં
વિચારનાં ઉઘાડ્યાં છે બારાં
હવે
આંખ જોઈ શકે એવો અજવાસ આવશે
ઊંઘ આવી શકે એવો અંધાર આવશે.

15 July 2016

અંક - ૩૯ / જુલાઈ ૨૦૧૬

સફાઈકામ-અનામત હટાવીએ - વિશેષાંક

આ અંક્માં

૧. બસ હવે બહુ થયું / મહેન્દ્ર હરિજન
૨. અલ્યા / કનુ પરમાર ‘અપવાદ’
૩. ચાલ બદલીએ કામ / જયેશ સોલંકી
૪. વિચાર્યું છે ખરું / જયસુખ વાઘેલા
૫. બિલ્લુ બાવા ગટર / કુશલ તમંચે
૬. હાઈકુ / જિજ્ઞેશ મેવાણી
૭. ટપ ટપ ટપ / ઉમેશ સોલંકી
૮. વિશેષાંક શા માટે? (છાપાંનાં બે કતરણ)

૧----------

બસ હવે બહુ થયું / મહેન્દ્ર હરિજન (ટીંબા રોડ, તાલુકો : ગોધરા, જિલ્લો : પંચમહાલ)

કરી થાક્યા કામ તમારાં
બસ હવે બહુ થયું
માથે ઉપાડ્યું મેલું
ઊતર્યા મરજીવા જેમ ગટરમાં
કંઈ કેટલાય જીવ ખોયા અમે
બસ હવે બહુ થયું
નથી કરવાં આવાં હવે કામ અમારે
રાહ જોઈએ
કોઈક આપે ખો સવર્ણને
આવકાર છે હવે તમને
આવો કરી જુઓ આ કામ તમારાં
બસ હવે બહુ થયું

૨----------

અલ્યા / કનુ પરમાર ‘અપવાદ’ (વડોદરા)

અલ્યા,
તેં મને ઢેડો કીધો
તેં મને ભંગિયો કીધો
મેં તને કાંઈ કીધું

તેં મને આભડછેટ આપી
તેં મને મડદાલનું માંસ આપ્યું
મેં તને કાંઈ કીધું

તેં મને હરિજન કીધો
પણ નિજ મંદિરમાં આવવા ના દીધો
મેં તને કાંઈ કીધું

તેં મને કારણ વગર ગાળો ભાંડી
તેં મને આઝાદ છતાં ગુલામી આપી
મેં તને કાંઈ કીધું

આ તો આજે તેં
સમાનતાની વાત કરી
વાતમાંથી વિચાર આવ્યો
લાવ તને એક કામ સોંપું
જે હું વરસોથી કરું
ને તેં ભડકવાની વાત કરી
તો શાને લવારા કરે સમાનતાના
ગંદું કામ જો શોભે મને
તો એ કરવામાં તને કેમ ક્ષોભ આવે
‘અપવાદ’ શું કહે તને
મેં તને કાંઈ કીધું

૩----------

ચાલ બદલીએ કામ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)

હે રામ,
બદલીએ ચાલ કામ
તું બન શૂદ્ર શમ્બૂક
હું બનું ક્ષત્રિય રાજા રામ

હે દ્રોણાચાર્ય,
ચાલ પાડીએ ચીલો નવો
તું બન સૃષ્ટિનો
સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય
હું બનું જાતિવાદી દ્રોણાચાર્ય.

બચ્યો છે
આખા પંથકમાં
બત્રીસ લક્ષણો
બામણનો એક જ દીકરો
ને દેશમાં બધે દુકાળ છે
હે રાજન !
ચાલ વધેરી દઈએ એનું માથું.

હે સવર્ણો,
હવે તમે
ગાળામાં બાંધી કુલડી
પૂંઠે બાંધી ઝાડુ
કરો પ્રદક્ષિણા ઢેડવાડાની.
હવે અમે અછૂતો
બની સવર્ણો
જોયા કરશું
ચારે પોર
કહ્યા કરશું ચારે પોર
‘હાશ, બિચારા છી છી
જેવાં એનાં કરમ’
હે ભૂદેવ,
તું જ કહે છે ને કે
જાતિવ્યવસ્થા છે કર્મ આધારિત
ને માથે મેલું ઉપાડવામાં
મળે છે આધ્યાત્મિક આનંદ
તો આવ બકા !
લઈ આ ઝાડુ
રોજ સાંજ પડે
ભંગીવાસમાં
માંગવા આવજે વાળુ.
તું તારે
તાણી લાવજે
અમારા ઘરાકોનું પાડું .
નવરાશે
મા તારી
ઝાડુની સળીથી
નખમાં ભરાયેલા “ગુ”ને સાફ કરે તો
‘છી છી છી’ ના કરતો બકા
બાપ તારો
પોટલી દેશીની ઢીંચી
ઊતરે ગટરમાં તો
‘ના’
ના કહેતો.
ભાઈ તારો હોય
શિક્ષિત બેરોજગાર
એના એક હાથમાં હોય
એમ. એ.ની ડીગ્રી
ને હોય બીજા હાથમાં
મરેલાં કૂતરા-બિલાડાના પગે બાંધેલી
કાથીનો છેડો
તો બકા
નક્ષલવાદી ના બની જતો.

આવ રામ,
આવ દ્રોણાચાર્ય,
આવ રાજન,
આવો સવર્ણો,
આવ ભૂદેવ,
એક દિવસ માટે
બદલીએ આપણે કામ. 

૪----------

વિચાર્યું છે ખરું / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

નિશાળના ફળિયામાં પગ મૂકતાં
શાળાનું પ્રસન્ન વાતાવરણ જણાયું ખિન્ન
બાજુના રસ્તા પર પડેલ
મારેલ ઢોરની આ હતી અસર
ઢોરને ખસેડનારું હતું ન કોઈ
ને યાદ આવી ગયા તરત મારા પૂર્વજ
જે ઢોરને ઢસેડવાની સાથે સાથે
ગીધ માફક બધું જ...
પણ ગીધને આપ્યું બિરુદ પર્યાવરણ-મિત્રનું
ને મારા પૂર્વજોને આપ્યું જીવન તિરસ્કાર ભરેલું

હા, અમે પાછળ સાવરણા
ગળે કૂલડી બાંધી છે
હા, અમે માથે મેલું ઉપાડ્યું છે
હા, અમે મરેલાં ઢોર ઢસડ્યાં છે
હા, અમે અસમાનતાના શિખર સમી
વ્યવસ્થા સામે સાવ ઝૂકીને
માણસોથી ખીચોખીચ
ખાટલાંઓની વચ્ચે નીચે બેસીને
નેવાના નળિયા નીચે નોખી રાખેલી
અડાળીમાં ચા પીધી છે
હા, અમે વિશ્વથી આવિસ્કૃત ગ્લાસ
નજર સામે હોવા છતાં
ખોબેથી પાણી પીધું છે
હા, અમે વેઠથી પણ વધારે વેઠ્યું છે
સફાઈકામમાં અગ્રતાક્રમની જાહેરાતથી
દુઃખી થતા હે ઉજળિયાતો
અમારા વિશે કદી વિચાર્યું છે ખરું ?

૫----------

બિલ્લુ બાવા ગટર / કુશલ તમંચે (અમદાવાદ)

ગટર ગટરની છે વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
કળશ પહેરાવી કલષ કરમ કરાવે    (કલષ – ગંદું)
બાસથી બ્રહ્મા સમાવે    (બાસ – દુર્ગંધ)

બિલ્લુ ગટર મનુખને મનેખ ગણે  (બિલ્લુ – બ્લૂ)
માનવતા ફેલાવી બાબા-ફૂલે જણે
કાટખૂણો કાપી કોરેગાંવ કરે
સુવાસથી શંબર સમાવે    (શંબર – બહુજન રાજા)

ગટર ગટરની વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
કેસરિયા કેતનથી સમખાવે  (કેતન – ધજા, સમખાવે – ડરાવે)
અસ્પૃશ્યતા-ગુલામીની ખાણ સમાવે

બિલ્લુ ગટર શાંતિ-સમૃદ્ધિ બક્ષે
શ્વાસમાં સુવાસની રેલમછેલ કરે  
દર્પણે માતૃભૂમિની વ્યવસ્થા ચમકે
હડપ્પા, મોહેં–જો–દરો સમખે      (સમખે – ગૌરવ કરે)

ગટર ગટરની વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
આ તો દેશની માનસિકતા ચૂંથે
પેલી ફિનિક્સ માફક ઊભી થઈ માનવતા ગૂંથે

૬----------

હાઈકુ / જિજ્ઞેશ મેવાણી (અમદાવાદ)

પકડ ઝાડુ
કહેતાંવેંત તૂટી
પડ્યા સવર્ણો

૭----------

ટપ ટપ ટપ / ઉમેશ સોલંકી

મળમાં પહેલાં ડૂબકી મારતો
અધ્યાત્મથી હું તો ભરાઈ જતો
પણ
અતિનો એક કંટાળો છે
અધ્યાત્મનો પણ આ જ ગોટાળો છે
પછી શું
અધ્યાત્મથી થોડી આભડછેટ રાખવા
પીને દારૂની પોટલી
માથે પહેરું પ્લાસ્ટિકની કોથળી
પણ આમ તો દેશ બદનામ થાય
અધ્યાત્મનું નાક કપાય
આવો આવો તેથી આવો
નજીક આણેલી આભડછેટને આઘી કરવા
બિલકુલ મારી નજીક આવો
તમે તો લો અકળાઈ ગયા !
મૂંછો આમળી ભૌતિકવાદી થઈ ગયા !

હું હવે જો અડું મળને
એવું લાગે મને ગાંધી અડે
બોખા મોંઢે પછી શબ્દો બોલે :
‘અસ્પૃશ્યતા તો કલંક છે
એ રહી તો
હિન્દુ ધર્મનું રસાતળ જજો !’
મેંય કહ્યું
મૂંગા મરોને, તમેય બાપુ
મોંઢું તમારું, ભૂડા, બાસ મારે
બાસ તમારી ઓછી કરવા
મેં થોડું જો પાણી માંગ્યું
સનનન કરતો પથ્થર આવ્યો
ચશ્માં તમારાં ફોડી ગયો
મૂંગા મરોને, તેથી બાપુ
મોંઢું તમારું, ભૂડા, બાસ મારે
અને હું રડી પડ્યો
રડી રડીને હીબકે ચડ્યો
હીબકાં મારાં સાંભળીને
મળમાંથી બહાર ભારતમાતા આવ્યાં
પેગમ્બરને સાથે લેતાં આવ્યાં  
‘તકનિક તકનિક’ ‘ ‘વિકલ્પ વિકલ્પ’
ચારેકોર પોકાર કરવા લાગ્યાં
થાકીને પછી
મારી પડખે બેસી
આંસુ મારાં લૂછવા લાગ્યાં
આંસુ એમનાં
મળમાં પડવા લાગ્યાં ટપ ટપ ટપ

૮----------

વિશેષાંક શા માટે? (છાપાંનાં બે કતરણ)



15 June 2016

અંક - ૩૮ / જૂન ૨૦૧૬

આ અંકમાં

૧. અગરિયાની કરમકહાણી / દેવેન્દ્રભાઈ ખોડાભાઈ વાણિયા
૨. એ મહાન હતી / જયેશ સોલંકી
૩. તે પહેલાં / વજેસિંહ પારગી
૪. દુનિયાના જમેલા / અનિષ ગારંગે
૫. આ તે કેવા હિંદુ-મુસ્લિમ / દિગરાજસિંહ ગોહિલ
૬. ટીલડીઓ / ઉમેશ સોલંકી

૧----------

અગરિયાની કરમકહાણી / દેવેન્દ્રભાઈ ખોડાભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

સાંભળજો સમજુ પ્રાણી, અગરિયાની કરમકહાણી

આખો શિયાળો ટાઢ વેઠે ને મહેનત કરે રાતદિન
તડકો-છાંયો એ તો જુએ નહીં ને ગારામાં થઈ ગ્યો હીન
અગરિયાનાં આંસુ કોઈ લૂછો
મનની વાત એને કોઈ પૂછો

શરીર એનું હાડપિંજર ને રહ્યું નથી એ રુધિર
કાયા નિચોવીને કામ કીધું તોયે મળ્યું ના એને લગીર
અગરિયાનાં આંસુ....

મશીન, સામાન, ડિઝલ-ઓઇલ, પીવાના પાણીની તાણ
મહિનો પૂરો માંડ માંડ થાયે, ખરચીની તોયે મોકાણ
અગરિયાનાં આંસુ....

પાટા ભરીને તૈયાર કર્યા પછી, રહી જાય એમાં જો કચાશ
અગરિયાને રે ખૂબ સંતાપે જાણે હોય એ પિચાસ (પિશાચ)
અગરિયાનાં આંસુ....

અગરિયાનાં મીઠાં પર મજા કરે છે મહાજન
મફતમાં એ મીઠું લઈ જાય હિસાબે શૂનેશૂન
અગરિયાનાં આંસુ....

'દેવેન્દ્ર' કે દુઃખની વાતો સાંભળો અગરિયા ભાઈ
સંગઠન વિના શોષણ થાશે, કોઈ ઝાલે નહીં બાંઈ
અગરિયાનાં આંસુ....

૨----------

એ મહાન હતી / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

એ શ્રમિક સ્ત્રી હતી
પંચાણુમા વરસે એ ખાટલામાં પડી
ના ચાલી શકતી
ના બોલી શકતી
ના કશું ભાવતું પણ ખાઈ શકતી
પણ જે ટાણે
એણે
દેહ છોડ્યો
ત્યારે
એના હાથમાં હતી રિબન
જે
મારા બાપની
દીકરીના દીકરાના ઘોડિયાને
બાંધેલી હતી.
ખરેખર
એ સ્ત્રી મહાન હતી
જે મારી દાદી હતી.

૩----------

તે પહેલાં / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

મેં એને ફૂલ આપ્યું
એણે કહ્યું : ફૂલ લઈને શું કરું ?
ફૂલ તો કરમાઈ જાય.
મેં એને રૂમાલ આપ્યો
એણે કહ્યું : રૂમાલ લઈને શું કરું ?
રૂમાલ તો ફાટી જાય.
મેં એને વીંટી આપી
એણે કહ્યું : વીંટી લઈને શું કરું ?
વીંટી તો ખોવાઈ જાય.
હું એને હ્રદય આપું તે પહેલાં
એના પ્રતિભાવના ટકોરાથી
કાચા ઘડા જેવું
મારું હ્રદય ભાંગી ગયું.

૪----------

દુનિયાના જમેલા / અનિષ ગારંગે (અમદાવાદ)

આ તો છે દુનિયાના જમેલા
અમે તો પડી ગયેલા એકલા
તપતા રોડ, સળગતા છોડ
ઘોંઘાટના પારા, ચંપલોની હારમાળા
સંબધોની જ્વાળા, બીમાર દરવાજા
ગાડીઓના બૅન્ડબાજા...
શું કરીએ ? કોને મળીએ ?
છે આ તો ચૂભતા ભાલા
આ તો છે દુનિયાના જમેલા

કોઈ પૂછે શું કરો છો જનાબ ?
ત્યારે મોંઢા પરથી ઊતરી જાય છે નકાબ
ફસાયા એવા કે નીકળ્યા નથી અંધારા સુધી
ભોર પડી, પગ પકડ્યો કોઈએ નીચેથી
મરવાની બીક નથી, જીવવાની પણ જીદ નથી
નથી તૈયારી કંઈ શોધવાની
કે નથી રહી યારી બાથ ભીડવાની
મકાનનાં નળિયાં, સાંકડાં છાજલિયાં
ગંધાતા બુશટ, માંદલા મરઘટ
હાંફતાં સિગ્નલ, બેચેન સાયરન
લાગે બધા ગરમ થેપલા
આ તો છે દુનિયાના જમેલા

૫----------

આ તે કેવા હિંદુ-મુસ્લિમ / દિગરાજસિંહ ગોહિલ (અમદાવાદ)

આ કેવા હિંદુ  !આ કેવુ હિંદુત્વ !
કરોડો ભૂખ્યા રહે
ને ચર્ચા બીફ હતું કે મીટની કરે
ગાયને તો માતા કહે
પણ મહિલાઓ પર રેપ કરે
હોસ્પિટલના અભાવે અનેક મરે
પણ આ તો મંદિર માટે જ લડે
વકાલત આતંકના ખાતમાની કરે
પણ હજારો દલિતોની હત્યા કરે

આ કેવા મુસ્લિમ !  આ કેવો ઇસ્લામ !
અલ્લાને તો નિરાકાર માને
પણ મસ્જિદ માટે લડે
વાત સમાનતાની કરે
પણ મહિલાઓને બુરખામાં પૂરે
શાહબાનો જેવી અનેકને કચડે
ને અલ્લાની ઇબાદત પણ કરે
એક પુસ્તકને બહુ વહાલ કરે
ને તેની ખાતર માનવતાની હત્યા પણ કરે

આ કેવા હિંદુ ! આ કેવું હિંદુત્વ !
આ કેવા મુસ્લિમ ! આ કેવો ઇસ્લામ !

----------

ટીલડીઓ / ઉમેશ સોલંકી

વૉંઘાના કાંઠે
કોઠાના ઝાડે
કોઠું ખાતાં
ડચૂરો બાઝ્યો
ને કોઠાને ખાઈ ગયું વૉંઘું.
કાળાભમ્મ
લાંબા ચોટલાના છેડે
લાલ લાલ રિબનનું ફૂમતું
ફૂમતાને દોડીને ઝાલ્યું, રમાડ્યું
ને હવાડે જઈ પાણી પીધું.
ફૂમતાને પાણીમાં બોળીને તેં
હળવેથી છાલક મારી કે
તડકાનો તોર થયો કડડભૂસ.
દૂર થોડો હું બેઠો
દૂર થોડી તું બેઠી
પાણી હવાડાનું રેલમછેલ.
ગેલ થોડું આંખોમાં તારી
ગેલ થોડું આંખોમાં મારી
આંખોની વચ્ચે
ક્ષણને ઉખાડી
ક્ષણોની હારને ઉખાડી
આવ્યો સમય આખ્ખેઆખો.
આખ્ખા સમયને
જીરવી જીરવીને કેટલો જીરવાય ?
તેથી
ક્ષણ થોડી તેં ચોડી
ક્ષણ થોડી મેં ચોડી
ક્ષણોની ટીલડીઓ ચળકવા લાગી
સમય થઈ ગયો જાણે ઘૂમ.
કાણાળી ઓઢણીમાં
પડખે આવીને મેં
ધીમેથી આંગળી નાખી
તો નાખી તેં સ્લીપરના કાણામાં
નીકળી ગયેલી પટ્ટી
બક્કલની પિનથી પછી કાંટો કાઢ્યો
મળવાનું ફરી કર્યું નક્કી.
ઓઢણીના કાણામાંથી
મેં આંગળી કાઢી
ને હળવેથી
હાથમાં મૂકી એક ટીલડી.
ટીલડીઓ ખિસ્સામાં
ટીલડીઓ ખોબામાં
ટીલડીઓ અંગેઅંગમાં
ટીલડીઓના દેશમાં
ટીલડીઓની ભરમાર છતાં

ટીલડી એક ના ખોવું.