15 September 2017

અંક - ૫૩, સપ્ટેમ્બર

આ અંકમાં

૧. રમકડું / કુસુમ ડાભી
૨. ભૂખની આગ / વજેસિંહ પારગી
૩. બાના  ફુગ્ગા / અનિષ ગારંગે
૪. બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા
૫. બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

૧----------

રમકડું / કુસુમ ડાભી (ચોટીલા)

હું
એક રમકડું.
આવેલો દુકાને એ 
જોયું 
ને એને ગમી ગયું
ધમપછડા કર્યા પછી
તરત જ ખરીદી લીધું 
પછી પૂછવું જ શું?
જ્યાં જાય ત્યાં સાથે રાખે :
કાખમાં લઈ ફરે, 
છાતી સરસુ ચાંપે,
સુવે તોય સાથે લઈ 
મમ્મી એને ઝાલે 
એ મને ઝાલે.
પછી હું 
જૂનું થયું
એને બીજું ગમ્યું
લઈ આવ્યો, 
મનેય રમાડતો :
થોડું થોડું રમી લેતો.
બહુ જૂનું થયું
હવે ન સામે જુવે
ન છાતીએ ચાંપે, ન આંગળી ઝાલે
કેમ હું એક રમકડું છું એટલે ને
કાલ ફરી 
નવું રમકડું મળશે
ફરી બીજું જૂનું થશે 
ફરી એ જૂનું થશે
બસ
રમકડું
બે ચાર દિવસ 
રમવા માટે જ હોય
આ કોણ સમજાવશે?

૨----------

ભૂખની આગ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ભૂખની અાગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ અાખાને દેખાય.
ભૂખની અાગ તો
પેટમાં ઊકળતો લાવા.
જેના પેટમાં હોય
અે અંદર ને અંદર ખાક.

૩----------

બાના  ફુગ્ગા / અનિષ ગારંગે (અમદાવાદ)

'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
એક હાથમાં બાનો હાથ
બીજામાં રંગ બેરંગી
ફુગ્ગાનો સંગાથ
બા બૂમો પાડે :
'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
ને હું ઘરડાની જેમ ચાલતો રહું
પકડીને ફૂગ્ગાઓને બાંધેલી લાકડી.
ફાટેલા ઘાઘરામાં
બાનું ઘૂંટણ ફૂગ્ગા જેવું ગોળ ગોળ લાગે
બાના બ્લાઉઝમાં 
ટપ ટપ પડતો પરસેવો
જાણે બાના ખાખમાં (ખાખ-બગલ)
લીલી ઝાકળ ઝરે
એવી ગંધ આવે
ફુગ્ગાનો ગ્યાસ જાણે જાણે ભળે

ફુગ્ગા લેતા કરતા બધા
બાની છાતી તાકી રહે
ફાટેલા ઘાઘરા પર નજર ફેરવી લે
હું ઊભો ઊભો એમની વાસના
અને ગંધ ફેલાવતા ફુગ્ગાઓને જોતો રહું.

૪----------

બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

ચૈત્રના ચક્રવાત
વૈશાખી વાયરા
આંખમાં ઊડીને આવી આંધી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

કડકડતી ઠંડી ને
કાળઝાળ ગરમીમાં
મીઠાની માવજત કીધી
તોય નોંધ એની ના લીધી?
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

વરસ આખાની આ તો
મહેનત પર પાણી ફર્યું
ને મીઠા પર ચડી ગઈ માટી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

'સર'ને સમજાય નહીં
આફત ઇશ્વરની આ
મીઠામાં મળી ગઈ માટી
આ હકીકત સમજાવું કે સાચી? 
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

૫----------

બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

છૂટાછવાયા
આડા ને અવળા
નાના નાના અક્ષરે
ડાયરીના પાને
લખેલું તારું નામ
રોજ રોજ વાંચું
વાંચીને ઊભરાઈ જાઉં
છલકાઈ જાઉં
ભાઈબંધની આંખોમાં સપડાઈ જાઉં
શરમાઈ જાઉં
મારી ભીતર રહેલી તું
તારામાં હું
પછી સમેટાઈ જાઉં.

કોલેજનાં પગથિયાં
ધીરે ધીરે તું ઊતરે
અને હ્રદય વંટોળ બની
છાતીમાં કૂંડાળાં કરવા લાગે,
લોહી રગ રગને ઘસવા લાગે,
અર્થો અળવીતરા થઈ
શબ્દોને કનડવા લાગે,
છેટી રહેલી ક્ષણો
સમયની છાતીમાં ઊતરવા લાગે.

અવાવરું સ્થાને
અજાણ્યા ઝાડે
આપણે
ક્ષણોને જોડવા લાગ્યાં
સમયને સાંધવા લાગ્યાં
એકમેકમાં વિસ્તરવા લાગ્યાં
વિસ્તરી વિસ્તરીને એવાં વિસ્તર્યાં
કે બહાર બધું સંકોચાઈ ગયું
સંકોચાઈને છરો થયું
છરાએ છાતીને ચીરી નાખી
ક્ષણોને બહાર ખેંચી કાઢી
પણ ક્ષણો એમ કંઈ મરતી હશે
ધાર છરાની પછી બુઠ્ઠી થઈ.

15 August 2017

અંક - ૫૨, આૅગસ્ટ

આ અંકમાં
૧. હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે
૨. કપડાની જેમ / મેહુલ ચાવડા
૩. ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી
૪. એક વરદાન / વજેસિંહ પારગી
૫. જંગલ / ઉમેશ સોલંકી

૧----------

હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે (અમદાવાદ)

દલિત અને મુસ્લિમના નામે
પ્રેમ અને જેહાદના નામે
મંદિર અને મઝારના નામે
હું તો કરમાઈ ગયો છું.
એવો  કારાવાસ 'એ' લાવશે
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ન પૂર આવશે
કંપ આવશે ન ગાજ (વીજળી) આવશે
આવશે જુલમનાં તોફાનો
માથા કાપી, ગોળી મારી
બળજબરીથી 
હું તો સંતાઈ ગયો છું
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ના ઇતિહાસમાં હશે ના ભૂગોળમાં
ના વેદમાં હશે ના પુરાણમાં
હોઈશ હું જંગલમાં,
રસ્તાઓમાં, સાંકડી ગલીઓમાં
મેળાઓમાં , ચાની લારીઓમાં
પકડશે મને મુજરીમ ગણીને,
હું પણ, જતો રહ્યો નિર્દોષ બનીને
એના કાળા સળિયામાં 
એના આક્રોશથી
હું ડામ થયો (દજાયો) છું
લાગે છે હૂઁ તો પુરાઈ ગયો છું.

૨----------

કપડાની જેમ / મેહુલ ચાવડા (અમદાવાદ)

સવારના પ્હોરમાં ઊઠીને 
તું કોલેજ જતી હોય
તને નીરખવાની લ્હાયમાં
બ્રશ કરીને
દોડવા જવાનુ બહાનું કાઢીને
એએમટીએસના બસ સ્ટેન્ડે 
રાહ જોયા કરું.

મારી બપોરની કોલેજના સમયે
તારા છૂટીને ઘરે જવાના વખતે
પાલડીના સ્ટેન્ડે વાત કરવાની લ્હાયમાં 
એકાદ લેકચર છોડી
રાહ જોવું
એવો મારો પ્રેમ.

તને પૂછતા વેંત જ
સરી પડતા ઉદ્ગારો વચ્ચે 
મારા કાનને સ્પર્શે એ 
અને મારાથી બોલાયેલું 
મારી જાતિનું નામ...
તારા ચહેરાની રોનક 
દીવાની જેમ ઓલવાઈ ગઈ
ઢીલી ઘેંસ જેવું મારું મોઢું લઈ 
ખોવાયેલો હું ઊંડા વિચારોમાં : 
જાતિના નામ સાથે જ 
ઊડી ગયો મારા ચહેરાનો રંગ 
કપડાની જેમ.

૩----------

ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી (ચોટીલા)

પરદાદી એમના
વાસીદા કરતી, 
એમણે વખારમાં શોષણ કર્યું
દાદી એમનાં ખેતરુમાં  સલો કરતી,
એમણે ખેતરુમાં શોષણ કર્યું
માડી એમનાં ઘરોમાં કચરાપોતાં કરતી,
એમણે ઘરોમાં શોષણ કર્યું
હું એમના બંગલા બનાવવા 
દાડિયું કરતી, 
એમણે બંગલામાં શોષણ કર્યું
આ છોડી 
ભણી-ગણી 
એમની ઓફિસુમાં નોકરી કરતી,
એમણે ઓફિસુમાં ય શોષણ કર્યું
આ શોષણ 
સામંતોનો વારસો છે. 
ઇમની સંસ્કૃતિ છે
ઇમના લોહીમાં ઊતર્યું છે.

૪----------

એક વરદાન / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

શોષિત છું યુગોથી.
શાસકોઅે કાપી નાખ્યાં છે મારાં કાંડાં
હું મશાલ કે તલવાર પકડી શકું તેમ નથી.
શાસકોઅે ભાંગી નાખ્યા છે મારા પગ
હું જગતમાંથી ભાગી શકું તેમ નથી.
શાસકોઅે ચૂસી લીધું છે મારું લોહી
હું ધરતીને લોહીથી રંગી શકું તેમ નથી.
જુલમગાર શાસકોનો મરી ગયો છે અાત્મા
હું મરેલા અાત્માને જગાડી શકું તેમ નથી.

લાચાર છું યુગોથી.
ક્યાંય કોઈ ઉગારો નથી
ને માનવ પાસે રહી નથી કોઈ અાશા.
કદાચને મારાં દુખો જોઈ
ભગવાન દ્રવી ઊઠે
ને મારી સામે પ્રગટ થઈને કહે -
માગ માગ માગે તે અાપું.
તો હું અેક વરદાન માગી લઉં :
પૃથ્વી પર કોઈ શાસક  ન હો!
પૃથ્વી પર કોઈ શોષિત ન હો!

૫----------

જંગલ / ઉમેશ સોલંકી

મારી અંદર
રાતઘેલું 
અનંત જંગલ
જંગલ અંદર
ઊભો થરથર
શું કરું?
ન કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.

મારી બહાર
દિવસભરેલું 
જંગલ અપાર
જંગલ અંદર
દોડું, થંભું, શ્વાસ લઉં
પાછો દોડું, દોડ્યા કરું
થાકું, થંભું, શ્વાસ લઉં
દોડું દોડું 
તોય ત્યાં જ ફરું
શું કરું?
ના કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.
જંગલ સ્વતંત્ર.

ક્યારેક ક્યારેક 
થતું એવું
તણખો થઈ
સ્વતંત્રતાને ભરખી જઉં.

15 July 2017

અંક - ૫૧ / જુલાઈ ૨૦૧૭

આ અંક્માં
૧. ભમરડું / અનિષ ગારંગે
૨. એને અને તેને / કુસુમ ડાભી
૩. લમણે લખેલું / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. ઊખેડી ફેંક્યું / ઉમેશ સોલંકી

૧----------

ભમરડું / અનિષ ગારંગે (અમદાવાદ)

એક દી અંધારામાં 
બાનો રડવાનો અવાજ સંભળાયો
બાપુજીના છેલ્લાં શ્વાસ ચાલતા
ઘરમાં ગભરામણનો દીવો સળગ્યો 
મારું મન મારા નાના ભમરડામાં જ ભરાયું
આછા ઉજાસમાં લાગે 
એની અણી ધાર ધાર 
જાણે બાની બંગડિયો તૂટતી આરપાર.
બાની છાતી કૂટવાનો અવાજ આવે 
પણ
મારા ભમરડાનો અવાજ લાગે મને દમદાર 
બા રડતી રહે અને હું એને વળગી રહું
બાપુજી કરતાં એને વ્હાલ હું કરું.

કાલે તૈયાર કરવાનો છે 
બીજા ભમરડાનો ભીરુ
એટલે જ ખિસ્સામાં નાખી
સુઈ ગયો હું તો ધીરુ.

સવાર થઈ, વાળ કપાયા
સફેદ ઝભલા પહેર્યા
બધા હાય હાયની કિલકારિયો પાડે
રુદનનો પહાડ મારા માથે ટપલી મારે
પણ મારા દોસ્તાર તો 
એક બીજાનાં ભમરડાં મારે
મારા મનમાં 
ઘોડાની જેમ ઊભું હતું
મારું ભમરડું
પણ એક હાથમાં મારા 
નાની માટલી આવી
જેમાં અંગારા હતા.
ને મારા બીજા હાથમાં હતું 
મારું ભમરડું.
(ભમરડું = ભમરડો)

૨----------

એને અને તેને / કુસુમ ડાભી (ચોટીલા)

એને
કુટુંબની
લાગણી સમજીને
સમાજની સડેલી માનસિકતા
સાથે સમાધાન કર્યું.
તેને
કુટુંબની
પ્રતિષ્ઠા છોડીને
સમાજની સડેલી માનસિકતા
સામે બંડ પોકાર્યું.

એને
કુટુંબે
અબળા સમજી
સંતતિ ઉત્પાદન નું
મશીન સમજી તરછોડી.

તેને 
કુટુંબે
કુલદીપક સમજી
વીર્ય-ઉત્પાદકનો
વીર (સ્રોત) સમજી અપનાવ્યો.

૩----------

લમણે લખેલું / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

તડકો ને ટાઢ અને વયનો વિષાદ
બધું લમણે લખેલું દેખાય છે
અગરમાં અટવાતો આખડતો અગરિયો
દેવામાં ડૂબતો દેખાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.

પહાડ શી પીડાઓ પરિવારને પોષવાની
પીડામાં પિસાતો જાય છે
દન દન વધતી મોંઘવારી બેકારી ને
સમાજમાં શેકાતો જાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.

રીતિ અને નીતિ ને સમાજના કુરિવાજ
વ્યસનમાં એ વલોવાય છે
દીકરી ને દહેજ વિરાટ લાચારી એની
આક્રંદમાં એ અટવાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.

મૂંગી આ વેદના નિસહાય અસ્તિત્વ અહીં
શોષણમાં શોષાતો જાય છે
અસહ્ય મહેનત ને મોંઘેરા મીઠાને
સસ્તામાં સરકાવી જાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.

શાણા કોઈ સમજો ને સમજાવો સહુને
હર દન હિજરાતો જાય છે
'દવેન્દ્ર' દુ:ખ ટળે સ્નેહ ને સહકાર મળે
અંતરથી એવું કંઇક થાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.

૪----------

ઊખેડી ફેંક્યું / ઉમેશ સોલંકી

મંદિર પછવાડે
મળું તને
તો મંદિરની ઘંટડી
આરતીને હડસેલો મારી
લોકગીતના લયમાં રણકી ઊઠે.

દૂ...ર 
ખુલ્લા ખેતરે
મળું તને
તો મકાઈના
લિલ્લાછમ્મ ડોડાનાં 
સુંવાળાં રૂંછાં
ગાલને અડતાં
ગલીપચી થાય
એમ 
ગલીપચીથી ખેતર મરકી ઊઠે.

ગોચરની વચ્ચે 
બાવળના છાંયે
મળું તને
તો બોરડીનાં પાનાં
લાલચટ્ટ ચણીબોર થઈ
મંદ મંદ ડોલવા લાગે,
અને
કાબર ને તેતરાં
કોયલ ને કાગડાં
હોલાં ને ચકલાં
ઘેલાં બને રંગરેલા બને.

દિવસો વીત્યા
બેચાર વરસો વીત્યાં
તું મને મળે
અને ખબર પડે
ગામ આખું ચોમેરથી ચોંટી પડે
ન ઊખેડીએ ગામને
તો ગામ આખું લોહી ચૂસે, દુબળાં કરે
ઊખેડીએ ગામને
તો ગામ સાથે ચરચર ચામડી ઊતડે.
ઊતડેલી ચામડી 
કાલ આવશે નવી
ધારી વિચારી
આંગળીઓમાં તારી
મારી આંગળીઓ નાખી
હથેળી પર મારી
તારી તેં હથેળી દાબી
ગામને ઘમઘમ ઊખેડી ફેંક્યું
લોહીની બેચાર સેરો છૂટી
થોડી ઘડી પછી ટાઢક વળી
હ્રદયમાં તોય ઝીણી કંપારી રહી.

15 June 2017

અંક - ૫૦ / જૂન ૨૦૧૭

આ અંક્માં
૧.  રાત અને દિવસ / કુસુમ ડાભી
૨. भीतर बाहर / रेखा यादव
૩. લાલ રંગ / લીના પટેલ
૪. અંતિમ ઇચ્છા / વજેસિંહ પારગી
૫. મેં ડુક્કરનું માંસ ખાધું / હોઝેફા ઉજ્જૈની
૬. પીપળો / ઉમેશ સોલંકી

૧----------

રાત અને દિવસ / કુસુમ ડાભી (ચોટીલા)

ખટાક
બારણું ખુલ્યું
તીવ્ર ગંધ ફેલાઈ
ઇ ફફડી ને સંકોચાઈ
એ નશાખોર જાનવર બન્યો
નિ:શબ્દ, નગ્નતા ચુંથાઈ
એ પડખું ફર્યો, ઠરી ગયો.
ઇ સુકાયેલાં આંસુથી ભીંજાઈ.

ફટાક
પ્રકાશ ફેલાયો,
ટિફિન ભર્યું, રંગીન બની
ઇ બાહોપાશમાં સમાઈ
નિઃશબ્દ, નગ્નતા વેચાઈ
એ પડખું ફર્યો, ઠરી ગયો.
ઇ કડકડાટ નોટોથી છલકાઈ.

૨----------

भीतर बाहर / रेखा यादव (वडोदरा)

तुम मेरी देह में उतरते रहे
अपने नुकीले बेपरवाह अंदाज में
कुचलते रहे मेरे वजूद को
मुझमें जो कहीं कुछ कोमल मखमली 
प्रथम मिलन के ख्याल पर आती मुस्कान
तूट कर गिर गई मुख से
मेरी देह से सपने थरथराते
अंगभंग हुए
बिस्तर से लुढकने लगे जमीन पर
कहीं जो कोमल, खूबसूरत खुशबू में
बसा भाव हम दोनों को जोडे हूए है 
वह भी हममें से निचुडता बहता हुआ
हो गया कमरे से बाहर
रह गयी भीतर भूख, तूटन 
और
अपाहिज ख्यालों की कतरनें
मेरी देह से लडती देह के थकने का
इंतजार करती आखें
मुट्ठी में समेटे हुए खुद को.

૩----------

લાલ રંગ / લીના પટેલ (અમદાવાદ)

લાલ રંગ કેવો ?
લે, એ તો શુકનિયાળ રંગ કહેવાય !
માતાનું કંકુ લાલ 
દેવીમાની ચુંદડી ય લાલ 
ખટમીઠા લાલચટ્ટ્ક ચણીબોર 
સુહાગનું સિંદૂર પણ લાલ 
લાલ લાલ ટામેટા જેવા ગાલ 
સામ્યવાદનો રંગ ય લાલ 
પણ 
લાલ રંગ તો ખતરાની નિશાની ય ખરી
અગમચેતી ને સાવચેતીની ય ખરી 
સ્ટુડિઓની લાલ લાઇટ થાય 
એટલે રેકોર્ડીંગ શરૂ થાય 
લાલ લાઇટની ગાડી જાય 
તો રસ્તા બંધ થઈ જાય 
લાલ સિગ્નલ જોઈને વાહનો થંભી જાય 
ને 
લોહીનો રંગ પણ તો લાલ 
'લોહી ?
કયું લોહી ?'
લે, લોહી એટલે લોહી !
માણસના શરીરમાં વહે એ જ તો
બીજું તે વળી કયું લોહી ?
રજોવૃત્તિનું લોહી
'હે !
માસિકનું લોહી ?
અરરર..
માહવારીનું લોહી ?
છીછીછી...
આ તું શું બોલી ?
એ લોહીની તે વાત કરાય ?
એ લોહી તે કંઇ લોહી કહેવાય ?
એનાથી તો અભડાઇ જવાય 
એનાથી તો દૂર જ રહેવાય 
એના ડાઘાવાળાં કપડાં તો સંતાડીને સૂકવાય 
કોઈ જોઈ જાય તો શરમાઇ જવાય 
એની તો ચિતરી ચડે 
એ તે કંઇ થોડું શુકનિયાળ કહેવાય 
એને કંઇ થોડું માથે ચડાવાય 
એનાથી તો માત્ર અભડાવાય 
એની પર તો થૂંકાય 
હાક થૂ...'

૪----------

અંતિમ ઇચ્છા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

મારા બાપદાદાઓના બાપદાદા
ભૂખના દુખથી છૂટવા
ને મજૂરીથી મુક્ત થવા
ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં ઊકલી ગયા.
પણ ભગવાને એમની પ્રાર્થના સાંભળી નઈં.
મને પણ વારસામાં મળી છે—
ભૂખ અને મજૂરી.
રોજ ભૂખની નાગણ ડસે છે
રોજ લીલીકચ જાત લઈને કરું છું મજૂરી
ને ઉતારું છું ભૂખનું ઝેર.
રોજરોજની ભૂખથી મજૂરીથી
કાયો થઈ ગયો છું
પણ હું ભગવાનને પ્રાર્થના કરતો નથી
કારણ કે
બાપદાદાઓની વ્યર્થ ગયેલી પ્રાર્થના પછી
ભગવાન પરનો ભરોસો ઊઠી ગયો છે.
સાંભળ્યું છે
વિજ્ઞાનીઓ જાતજાતની શોધો કરે છે
તો ભાઈ વિજ્ઞાનીઓને 
મારી એક પ્રાર્થના છે :
માનવતાના નાતે
કોઈ એવું રસાયણ શોધો
જે ખાવાથી ભૂખ ના લાગે.
મારી અંતિમ ઇચ્છા છે—
મારે ભૂખથી મરવું નથી
મારે મજૂર રહીને જીવવું નથી.

----------

મેં ડુક્કરનું માંસ ખાધું / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

તમે, હા, તમે
માંસ ખાવ છો
વિશેષ પ્રકારનાં
પ્રાણીઓનું માંસ ખાવ છો
એમાં પણ એના શરીરના વિશેષ ભાગનું
અને 
જે લોકો તમારાથી 
અલગ જાનવરોનું માંસ ખાય છે 
એમનાથી તમને ઘૃણા આવે છે
ચીતરી ચડે છે
તેઓ નીચ છે 
તમે એમને કાફિર કહો છો.

તમે લોકો દંભી છો
પેલા લોકો જેવા જ કટ્ટર છો
જેઓ માંસહારીઓથી ઘૃણા કરે છે
નફરત કરે છે.
ઉતારીને ફેંકી દો 
તમારું આ મહોરું
તમે આ બધું 
બીજાથી શ્રેષ્ઠ બનવા માટે કર્યું છે 
મેં તમારાં નીતિ-નિયમ-કાનૂનને 
તોડી નાખ્યાં છે
તમારાં પુસ્તકો-દર્શનોમાં પ્રતિબંધિત 
જાનવરનું માંસ ખાધું છે 
હા, મેં ડુક્કરનું માંસ ખાધું છે 
હવે કહી દો મને પણ કાફિર.

----------

પીપળો / ઉમેશ સોલંકી

પીપળો
ખળખળ કરતો પીપળો
પીપળો 
પીળો થયો
લાલ થયો
ભૂરો થયો
ભળી એકબીજામાં
ક્યાંક ક્યાંક અનેરો થયો
પીપળો તોય ના પીપળો થયો
કારણ
પીપળા ફરતે મૂછો બેઠી
પાતળી જાડી
ટૂંકી લાંબી
મૂછો બેઠી
વાળ વિનાની
મૂછો બેઠી.
મૂછો ગાળમાં ભળી
મૂછો દાળમાં ગળી
ખેતરને ખોદતી કોદાળી બની
ગટરમાં ઊતરતી પ્લાસ્ટિકની થેલી બની
મશીનને ચોંટેલાં શરીર પર રેલાતી ધારો બની
હોઠોને દાબો તો
કામ એળે કરે
ફફડાવો હોઠ 
તો બેળેબેળે કરે.
'મૂછમાંથી મૂછપણું જલદી કોઢો !'
રોજ રોજ બોલીને પીપળો થાક્યો
પણ
પીપળો તોય ના પીપળો થયો
પણ
પીપળાની ટોચે એક કૂંપળ ફૂટી.

15 May 2017

અંક - ૪૯ / મે ૨૦૧૭

આ અંકમાં
૧. बेटियों के जन्म पर / रेखा यादव
૨. હવાલાત / આતિષ ઇન્દ્રેકર
૩. સપનાં / વજેસિંહ પારગી
૪. હું મને / ઉપેન્દ્ર બારોટ
૫. હું રંગે ઘઉંર્ણો / અનિષ ગારંગે
૬. એક દિવસ / ઉમેશ સોલંકી

૧----------

बेटियों के जन्म पर / रेखा यादव (वडोदरा)

बेटियों के जन्म पर
एक भय व्याप उठा नसों में
कहीं
बेटे की अनिवार्यता के बोझ में
उसे भी करना न हो
व्रत, पूजा, विभिन्न कर्मकांड
जो जन्म से देखती रही
अपने आसपास
आँगन में खेल रही बेटियों के
निर्दोष चेहरे को देख
उसे इस डर से हो जाना  पार
इस सभ्य, शिक्षित समाज के
मलमल के परदे में खडी मानसिकता
से पूछने हैं बहुत से सवाल
और अपनी बेटियों के साथ

૨----------

હવાલાત / આતિષ ઇન્દ્રેકર (અમદાવાદ)

મારાં બાળકોને ભૂખ લાગેલી
ત્યારે માંરી આંખોમાં નગ્નતા આવેલી
માંરી આંખોએ એક રસ્તો કાઢ્યો
ભૂખથી મરતાં બાળકોનાં પેટ ભરવા
મેં દીવાલ મોટી કૂદી નાખી
બંગલામાં ઘૂસી ચોરી કરી નાખી
અચાનક 'ચોર ચોર'ની બૂમો સંભળાઈ.

અને પછી....
પોલીસ, સરકારી ડંડા, હથકડી
ગંધ મારતી કાળ કોટડી.
કોટડી બહાર
મારા જેવા લોકો
પહેરો ભરી રહયા છે
મારા નાના ઘરનું અજવાળું
ઓલવાઈ ગયું
જ્યારથી
મારાં બાળકોનાં પેટમાં ભૂખનો જન્મ થયો.

૩----------

સપનાં / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

એકેઅેક માનવની અાંખમાં
અેક અેક સપનું અાંજી શકું
અેટલાં સપનાં મેં જોયાં છે.
છતાં મારું અેકે સપનું ફળ્યું નથી.
ક્યારેક અેમ થાય છે
ન ફળેલાં સપનાં
કોઈની અાંખમાં અાંજી દઉં.
મારી આંખમાં નહીં
તો બીજાની આંખમાં કદાચ એ ફળશે.
ક્યારેક એમ થાય છે
સપનાં ફળવાનાં હોત
તો મારી આંખમાં પણ ફળત!
તો પછી કોઈની તરસી અાંખમાં
મારે ઝાંઝવાં શું કામ અાંજવાં?

૪----------

હું મને / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

હું મને જાણું છું
માટે હું મને છોડી રહ્યો છું.
ભીતર મારી ભાવ પ્રગટ થાય
છતાં મને સ્પર્શે નહીં.
મારી અસ્થિરતામાં
રમી રહ્યો છું સ્થિરતા સાથે.
સ્વચ્છ આંખે જોયું છે મેં
સમાજનું ખદબદપણું.
ખદબદપણામાં સતત મારું જીવવું
તેથી
હું મને જાણું છું
માટે હું મને છોડી રહ્યો છું.

૫----------

હું રંગે ઘઉંર્ણો / અનિષ ગારંગે (અમદાવાદ)

હું રંગે ઘઉંર્ણો, (ઘઉંર્ણો-ઘઉંવર્ણો)
ફિક્કું સફેદ શર્ટ
પોણી પાટલૂન, થાકેલાં ચશ્માં
સુત્તરફેણી જેવા વાળ
ચેહરા પર અબનૂસનો ઢોળ.

ઊભો રહું ક્યારેક આસ્તિન-ભીડમાં,
લોકો કહે 'એય પાછો ખસ'
ટિકિટની ઘાપચી મારીને પણ
ડંડાને મિત્ર ગણી અડકયો રહું બસને.

ખાલી ખિસ્સામાં હાથ નાંખી
ફરતો રહું રેઢિયાળ ગલીઓમાં
જાણે બાદશાહ-એ- હિંદ આવ્યા
શણગારેલા આલમમાં.

આપવા માટે તો કશું રહ્યું નથી
બેબસ વાયદાઓ સિવાય
ઘરનાં નળિયાં પણ પૂછે
મારાથી કરશો ક્યારે વિદાય.
ચાલતાં ચાલતાં પણ માઈલો કાપું
પગને પડે ના ભાળ.

હું રંગે ઘઉંર્ણો
ફિક્કું સફેદ શર્ટ
પોણી પાટલૂન, થાકેલાં ચશ્માં
સુત્તરફેણી જેવા વાળ,
ચેહરા પર અબનૂસનો ઢોળ.

૬----------

એક દિવસ / ઉમેશ સોલંકી

એક દિવસ
અંધારાને
પૂરતું ગૌરવ મળશે
અજવાળાનું ગૌરવ
પ્રમાણસર થશે
ધોળાનો ઘેરાવ ખૂલી જશે
કાળાશ
થનગનાટ કરતી કૂદવા લાગશે
દોડવા લાગશે રમવા લાગશે
જે નથી થયું એ થશે
જે થવું જોઈએ એ થશે.

એક દિવસ
ન ગામમાં ફરતો ઘમંડ હશે
ન લાચારીનું ટૂંટિયું વળ્યું હશે
ન ગામ હશે
શહેર હશે
શહેરમાં વનની હવા હશે
છેક તળિયે ખૂંપી ગયેલામાં
બહારના ખુલ્લા અવકાશમાં
હાથ ફેલાવવાની હામ હશે
ના તારું હશે ના મારું હશે
જે હશે એની રીતે હશે.
ન ટોળું હશે
ન ટોળેદાર હશે
ઝઘડામાં ભરેલો પ્રેમ હશે
ન પ્રેમનો કોઈ પંથ હશે
વ્યક્તિ હશે
વ્યક્તિમાં પ્રકૃતિ હશે
પ્રકૃતિમાં
પાંદ હશે ડાળ હશે ઝાડ હશે
જ્યાં જુઓ ત્યાં ગમતું ગમતું હશે
જીવન ક્યાંય ન કોઈને નડતું હશે
એક દિવસ.

લડ,
અંદર રાખી એક દિવસ.