14 September 2014

અંક - ૧૮ / સપ્ટેમ્બર ૨૦૧૪

આ અંકમાં 

૧. ગઝલ / વજેસિંહ પારગી
૨. સપનું જોતો રહ્યો / મહેન્દ્ર સોલંકી
૩. પંચમહાલ જિલ્લાનું મરશિયું / પ્રેષક - વિજય વણકર 'પ્રીત'
૪. પતંગદોર / ઉમેશ સોલંકી 

----------------------------------------------

ગઝલ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

કહેવાતાં સૌ સગપણ છોડી,
બેઠો છું પરપોટા ફોડી.

ક્યાં લગ જીવણ તરશો દરિયો ?
કાયા છે કાગળની હોડી.

જર્જર ભીંત સમો છું હું ને
હરપળ ઝીંકે કાળ હથોડી.

વાર્તા સુખની સૌની સરખી,
ખ્યાલો ઝાઝા ઘટના થોડી.

લો, ઈશ્વર પર આસ્થા મૂકી,
લો, પથ્થર પર કૂંપળ ખોડી.

સમણે આવ્યું બચપણ આજે,
ખાલી ચખને લાધી કોડી.

---------------------------------------------- 

સપનું જોતો રહ્યો / મહેન્દ્ર સોલંકી  (અમદાવાદ)

મારી આંખોમાં સપનું
જિંદગી ગરીબીમાં
ને મોત સ્મશાનમાં
આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

ઘર હોય મારું
ભલે હોય એ નાનું
ત્રણ દિવાલ
ને હોય નાનું બારણું
સુખેથી જીવશે એમાં
નાનું સપનું મારું
આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

તોય કદી ન મને રસ્તો મળ્યો
ને હું આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

સૌથી ખતરનાક હોય છે
આપણાં સપનાંઓનું મારી જવું
ને હું આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

----------------------------------------------

પંચમહાલ જિલ્લાનું મરશિયું પ્રેષક - વિજય વણકર 'પ્રીત', પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ

મારા સૌ સાથી આયા રે, હાય હાય (૨)
મારાં લખીબા ના આયાં રે, હાય હાય (૨)
એમનાં મસાણે મેલણાં રે, હાય હાય (૨)
જેણી વાદળી આયી રે, હાય હાય
ઝરમર મેહુલો વરસ્યો રે, હાય હાય
ઝરમર નદીયે આયા રે, હાય હાય
મારાં લાખીબા તણાયાં રે, હાય હાય
ભૈયો માછીડો તેડાવો રે, હાય હાય
ઊગતા સૂરજ થંભ્યા રે લાઢણા , હાય હાય
જમરા આયા ચાર રે લાઢણા, હાય હાય
ઘડીએક થોભો એમના જમરા..........

----------------------------------------------

પતંગદોર / ઉમેશ સોલંકી

રાતની વચલી આંગળીનું ટેરવું
દિવસની વચલી આંગળીના ટેરવાને અડેલું
ઝાડની આડ બનાવી
હું બેઠેલો
મારી આડ બનાવી
તું બેઠેલી
ઠંડોગાર વાયરો હડસેલો મારતો
પણ પોતે હડસેલાઈ જતો
તારા વાળમાંથી અટૂલા થયેલા બેચાર વાળ
મારા ગાલને અડતા
અને ગલીપચી
દાણાદાર બની ઉપસી આવતી
તારા નવશેકા શ્વાસ
મારા નવશેકા શ્વાસમાં ભળી
ઊનું ઊનું આવરણ રચી
હૂંફ આપ્યા કરતા
લાવામાં ફરું ફરું કરતું લોહી
સ્હેજ ઊછળ્યું
ને માથું સરક્યું
શર્ટનું પહેલું બટન ખુલી ગયું
અટક્યું
સમય સંકોચાઈને બટન બની ગયો
આંગળીથી તું બટનને રમાડવા લાગી
રમતાં રમતાં તું બટન બની ગઈ
પછી પાછી તું બની ગઈ
બટનને તેં હોઠમાં લીધું
હળવે રહીને દાંતમાં ભીંચ્યું
હું હવે બટન બની ગયો
મીઠા કર કર અવાજમાં તરવા લાગ્યો
તરતાં તરતાં ડૂબકી મારી
તરત તેં બટન મૂકી દીધું
હું પાછો હું બની ગયો
સમય વિસ્તરીને સમય બની ગયો
ધીમે રહી બગલમાં સરકી
કટ કરી દોરો કતરી
સર સર કરતો સેરવી લીધો
બગલ પાછી ફાટી ગઈ
પીંછા પેઠે દોરો 
હોઠ પર ફેરવી
કોકરવરણા શબ્દો બોલી :
જીવનદોર મારોજ્યાં લગ રહેશે
પતંગદોર તારોત્યાં લગ રહેશે
સોય વાગી
આંગળી ચૂસતાં ચૂસતાં ઊભો થઈ
જંગલ વચ્ચે દરવાજાનો ટેકો લઈ
જતાં-આવતાં એકલદોકલને જોવા લાગ્યો
હાથ થોડો ઊંચો થઈ
ડાબેજમણે જમણેડાબે સ્હેજ હલી
સૌ ખંતીલા હાથને મળવા લાગ્યો..

-------------------------------------------


umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો

પ્રતિભાવ જણાવશો!