15 March 2019

અંક - ૭૧ / માર્ચ ૨૦૧૯

આ અંકમાં
૧. શ્રમજીવી દંપતીનો સંવાદ / હોઝેફા ઉજ્જૈની
૨. લઘુકાવ્ય / વજેસિંહ પારગી
૩. सीख रही हु / दीपा
૪. માંગણીઓ બુલંદ છે / હેમલ જાદવ
૫. મારું નામ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા'
૬. પ્રશ્નો થતા / ઉમેશ સોલંકી

૧-----

શ્રમજીવી દંપતીનો સંવાદ / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

'આજે બંધ રહેશે આપણાં તગારાં
માલિકે કહ્યું સીમા પર વાગ્યાં છે યુદ્ધનાં નગારાં.
અફરાતફરીનો છે માહોલ 
છે નફરતની લહેર.
ચાલ ફરીએ પાછા ઘેર.'
'અરે, પૈસા વગર કેમના ફરીએ ઘેર
બહાનું મળ્યું માલિકને મજૂરી ન આપવાનું.'
'ગાંડી, આ તો આપણા દેશનો મામલો
ચાલ લપ ના કર, દુશ્મન દેશ હવે નથી બચવાનો.'
'ક્યાં આવી આ સીમા? કોણ દુશ્મન દેશ? 
મારો દુશ્મન તો આ માલિક 
પેલો કરિયાણોનો શેઠ.
મજૂરી વગર આપણે યુદ્ધ ભૂખથી લડવાનાં
બાળકોનાં પેટે પાટા બાંધવાના.'
'યુદ્ધ કરી આપણો દેશ બદલો લેવાનો
નેતાજીએ કહ્યું છે
સમય આવ્યો દુશ્મન દેશને પાઠ ભણાવવાનો.'
'અરે, આ તું શું બોલે
એમાં આપણને ફેર શો પડવાનો?
આપણું પેટ પેલો નેતા કે માલિક નથી ભરવાનો
યુદ્ધ તો નેતાઓની ચૂંટણી માટેની લડાઈ
મરવાના બિચારા ગરીબ સિપાહી.
યાદ છેને તને 
આપણા ગામના રમેશનો દીકરો સિપાહી
પાછલા યુદ્ધમાં મર્યો શહીદ થઈ
પરિવાર હજુ એનો ભૂખ સામે લડે છે લડાઈ.'
'પણ..'
'પણ શું હવે 
વાર્તા નથી ખબર તને પેલી
બે બિલાડીની લડાઈમાં વાંદરો જાય ફાવી
આ છોડ બધું એમાં ન ભરમાઈશ
નેતાઓની વાતોમાં ના આવી જઈશ 
યુદ્ધનો અંત તો નેતા નક્કી કરવાના
વિચાર, આપણે હવે દિવસો કેમના કાઢવાના.'

૨-----

લઘુકાવ્ય / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

જીવતા રહેવા
લડવું પડે છે
એટલે લડતા રહીએ છીએ

જીતીએ તો પૃથ્વીનું રાજ
ને મરીએ તો સ્વર્ગ
નથી એવું કોઈ કારણ
અમારી લડાઈનું

૩-----

सीख रही हु / दीपा (मालिया, जिला : मोरबी)

सीख रही हु खुद को कवि कहना
गंगा के घाट पर बैठ 
जब वो पहली कविता लिखी थी
मेरे उस शेहर ने एक और रहस्य दफन कर लिया था 
बेसुध बेख़ौफ़ बेहिसाब मोहब्बत से भरपूर 
दिल और जिस्म के कतरों में रमी हर एक मह्सुसियत 
को जब शब्दों में पिरोया पहली बार
स्याही पी कर तृप्त 
मेरे डायरी के कागज
चुप्पी में लीन थे
राजनीती को खुद में घोलना 
खुद राजनीती बन जाना 
मासिक दर्द से मानसिक त्रास का सफ़र
शब्द--शब्द
लिखती रही मैं
पर खुद को कवि नहीं समझा कभी
सीख रही हु खुद को कवि कहना
लिखना क्यों शुरू किया मैंने?
जब लगा की कहने को तो बहुत है
सुनने वाला नहीं
अपनी नासमझी को कोरे कागज में
छाप खुद की दुनिया बना ली
वो दुनिया ये दुनिया
बस फिर दोगली हो गयी मैं
नासमझ, निर्वाक, अदब
बेबाक, बेशर्म, बिंदास 
सीखे हुए खयालो में अपनी परते खोलती
मैं अच्छी से बुरी, और बुरी बनती गयी
पर खुद को कवि नि समझा कभी
सीख रही हु खुद को कवि कहना 
खुद को कवि कहनो को 
चाहिए की कोई और तम्हे कवि कहे
यूँ की सदियों से औरत का ढांचा
कोई औरही तो ढालता है!
मेरी कविताएँ उस ढांचे को परखती है
वो खुद की साँसों को महसूस करने की कोशिश करती है
और मैं उनसे बातें करती हु- बिन शब्दों के
वो नहीं कहती मझे की मैं कवि हु- 
यु की इस दुनिया में कवि तोह कविताएँ गढ़ते  है
उस दुनिया में कविताएँ मझे गढ़ती हैं
मेरी कविता में तुम हो, तुम सब 
और वो भी जो यहाँ नहीं हैं
वो भी जो यहाँ हो ही नहीं सकते 
और उन सबसे ज्यादा
मेरी कविताओं में मैं हु
मेरी कविता मैं हूँ
इसलिए खुद को कवि नहीं समझा कभी
तो क्यों सीखूं खुद को कवि कहना
मेरे कवि दोस्त?

૪-----

માંગણીઓ બુલંદ છે / હેમલ જાદવ (અમદાવાદ)

શાસન છે ભૈ શાસન છે
ઉન્માદનું આ શાસન છે...
ગલીથી છેક સંસદ લગી
બદલો લેવાના પોકારો છે...
વ્હોટ્સએપ ફેસબુક ટ્વીટર
ભીડનાં નવાં હથિયારો છે...
તર્ક દલીલ સૌ મૂંગાં મરજો
દેશદ્રોહીનાં લેબલ ખિસ્સાંમાં ભરેલાં છે...
ચિત્કાર કરો બૂમો પાડો છાતી કૂટો
રાષ્ટ્રવાદ ચરમસીમાએ છે...
સરહદ પર હોમાયા કેટલાક
બીજા હોમાય, માંગણીઓ બુલંદ છે....

૫-----

મારું નામ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (મુકામ-પોસ્ટ : કાજ, તાલુકો :  કોડિનાર, જિલ્લો : ગિરસોમનાથ)

પૂછે કોઈ મને 
દુનિયાના સૌથી ખરાબ વ્યક્તિ વિશે
મારું જ નામ આપું હું તરત એને
કેમકે
હું 
રસ્તા પર રઝળતાં 
નાગાંપૂગાં ભીખ માંગતાં બાળકોને જોયા કરું છું
અથવા એકાદ સિક્કો આપીને જતો રહું છું
ક્યારેક તો એમની સામે જોતો પણ નથી.
છાપામાં કોઈ બાળા પર બળાત્કારના ન્યુઝ વાંચી
કંઈ બન્યું નથી એમ
મસ્ત બની ચાની મજા ઉઠાવતો હોઉં છું.
કોરાણે મૂકી વતનને
અંગત સ્વાર્થમાં રાચતો રહું છું.
ચૂંટણીમાં સારા-નરસાને જાણ્યા વગર
કીમતી ને મહત્ત્વના અધિકારનો મિસયૂઝ કરું છું.
પૂછે કોઈ મને 
દુનિયાના સૌથી ખરાબ વ્યક્તિ વિશે
મારું જ નામ આપું હું તરત એને.

૬-----

પ્રશ્નો થતા / ઉમેશ સોલંકી

ધારી શકું
એમ ના પામી શકું
ઘટમાં રહે 
ઘટની બહાર એમ કેમ ના રહે?
ચળાઈ ચળાઈને અંદર આવે
આંખમાં બહારથી કેમ કાંકરી મારે?
ધૂળમાં ધૂળ ઉડાડતું ધબ ધબ દોડ્યા કરે
મગજની ગલીઓમાં પગલું તોય કેમ ના પાડી શકે?
પ્રશ્નો નથી છતાં પ્રશ્નો થતા.

પવનનો બનાવી રોટલો
રોટલા પર ચોપડી લસણની ચટણી
ભરપેટ ખાધો સ્હેજ સ્હેજ બળેલો રોટલો,
ડુંગરના શિખર પર
નમેલા પીપળાના મૂળિયેથી ઊછળતા ઝરણાનું પાણી પીધું
પાણીમાં આવ્યું કંઈક એવું ઘેરું
કે પ્રશ્નો નથી છતાં પ્રશ્નો થતા.