17 March 2014

અંક - ૧૨ / માર્ચ - ૨૦૧૪

ઝાડુ-વિશેષાંક
Special Issue on Sociopolitical Poetry On Broom

આ અંકમાં
1. એક ઝાડુ / શૈલેશ ભાંભી
2. હાઇકુ / જયસુખ વાઘેલા
3. ઝાડુ / જયેશ સોલંકી
4. બે ઝાડુ / મયુર વાઢેર
5. હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ સોલંકી
6. તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ'
7. જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર'
8. झाड़ू - की आत्मकथा / वैशाख राठोड 
9. ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર
10. ઝાડુની જેમ / રોમેલ સુતરિયા
11. સંવેદના લીધી / ઉમેશ સોલંકી

1---------------------------------------------------------------------------------------

એક ઝાડુ / શૈલેશ ભાંભી (વડાલી, જિલ્લો - સાબરકાંઠા)

એક ઝાડુ
સદીઓથી
સમયની બખોલમાં પડ્યું છે
સાફસફાઈ ક્યારેક
ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડ્યું છે
થતું હતું
કોઈ મહામાનવ આવશે
સદીઓ જૂની
દુઃખ-પીડાની ભભૂકતી જ્વાળામાંથી
હાથ ઝાલી બહાર કાઢશે
પણ !
બધું જ પોકળ, નિરર્થક !
અનુભવ્યું
પરાધાર હંમેશા નિરર્થક

સમયની એ બખોલ આગળથી
હું પસાર થઈ રહ્યો છું
ઝાડુ
પોતાની બધી સળીઓ થપથપાવી રહ્યું છે
કંઇક વિશેષ અંદાજમાં
કંઇક વિશેષ કહી રહ્યું છે
આંખોમાં
સપનાંઓનો સુરમો આંજી
ખાદીનો પરિચિત પોશાક સજી
મસ્તકે
કાળી શાહીથી સંસ્કૃત થયેલી
ટપકાવાળી ટોપી પહેરી
હવાની મહત્તમ ગતિએ
બહાર આવી રહ્યું છે
હું
વિચારું છું
હવે
મારે ભાગીને
ક્યાં જવું ?

2---------------------------------------------------------------------------------------

હાઇકુ / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

    લઈને ઝાડુ
સદીઓથી ઊભો હું
    ડગ ભરવા

3---------------------------------------------------------------------------------------

ઝાડુ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

મને તો
આજે પણ
વાળુમાં મળે છે એઠવાડો
હું શી રીતે લખું
મારો ઇતિહાસ, મારી કવિતા, મારું નાટક
ચોખાના દાણા પર.
આમ પણ
દાણા પર લખાય
પ્રેમીનાં નામ
ગાથા ના કોતરાય
એટલે મેં
કૅન્સરના જીવાણુ જેવા
બ્રાહ્મણવાદના જીવલેણ જીવાણુઓથી
મારા ઝાડુની ખદબદતી સળીએ સળીએ
લખ્યાં હતાં
પ્રતિ-ઇતિહાસ, પ્રતિ-નાટક, પ્રતિ-કવિતા
સદીઓથી

બુદ્ધથી માંડીને બાબાનાં ક્રાન્તિગીતો
કોતરાયેલાં હતાં
ઝાડુની સળીએ સળીએ
ઝાડુના વાંસડા પર ફરકાવેલા
લાલ ઝંડા પર
અસ્પૃશ્ય કૉમરેડનાં લોહીથી
લખાયેલો હતો ઇતિહાસ
ઝાડુની સળીએ સળીએ કબીરના કટાક્ષો હતા
રોહિદાસની કરુણા હતી.

એણે આપણા ઝાડુનો ઝંડો કર્યો
ને પગલાં પર પાડ્યો પરદો
કાશ
આ ચોર વાણિયો ના હોતઃ
ભંગિયાને ઘેર
કાં બ્રાહ્મણ ધાડ પાડે
કાં વાણિયો

ભૂશે ભલે પગલાં ઝાડુ
પણ ગણે છે મનમાં ઝાડુ
મિસાઇલ કરતાં ખતરનાક ઝાડુ
એ જાણે છે, એ લોકો
મોટાગજાના છે, એ ધાડપાડુઓ
એમણે અમથું નથી ચોર્યું ઝાડુ
ડૅટોલથી ધોશે
જુઠ્ઠો ઉપનયન-સંસ્કારવિધિ કરશે
અને પછી
આપશે આપણા બાંધવોના હાથમાં
જેને આજકાલ આપણે
'આમ આદમી' કહીએ છીએ.

આપણી આસપાસ
બે જાતનાં ઝાડુ છે
એક ઝાડુ પર છે
પગલાંની પીડાનો
હજુ પણ લખાતો દસ્તાવેજ
અને બીજું ઝાડુ બન્યું છે
સંસદ તરફ
આગળ વધતા પગ વચ્ચેનો ડેરો (ડેરો - તોફાની ઢોરને ગળે બંધાતું લાકડું)

4---------------------------------------------------------------------------------------

બે ઝાડુ / મયુર વાઢેર (કોડીનાર, જિલ્લો - જૂનાગઢ)

અમારો જન્મ
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે થયો
યુગ-યુગથી હાથમાં ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી પેઢીને
સ્વચ્છ રાખવા કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં અકબંધ છે

તમારો જન્મ
સુગંધી શેરીના અજવાળે થયો
કે ઝાડુ પકડતાં જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ આદમીનાં ઝાડુ વચ્ચે !
ગંધથી ખદબદતા
કાળામેશ અંધારે થયો
યુગ-યુગથી હાથમાં ઝાડુ લઈ
એઠવાડ ખાધો
ગાળ ખાધી
હડસેલો ખાધો
છતાં
તમારી સુવાળી પેઢીને
સ્વચ્છ રાખવા કાજે
અમારી નવી પેઢીને
ઝાડુનો એ જ વારસો પાછો મળ્યો
અમારાં નામ હજુ
ગુલામોની યાદીમાં અકબંધ છે

તમારો જન્મ
સુગંધી શેરીના અજવાળે થયો
કે ઝાડુ પકડતાં જ
બની ગયા રાજા
કેટલો ભેદ છે
આપણે બેઉં આમ આદમીનાં ઝાડુ વચ્ચે !

5---------------------------------------------------------------------------------------

હાઇકુ / જિજ્ઞેશ મેવાણી, જયેશ સોલંકી, ઉમેશ સોલંકી

  આ હાળું ઝાડુ
ચપાક ચોંટ્યું એવું
   પગલાં હોધું

6---------------------------------------------------------------------------------------

તો 'આપ' 'આપ' છો / પ્રવીણ મકવાણા 'ગાફેલ' (મહુવા, જિલ્લો - ભાવનગર)

સદીઓથી દબાણા-પિસાણા
આશા હતી આઝાદીની
પણ થયું સાવ ઊંધું
સફેદ ખાદી
ધોળી દાઢી
કરી કાળુંધોળું
સ્વિસબૅંકમાં જમા કર્યું નાણું

ભક્ત બની મહેતા નરસિંહ કહેતા
'તરે મારી ઇકોતેર પેઢી'
પણ આ ધોળિયા
કેટલી પેઢી તારી દે
એ તો એમનો રામ જાણે
'ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ન લાધશે'
વાત રહી ગઈ કવિતાઓનાં થોથાંઓમાં
'વ્યથાનાં વીતક' રહી ગયાં
પુસ્તકનાં ભરચક પાનાંઓમાં
સદીઓથી અમી રહી ગયા વેંત છેટા
કોઈ મંદિર બાંધવાની વાતે
કોઈ ભાષા તો કોઈ કોમ
કોઈ નાતજાત
તો કોઈ ધરમબરમ ધરી આગળ
બેઠા સત્તાસિંહાસને
પણ બધા ભૂલી ગયા મૂળને
હા, મૂળને, અમારા અંગૂઠાને
અમારી આંગળીથી દબાતા એ બટનને
કેમ રે ભૂલી ગયા તમે
રાજધરમ લોકધરમ
એટલે કોઈકે એમને સાફ કરવા પડશે
વાળીને, ઝૂડીને, ચોળીને, ઘસીને
રાજાઓ ગયા અંગ્રેજો ગયા
પણ એમનો મેલ
થર થઈ ચોંટી ગયો છે
તમારી ઉપર
ધરણાં, સત્યાગ્રહ, લોકદરબાર
રેલી કે રેલા
એ તો ઘડી બેઘડીની છે સારપ
રીઢા થયેલા તસ્કરો, મવાલીઓ, ગુંડાઓ
ને ડાઘુઓના ડાઘ કાઢવા
જરૂર છે એક કવાયતની

ગરીબ રોટલો જાતે રળી લેશે
પણ એ ચાવી શકે નિરાંતે
એવી શાંતિ આપો
તો 'આપ' 'આપ' છો
રસ્કિનના 'અન તુ ધિસ લાસ્ટ'
ગાંધીના સર્વોદયથી ઉપર ઊઠી શકો
તો 'આપ' 'આપ' છો
ફુગ્ગો તમારો
ક્ષણમાં ના ફૂ।ટે
તો 'આપ' 'આપ' છો

7---------------------------------------------------------------------------------------

જાગી જાવ... / બાબુભાઈ ભાલિયા 'બુદ્ધિસાગર' (નાની જાગધાર, તાલુકો - મહુવા, જિલ્લો - ભાવનગર)

ખુશીથી સોંપી દેજો ઝાડુ, મૂળનિવાસી, જાગી જાવ, તમને જગાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ
ભલા આદમીએ લીધું હાથ ઝાડુ, એને કાયમ સોંપી દેજો ઝાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

દાસનાયે દાસ બન્યા તોયે મેલાવ્યું નહીં ઝાડુ
સામે ચાલી હાથ લે છે ઝાડુ, હવે તમારા કુળમાંથી કાઢી નાખજો ઝાડુ
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

એસ.ટી, એસ.સી. જાગો, ઓ.બી.સી. હવે મેળવો સિંહાસન તમારું
શ્વાન જેમ પર ઘર રખડે, કદી મળશે નહીં ઠેકાણું
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

ચોસઠ વરસનાં વ્હાણાં વાયાં, હક માટે આપણે પાડી છે રાડું
મત માટે નિશાન લીધું ગરીબોનું ઝાડુ
'બુદ્ધિસાગર' કહે જાગી જાજો, આ તો વરસોથી ચાલ્યું આવે જુઠ્ઠાણું
હવે તમે વ્હાલુ કરશો નહીં ઝાડુ

8---------------------------------------------------------------------------------------

झाड़ू - की आत्मकथा / वैशाख राठोड (अहमदाबाद)

मेरा नाम “झाड़ू कुमार जंगलात भाई सफाई” है
मेरा जन्म हुआ धरती के पेट से
खुले आकाश तले
एक मध्यमवर्ग पेड़ की टोच पर
वसंत का उत्सव मनाया गया उस वक्त
बड़ी ही विचित्र प्रक्रिया थी मेरे नामकरण की जन्मकरण की
मेरे नाम से जो मुझे घ्रीणा थी
वो सात साल की उम्र में ही ख़त्म हो गई
जब मुझे पता चला की
मेरे माँ बाप तो अनपढ़ थे बेचारे
तो बहोत सोच विचार नहीं किया नाम रखने पर
और बबुचक ज्योतिषियो से भी लेना देना नहीं था हमारा
तो कुंडली-वुंडली के चक्कर में मुस्तकबिल को भी उलजने नहीं दिया (मुस्तकबिल - किस्मत)

सरकारी स्कूल में पढ़ाई करके
इंग्लिश लिटरेचर में सेकंड क्लास में ओनर्स किया
सोचा की आगे पढके I A S बनूँगा
कॉलेज में एक लड़की से प्यार था
पर मेरे लोमड़ी जैसे मुह की वजह से कह नहीं पाया
और आईने के साथ उस लड़की ने ब्याह रचा लिया
सरनेम की वजह से मुझे कही नौकरी नहीं मिलती थी
और घर के सारे छोटे बड़ो की जिम्मेवारी मुज पर थी 
एक मोटी औरत ने मुझे बीस रुपये में नौकरी पे रख लिया
सुबह शाम उसका घर बुहार देता
कभी कभी वो मुझसे अपना संडास बाथरूम भी साफ करवाती
और में नाक पे गमछा बाँध के
सर जुका के काम करता रहेता
फिर अलमारी के पीछे तुच्छता से अँधेरे में फेंक देती
मुझे बहोत बुरा लगता
जब की वो साला बुढा television हर एक मिनिट में
कोई ना कोई गन्दी खबर सुनाता
या हिंदी पोर्न फिल्म दिखाता
फिरभी उसको संगेमरमर का showcase बनाकर दिया था उस मोटी औरत ने
मुझे बहोत बुरा लगता
मुझे अब इस यातना से छुटकारा पाना था
मुझे बड़ा अफसर बनाना था

जब मेरी मालकिन मेरे मालिक को
मेरे डंडे से पीटती तो मुझे मज़ा आता
मेरे मन में हंसी के फवारे उछलते
बस यही एक छोटा सा लम्हा था मनोरंजन का, मेरी शर्मसार ज़िंदगी में
तब मुझे अपने आप पर नाज़ होता
की में कितना बहादुर हूँ, औरत की रक्षा करने की क्षमता है मुज में
पर फिर भी मुझे उस नपुंसक पिटारे से कम मान मिलता
जो दिन दहाड़े, या रात के वीराने में
एक मद्धिम आहट के डर से अपना मुंह खोल देता
रुपियो के साथ साथ खानदान की शान ओ शोकत लुटने देता

पढ़ा लिखा था, बहादुर था, फिर भी मजदूरी करता था
गंदकी उठाता था, गटर साफ़ करता था
तो मेरे मानसिक दौरे भी बढ़ने लगे
कुछ किताबे थी, कुछ अक्षर थे
जिन्होंने मुझे नाज़ुक वक्तो में संभाला
अजीब दोस्ताना था किताबो से मेरा
रात के अँधेरे में वो मुझे दर्शन शाश्त्र की चाय में
अध्यात्म का टोस्ट घोलकर पिलाती
इश्वर है,
बस उसे ढूंढना पड़ता है
इश्वर सब देखता है,
बस उसके सामने उजागर होना पड़ता है 
इश्वर सब सुनता है,
बस ध्येर्य और शान्ति से मुखातिब होना होता है

भला हो उस “लचका” कामवाली का (लचका - ठुमक कर चलने वाली)
की उसकी बेवकूफी से मुझे मंदिर में घुसने का मौक़ा मिल गया
मंदिर का आंगन बुहारते बुहारते
एक अरज की इश्वर से
“हे इश्वर मुझे इस पलित यातना से बचा लो,
बड़ा अफसर बना दो”
मानो फ़ास्ट ट्रैक कोर्ट का चुकादा हो
चुटकी में कुबूल हो गई मेरी दुआ
मेरा पूरा ऐश्वर्य बदल गया
जब में घर की चार दीवारों से निकल कर
मर्द के हाथो में आकर अटका
इतिहास बदल दिया मैंने
भारतीय सियासत का
पूरा मुल्क मुझे सरआँखों पर बिठाकर चूमने लगा
और मैं “मोगेम्बो” से भी तिन गुना ज्यादा खुश हुआ
मेरे लोमड़ी जैसे चहेरे के
बड़े बड़े “बच्चन” साइज़ के पोस्टर छपने लगे
पढ़े लिखे,  so called intellectulas लोग
मेरे सामने सर  झुकाने लगे
बड़े से बड़ा राजनैतिक गुंडा मुझसे डरने लगा
मेरा नामकरण जन्मकरण फिर से हुआ
हिदुस्तान की इफ्तिदार ए कुर्सी पर ताज नशीन हुआ (इफ्तिदार ए कुर्सी - सरकारी कुर्सी)
और मैं “मोगेम्बो” से भी तिन गुना ज्यादा खुश हुआ

रंग, रुआब, आबरू, पोशाक सब बदला 
तो किस्मत की खुशियों ने काँटा बोया
भाग्य की हंडिया में
कर्म का स्वाद बरक़रार रहा

पहेले औरत के हाथ में था
एक ही घर का संडास-बाथरूम साफ़ करना था
अब मर्द के हाथों में हूँ
पूरा हिदुस्तान साफ़ करना होगा

9---------------------------------------------------------------------------------------

ઝાડુ મારો જીવનમંત્ર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

સદીઓથી
મારા લોકોને
ઝાડુ પકડાવી દીધું
ગંદકી સાફ કરવા માટે
ગંદકી સાફ કરતાં કરતાં
મારા કેટલાય લોકો
શહીદ થઈ ગયા એમની જ ગંદકીમાં..!!

'જીવન પરિવર્તનશીલ છે'
એવું કેટલીયે વાર સાંભળ્યું
પરંતુ
અમારા જીવનમાં
સદીઓથી
કંઈ જ પરિવર્તન નથી આવ્યું !
આજે પણ
એઠું ખાઈ રહ્યા છીએ
અને
ગંદકી સાફ કરી રહ્યા છીએ.

બાબાસાહેબે
અમને મતાધિકાર અપાવ્યો
પરંતુ
હજી સુધી
આમ આદમી તરીકે અમારો સ્વીકાર થયો નથી !

આજ 'આપે' ઝાડુ હાથમાં લીધું છે
લાગે છે
અમારી સાથે જળપાન કીધું છે
દુઆ કરીએ છીએ
'આપ' દફન ન થાય આ ગંદકીમાં !

10---------------------------------------------------------------------------------------

ઝાડુની જેમ / રોમેલ સુતરિયા (અમદાવાદ)

ન જાણે શું મજબૂરી હતી
તમારે ઝાડુ ઉપાડવું પડ્યું
આ નીતિ છે, અકસ્માત ન કહો
દરેક નગરની શેરીઓમાં ઝાડુને ઉછાળવું પડ્યું

આંગણે આંગણેના અમારા પ્રવાસમાં
ન જોયા અમારી હારોહાર તમને
ઝાડુ લઈને અમને ઉલ્લુ ન બનાવો
પીઠ પાછળ અમારી, અમને ખોટા ન ગણાવો
સાંકળથી નથી કંઈ બંધાયેલા
કે ઝાડુની જેમ અમે ઊભા રહેવાના

11----------------------------------------------------------------------------------------

સંવેદના લીધી / ઉમેશ સોલંકી

ઝાડુમાંથી સંવેદના લીધી
સંવેદનાને ઝંડે બાંધી
ઝંડો નહીં, છે વિચાર સાથી
વિચાર ઝલાયો હાથમાં કોના?
જોઈ લેને લગાર સાથી
જોઈ વિચારી આગળ વધ
દોડ નહીં ધીમે રહીને ડગલું ભરઃ
દેશનું નામ ભારત સાથી
ભારતની નોખી રીતભાત સાથી
ખૂણે ખૂણે અહીં ધર્મ વિફરે
ફૂંગરે ઠેકઠેકાણે જાત સાથી
દેશનું નામ ભારત સાથી

નૂર ખેંચી ખેંચીને ઝંડો એક સફેદ થયો
લોહી ચૂસી ચૂસીને સફેદ ઝંડો લાલ થયો
અડધુંપડધું કંઈ બચ્યું, તો કેસરિયાનો ભાગ થયો
હવે નવું છે લોહી તારું
લોહીમાં વિચાર ઉછાળ, સાથી
ને જો, સંવેદના તો ઝંડે ચડી
ફરફર કરતી આગળ વધી

ઝાડુ છતાં તારા હાથમાં સાથી
 દેશનું નામ ભારત સાથી
ભારતની નોખી રીતભાત સાથી

19 February 2014

અંક - ૧૧ / ફેબ્રુઆરી ૨૦૧૪

આ અંકમાં
1. એકલવ્ય! તું થઈ ન શક્યો... / વજેસિંહ પારગી
2. ઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી 
3. ગીરવે / દેવજી સોલંકી
4. હનુમાનજી તાડૂક્યા / શૈલેશ ભાંભી
5. બીક ઘણી લાગે / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
6. વિમાન / ડૉ. કનુ પરમાર 'અપવાદ'
7. મારા રસ્તે / ઉમેશ સોલંકી

------1---------------------------------------------------------------------------------

એકલવ્ય! તું થઈ ન શક્યો...વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

માટીની મૂર્તિ બનાવીને
તેં પૂરી એમાં શ્રદ્ધા
ને પ્રગટાવ્યું માટીમાં ચેતન
ને સ્થાપી એને ગુરુપદે.
માટીની હોય કે પથ્થરની
મૂર્તિ આખર ખોળિયું.
મૂર્તિના પ્રાણ તો -
સાધકની શ્રદ્ધા
સાધકનું તપોબળ.
એકલવ્ય! તું ખરો સાધક ખરો તપસ્વી
માટીમાં કરી તેં શ્રદ્ધાને મૂર્તિમંત.
ને મૂર્તિની સન્મુખ બેસીને
આરાધી તેં ધનુર્વિદ્યા
ને બની ગયો તું
ભારતવર્ષનો અનુપમ બાણાવળી.
ને ઉપેક્ષિતમાં પ્રગટેલી મશાલથી
ઝંખવાઈ ગયાં સ્થાપિત કોડિયાંઓ.

પણ દાતરડાને મિયાન નઈં
ને ભીલભાઈને ગિયાન નઈં
એમ મારા પૂર્વજ
તું પણ નીકળ્યો આખર ગમાર.
શિષ્ય તરીકે તને ન સ્વીકાર
ગુરુની ગળચટી વાણીથી તું ભરમાયો.
તારી ધનુર્વિદ્યાથી ઓઝપાયેલા ગુરુએ
ગુરુદક્ષિણાના નામે માગી લીધું
તારું સર્વસ્વ.
ને તેંય તે સમજ્યા વિચાર્યા વગર
કડવી તૂમડીનો વેલો કાપતો હોય એમ
કચ દઈને કાપી આપ્યો
સહસ્રબાહુ જેવો તારો અંગૂઠો.
ને જગમાં થઈ ગયો
તારી ગુરુભક્તિનો જયજયકાર.
ધન્ય તારી ગુરુભક્તિને
જેણે ઉજાળ્યું તારા નામને.

પણ તું ભીંત ભૂલ્યો
તારે તો પેટાવવી જોઈતી હતી
અંધારી રાત જેવા આદિવાસીઓમાં
અધિકારની અગ્નિશિખા.
પણ તું તો અંજાયો આગિયા જેવી ગુરુભક્તિથી
ને તેં ઓલવી નાખી તારી જ્યોતને.
એકલવ્ય! તું થઈ ન શક્યો
અંધારામાં અટવાતી
રાનીપરજનો રાહબર.

------2---------------------------------------------------------------------------------

ઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

એણે નામ પૂછ્યું
મેં કહ્યું :
કચરો.
એ મલકાતાં મલકાતાં બોલી :
કચરો !!!
મેં કહ્યું :
હા, કચરો;
કચરો ઢેડ.
દુઃખ એ વાતનું કે
આ નામ
મારી ફોઈએ નહોતું પાડ્યું.

એણે ગામનું નામ પૂછ્યું
હું મૂંઝાયો
એ હસી, ને પૂછ્યું ફરી
શું કહું હું
પણ કહ્યું : ગામ-બહાર
મારું ગામ
જેનું નથી કોઈ નામ
રસ પડ્યો એને
પૂછ્યો ત્રીજો સવાલ :
વ્યવસાય?
મેં કહ્યું :
'ગૂ' ગૅસ કંપનીનો માલિક છું.
વિખ્યાત હોટેલોને
મરેલા ઢોરોનાં માંસની વૅરાયટીઝ
સપ્લાય કરું છું.
પશુઓનાં ચામડાં ઊતરડી
જૅકેટ, બૂટ, બેલ્ટ બનાવી
મોંઘા ભાવે વિદેશોમાં વેચું છું.
લાશોએ
એકવાર પહેરેલાં
ફૅશનેબલ કપડાંને
સમગ્ર ભારતનાં
સ્મશાનગૃહોમાંથી એકઠાં કરી
'શો રૂમ્સ'ની ડિસ્પ્લૅ પર
ફરી સજાવું છું.
એ અધીરી થઈ ગઈ
ફટાફટ પૂછ્યો છેલ્લો સવાલઃ
પ્રેરણા ક્યાંથી મળી?
હું ચિડાયો
ગુસ્સે થયો
મેં તોલી મણની ગાળ
પછી સામે કર્યા સવાલઃ
કેમ
તમારું ને તમારા બાપદાદાનું નામ જ
જ્ઞાનસૂચક છે?
કેમ
તમારા જ શ્રમનું
ડોલરમાં રૂપાંતરણ થાય છે?
કેમ
અમારે ગામ નથી... ગામનું નામ નથી?
કેમ
અમે જ
ઉપાડીએ છીએ માથે મેલું?
કેમ
તમે નથી ખાતાં મરેલાં ઢોરોનું માંસ?
કેમ
તમે નથી પહેરતાં
તમારા વહાલસોયાની લાશ પર
ઓઢાડેલાં કપડાં?

એ ચાલાક હતી
એણે તુરંત
કમર્શીયલ બ્રેક લીધો
જે હજુ સુધી પૂરો નથી થયો!

------3---------------------------------------------------------------------------------------

ગીરવે / દેવજી સોલંકી (શ્રી  આટૅસ કોલેજ, ઝીંઝુવાડા, જીલ્લો - સુરેન્દ્રનગર)

કૂવે
પાણી ભરીને આવતી
મારી સ્ત્રીને
પેલો
ત્રાસી નજરે જોયા કરે છે
ત્યારે થાય છે કે
સાલાની
આંખો ફોડી નાખું
પણ
મારાં હાથ, પગ જીભ 
બધું જ
એના ઘેર
ગીરવે પડ્યું છે !

------4--------------------------------------------------------------------------------------------

હનુમાનજી તાડૂક્યા / શૈલેશ ભાંભી (વડાલી, જિલ્લો - સાબરકાંઠા)

શરીર આખું
ધ્રૂજવા લાગ્યું
આંખોમાંથી
અગનજ્વાળાઓ વરસવા લાગી
હનુમાનજી તાડૂકી ઊઠ્યા :
'અરે ઓ,
લોકોને વહેંચ્યા તો વહેંચ્યા
અમનેય...?
એય તમારી દુકાન ચલાવવા !'
હનુમાનજીનો
ક્રોધ ભરેલો અવાજ
કોઈ ન સાંભળી શક્યું
સૂરજ આથમી ગયો હતો
મંદિરોમાં
થઈ રહેલી આરતી-પૂજાનો અવાજ
આકાશ આંબવાનો પ્રયત્ન કરતો હતો

------5--------------------------------------------------------------------------------------------

બીક ઘણી લાગેફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા(દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
હું તો પગે ચાલનારી, મને એસ.ટી.માં બેસાડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને મંડળમાં જોડાવે
હું તો ઘરમાં સંતાઈ જાતી, હું તો વાડામાં સંતાઈ જાતી
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બ્હારથી બેનો આવે, મને વાતે વળાવે
મને શરમ ઘણી લાગે, મને બોલતે નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને તાલીમમાં બોલાવે
મને નવું શીખવાડે, મને શરત્યો નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બ્હારથી બેનો આવે, મને બૅંકમાં બોલાવે
મને સહી કરતા ના આવડે, પૈસા ગણતા ના આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

------6--------------------------------------------------------------------------------------------

વિમાન / ડૉ. કનુ પરમાર 'અપવાદ' (M.D.), વડોદરા

જોઈ લિસોટો આકાશમાં
થતો મનમાં ઉમળકો
કેવું હશે વિમાન ને સફર એની ?
થતી મનમાં એક ગમગીની
ના મળી બચપણમાં
સાઈકલની પણ સફર,
તો વિમાનની એક સફર નહિ મળે ?
ને કર્યો મનમાં નિશ્ચય
ચાલ વિમાનની એક સફર હું પણ કરું
ફરી આવી સફર નહિ મળે
ફરી જીવનની સફર નહિ મળે

છે મનમાં એક ઉજવણી
ચાલ્યો હું ધીમા પગલે,
મનમાં છે સંકોચ
કયાં જઈશ ? કેવી રીતે જઈશ ?
ફરી આવો ડર નહિ મળે
પહોંચ્યો વિમાનને દરવાજે
મનમાં છે એક ઉમંગ
ચાલ તું પણ ભર એક ઉડાન,
ફરી આવી ઉડાન  નહિ મળે

છે પહાડોમાં વાદળ કે વાદળોમાં પહાડ
ને મન મારું ખાલીખમ
ભરી લઉં આ નજારો
તું પણ આજે કહી દે
ફરી આ સમય નહિ મળે

------7--------------------------------------------------------------------------------------------

મારા રસ્તે / ઉમેશ સોલંકી

હળવે ચાલ્યાં, અમે એક રસ્તે.
હવે,  એના રસ્તે હું મારા રસ્તે

ટેરવાંને ટેરવાંની માયા છૂટી
એનાં ટેરવે ટેરવાં ફૂટ્યાં
ટેરવાં મારાં હથેળીમાં ઘૂસ્યાં
અને,  એના રસ્તે હું મારા રસ્તે

છેલ્લે જ્યારે
મેં જોઈ એને
ઝાંખા કાળા વાળમાં
પછી ખોઈ એને
હૈયે ત્યારે હામ નહોતી
હામની ઝાંખી ભાળ નહોતી
પણ આંખ હામથી જોતી'તી
નવા-અજાણ્યા રસ્તાને
છાનું છાનું ઉછાળીને
જોર કેટલું હોઈ શકે
ઠાઠ ઠોકરનો માપતી'તી
હતો જ્યારે હું મારા રસ્તે,  એના રસ્તે

નવા-અજાણ્યા રસ્તા પર 
ડગલું માંડ્યું
ડગલામાંથી
'ઓય મા' કરતું એક પગલું છૂટ્યું
પગલામાંથી લાલ રંગની ધાર નીકળી
ધાર નીકળીને ઊંચે ચડી
ઊંચે ચડીને ઝરણું બની
ઝરણું બનીને નીચે ઊતરી
નીચે ઊતરીને નદી થઈ
નદી થઈ તો ગજબ થયો !
ઠોકરનો શેલારો થયો
એક શેલારો હઈશો
બીજો શેલરો હઈશો
હઈશો હઈશો હઈશો
હઈશો હઈશો હઈશો

વરસોની વણઝાર ગઈ
દરિયાનો અણસાર નથી
પોપચાં પટ પટ થયાંકરે
પટ પટનો લગીર થાક નથી
થાક વગરનાં પોપચાં લઈ
રંગવાળા બાંકડે બેસી
પાનું પુસ્તકનું ખોલ્યું
આખેઆખું પાનું જોયું
પાનુંમાંથી પાનાં થયાં
ટેરવાં થોડાં હળવાં થયાં
પુસ્તક તરત બંધ કર્યું
ઊભા થઈને ડગલું ભર્યું
ને અમે અચાનક ભટકાઈ પડ્યાં
એણે જોયું  જોયું કર્યું
નજરને મેં સ્વસ્થ કરી
'જોયું  જોયું'ની કદર કરી
ઠાઠવાળી ઠોકરને
પગ હલાવી સરખી કરી
પછી
 એના રસ્તે હું મારા રસ્તે
 એના રસ્તે હું મારા રસ્તે