16 August 2013

અંક - ૬, ઑગસ્ટ, ૨૦૧૩

આ અંકમાં

1. આશીર્વાદ / વજેસિંહ પારગી
2. ગાવાનું હોય નહીં ગીતમાં / બ્રહ્મ ચમાર
3. કોઈને આંગણે ના જશો / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
4. રૂમઝૂમ / ઉમેશ સોલંકી 

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

 આશીર્વાદ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
 
નાનપણમાં છીંક આવતી
ત્યારે મા કહેતી -
જીવતો રહે બેટા.
વારેતહેવારે વડીલો
માથે હાથ ફેરવીને કહેતા-
જીવતો રહે બેટા.
કદાચ મારી જાતિમાં
જીવતા રહેવું
એ જ સુખ હશે
કાં તો સુખ જેવો શબ્દ
એમના જીવનકોશમાં નહીં હોય.
નહીંતર કોઈક તો
મને ચોક્કસ કહેત કે
સુખી રહે બેટા. 
 


----------2-----------------------------------------------------------------------------------------------------------------------


ગાવાનું હોય નહીં ગીતમાં / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

ગાવાનું હોય નહીં ગીતમાં
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં,
વર્ષો જૂની આ પ્રીતમાં
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.

છુપાઈ છુપાઈને મળ્યા કરતો
હજુ ખેતરનો શેઢો અજાણ,
ક્યારાની રેત બસ સ્પર્શ્યા કરતી
ને પોતાને માનતી સુજાણ.

માલિકને આની જો ખબર પડશે
તો વાત નહીં હોય મારા હિતમાં,
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.

કોયલના ટહુકાથી ટહુકી ઊઠે છે
મારું પાનખરમાં ઊછરેલું મન,
પતંગિયાની રૂપાળી પાંખોને જોઈ
ખીલી ઊઠે છે એનું તન.

ક્યારેક તો આખે આખો માલિક
મુને ચણાવી દેસે એની ભીંતમાં,
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.



--------3-----------------------------------------------------------------------------------------------------------------------


કોઈને આંગણે ના જશો  / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા,      કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન,
બેનને દુખ ઘણાં પડે, બેનને બંધન ઘણાં બાંધે, મારી બેન,
કોઈને બોલેલું ના ગમે, કોઈને ચાલેલું ના ગમે, મારી બેન,
કોઈને હરેલું ના ગમે, કોઈને ફરેલું ના ગમે, મારી બેન.

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન,
એકલાં પિયરમાં ના જશો, એકલાં મેળામાં ના જશો, મારી બેન,
આવી બીકો બતાડે, આવાં બંધન ઘણાં બાંધે, મારી બેન,
વગર વાંકે વિતાડે, બેનને વેહમે વિતાડે, મારી બેન.

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન.  


----------4-----------------------------------------------------------------------------------------------------------------------


રૂમઝૂમ / ઉમેશ સોલંકી

ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું
ના ઠરે, આથડે, પથ ઘડે ને દડે
નવધવલ વસન સહ રમત કરતું (નવધવલ=નવું સફેદ, વસન=વસ્ત્ર)
ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું

શું કહું
આનાથી વધુ
પહાડમાં દેખાવું લપાવું
દેખાવું લપાવું
લીલા તો આને કેમ કહું
કહું
તો
ધર્મનું તુર્ત
વળગણ ચોંટે
ઉછળતાં ઉછળતાં
કશુંક છૂટતું હશે
કોને ખબર એનું શું થતું હશે?
ભલે
તોય કહેવા દો મને
બાલસહજ મલકમલક ઉછલતું

બાળક મોટુંય થાય
તું થાય
જોબનને શબ્દોમાં કેમ કરી પકડાય
તોય પકડું :
લટકમટક નપુરસુરવધર ત્વરિત ચલત (નપુરસુરવધર=ઝાંઝરનો મધુર અવાઝ ધારણ કરનારી)
તટ પર ચલિત તરુવરનટ નરતે (તરુવરનટ=ઝાડ રૂપી નાચનાર)
પવનકર નિરમલ જલગવન પલ પકડે (પવનકર=પવન રૂપી હાથ, જલગવન=જળ રૂપી વસ્ત્ર)
પલિક છોડે પલ પલ પરિવરતે
ચુંબનો વિહગગણ તીરકેશ કરતા (વિહગગણ=પંખીઓનો સમૂહ, તીરકેશ=કિનારા રૂપી કેશ)
લઈ જલદમદદ રવિ અજબ વરતે (જલદમદદ= વાદળની મદદ, રવિ=સૂર્ય)
થોડુંક લટકમટક થાકતું હશે
થાકીને છૂટું પડતું હશે
પછી ભટકતું હશે
નહોર નીચે કણસતું હશે
કાકલૂદી કરતું હશે
ભલે
હશે
આમ પણ લટકમટક માફક આવે છે કોને?
માફક આવે જેને એની પરવા છે કોને?
ન માફક આવે જેને
એને માફક આવે છે નિયમ
કોંક્રિટનો તોતિંગ નિયમ
નિયમમાંથી નીકળે નાના નિયમ
નિયમ એટલે શણગાર
શણગાર એટલે રૂમઝૂમ
રૂમઝૂમ ગામ પડખેથી જાય શહેર પડખેથી જાય
જાય જાય છેક ખેતર પડખેથી જાય
ખેતર તોય ઉદાસ
રૂમઝૂમને તો ખેતર વહાલું
ખેતરમાંનું નાનું તેતર વહાલું
ગામ વહાલું ગામેતર વહાલું
પણ વહાલ આડે દલાલ ઊભો
જગા નથી તોય ધરાર ઊભો
વાહ રે વાહ, વાહ રે વાહ!
સદીઓથી જેને 'માતા' કહી
દલાલે એને ગણિકા કરી
દંભદેશે ગણિકાને શાનાં માન
દલાલની આંગળી માય ને બાપ
આંગળીમાં ડોલતું ખિસ્સાનું જોર
જોરને પોષે ગોચરચોર
જોરને પોષે ગોચરચોર, ગોચરચોર

રૂમઝૂમને રૂમઝૂમ થવું ગમે
આંગળી તો શું ન આંગળીનું એને ટેરવું ગમે
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળીને રાખી અંધારે અંધારામાં દરાર કરે છેઃ
"ખેતર કરશે ગામ કરશે
 રૂમઝૂમ માટે કમાલ કરશે
 આજ ભલે ચૂપચાપ છે
 એક સવાર એવી આવશે
 ભેગા મળી સૌ ધમાલ કરશે"
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળીને રાખી અંધારે અંધારામાં દરાર કરે છે.


 

17 May 2013

અંક - ૫, મે, ૨૦૧૩

આ અંકમાં

1.  તીર / ઉમેશ સોલંકી
2. હું / પરેશ પરમાર
3. બે વેણ / વજેસિંહ પારગી
4. ખરી રામાયણ / બ્રહ્મ ચમાર
5. ગરવા ગુણીયલ સંત / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’  


----------1-----------------------------------------------------------------------------------------------------------------------
 

તીર / ઉમેશ સોલંકી

ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ
આ સીમથી પેલી સીમ
હું શોધું છું ક્યાં છે ભારત ? ક્યાં છે ભારત ?
આંખોમાં ચમકતી આશા લઈ
ગરમ લોહીની ભાષા લઈ
હું શોધું છું ક્યાં છે ભારત ? ક્યાં છે ભારત ?

તો મળ્યું ભારત મને
દિલ્હીના દરબારમાં
ગાંધીના ઘેરાવમાં
માર્ક્સના રોકાણમાં
ટાઈના ઘુમાવમાં
ખાખીના ગુમાનમાં
ધર્મના ધીરધારમાં

છાપામાં ઉછળકૂદ કરતા શબ્દોની ભરમારમાં
રોડ પર દોડતા ગોળ ગોળ આકારમાં
ગામની ગલીઓ પર પડતાં
પગલાંના સ્વભાવમાં
ખૂણેખાંચરે ઠેકઠેકાણે શોધ્યું
તો લાગ્યું

ભારત શાનો વિવિધતાવાળો દેશ અનૂઠો ?
ભારત એટલે એક અંગૂઠો
ભારત એટલે એક અંગૂઠો

મેંય હવે માફકસરનું જોર જોડ્યું છે
ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે

લે, ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે

----------2-----------------------------------------------------------------------------------------------------------------------
 

હું / પરેશ પરમાર (અમદાવાદ)

દંડકારણ્યના

એક નિર્જન વૃક્ષ નીચે
ધુમાડો થઈને  પડેલો
શમ્બૂકનો નિશ્ચેષ્ટ દેહ તે હું 

કંઈ કેટલાય યુગોથી અસ્પૃશ્ય
યાતનાઓનો ખાલી માળો
નથી રામ કે નથી શમ્બૂકનો આત્મા,
રાખ થઈને પડેલ
મારા અસ્તિત્વને
નથી ઢંઢોળતો વસંતનો પવન,
ને વનનાં ઘાસ પર ચોંટેલો
એકલવ્યનો નિષ્પ્રાણ અંગૂઠો
છે મારો પર્યાય ;
જેમાં ચેતના મરી પરવારી છે
એકલવ્યથી ઉખેડાયેલો ને
દ્રોણથી ફેંકાયેલો
‘હું’
સૃષ્ટિથી કેટલાય યુગો દૂર છું
એમાંથી લોહી ઉલેચાઇ ગયું છે.
કોઈ બુદ્ધ ન આવે તો કંઈ નહીં
કોઈ અંગૂલિમાલ આવે તોય ઘણું
અને હા
પેલું ઝૂંપડીની બહાર ફેંકાયેલું
શબરીએ રામ માટે ચાખી મૂકેલું બોર
જડે તો જો જો
એમાં છે મારો અવગતિયો જીવ
શબરી રાહ જોઇને થાકી;
રામ આવ્યા
પણ
મને તો હોઠે અડકાડ્યા વિના ફેંકી દીધો

આ બોર 
પેલો અંગૂઠો ને
શમ્બૂકના શરીરની રાખ
બની ગઈ છે હું ...  

 
----------3-----------------------------------------------------------------------------------------------------------------------

બે વેણ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

આઈ! આંખો ઘણી વીંચું છું
પણ નીંદર નથી આવતી.
સૂઈ જા બેટા!
એક ટંક ખાવા ન મળે
તેથી કંઈ મરી ન જઈએ!
બાળપણમાં માએ કહેલાં
આ બે વેણના બળ પર
હું જીવું છું -
કરાડમાં ઊભેલા
અડધાં મૂળ ઊખડી ગયેલા
વૃક્ષની જેમ! 


----------4-----------------------------------------------------------------------------------------------------------------------
 

ખરી રામાયણ / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
 

એક
વાલ્મીકિ થયો.
મહાકાવ્ય રચીને
માનવસમાજની સેવા કરી,
આજે
જ્યારે
હું
ગંદકીને સાફ કરી
માનવસમાજ ઊજળો બનાવું છું
છતાંય
ચા પીવાની હોય
ત્યારે
અલગ કાઢી મૂકેલી
પવાલીમાં ચા પીવાની
ચા પીતાં પીતાં
જે અનુભવું છું
એ જ તો
મારી ખરી રામાયણ છે.
આ મારી રામાયણ
કોણ સાંભળશે ?

----------5-----------------------------------------------------------------------------------------------------------------------
 
ગરવા ગુણીયલ સંત / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’  (મહુવા)

ગરવા ગુણીયલ સંત ગુરૂ મારા ગરવા ગુણીયલ સંત

દોરા ધાગા ને ભૂવાથી ચેતવ્યા
માંડવાની માનતા મટાડી
ગુરૂ મારા....

જપ માળા ને કથા ધ્યાનથી છોડાવ્યા અમને
નિરાકાર ઈશને પામ્યા
ગુરૂ મારા....

અનાથને અધિકાર, પીડિતને પ્રેમથી
પછાતને પ્રગતિ કરાવી
ગુરૂ મારા....

સતનામ શબદની ગુરૂચાવી અમને આપી
ભાંગી નાંખી ભ્રમણાની ભીંતો
ગુરૂ મારા....

સત્ દર્શન તમે દેહમાં બતાવ્યું અમને
સંદેહ 'ગાફેલ'નો ભાંગ્યો
ગુરૂ મારા....
 

17 April 2013

અંક - ૪, અપ્રિલ, ૨૦૧૩

આ અંકમાં


1. મડદાંવાળો / ઉમેશ સોલંકી
2. આ રૂમાલ બારિયાની ફૅશન / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
3. લઘુકાવ્ય / વજેસિંહ પારગી
4. ધોળા દિવસે / બ્રહ્મ ચમાર
5. सूरज (गुजरात के दंगो को देखकर बीमार पड गया है ) / वैशाख  राठोड

 ----------1-----------------------------------------------------------------------------------------------------------------------

મડદાંવાળો / ઉમેશ સોલંકી

મડદાં વેચું છું મડદાં
જાતભાતનાં મડદાં
સસ્તાં મડદાં, મોંઘાં મડદાં
છૂટક મડદાં, જથ્થામાં મડદાં
રામનાં મડદાં, અલ્લાનાં મડદાં
બાપુનાં મડદાં, બાબાનાં મડદાં
વાદનાં મડદાં, અ-વાદનાં મડદાં
મડદાં મારાં ગૅરંટીવાળાં રે લોલ !

મંદિરમાં, મસ્જિદમાં
અદાલતે, પરિષદમાં
વિદ્યાલયમાં, સચિવાલયમાં
ઠેકઠેકાણે કાર્યાલયમાં
મડદાં મારાં ચૂપચાપ ઊભાં રહે છે
ઠાલુંઠમ બોલી બેઠાં રહે છે
ડગ માંડ્યાં વિના દોડઘામ કરતાં રહે છે
વળી,
મડદાં મારાં કોઈ કાળે સડતાં નથી
માલિકને અમથું અમથું પણ નડતાં નથી
મડદાં મારાં ગૅરંટીવાળાં રે લોલ !

ગામવાળા આવો, શહેરવાળા આવો !
પોલીસવાળા આવો, અસંતુષ્ટોને સાથે લાવો !
પત્રકારો, કલમ મેલો !
કવિજનો, કલ્પનાઓને આઘી ઠેલો !
કર્મશીલો, રવિવાર છે આજે, ક્રાંતિને તમે મારો હડસેલો !
ગાંધીનગર, તમે આળસ મરડો !
દિલ્હીની તમે વાટ પકડો !
વચ્ચે આવે દુકાન મારી
લાંબી લાંબી જ્યાં લાઇન લાગી
આજ નવી છે સ્કીમ કાઢી
એક સાથે બે મડદાં ફ્રી
ના લો, તો હીહી...હીહી...હી

 ----------2-----------------------------------------------------------------------------------------------------------------------

આ રૂમાલ બારિયાની ફૅશન / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન 

                                                            બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)


આ રૂમાલ બારિયાની ફૅશન રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

આ રૂમાલ હીર ભરેલો રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

આ રૂમાલ સંગઠને ગૂંથ્યો રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

આ રૂમાલ કાયદાનો ભરેલો રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

રૂમાલ માટે ક્યારના લડતેલા રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

રૂમાલ માટે કોરટે લડશું રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

આ રૂમાલ ગામેગામ ઉડાવશું રે, ઓ મારું મન રૂમાલવાળું,
ઓહ તારું મન ફેશનવાળું

 ----------3-----------------------------------------------------------------------------------------------------------------------

લઘુકાવ્ય / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

રામ રામ કરી આવકારતા
રામ રામ કરી વિદાય આપતા
અરે! દારૂ પીતાં પહેલાં પણ
રામ રામ કરતા કોઈ ભીલને
હજી કોઈ રામ મળ્યા નથી!
મહેરબાની કરીને કોઈ મને
‘મરા મરા’ કરતાં કરતાં
વાલિયામાંથી વાલ્મીકિ બની ગયેલાની
પુરાકથા સંભળાવશો નહીં!



 ----------4-----------------------------------------------------------------------------------------------------------------------

ધોળા દિવસે / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)


ધોળા દિવસે
આપણી બેન-દીકરીઓની
છેડતી કરતા
એ લોકોને
મરેલાં ઢોર ચીરવાના છરાથી
હું ચીરી ન નાખું
તો
મને મોક્ષ મળે જ નહીં !

ધોળા દિવસે
પંચાયતના સભ્યો
આપણી સ્ત્રીઓને
મંદિરમાં જતી રોકીને
ઢોર માર મારે
ત્યારે
પંચાયતના સભ્યોને
ભરબપ્પોરે
નાગા કરી
દિવાસળી ન ચાંપું
તો
મને મોક્ષ મળે જ નહીં !

ધોળે દિવસે
આપણા બંધુઓ પર
અત્યાચાર ગુજારતા
અને
હિજરત કરવા મજબૂર કરતા
એ લોકોનાં
નાક કાપી
માથે ટકો કરાવી
અવળે ગધાડે ન બેસાડું
તો
મને મોક્ષ મળે જ નહીં !

હવે
મારે
ધોળા દિવસે
મોક્ષ મેળવવો જ છે !

 ----------5-----------------------------------------------------------------------------------------------------------------------

सूरज (गुजरात के दंगो को देखकर बीमार पड गया है ) / वैशाख  राठोड (अहमदाबाद)
(1) 
सुबह कि आँखे अभी भी अधखुली है 
और दूर मशरिकी उफक पर 
सूरज करवटे बदल रहा है
ओक्सिजन का मास्क नाक पर लगाकर 
145 सेंटी ग्रेट  डीग्री का थर्मोमीटर ज़बां के निचे दबाकर 
रात उसके माथे पर ओस का गीला कपडा लगा रही है बार बार 
थोडा सा बेचेन है व़ोह 
बुखार है शायद उसको
या फिर कोई बड़ी सी बिमारी
ब्लड केंसर, या हार्ट एटेक
या फिर दोनों किडनी फेल हो चुकी हो 
वो अभी भी आसमान के बिस्तर पर 
बादलो का सफ़ेद लिहाफ ओढ़े 
पड़ा पड़ा सिसक रहा है
उसका शरीर एकदम अकड गया है ठण्ड के मारे 
उसके किरणों कि आत्मा पहुच गई है हद- ए- अदम तक
चाँद का डॉक्टर उसके कमरे से निकला एलोपेथिक दवा देकर 
और मुखातिब हुआ उस टोले से 
जिसने पलभर पहेले कुछ कच्ची झूग्गिया जलाई थी 
धुप सेकने के लिए 
जाड़े से बचने के लिए
कि कतरा कतरा व़ो अब बिलख रहा है
कि कतरा कतरा वो अब पिघल रहा है
ओ मेरे दोस्त कानजी 
अपने गाँव के मुर्गो से कहेना
कि उनका अलार्म थोड़ी बाद में बजाये 
आज सूरज ज़रा देर से उठेगा 

(2)
कल से उसने कुछ भी नही खाया था
उसका पेट एकदम खाली था
जब सवेरे कि पनिहारी पानी भर के जा रही थी
तो बस थोडा सा ठंडा पानी पीया था उसने
फूलो पर गिरा हुआ
उसके मकान में राशनदान फन फेलाए खड़ा था सांप कि तरह
और उसकी शुआओ का चुला बुजा पड़ा था ठंडी आह कि तरह 
क्यूंकि उसके बाप कि लारी पर एक भी खिलौना लेने नही आया था कोई 
दस दिनों से
(क्यूंकि) कर्फ्यू में शूट एंड साईट का ऑर्डर होता है भाई
और इसीलिए  उसकी माँ 
सुबह से ही निकल पड़ी थी कुछ काम ढूंढने को
अपने मरद कि बेचेनी को सुकूँ देने को
कि अब तक नही लौटी थी घर
और सवेरे सवेरे ही सूरज ने आज 
कै कर दी थी खून कि
टीवी  पर उसने उसके बाप कि लाश देख ली
और माँ का... रे...प....
चाँद के डॉक्टर को बुलाया था पड़ोसियों ने
तो व़ोह हरामी काला चश्मा पहेनकर आया
और पांच आयुर्वेद कि  गोलिया और एक इंजेक्सन देकर चला गया

अब उसका जिस्म काँप रहा है
अब उसका अक्स आसेब कि तरह नाच रहा है
नसे सारी तन गई है
आँखे लाल होकर चकरा रही है
उसके हाथ लरज़ा गये है
उसके पाँव बर्फा गये है
अपना माथा कूट रहा हे व़ोह दीवारों से
धुण रहा है व़ोह डाकला बजाके
बेखयाली में व़ोह चिल्ला रहा है
बदहवासी में व़ोह बोखला रहा है
दे रहा है व़ोह माँ बहेन कि गंदी गालिया
गा रहा है व़ोह अपनी छाती कूट के फातिया

अरे कोई इस पगले को बेडी में जकड़ो
अरे कोई इस सरफिरे को लोहे कि सांकल में पकड़ो 
अरे कोई इस बावले कि पेशानी को छु के 
निम्बू मिर्च का टोणेवाला धागा बांधो
कि सूरज को भूतबाधा हुई है
कि सूरज को भूतबाधा हुई है

19 March 2013

અંક - ૩, માર્ચ, ૨૦૧૩

આ અંકમાં

1. આધુનિક મહિલાનો ટંકાર / ઉમેશ સોલંકી
2. માઓવાદી / જયેશ સોલંકી
3. હાઈકુ / જયસુખ વાઘેલા
4. ખરાબ દિવસો / વિક્રમ સોલંકી
5. ક્યાં જઈ કેદ પુરાણો? / પ્રવીણ મકવાણા 'ગાફેલ'

6. मैं हुआ तो क्या हुआ ? / श्याम


----------1-----------------------------------------------------------------------------------------------------------------------

આધુનિક મહિલાનો ટંકાર / ઉમેશ સોલંકી

મારે વળાંક લેતી
ખળખળ કરતી નદી, નથી બનવું
નથી બનવું ચંદ્રને ચોંટેલું ઉછીનું અજવાળું
ફૂલની કોમળતામાં હવે ખપવું નથી
ભમવું નથી હવે પવિત્રતાના અડકાદડકામાં
મોરપિચ્છને પણ આઘું રાખજો
થશે નહીં તો, એ ઘડીકમાં ભડકો
સંસ્કૃતિનું તો ન નામ જ લેતા
સદીઓ વીતી, પછી, ઠેઠ આજે જાણ્યું છે
ગરે છે મારા બે પગ વચ્ચે જે જગ્યા શોધી
એનું જ તો છે નામ સંસ્કૃતિ
ને ત્યારે, મારું પેટ શમે છે
એ બીજું શું છે, છે પ્રકૃતિ
પણ સાંભળો,
સમાજના ઠેકેદારો, સાંભળો,
ધર્મના ધુરંધરો, સાંભળો,
રાષ્ટ્રના ફણીધરો, સાંભળો,
હવે, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
હા, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ

----------2-----------------------------------------------------------------------------------------------------------------------

માઓવાદી / જયેશ સોલંકી (ભુવાલડી, અમદાવાદ)

ચોક્કસ એ
માઓના મામાની
માસીના ફોઈનો
ષડયંત્રકારી છોકરો હોવો જોઈએ!
ભાદરવી પૂનમના મેળામાં
છૂંદણાવાળા પાસે
નામ લખાવેલું,
એ નામ ખોટું પણ હોય,
એના દાકીરાનું નામ
‘વિપ્લવ’શા માટે?
મંગલ પાંડેના પેઢીનામામાં
એ નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી!
ઊંચા ડુંગર પર બનાવેલા
એના માટીના મકાનમાંથી
ચોક્કસ કોઈ ભોંયરું
લેનિનના અભ્યાસખંડને
મળતું હોવું જોઈએ!
ભીંત પર ચીતરેલાં
મોર, પોપટ, ફૂલ
હિંસક ક્રાંતિ માટે શોધેલી
નવી લિપિ પણ હોય!
ભીંતમાં જડેલું હરણનું શિંગડું
ઇન્ટરનૅશનલ સંપર્ક માટેનું
ઍન્ટિના પણ હોઈ શકે!
ઓસરીના ખૂણામાં
કરેલા કેરીઓના ઢગલામાં
કદાચ
કેરી-બોમ્બ પણ હોય
કમિશનરની કચેરી ઉડાડી દેવા માટે!
શિંગડા પરટિંગાડેલું તીર
પેન્સિલ સ્ટાઇલની
નવી મિસાઇલ પણ હોઈ શકે
ગૃહયુદ્ધની પૂર્વતૈયારીના ભાગરૂપે!
વાંસની જાળીવાળું
મરઘીના બચ્ચાનું નાનકડું ઘર
લૅટેસ્ટ એલ.સી.ડી. પણ હોઈ શકે
સરકારની ગતિવિધિ ધ્યાનમાં રાખવા માટે!
ઢોલની પડી માટે સાચવેલા
બકરીની ચામડામાં
કદાચ
પાર્ટીનો ગુપ્ત દસ્તાવેજ લખેલો હોય
નવી શોઘેલી લિપિમાં!
એના
આદિવાસી પડોશી પણ કેતા’તા,
‘એદા’ડીમાં દહ શેરની જુવારને
બદલે અધમણ માગતો’તો
એની મા-બેટીને
જમીનદારને ત્યાં નહીં જ મોકલે
એમ કેતો’તો
અને
ટુકડો જમીન માટે
સરકારની સામે લડતો’તો’
ખરેખરએ માઓવાદી હતો.

----------3-----------------------------------------------------------------------------------------------------------------------

હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા)

   ન લઈ શક્યો
એક દાણો, જિંદગી
   ગૈ કાપણીમાં

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

ખરાબ દિવસો / વિક્રમ સોલંકી (વડાલી, સાબરકાંઠા)

‘ભગવાન,
મુખ જોઈને આપનું
જાય છે દિવસ સારા
બધાય મારા’
એવું કહેનાર પૂજારીને જોઈને
બોલ્યા ભગવાન,
‘લ્યા, મારા એક દિવસ વિશે તો વિચાર!
કેમ કરી મારે
સુધારવો મારો દિવસ
તારું મુખ. . . .?

સુધારવો છે મારે પણ મારો દિવસ,
માણસાઈથી ભરેલા
સાદા ને નિર્મળ
નિર્દોષ ને નિખાલસ
નિષ્કપટી ને ભોળા માણસને જોઈને.
પણ, એને તો
તમે બધા
નથી દેતા મારી ઢુકડોય
સરકવા કે ફરકવા,
ક્યાં સુધી ચાલશે મારા. . .
આ ખરાબ દિવસ?’

----------5-----------------------------------------------------------------------------------------------------------------------

ક્યાં જઈ કેદ પુરાણો? / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’  (મહુવા)

ક્યાં જઈ કેદ પુરાણો?
હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?
ભગવાન, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ધૂપ, દીપ ને ઝળહળ જ્યોત
આરતી નિશદિન થાતી
ગરીબને ઘેર દીવો ન બળતો
અંધારે એ અટવાય...

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ઘીના દીવા ને બત્રીસ ભાતના
પકવાન તને રે ચડતા
ભિખારીને એઠો ટુકડો ન મળતો
અંધારે એ અટવાય...

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ઠેકઠેકાણે મંદિર જોઈ
મનમાં હું રે મુંઝાતો
દલિતપીડિતથી તું અભડાતો
જોઈને દિલ દુભાતું

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

'સંભવામિ યુગે યુગે' સાંભળી
કાન મારા પાક્યા
જનમ તું ક્યારે લઇશ, હરિ
'ગાફેલ' જુએ છે વાટ

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

----------6-----------------------------------------------------------------------------------------------------------------------

मैं हुआ तो क्या हुआ ? / श्याम  (अहमदाबाद)

मैं हुआ तो क्या हुआ ?
न होता मैं तो क्या होता !
वो खुदा है तो है ,
न होता बंदा न खुदा होता ।
ये तपन , ये ठिठुरन ,
न चोला न चादर ।
ये ग़रीबी , ये बेहाली
न तमन्ना न चाहत ।
ये बेकसी, ये लाचारी
न दिलासा न ढ़ारस ।
ये वज़ूद का मर्ज़
न दवा न राहत ।
देवता सारे बँट गए अमीरों में ,
काश ! मुफ़लिसों का भी कोई खुदा होता ।
मीनारों की नक़्श ,
मूर्तियों की चमक ।
ऊँचे ऊँचे पर्चम ,
स्वर्ण कलशों की दमक ।
अजानों की चुभन,
हवनों की धधक ।
दुआओं के दलाल
शेख़ो बरहमन का दख़ल ।
गर ये सब हैं खुदा के घर,
तो कहाँ मुफ़लिसों का खुदा होगा ?

नसीहत चौखट तक ,
इल्म किताबों तक ,
सच औरों तक ,
ईमानदार मौक़े तक ,
आदर्शों की सीमा
बस, ख़ुदगर्ज़ी तक ।
इन्कलाब इक नारा
तख़्त तक  पहुँचने तक ।
नाम तो बेचते ही हैं उसका ,
बेचते उसे भी गर सामने खुदा होता ।

लहू से लथपथ
ये कूचे, ये गलियाँ ।
सियासी इशारों पर
जलती ये बस्तियाँ ।
' वोटर ' के गोश्त की
लगती हैं बोलियाँ ।
मंडी में बिक रही हैं
रेवड़-सी हस्तियाँ ।
इन्सां , इन्सां कहाँ रहा अब !
ये होता अगर खुदा होता ? 

17 February 2013

અંક-૨, ફેબ્રુઆરી, ૨૦૧૩

આ અંકનાં કવિઓ અને કવયિત્રીઓ

1. ઉમેશ સોલંકી, 

2. વજેસિંહ પારગી,
3. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા,
4. બ્રહ્મ ચમાર,
5. દેવજી સોલંકી,
6.  वैशाख राठोड
 +  તંત્રી કહે છે

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

ડગ ડગ / ઉમેશ સોલંકી

ભલે રહી
સદીઓ જૂની, ખખડધજ, ખણણખણ
પણ
જંજીરો તોડવા બેસું તો, હવે હું તોડી શકું છું
પણ
જંજીરોનું તૂટવું એટલે
ખંડેર થવું,
ખંડેર થવું એટલે
સઘળેસઘળું તારું, સઘળેસઘળું મારું
ન રહેવું,
રહેવું કશું, તો ન રહેવા જેવું
એટલે
એક ડગ તું ઉતર !
એક ડગ ચડું, હું ઉપર
એક ડગ તારું, એક ડગ મારું
આ ડગ ડગ હશે,
તો હશે, જગ પ્યારું પ્યારું

જંજીરો તોડવા બેસું તો, હવે હું તોડી શકું છું

આ અછાંદસને ભજનના ઢાળમાં આનંમિત્રના કંઠે સાંભળો : http://www.youtube.com/watch?v=RhfdacgE1Xk

----------2-----------------------------------------------------------------------------------------------------------------------

 લલકાર / વજેસિંહ પારગી     (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જમણું પગલું ભરીએ
તે પહેલાં જ
છીનવી અમારી ધરતી.
અમારી ધરતીના
તમે થયા  રાજા
ને અમને બનાવ્યા ગુલામ.
તમારા માથે મુગટ
ને અમારા પગમાં બેડીઓ.
ભલે જુગજુગથી તમારાં રાજ તપે છે
ભલે જંજીરોમાં જકડાયેલા અમારા પગ પંગુ છે.
પણ કોઈક દિવસ તો
કાળ કરવટ બદલશે
ને કાટ લાગેલી બેડીઓ તૂટશે
ત્યારે અમે ભરીશું બીજું પગલું
ને પાછી મેળવીશું અમારી ધરતી.
સાંભળો હે ધરતીના ધણીઓ!
આ ધરતી પર
પરથમ પગલું ડાબું પગલું પાડનાર
હમું હાઆન્ડા* આદિવાસી છીએ
ને હજી અમારે
જમણું પગલું ભરવાનું બાકી છે!

* હાઆન્ડા - વીરતાસૂચક શબ્દ

----------3-----------------------------------------------------------------------------------------------------------------------

કોણે ગોડાવ્યા / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન 
                          બારિયા (દેવગઢ મહિલા સંગઠન,) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)


કોણે ગોડાવ્યા કૂવેડા ને વાવડ
કોણે બંધાવ્યા જુદા ચારા રે

કોણ હાચવે ઘર ને કોના નામે ઘર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો હાચવે ઘર ને ભાઈના નામે ઘર
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ જણે બાળક ને કોના નામે બાળક
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો જણે બાળક ને ભાઈના નામે બાળક
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ હાચવે ઢોર ને કોના નામે ઢોર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો હાચવે ઢોર ને ભાઈના નામે ઢોત
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ કરે ખેતી ને કોના નામે ખેતર
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો કરે ખેતી ને ભાઈના નામે ખેતર
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણ કરે મહેનત ને કોના નામે આવક
કોણે બનાવ્યા આવા નિયમ રે
બેનો કરે મહેનત ને ભાઈના નામે આવક
સમાજે બનાવ્યા આવા નિયમ રે

કોણે ગોડાવ્યા કૂવેડા ને વાવડ
કોણે બંધાવ્યા જુદા ચારા રે

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

નિર્ધાર / બ્રહ્મ ચમાર     (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

મારા
આંસુના
એક ટીપાની કિંમત
લોહી જેટલી અંકાઈ
ત્યારે સમજાયું કે
'અહીં તો
લોહીની નદિયું વહી છે.'
વાગેશ્રીનાં ઝખ્મો
અને
ચાબુકના ફટકા
મારે શરીર છે
એવું
કેટલાંય વર્ષો પછી
આજે લાગ્યું છે
એ જ
છેવાડાનું ઘર છે મારું
હવે વહી ગયેલા
લોહીને
ઈતિહાસમાં મઢવાનો
કર્યો છે મેં નિર્ધાર !

----------5-----------------------------------------------------------------------------------------------------------------------

ગીરવે પડયું છે / દેવજી સોલંકી     (ઝીંઝુવાડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

કૂવે
પાણી ભરીને આવતી
મારી સ્ત્રીને
પેલો
ત્રાસી નજરે જોયા કરે છે
ત્યારે થાય છે કે
સાલાની
આંખો ફોડી નાખું
પણ
મારાં હાથ, પગ, જીભ
બધું જ
એના ઘરે
ગીરવે પડયું છે.

----------6-----------------------------------------------------------------------------------------------------------------------

राम भक्त / वैशाख राठोड     (अहमदाबाद) 

राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)
मरने वाला साला दो कौड़ी का भक्त रे (हाय हाय )
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे(हाय हाय)

कस  के बांधो आज  ज़नाज़ा उसका
                               मुर्दा कही बोल न पड़े (हाय हाय)
बेवा कि आँखों में रगडो मिर्च का सुरमा 
                              कोई आंसू कही ना  खौल पड़े (हाय हाय)
सोने कि बाली ये गंदी बस्ती कि लाश 
वोटो कि नल्ली से चुसो मजदूर कि आस

हटो,चलो, रास्ता दो दौड़ रहा राजनैतिक वक्त रे (हाय हाय) 
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे(हाय हाय)

और एक ख़्वाब तिलक लगाके रखना 
                              बारी है कल बलि कि उसकी (हाय हाय)
दुआओं में घुल गई है एंटी फिलोसोफिकल सिसकी (हाय हाय)

'आज' पडा है तितर बितर 'कल' हमारा पाश पाश 
आओ एक पेग चडा के छेड़े कोई रोमेंटिक सा साज़ 

सा रे गा मा पे नाचता ये लाटू बड़ा ही सख्त रे (हाय हाय )
मरने वाला साला दो कौड़ी का भक्त रे (हाय हाय )

राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)
शेठ बड़ा चुसेगा कोई ग़रीब का रक्त रे (हाय हाय)
राम नाम सत् रे (हाय हाय) राम नाम सत् रे (हाय हाय)

-------------તંત્રી કહે છે--------------------------------------------------------------------------------------------------------

યાદ કરો, પેલી વાર્તા. દિવ્ય વસ્ત્ર પહેરીને ઘોડા પર નીકળેલો પેલો રાજા. રાજાને ખબર કે હું નાગો છુ. પ્રજાને ખબર કે રાજા નાગો છે. પણ બંને ચૂપ. આમાં કમાલ પેલા પાખંડીઓની કે એમણે વળગાળ્યું : "પોતાના બાપનું સાચું સંતાન નહીં હોય એને દિવ્ય વસ્ત્રો નહીં દેખાય". પણ અલગ સૂર હોય એને હોય જ, એ બહાર આવે, અને આવ્યો પણ ખરો : "મહારાજ, મને કોઈ ફર્ક નથી પડતો કે હું મારા બાપનું સાચું સંતાન છું કે નહીં, એટલે મને કહેવામાં જરાય વાંધો નથી કે, તમે કપડાં પહેર્યા વગર ઘોડેસવારી કરી રહ્યા છો". કહેનારને રાજાએ મારવાનું ચાલુ કર્યું. રાજાને જોનારાઓમાં વધેલા વિશ્વાસે રાજાને સાચું સંભળાવી દીધું, પછી શું, રાજા પ્રજા સામે નાગો થઈ ગયો. અને પાખંડીઓ બધું વાળીચોળીને છૂ થઈ ગયા. પ્રશ્ન થાય કે સાચું કહેનાર એ હતું કોણ? તમે તરત કહેશો, "એક બાળક." તો હું કહીશ, “ના”. કારણ, એ કહેનાર હતો એક બ્લૅક (વાર્તામાં ‘નીગ્રો’).
બુદ્ધ, કૄષ્ણ. રોહિદાસ, કબીરને આ દેશમાં ખોખલા કરી નાંખવામાં આવ્યા એમ બાળકના નામે આધ્યાત્મિકતા ઘુસાડી "નાગો રાજા" વાર્તાને ખોખલી કરી નાંખવામાં આવી છે, ખોખલી કરી નાખવાનું કામ રજનીશનું (એ પહેલાં કોઈએ કરી હોય તો એની જાણ નથી). વળી, કોઈને પ્રશ્ન થાય કે આધ્યાત્મિકતા ઘુસાડવાથી નુકસાન શું થવાનું? બલરાજ સહાની અહીં મદદે આવશે, "કલામાં આધ્યાત્મિકતા લાવવાથી નુકસાન જ નુકસાન છે, લાભ જરાય નથી". બલરાજ સહાની સાથે તમે સંમત ના થાઓ; તો પછી ચૌદમી સદીમાં સ્પૅનના જહૉન મેન્યુઅલે લખેલી "નાગો રાજા" વાર્તામાં ઘુસાડવામાં આવેલી આધ્યાત્મિકતા સમાજને શા ખપની? રામને તમે ધનુષબાણ વગર કલ્પો, તો નવુ લાગે, પણ શમ્બૂક, બાલી અને સીતાની કથાઓનું તમે કરશો શું. બાકી લોલંલોલની દુનિયા છે, ધનુષબાણ વગરના રામને જોઈને તાળીઓ પાડવાની, અને એ તાળીઓનો તાલ તો "નાગો રાજા" વાર્તામાં ઘુસાડાયેલી આધ્યાત્મિકતા જાણીને પાડેલી તાળીઓના તાલ સાથે મળતો આવે છે.


----------------------------------------------------------------------------------------

કવિતા મોકલો : umeshgsolanki@gmail.com

17 January 2013

અંક - ૧, જાન્યુઆરી ૨૦૧૩

આ અંકનાં કવિઓ અને કવયિત્રીઓ

1. ઉમેશ સોલંકી, 
2. વજેસિંહ પારગી, 
3. બ્રહ્મ ચમાર
4.  છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા, 
5. ફારૂક શાહ
6. શૈલેષ ભાંભી
 +  તંત્રી કહે છે

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

ઝાડુની સળીઓ / ઉમેશ સોલંકી

ગાંધી, તારી ટાલ પર મેં દારૂ રેડ્યો
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો

ચાલ તને શહેરની થોડી ગલીઓ બતાવું
ગલીઓમાં ઠેરઠેર
ફરતી, કણસતી, બોલતી, ડોલતી ઝાડૂની સળીઓ બતાવું
જો,
એક સળી ગટર કને બણબણતી જાય
દેરીની ધૂળમાં પેલી આળોટિયા ખાય
ગલીના નાકે એક અમળાતી જાય
દિશા ભૂલીને એક આમતેમ ફંટાય
દિવસે બતાવી, રાતે બતાવી
સળીઓની આખી એક જાત બતાવી
તોય તને કંઈ થતું નથી!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો

ચાલ તને, આજ એક વાત કહું
મહિનાઓ પહેલાંના દિવસ ને રાત કહું ઃ
અંધારી દિશાએથી
માંસ વિનાના બે હાથ આવ્યા
આવીને ખૂંદી વળ્યા એ ગલીઓ ઘણી
ખૂંદીને વીણી લાવ્યા સળીઓ કંઈ સામટી
સળીઓનો મોટોમસ ઢગલો કર્યો
ઢગલાનો ઘડીમાં ભડકો કર્યો
સળીઓ બિચારી શું કરે !?
ચીસો પાડે
સળીઓની ચીસો એવી તીણી ઊઠી
કાન હજાર-લાખ બ્હેર માર્યા
ચાર-પાંચ દિવસ વીત્યા ન વીત્યા
ત્યાં તો
સળીઓ પણ ગઈ
બ્હેરાશ પણ ગઈ
હાથ થયા હવામાં છૂ
છૂમંતર થ્યાં અંધારાં અજવાળાં
આવે ન ક્યાંયથી અક્કલની બૂ
ચાલ હવે,
સળીઓની બીજી એક જાત બતાવું
ઝીણી આંખેથી જોઈ શકે તો
સળીઓના રૂપમાં પેલી રાખ બતાવું
સાડી પહેરીને
કેટલીયે સળીઓ, જો, અહીં વાંકી વળી છે
પંડમાં બૂંદ નહીં, અને પરસેવે પલળી છે!
નાનીસી સળીઓ પેલી, કેવી પ્રાયમસ પર ઊકળે છે!
પડખે તું જો!
ઝીણું તું જો!
કાળીભમ્મ અંધારી આ ખોલીમાં
કૂણીકચ સળી કેવી મસળાતી જાય છે!
બસ..
હવે હું અટકું છું
ભાવમાંથી છટકું છું
ને તારી અંદર કશુંય હજુ હલતું નથી!
તો લે,
ગાંધી તારી ટાલ પર આ દારૂ....
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ ....
(સંદર્ભ : અમદાવાદમાં થયેલો લઠ્ઠાકાંડ)
આ કાવ્યને સ્વરમાં (ગાયક : આનંદમિત્ર) સાંભળવા માટે 
આ લિંક પર ક્લિક કરો : http://www.youtube.com/watch?v=a7JFcQvFgP4&feature=youtu.be

----------2-----------------------------------------------------------------------------------------------------------------------

વિવશતા / વજેસિંહ પારગી

સમરાંગણ ફેલાતું ફેલાતું
છેક આંગણામાં આવી પૂગ્યું છે
ને હું
કાંડા કપાયેલા હાથ લઈને
જોયા કરું છું
ભીંતે લટકતાં
ઢાલ અને તલવારને!
 
----------3-----------------------------------------------------------------------------------------------------------------------

હાળીના હસ્તાક્ષર / બ્રહ્મ ચમાર

એમના ખેતરનું
દરેક કામ
મારે કરવાનું :
વાવણી કરવી,
ક્યારા બનાવવા,
પાણી વાળવું,
ભેંસોને ઘાસચારો નીરવો
પાણી પાવું વગેરે... વગેરે...
 

જ્યારે
શેઠ હાજર ન હોય
ત્યારે
શેઠાણી જે જે ચીંધે
તે તે કરવાનું.
શેઠાણી હંમેશા
એક જ
કામ ચીંધતી
તે પણ શેઠનું.
મારે
નાછૂટકે
તે કરવું પડતું
મારાં રુંવાડાં ઊભાં થઈ જતાં..!


આજે
મારા બીજની માવજત કરતાં
એમને જોઉં છું
તો
મારા અંગ અંગમાં ધ્રુજારી
વ્યાપી જાય છે
ને
મુખમાંથી સરી પડે છે : 

"મારું બીજ
એના જ બંધુઓ પર
અત્યાચાર ગુજારશે"

(શબ્દાર્થ : હાળી : મૌખિક કરાર પર રખાયેલો ખેતમજૂર)

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

 કોને કેવું / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન 

બારિયા (દેવગઢ મહિલા સંગઠન)

ઊંચે જોવું આકાશ દેખાય, નીચે જોવું ધરતી દેખાય
કોને કેવું મારા દિલડાની વાત

એકલ-દોકલ વિધવા બેનોને કાઢી મૂકે
કોને કેવું મારા દિલડાની વાત

નથી મારું સાસરિયે કોઈ, નથી મારું પિયરિયે કોઈ
કોને કેવું મારા દુ:ખડાની વાત

જિંદગીમાં ડાકણ કાઢી, ઝાડ સાથે બાંધી દીધી
કઈ રીતે તોડવું સમાજની રીત

ઢોરની જેમ માર મારે, શરીર પરથી કપડાં કાઢ્યાં
કોણ રે ઢાંકે મારા આત્માની લાજ

જમીન ને ઘર છોડાવ્યું, ખોળામાંથી છોરાં છોડાવ્યાં
કંઈ નથી રેતું મારા જીવની સાથે
બડવા પોડી જોવે રે, ઘરમાંથી ડાકણ કાઢે
કુટુંબમાં ઝઘડા કરાવે, મારી બેનો !

ઊંચે જોવું આકાશ દેખાય, નીચે જોવું ધરતી દેખાય
કોને કેવું મારા દિલડાની વાત

(શબ્દાર્થ : બડવો - ભૂવો, પોડી - દાણા નાખી રોગ કે વળગણ જોવાનો ભૂવાનો વિધિ)

----------5----------------------------------------------------------------------------------------------------------------------- 

ઉત્પત્તિ-વિચાર / ફારૂક શાહ
 

પહેલાં  કંઈ પણ નહોતું
પછી વિશ્વનું સર્જન થયું
દરેક  જીવને જીવવાનો અધિકાર પ્રકૃતિએ આપ્યો
પછી કેટલાય યુગો વીતી ગયા  

કહેવાય  છે કે વાનરમાંથી બની ગયો  માનવ
માનવ  જંગલી હતો
પહેલાં  હિંસક હતો
પછી રચનાત્મક થયો
 
પછી રચનાત્મકતાનાં  શાસ્ત્ર બન્યાં
શાસ્ત્રોને  પ્રચારિત કરનારો પુરોહિત  અસ્તિત્વમાં આવ્યો
એણે માનવને બે ભાગમાં વહેંચી દીધો
નર અને  નારી
નરનું રાજ રહ્યું
નારીએ નોકરી કરી
 
પછી નરને પણ વહેંચી નાખવામાં આવ્યો
જાતિમાં
નર સાથે નારી પણ જાતિમાં વહેંચાઇ ગઈ
પછી નારી કે જે નોકર હતી અને ઉચ્ચ કે નીચ જાતિ હતી
એમાંથી  ઉચ્ચ ઉચ્ચ રહી
નીચ નીચ  રહી
બંનેમાં સિંચવામાં આવ્યા
એકમેક તરફના ભેદભાવના સંસ્કાર
પછી એમનું રક્ત નીચોવવાની પદ્ધતિઓ
વિકસાવવામાં આવી
નીચના ભાગે જાતિ આવી, બહારની મજૂરી  આવી
ને  આવી પડી કૈં કેટલીય આફત  દેહને લઈ
રક્ત  નીચોવવામાં આવ્યું બધાનું
 
પછી એક લાંબો કાલ-ખંડ પસાર થઈ ગયો
ત્યારે  આશાનો પ્રકાશ ફેલાવનારા
કેટલાક  લોકો આવ્યા
કેટલાંક રક્તવિહીન શરીરોનાં હૃદયોમાં
આશાની જ્યોત પ્રજ્વલિત કરી
પછી એ રક્તવિહીન શરીરોના  તળમાંથી
પેદા  થઈ ગઈ આગ
ફુત્કારતી તેજ તર્રાર આગ
એ આગથી પહેલાં તો તેમણે બાળ્યાં
પોતાના મગજમાં જામી ગયેલાં દુઃખોને
પછી સુકાઈ ગયેલી રક્ત-નલિકાઓમાં  ભરી દીધો
આગમાંથી ઉત્પન્ન તેજપુંજ
પછી બાળ્યાં
તેઓની આસપાસ ઉગાડવામાં આવેલાં ઝાડી-ઝાંખરાં
પછી જે કંઈ પણ જીવનની વિરુદ્ધ છે
એને બાળવા
તેઓ કટિબદ્ધ બનીને જૂઝી રહી છે 

(સંદર્ભ : દલિત-સ્ત્રી) 

----------6-----------------------------------------------------------------------------------------------------------------------

શિવ ખસી ગયા / શૈલેષ ભાંભી

હિમાલયના પહાડી વિસ્તારમાંથી
પસાર થઈ રહ્યો હતો
રસ્તામાં ભગવાન શિવ મળી ગયા
ઉદાસ હતા
પણ હું ધન્ય થઈ ગયો
એમનાં ચરણોમાં પડ્યો
એ દૂર ખસી ગયા
અને બોલ્યા :
"જોજે, દીકરા
અડતો નહીં
નહીં તો તું અપવિત્ર થઇ જઈશ"
એમના આ શબ્દો
કાનમાં મારા
ગરમ સીસું થઈ ઢોળાયા
હું હેરાન થયો
પૂછ્યું :
ભગવાન,
કોણે કહ્યું કે તમે પણ શૂદ્ર છો ?
મારા શબ્દો એમના કાને અથડાયા
ને એમની નજર
હિમાલયના ઉન્નત શિખર પર ચોંટી ગઈ
શિખર પર
એક સંન્યાસી
શિવના સમાધિસ્થાને બેઠો હતો
એના કપાળે તિલક ચમકતું હતું
અને એના હોઠ પર ગૂઢ સ્મિત
રમત રમી રહ્યું હતું !
 


-------------તંત્રી કહે છે--------------------------------------------------------------------------------------------------------

     ઇન્ટરનેટના ગામમાં દલિત કે પ્રતિબદ્ધ કે સમાજલક્ષી કવિતાઓ પસાર થતી નથી એવું તો સાવ નથી, થાય છે, પણ છૂટીછવાઈ. Like કે Comentની સંખ્યા વધારવા એ કવિતાઓ લખાતી હોય એવું પણ ઘણીવાર લાગે. એવી કવિતાઓને કવિતા કહેશું, વારું ? અરે ના, દલિત કે પ્રતિબદ્ધ કે સમાજલક્ષી કવિતાની વ્યાખ્યા બાંધવાની આ માંડણી નથી. વ્યાખ્યાના હથોડાથી કોઈની અભિવ્યક્તિનો ભુક્કો શું કામ  બોલાવીએ ? હથોડો તો નિર્માણ કરવા માટે છે, નિષ્પ્રાણ કરવા માટે નહીં. વળી, લેનિને કહ્યું છે ને, "વિચાર, ચેતના અને લાગણીઓ ઉચ્ચકક્ષાના વિકાસના કારણે પેદા થયેલાં છે".  અને આ ઉચ્ચકક્ષાના વિકાસના મૂળમાં હથોડો છે. મૂળમાં હથોડો હોય પછી કવિતા કોમળ કોવી રીતે હોઇ શકે ? કઠણપણું કવિતાનું અનિવાર્ય તત્ત્વ છે (આ વ્યાખ્યા નથી). જગતમાં કઠણપણું ધરાવતી કવિતા ટકી છે અને ટકશે (હથોડાનું કહેવત કે રૂઢિપ્રયોગમાં અર્થસંકોચન થયું એવું કઠણપણાનું ના થાય)
     વ્યાખ્યા પરંપરામાંથી આવવી ના જોઈએ, સૌંદર્યશાસ્ત્રમાંથી આવવી ના જોઈએ કે બીજા કોઈ શાસ્ત્રમાંથી આવવી ના જોઈએ, પણ સામે જે કવિતા છે એ કવિતામાંથી આવવી જોઈએ. ઉપર જે "વ્યાખ્યાનો હથોડો" કહ્યો એ શાસ્ત્રમાંથી આવેલો છે. એનું કામ કવિતાને નિષ્પ્રાણ કરવાનું છે. કવિતામાંથી આવેલા વ્યાખ્યાના હથોડાનું કામ નિર્માણ કરવાનું છે. શાનું નિર્માણ કરવાનું ? આકર્ષણનું, કવિતામાં આકર્ષણ પેદા કરનારા તત્ત્વનું. વળી, આકર્ષણને કોઈ વ્યાખ્યામાં બાંધી ના શકાય. આકર્ષણ તો માનવમળમાંય હોય. યાદ કરો ભૂંડને ! માનવમળ ભૂંડને આકર્ષે એમાં પ્રકૃતિ છે, અને કવિતા ભાવકને આકર્ષે એમાં ઉચ્ચકક્ષાના વિકાસનો અંશ છે. આ ઉચ્ચકક્ષાના વિકાસના અંશની ખેવના સાથે દર મહિને આકર્ષણનું તત્ત્વ ધરાવતી કેટલીક કવિતાઓ "निर्धार"માં પ્રગટ કરીશું. 
     પહેલો અંક તમારી સામે છે. 
 
કવિતા મોકલો : umeshgsolanki@gmail.com