15 December 2013

અંક - ૯, ડિસેમ્બર, ૨૦૧૩

આ અંકમાં 
1. अशोक का पश्चाताप / श्याम
2. આગળ જતા રોકે છે / મુસ્તુખાન કે. 'સુખ'
3. અદ્ ભુતની આશાએ / વજેસિંહ પારગી
4. દલિત-પીડિત નારીનું ગીત / બ્રહ્મ ચમાર
5. મોટી ઑફિસમાં / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
6. એક દાયકા પછી / ઉમેશ સોલંકી


----------1----------------------------------------------------------------------------------------------------------------------- 


अशोक का पश्चाताप / श्याम (अहमदाबाद)

निःशब्द , निस्तब्ध
अपराधबोध -बद्ध
रक्तरंजित इस समरांगण में ,
क्यों मूक खड़ा हूँ
इस विमूढ दशा में
मैं, अशोक, इस घोर निशा में
क्षत-विक्षत अंग-उपांग
चेतनहीन कई मानव -प्राण,
आर्तनाद चुभ रहे हृदय में,
सहसा क्यों विरक्त हुआ
डूब रहा हूँ अथाह व्यथा में
मैं, अशोक, इस घोर निशा में

उद्विग्न है क्यों मन
अग्निकुंड सा जल रहा है तन
विजय-बेला के ऐसे क्षण में !
पूर्वात कभी था
ऐसी विचित्र द्विविधा में !
मैं, अशोक, इस घोर निशा में
ये रूदन, ये चित्कार
ये पीड़ा, ये हाहाकार
किस महत्त्वकांक्षा के प्रतिफल में
प्राप्त कर रहा पुरस्कार ये,
तथ्यहीन इस युद्धप्रथा में
मैं, अशोक, इस घोर निशा में

है पुंश्चली विजयश्री
सदैव रही किसकी चेरी
सत्य ये निहित रहा उन्माद में,
काल-गर्भ से शोध रहा हूँ
चिरभोक्ता, परंतु वृथा में-
मैं, अशोक, इस घोर निशा में

समय सदा साक्ष्य रहा
लहू युगों का व्यर्थ बहा,
इसी इतिवृत के किसी अंश में
हिंस्र पशु-सा स्थापित हुआ
आज काल की अंध दिशा में
मैं, अशोक, इस घोर निशा में

----------2----------------------------------------------------------------------------------------------------------------------- 


આગળ જતા રોકે છે / મુસ્તુખાન કે. 'સુખ' (ખાટી સિતરા, તાલુકો ઃ અમીરગઢ, જિલ્લો ઃ બનાસકાંઠા)
 

આંખો સામે દર્પણ ધરતાં
ચહેરાને બદલે વેદનાગ્રસ્ત આંસુ ઉભરાયાં
વેદના તો બધા પાસે હશે એમ સમજી
લોકોની વેદના વાંચવા નીકળી પડ્યો
વાંચતો વાંચતો પહોંચ્યો
ગરીબની ઝૂંપડીએ
નગ્ન બાળકો,
શરીર પર પરિશ્રમના દસ્તાવેજીકરણ સમો પરસેવો
ઝૂંપડામાં સરળતા પ્રવેસતો તડકો,
ભોજનમાં સુક્કા રોટલા સાથે
દૂધના બદલે પાણી,
અને ફૂટેલું માટલું
મને આગળ જતા રોકે છે


----------3-----------------------------------------------------------------------------------------------------------------------


અદ્ ભુતની આશાએ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ઝાડ ઊડતાં હતાં
પંખીઓ વાતો કરતાં હતાં
પરીઓ ઉડાડીને દરિયાપાર લઈ જતી
દોહ્યલીમાં દેવો વહારે ધાતા
સાચની જીત થતી ને જૂઠની હાર થતી
ને ભોળાનો બેલી ભગવાન થતો..
દાદા પાસેથી
આવી આવી વારતાઓ સાંભળીને
જિંદગી અદ્ ભુત છે -
એવી આશા મારામાં રોપાઈ હતી
પણ જીવ્યો ત્યારે -
ઝાડ ઊડ્યાં
પંખીઓએ વાતો કરી
પરીઓ પાસે ફરકી
દેવો વહારે ધાયા
સાચ સતત હારતું ગયું
ને જૂઠની હંમેશ જીત થઈ.
અને ભગવાન તો
સમણામાંય આવ્યો નહીં
એટલે કે
વારતામાંનું કંઈ કરતાં કંઈ
જીવનમાં બન્યું નહીં.
ને તોય
બાળપણમાં રોપાયેલી
કંઈક અદ્ ભુત બનશેની આશા ડગી નહીં.
એટલે તો હું હજુ
કોઈક દિવસ 
એકાદ અદ્ ભુત ઘટના બનશેની આશા પર
જીવ્યે જાઉં છું
જિવાય નહીં એવી જિંદગી.

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

દલિત-પીડિત નારીનું ગીત / બ્રહ્મ ચમાર

ગાંમચૌટે મારી આબરૂ લૂંટાણી, પ્રભુ ! તારી આંખ કાં ફૂટી નઈ ?
પ્રભુ ! તારી આંખ કાં ફૂટી નઈ ?

ચોટલે પકડી ભોડાં ભટકાવ્યાં
છોડાવા આવ્યું ન કોઈ,
હીબકે હીબકું ગાંમ સાંભળતું
નાગાઈની બેરાશું જોઈ.

ચોરે બેસીને મૂછો મરડતા, અલ્યા ! તમારી મર્દાનગિયું મરી ગઈ ?
પ્રભુ ! તારી આંખ કાં ફૂટી નઈ ?

માર એટલો માર્યો એટલો માર્યો
સાવ થઈ ગઈ બેભાંન,
છોડાવનારના પગ ભંગાણા
ગાંમ થયું બદનાંમ.

દાકતરોને દેવ માંન્યા'તા, હારી દવાઉં કરી નઈ !
પ્રભુ ! તારી આંખ કાં ફૂટી નઈ ?

ખાખી વરદીએ નાક કપાવ્યું
સજા કરી નઈ કંઈ !
ખવાય એટલું ખાધા કર્યું
દુ:ખના દા'ડા અંઈ !

અન્યાય થયો પણ ન્યાય મળ્યો નીં સરકારું વંઠી ગઈ !
પ્રભુ ! તારી આંખ કાં ફૂટી નઈ ? 


----------5-----------------------------------------------------------------------------------------------------------------------


મોટી ઑફિસમાં / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)


મોટી ઑફિસમાં બેઠો ઑફિસર
બેઠો બેઠો આંકડા મંગાવે, પેલો ઑફિસર

આંગણવાડી ઓછી રે, સાંભળ ઑફિસર !
બાળકો બાકી રહી જાઈ, સાંભળ કબૂતર !
 

ગામ અંઈ આંગણવાડી તં...ઈ, જો ને ઑફિસર !
બાળકો કેમ કરી જાય, સમજ કબૂતર !
 

છ મહિના નાસ્તો નંય, વિચાર ઑફિસર !
કેમ કરી પોષણ મળે, વિચાર ઑફિસર !
 

નર્સ નથી આવતી રે, સાંભળ ઑફિસર !
રસીકરણ થાતું નથી રે, સમજ ઑફિસર !
 

લોખંડ ગોળી મળતી નથી, તને કહું છું ઑફિસર ! (લોખંડ ગોળી = આયર્નતત્ત્વવાળી ટૅબ્લેટ)
જોખમ ઘણું થાય છે રે, સાંભળ ઑફિસર !
 

આંખના પાટા ખોલ ! જો ને ઑફિસર !
બાળકો સામે જો, ઓ રે ઑફિસર ! 



----------6-----------------------------------------------------------------------------------------------------------------------



એક દાયકા પછી / ઉમેશ સોલંકી

મમ્મી, તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ ફાવે છે.
તું મરી ત્યારે
ભીનાશ પણ અડકી નહોતી આંખને,
દુઃખ થયું નહોતું એવું તો સાવ નહીં કહું
થયું હતું, થોડુંઘણું
પણ પરંપરાવશ
સાચું કહું
તારા મર્યા પછી હું ખુશ હતો, બહુ ખુશ હતો
ખુશીમાં ને ખુશીમાં મેં મુંડન નહોતું કરાવ્યું
ઉત્તરાયણ પર ઘરમાં
મેં એકલાએ પતંગ ચગાવ્યા હતા
એવા પતંગ ચગાવ્યા હતા, એવા પતંગ ચગાવ્યા હતા
જાણે મારી યુવાનીને બાળપણ ફૂટી નીકળ્યું હતું
સમાજમાં ભલે રફેદફે થઈ ગયો
પણ ખુશ હતો
બહુ ખુશ હતો
કારણ
તારું મરણ
તારી લાંબ્બીલચ્ચ વેદનાનો છેડો હતો
મને યાદ છે
પથારી બની ગયેલા તારા મેદસ્વી શરીરને
હજારો માકણ વળગી પડેલા
ભારે થતા ગયેલા
એવા ભારે થયેલા
તું મરી ત્યારે, એ ચાલી પણ નહોતા શકતા
બોલ, પછી તારા મરણ પર કેવી રીતે રડું?
પણ મમ્મી,
તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ ફાવે છે.
તું હમેશા કહેતી
માંહ્યલો બધાનો સારો હોય
માણસ છોને સ્હેજ-વધારે ખારો હોય
પણ માણસ આજ માકણ બની ગયો છે
માંહ્યલાને ચૂસી રહ્યો છે
ચૂસી ચૂસીને ભારે થઈ ગયો છે
ભારે થઈને આગળ ધસી રહ્યો છે
ટોચ પર પહોંચી ગયો છે
જ્યાં જુઓ ત્યાં માકણ દેખાય છે
હેં મમ્મી, તું ખોટી પડી !
સાવ ખોટી પડી !
સાચું કહું છું
તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે

----------------------------------------------------------------------------------------------------------
તમે પણ તમારી રચના umeshgsolanki@gmail.com પર મોકલી શકો છો
----------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------
પ્રતિભાવ જણાવશો !
----------------------------------------------------------------------------------------------------------