15 November 2018

અંક - ૬૭ / નવેમ્બર ૨૦૧૮


આ અંકમાં
૧. પૂતળું / કુસુમ ડાભી
૨. ટેટો બુદ્ધનો / અપૂર્વ અમીન
૩. જિંદગી / વજેસિંહ પારગી
૪. નામ / મેહુલ ચાવડા
૫. લોઢું (દીર્ઘકાવ્ય) / ઉમેશ સોલંકી

૧-----

પૂતળું / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

જ્યારે એ
સ્કૂલપ્રવાસે ગયેલો
એણે ઊંચું ઊંચું ઊંચું બહુ જ ઊંચું
પૂતળું જોયું.
ઊંચી ડોક કરીને
નેણ પર હાથ ધરીને
ડોળા ફાડીને
એ તાકી તાકી તાકી તાકી જ રહેલો.
ઘરે આવીને જીદે ચડ્યો
ગલ્લો ફોડ્યો
મમ્મીની તિજોરી
પપ્પાની કમાણી
જે હતું 
એ બધું ભેગું કર્યું
તોય ઘટ્યા
તો પડોશી પાસે ઉધાર લીધા.
અને 
એથીય ઊંચું
એથીય મોંઘું
પૂતળું ખરીદ્યું.
ને એ પૂતળું
સૌને દેખાડવા
નાસ્તાપાણીની મહેફિલ સજાવી.
હવે
ગલ્લો ખાલી
પાકીટ ખાલી
તિજોરી ખાલી
પડોશી પણ ખાલી
વટ બસ એનો પડે
સેલ્ફી લેવા લાઇનો લાગે.

૨-----

ટેટો બુદ્ધનો / અપૂર્વ અમીન (અમદાવાદ)

દિવાળીના દિવસે
કપાસિયાના તેલના દીવાની બહાર લબડતી દિવેટને 
ધારી ધારીને જોતાં
મેં ગંધરપવાળા હાથે ભર્યું 
સવારે તળેલી રોટલીના બીડાનું બચકું 
ને ચાવતાં ચાવતાં થૂક્યો દીવા પર 
હાક થૂ...
ફટાકડાની ફેક્ટરીએ 
તેર વર્ષની ઉંમરે 
ગંધરપ ગળથૂથીમાં મળ્યો
ને બંધારણની કલમ ૨૪ના 
૨૪ કટકા થઈ ગયા.
દીવાલ પેલે પાર 
સળગતા તારામંડળ જેવી અમારી બાળઅવસ્થા
તણખા પાડી રહી છે સાઇડમાં...
વિસ્ફોટક અંદાજમાં 
ઉધમસિંહની બંદૂક ખિસ્સામાં ભરાવી
યુવાનીનું સ્વાગત કરવા.
અમારી કિશોરાવસ્થાની મશ્કરી કરતી
અમે જ બનાવેલી કોઠીઓ
દીવાલ પેલે પાર પ્રજવળી
જાણે અટ્ટહાસ્ય કરી રહી છે.
કોઠીની તણખીઓમાં બળી
ભડકો થઈ રહ્યું છે બંધારણ...
ઊડતો એનો ધુમાડો
ફાડી રહ્યો છે અમારી શ્વાસનળીઓને
અને કરી રહ્યો છે જગ્યા 
ક્ષેપકો ને કર્ણકો વચ્ચે.
એમનાં રોકેટોથી ભડકે બળેલા
અમારા છાપરાનાં નળિયાં
કડડભૂસ થઈ પડી રહ્યાં છે.
નૂતન વર્ષાભિનંદનની વંઠેલી સવારો 
એમની સોસાયટીઓના ઓટલા સાફ કરી 
અમારે શરૂ કરવાની છે.
ત્યારે ન ફૂટેલા ફટાકડાનો ગંધરપ 
ચોંટી રહ્યો છે અમારી કીકીને
અને એક જોરદાર અગ્નિ 
હાકોટાની માંગ સાથે 
ઝગારા મારી રહ્યો છે.
ત્યારે 
આ વિસ્ફોટક શાંતિ વચ્ચે
તેલ વગર તડપતા દીવાઓની હારમાં
ફૂટ્યો એક નવો ટેટો બુદ્ધનો 
'
ખુદ કે દિપક સ્વયં બને'નો.

૩-----

જિંદગી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

જિંદગી અણમોલ છે
એવું બધું તો
ઠીક મારા ભઈ!
આ તો
જનમ્યા છીએ
અને
મરાતું નથી 
એટલે 
જીવીએ છીએ
બાકી કોને ગમે
ઘેઘૂર ઇચ્છાઓ સાથે ઊગેલી
પણ
ધરતીના અમી વગર 
રૂખડું થઈ ગયેલી
જિંદગી!

૪-----

નામ / મેહુલ ચાવડા (અમદાવાદ)

પેટ્રોલને પોકાડો સોએ
ડીઝલ આપો તમતમારે એકસો પચાસે
ગેસનો બાટલો હશે હજારે
અરે ચાલશે
બસ અમારે જોઈએ નામ
અમદાવાદનું કરો કર્ણાવતી
અલાહાબાદનું કરો પ્રયાગરાજ
નામ બદલવાથી 
મળી ગઈ અમને બે કરોડ રોજગારી.
બદલી દો, સો શહેરનાં નામ
માનીશું એને સો સ્માર્ટ સિટી
બસ 
ભરાઇ જશે અમારાં પેટ
જોઈ જોઈને નામ.

૫-----

લોઢું (દીર્ઘકાવ્ય) / ઉમેશ સોલંકી

ભટકી ભટકીને થકી જતા
માંડ માંડ કશુંક પેટમાં જતું
પેટમાં જતું હમેશા કાચું રહેતું
બહુ બહુ વાસી જતું
કોઈકવાર તાજું જતું
કોઈના શિકાર પર નભી નભી શિકાર શીખ્યા
શિકાર કરતાં થાકી જતા
શિકારની કરવાની નવી રીતો શોધી :
પગની ગતિને આંખમાં મૂકી
હાથની ચપળતાને પથ્થરમાં ભરી
લાકડામાં નાખી વેગીલી કરી
ધાતુમાં ગોઠવી ઘાતક કરી
ઘર્ષણમાં લાવી તણખામાં ફેરવી.
પેટને થોડી રાહત થઈ
રાહતમાંથી દાણો ફૂટ્યો
દાણો ફૂટીને આંખમાં વસ્યો
આંખમાં વસ્યો તો હાથમાં ગયો
હાથની ચપળતાને ગમી ગયો
ગમી ગયો તો મગજ હલ્યું
મગજ હલ્યું તો કણના મણ દાણા થયા
વેરવિખેર પડવા લાગ્યા
હાથની ચપળતાએ ભેગા કર્યા.
ધીરે ધીરે પગ થોભવા લાગ્યા
ભટકવાને બદલે ચાલવા લાગ્યા
ચાલ્યા થોડું, થોડું વધારે ચાલ્યા
વચ્ચે વચ્ચે પાછા વળ્યા
પાછા વળ્યા તો કદ ઘટનું ઘટી ગયું
ઘટેલું કદ ઘટમાં ગયું
ઘાટ ધરીને બહાર આવ્યું
ઘટેલા કદને કેદ કર્યું
ઘણું સારું થયું, થોડું નઠારું થયું
નઠારું થોડું થોડું વધવા લાગ્યું
વધ્યું તો સારાને હડપવા લાગ્યું
હડપીને વૈતરામાં જોતરવા લાગ્યું
જોતરાયેલા ભૂમિમાં ખૂંપવા લાગ્યા
ખૂંપીને ક્ષણ ક્ષણ કણસવા લાગ્યા
કણસવાનું ધીમે ધીમે ભેગું થયું
ભેગું થઈ ઊંચુંનીચું થયું
ધીરેથી ધરમનો પાલવ આવ્યો
સુંવાળા સ્પર્શથી ગલગલિયા કરવા લાગ્યો
ઊંચુંનીચું છેક નીચે ગયું
પાલવ નીચે ઢંકાઈ ગયું
એકલદોકલ છણકો સપડાઈ જતો
આંસુનો રેલો શોષાઈ જતો.
છણકાને રેલામાં ભેળવી દીધો
ભેળવી ભેળવી એનો પાયો પૂર્યો
પાયા પર પરસેવાની ઇમારત ચણી
ઇમારતની અંદર ટાઢક ઠરી
ધરમઘેલાને હૂંફ આપતી રહી
બહાર રહેલાને અંદરથી ધીમું બાળતી રહી.
બળવાની ગંધ બહાર આવી
ધુમાડો થઈ આંખને બાળતી રહી
બળતી આંખો જાગી ગઈ
જાગેલી આંખો ભેગી થઈ
ટાઢકને બહાર ખેંચી લાવી
પાયામાંથી છણકાને છૂટો કર્યો
રેલાને છણકા સાથે ભેગો કર્યો
ટાઢકમાં બેઉંને ભેળવી દીધો
ટાઢકમાં ભળતાં ખાતર થયું
લોઢાને અડતાં લોકોનું ખેતર થયું
લોકોની રીતે ખેતરમાં વાવેતર થયું
વાવેતરથી ઘણાને અહીં ઇતર રાખ્યા
કરતા વાવેતર છતાં ન ખેતરની ભીતર રાખ્યા.
વરસો ગયાં
સદીઓના તીસ તાસ કાફલા ગયા
ખેતરનો શેઢો માંડ ઘરના પંથને અડ્યો
પોતીકો રોટલો પથ્થરિયા પેટમાં પડ્યો
પથ્થરિયા પેટને છેવાડો મળ્યો
સુંવાળા પેટને કિનારો ગમ્યો.
સુંવાળું પેટ ભરપૂર નદીની આ પાર હઠીલું
પેલી પા લીલુંછમ જંગલ લચીલું.
નદીનું પાણી શોષાતું ગયું
જંગલનું લીલુંછમ લૂંટાતું ગયું
જંગલનું ખેતર નદીના પટમાં ખેચાતું ગયું.
જંગલના ખેતરની માટી કાળી
ખરા ઉનાળે પોચી ને ભેજવાળી
સુંવાળા પેટે ધસીને એમાં લોઢું રોપ્યું :
કાળી માટી થઈ ગઈ કાઠી
પગ મૂકો તો લાગે પથરાળી
પહેલાં એમાં ચકલાં આવતાં
ભોળાં ભોળાં બગલાં આવતાં
આજકાલ નાનાંમોટાં ટોળાં આવે
ટોળાં ક્યાંથી ચકલાં ભાળે
ક્યાંથી ભોળાં બગલાં ભાળે!