15 April 2016

અંક - ૩૬ / એપ્રિલ ૨૦૧૬

આ અંકમાં
૧. પળ બે પળ / વજેસિંહ પારગી
૨.પીળી પાન બેનો / પાંચ ગ્રામીણ બહેનોની રચના
૩. नमूना बनो / किरानी और अंजली (छत्तीसगढ़)
૪. આંખની અંદર / ઉમેશ સોલંકી

૧----------

પળ બે પળ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

સૂરજ જેવા સૂરજથી
હઠી ના શક્યો
એ અંધકાર
મારા દીવાથી નથી હઠવાનો.
તો શું મારે
દીવો પેટાવવાનું છોડી દેવાનું?
પણ એવું તો કેમ થાય?
અંધકાર સામે લડવાનો તો મારો ધર્મ છે!
ને ધર્મ તો મારે પાળવો જ રહ્યો!
ભલે પળ બે પળ પપલે
દીવો તો મારે પેટાવવો જ રહ્યો!

૨----------

પીળી પાન બેનો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન - દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

બેનો મારી વનમાં વસેલાં, પીળી પાન બેનો
બેનોની પીડા કોણ જાણે, પીળી પાન બેનો
બેનોનાં શરીર ધોવાય છે, પીળી પાન બેનો
બેનોને પરમિયા રોગ બઉં થાય છે, પીળી પાન બેનો
બેનોને માસિક દુઃખીને આવે, પીળી પાન બેનો
બેનોને પેટમાં બળતરા થાય છે, પીળી પાન બેનો
બેનોને કેડમાં કળતર થાય છે, પીળી પાન બેનો
ડીલેવરી-બેનોને ખોરાક નથી મળતો, પીળી પાન બેનો
ભૂખી-દુઃખી બેનો નબળી બઉં થાય છે, પીળી પાન બેનો
છોકરાં દુબળાં-પાતળાં જનમે, પીળી પાન બેનો
બેનોને મળે પાણી જેવી ઘેસ, પીળી પાન બેનો
શરમની મારી દુઃખી થાય છે, પીળી પાન બેનો
બેનોને સલાહ નથી મળતી , પીળી પાન બેનો
પૂછે ત્યારે નર્સબેન તોછડું બોલે, પીળી પાન બેનો
કાયાના રોગોની દવા નથી મળતી, પીળી પાન બેનો
બેનોની પીડા ક્યારે મટશે, પીળી પાન બેનો

૩----------

नमूना बनो / किरानी और अंजली (सीतापुर, जिला - सरगुजा Right To Food Campaign, Chhattisgarh)

नमूना बनो, युवा समय में        (नमूना - आदर्श)
कोई तेरी जवानी को तुच्छ ना जाने

काम से धंधा से नमूना बनो, नमूना बनो
बोली से बचन से नमूना बनो, नमूना बनो
चाल से चलन से नमूना बनो, नमूना बनो
गरीबों की सेवा से नमूना बनो, नमूना बनो.
नमूना बनो, युवा समय में
कोई तेरी जवानी को तुच्छ ना जाने

૪----------

આંખની અંદર / ઉમેશ સોલંકી

પુસ્તકનું પૂંઠું જોઈ
શરૂ થયેલી વાત
બની આજ
શ્વાસ અને હોઠ, હોઠ અને શ્વાસ
હોઠ અને હોઠ શ્વાસ અને શ્વાસ
અને ગઈ
શબ્દની બહાર
અર્થની પેલે પાર
પછી
કોમળતા અને હૂંફ
બંનેને સંગોપી
મીંચી આંખ
તો સરખેસરખું ગમતું
ધોળું ધોળું અને કાળું કાળું
કાળામાં ધોળું ભળેલું, ધોળામાં કાળું ભળેલું
રંગનો ભાર
રહી ગયો બહાર
અને, આંખની અંદર
બસ સુંદર સુંદર


15 March 2016

અંક - ૩૫ / માર્ચ ૨૦૧૬

આ અંકમાં
૧. कतई जोर करी / किरानी और अंजली (छत्तीसगढ़)
૨. રાહ / વજેસિંહ પારગી
૩. અમને માફ કરજે / જયેશ સોલંકી
૪. પરીકથા જેવી / ડૉકનુ પરમાર 'અપવાદ'
૫. મગરાની વાતો / ઉમેશ સોલંકી

૧----------

कतई जोर करी / किरानी और अंजली (सीतापुर, जिला - सरगुजा, छत्तीसगढ़ - Right to Food Campaign, Chhattisgarh)

एक रुपया किलो चाउर मिले (चाउर - चावल)
पांच रुपया किलो चना,
फोकट में नोन मिले (नोन - नमक)
सौ रुपया किलो तेल
मोर साखी रे, जुछा घरे कतई जोर करी ?  (साखी - सखी, जुछा घरे - खाली घर में, कतई - कितना)

सरकार हर देहेल आंगनबाड़ी में (देहेल - देती है)
बढिया बढिया पोषण,
कार्यकर्ता देहेल बिगडल मरल दलिया (कार्यकर्ता - आंगनबाडी कार्यकर्ता)
मोर साखी रे, लाईका हवा कतई बढिया रही ? (लाईका - बच्चा, हवा - अब)

सरकार हर काम देहेल
रोजगार गारंटी कानून,
तेहुले गांवे काम नहीं मिले (तेहुले - तब भी)
मोर साखी रे, अनपढ़ हमर कतई जोर करी ?

सरकार हर पेंशन भेजेल
हर महिना में,
खाता में पैसा पहुंचेल छः महिना में
मोर साखी रे, जुछा हाथे कतई जोर करी ?

૨----------

રાહ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

ગરીબી વેઠી વેઠીને
ગળી ગયાં છે ગાતર.
શોષણથી શોષાઈ શોષાઈને
થઈ ગયા છીએ હાડકાંનો માળો.
અન્યાય સામે
ન્યાય માટે
હક માટે
લડીએ તો કઈ રીતે લડીએ ?
અમે તો
આવતી કાલનું આશાનું કિરણ આંજીને
વેંઢારીએ છીએ કાળુંધબ જીવન
ને વાંછી છીએ-
આવતી કાલનો સૂરજ
સોનાનો થઈને ઊગે
ને ઝાંખાંપાંખાં જીવનને
ઝળાંઝળાં કરે !
અમે તો
કોઈ મસીહા અવતરશેની આશામાં
ધૂંધળી નજરે જોઈએ છીએ
જન્મનારા પ્રત્યેક બાળક તરફ.
ને પ્રાર્થીએ છીએ-
કોઈ બાળકરૂપે મસીહા અવતરે
ને જિંદગીમાંથી નીકળી ગયેલાને
જિંદગીના કેન્દ્રમાં આણે
ને પૃથ્વીપટ પર સ્થાપે
માનવ તરીકે !

-------------

અમને માફ કરજે / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

ધોળે દા'ડે
વીંટાળી જનોઇ ડોકમાં
મારી દીધી બેત્રણ આંટી
પછી
ઊભા થઇ ગયા
સામસામે એ લોકો
છડે ચોક.
એક છેડો
બ્રાહ્મણવાદીઓના
હાથમાં હતો
બીજો છેડો હતો
મૂડીપતિઓના હાથમાં
વચ્ચોવચ હતો
શોષણ વિરુદ્ધ બોલતો
અન્યાય-અત્યાચાર વિરુદ્ધ લખતો
ન્યાય ખાતર લડતો
શોષણવિહીન
જ્ઞાતિવિહીન
પિતૃસત્તાવિહીન
સમાજનાં સપનાં જોતો
તું
ને અમે જોતા રહ્યા તમાશો
પાળતા રહ્યા તાળીઓ
કહેતા રહ્યા
હત્યાને આત્મહત્યા
અમને માફ કરજે, રોહિત !

-------------

પરીકથા જેવી / ડૉ. કનુ પરમાર 'અપવાદ' (વડોદરા)

અમે તો ગામને છેવાડે રે'વાવાળા
ચામડાંનું ને સેન્ટિંગનું કામ કરવાવાળા
આમ તો કે'વાઈએ હરિજન
પણ રામમંદિરમાં પ્રવેશ-નિષેધ.
અમે સવાયા ગુલામ
આપાની ગાળો ખાતા
તોય એની દાડિયું કરતા.
અમારા ધર્મની અમને ક્યાં ખબર ?
ગરીબી હટાવવા
ભણતર મેળવવા ધર્માંતરણ કરતા.
અમે કોઈથી અભડાતા
કોઈ અમારાથી
એમના એઠા ઠેબરામાં
પાણી-અંજળ છેટેથી કરતા.
અમે સવાયા માંસાહારી
ભેંસનું કે ગાયનું હોય
હોય પાડાનું કે બળદનું
પણ ક્યાં હલાલ હતું ?
હતું મડદાલ.
અમે લાજુંય કાઢતા
હોય એમાં
અમારા મોટિયાર ને આખું ગામ.

આવ્યો કોઈ દેવદૂત
મોહનભાઈ એનું નામ
પકડ્યો અમારો હાથ
સફર શરૂ થઈ મંજિલ તરફ.

કર્યો પરિશ્રમ, મળ્યું ફળ
તોય છેલ્લે લાગ્યું
અનામતનું લાંછન.
થયા મોટા
ભણીગણી આગળ વધ્યા
તોય રહ્યા પૂંજાના છોકરા

જિંદગી
નો સમજાઈ
લાગે બધું 'અપવાદ'
એટલે કહી દીધું
અમારી વાતો પરીકથા જેવી.

૫----------

મગરાની વાતો / ઉમેશ સોલંકી

મગરાની વાતો રૂડી સાંભરતી      (મગરો - ડુંગર)
એવી મગરાની વાતો રૂડી સાંભરતી    (મગરાનું ઉચ્ચારણ : મગ-રો)
ઢોરઢાંખર ચરાવતાં
લિલ્લાંછમ થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

ગોખરાંને કાંકરાને
તળિયેથી પીધાં
ને શીતળ હવામાં હાથ
ફરફરતા મૂક્યા
પછી
પગમાં તે લાલઘૂમ ચણોઠી ઊગી
આંગળીએ આંગળીએ
મોર ઘણા કૂદ્યા
કૂદતાં કૂદતાં મોર
મેઘ-ઝરમર થ્યા'તા
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

છોરીએ છોરીની કેડે
એમ ચૂંટી ખણી
કે છોરીનાં નેણે આભ
આખું બિડાયું
ઘાટ લીલી છાતીનો
ઘડી આંખમાં ભર્યો
ત્યાં તો હૂંફાળા જળથી
અંતર ભીંજાયું
પછી ધીરા વરસાદે
અધીરાં મન થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

બાવળના રૂમાલથી
તડકાને ગાળીને
ગટગટ ગળા લગી
એવો પીધો માણીને
કે આખ્ખોય મગરો
ઘેરાયો આંખોમાં
ને ગેગલાએ કલરવ
ઓઢાડ્યો આવીને
પોઢેલા મગરે પછી
લાલ સૂરજ થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

નટખટ કિશોરપણું
ગૂમસૂમ પથ્થર બનીને
મગરાની ટોચે અમારી વાટ જુએ છે
પણ સમજણનો ભાર કૈં
એટલો લાગે કે
થાકી થાકીને
પગની પાની રુએ છે
રિવાજને તોડતાં
સમાજના સજન થ્યા'તા
ત્યારથી
મગરાની વાતો રૂડી સાંભરતી

15 February 2016

અંક - ૩૪ / ફેબ્રુઆરી ૨૦૧૬

આ અંકમાં
૧. પછી તો બેસી જ રહ્યો / મેહુલ ચાવડા
૨. મડાગાંઠ / વજેસિંહ પારગી
૩. एक दिन छारेनगराम् / अनीश गारंगे
૪. શોધમાં / ઉમેશ સોલંકી
---------------------

પછી તો બેસી જ રહ્યો / મેહુલ ચાવડા (અમદાવાદ)

કોલેજના રંગીલા રીમઝીમ દિવસોમાં
મને એ ગમી
બસ... પછી તો...
હું નીરખ્યા જ કરું, નીરખ્યા જ કરું
આમ ને આમ
એને પણ ખબર પડી ગઈ કે
'પેલો છોકરો મારી સામે
ટગર ટગર જોયા કરે છે.'
પછી
પછી તો શું ?
એ પણ મને છાનીમાની જોઈ લે.
હું જોવું એને
એ જુએ મને
આમ ને આમ વીત્યા મહિના છ.
મને મળી તક
કોલેજની પિકનિકમાં
અને પૂછ્યું
'I Like You'
એણે શાંત થઈ પૂછ્યું,
'મેહુલ, તમે કેવા...?'
હું ચૂપચાપ બેસી રહ્યો...બેસી રહ્યો...
અને કડડભૂશ.
મોંઢામાંથી શબ્દ નીકળ્યો 'માણસ'
એ જોતી રહી
અને બોલી, 'પણ કેવા ?'
વ્યાકુળ થઈ ગયો
અને બસ
પછી તો બેસી જ રહ્યો
બેસી જ રહ્યો..
(સત્યઘટના ૨૦૧૦)

---------------------

મડાગાંઠ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

મને ઠોકર વાગે
એને પીડા થતી નથી.
હું પડી જાઉ
એ મને ઊભો કરતો નથી
કશા કામનો નથી જેનો સાથ
એ પડછાયો
મારો સંગાથી
સાથે ને સાથે રહીને
પડવા દેતો નથી મને એકલો.
એ પડછાયો
દૂર કરી શકતો નથી
મારી એકલતા.
ભાગી છૂટવાનું મુશ્કેલ હોય
તોય હોય છે મારી પાસ
પડછાયો
મારી પર પહેરો ભરતો
પહેરેગીર.
સાંકળને તોડી શકું
સંબંધોને છોડી શકું
પણ નથી છુટાતું આ પડછાયાથી.
પડછાયો
મારી હયાતીને પડેલી
મડાગાંઠ.

---------------------

एक दिन छारेनगराम् / अनीश गारंगे (अहमदाबाद)
 
एक दिन छारेनगराम् पुलीसा की रीड़  थी  पड़ी ।
सारे चालियाम् भगदड़ थी मची
दारुवाय केन मौरीयाम दबाण ।
हम तो दारु बेचीकन  ख़ाव
तब जाइकन चुलाह मारहा जळ ।
उस दिनास गुनेम हम अ।ए
माहरीया जाती पर धबा लागया ।
माहरी माँ सवेर उठ उठीकन भट्टी बौ काढ़ ।
दुसरे बाजु हुँ तो रोव
रौवत रौवत माँऊ कु बुलाव ।
आगी साथी माहरी माँ तो ख़ैल
ज़ोखम लेइकन जीवन बो जीव ।
तो भी पुलीस उसकु ह मारती
सामना साथी उसकु लेइ जावती ।
उस दीनास माहरे घराम् चूलाह नाही जळया ।
माहरे बापान पी ली थी दारु
दारु पीकन माहरकु मारया ।
दारु पी ख़ाणा मुंघाया
पीछी बो कड़ी चलया गया ।
हम तो भूख़े सोये थीये
माहरा बाप भी भूख़ा सोया ।
उन चौरीयाक रसता पकड़या
उसकु भी पुलीसान मारया ।
उस दीनास माहरे घराम् अंघेरा छाया ।

---------------------

શોધમાં / ઉમેશ સોલંકી

તને હું
કહું શું
સર્જન કશું
કરતું નથી સંવેદન.
તારામાં ભળવાથી
ભળી હતી ઊર્જા મારામાં
મારામાં રહેલી
તારીમારી ઊર્જા સઘળી
થઈ રહી છે વિસર્જન.
વિચારું છું
જે ઊર્જાથી
ઇતિહાસને વાળવાનો હતો
ખેંચી લાવવાનો હતો
મૂકવાનો હતો
ભાઠા પડેલા અગણિત હાથમાં
પણ, તને હું
કહું છું
સર્જન કશું
કરતું નથી સંવેદન.
વળી
ચરણને તારાં ચોંટી પડી છે ફર્શ.
નવી ઊર્જાની શોધમાં
નીકળવું પડશે મારે હવે
દૂર ઘણે
છતાં રાજી છું
આંસુની ટેવ
ચૂકી આજ
મેકઅપ કરેલી તારી આંખ.

15 January 2016

અંક - ૩૩ / જાન્યુઆરી ૨૦૧૬

આ અંકમાં
૧. પ્રશ્ન / વજેસિંહ પારગી
૨. તમને શું ખબર / બ્રહ્મ ચમાર
૩. હયાતીનું પુનરાવર્તન / દિપક બરખડે
૪. બેનો કંઈ મળશે? / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૫. સુ-પાછળપણું / ઉમેશ સોલંકી

૧--------------------

પ્રશ્ન / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો : દાહોદ)

છાતીમાં ઊડાઊડ કરે છે
લાગણીનાં પતંગિયાં.
ઊડતાં પતંગિયાંને બેસવા
કદી ન મળ્યાં
સંબંધનાં ફૂલ.
ફૂલોનો અભાવ
ભોંકાય છે શૂળની જેમ
ને નીકળે છે આહ!
ને આહ ભેળો ઊઠે છે પ્રશ્ન :
મારે માટે કેમ ન આવી
દુનિયાના બાગમાં વસંત?

૨--------------------

તમને શું ખબર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)

મંદિર સળગે
મસ્જિદ સળગે.
તમને શું ખબર?
અહીં મારું પેટ સળગે

૩--------------------

હયાતીનું પુનરાવર્તન / દિપક બરખડે (સેલંબા, તાલુકો : સાગબારા, જીલ્લો : નર્મદા)

મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે
પણ હું,
‘મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે’
એમ કહીને કહું છું કે
‘કાચા જ કહિયા અમને
કદી ના કીધા કુશળ રાજકાજમાં’
એમ કહીને કહું છું કે,
‘કડી કડી કાયર જ કહિયા
કહિયા કદી ના, છે અમારાંમાં પન જોર ને જોમ’
એમ કહીને કહેવું પડે કે,
‘કેટલા કેમેરાઓ કર્યા છે જીવતે જીવતા કોર
જે સહેવી પડી કાયમની કડવાશ’
એટલે
કહીને કહું છું
મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે.

૪--------------------

બેનો કંઈ મળશે? / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

લીલો રૂમાલ પીળો રૂમાલ, બેનો કંઈ મળશે? કંઈ મળશે?    (કંઈ = ક્યાં)
ટીમરવા દરો, આંબા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે     (તંઈ = ત્યાં)

પાડો ડુંગર, આમલી નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
સાજોરા નદી, જાંબુ નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

ડેડકો ડુંગર, વડલા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
સાગટાળા જંગલ, મહુડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

બારા તળાવ, લીમડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
દિવ્યા જંગલ, સાગડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

દેવગઢ ડુંગર, સંગઠનની બેન મારી, બેનો તંઈ મળશે, તંઈ મળશે
લીલો રૂમાલ પીળો રૂમાલ, બેનો કંઈ મળશે? કંઈ મળશે?

--------------------

સુ-પાછળપણું / ઉમેશ સોલંકી

ધર્મ તારો
ચર્ચના ખૂણામાં
લપાઈને ઠર્યો છે

ધર્મ તારો
મસ્જિદમાં
ટૂંટિયું વાળીને પડ્યો છે

ધર્મ તારો
મંદિરની મૂર્તિના પોલાણમાં
થરથર્યો છે

ધર્મનું ના ભાન જેને
પરમનું ના કામ જને
સાવ એવી નગ્નતામાં સરવું છે
આદિમાનવ આજ બનવું છે