15 June 2016

અંક - ૩૮ / જૂન ૨૦૧૬

આ અંકમાં

૧. અગરિયાની કરમકહાણી / દેવેન્દ્રભાઈ ખોડાભાઈ વાણિયા
૨. એ મહાન હતી / જયેશ સોલંકી
૩. તે પહેલાં / વજેસિંહ પારગી
૪. દુનિયાના જમેલા / અનિષ ગારંગે
૫. આ તે કેવા હિંદુ-મુસ્લિમ / દિગરાજસિંહ ગોહિલ
૬. ટીલડીઓ / ઉમેશ સોલંકી

૧----------

અગરિયાની કરમકહાણી / દેવેન્દ્રભાઈ ખોડાભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

સાંભળજો સમજુ પ્રાણી, અગરિયાની કરમકહાણી

આખો શિયાળો ટાઢ વેઠે ને મહેનત કરે રાતદિન
તડકો-છાંયો એ તો જુએ નહીં ને ગારામાં થઈ ગ્યો હીન
અગરિયાનાં આંસુ કોઈ લૂછો
મનની વાત એને કોઈ પૂછો

શરીર એનું હાડપિંજર ને રહ્યું નથી એ રુધિર
કાયા નિચોવીને કામ કીધું તોયે મળ્યું ના એને લગીર
અગરિયાનાં આંસુ....

મશીન, સામાન, ડિઝલ-ઓઇલ, પીવાના પાણીની તાણ
મહિનો પૂરો માંડ માંડ થાયે, ખરચીની તોયે મોકાણ
અગરિયાનાં આંસુ....

પાટા ભરીને તૈયાર કર્યા પછી, રહી જાય એમાં જો કચાશ
અગરિયાને રે ખૂબ સંતાપે જાણે હોય એ પિચાસ (પિશાચ)
અગરિયાનાં આંસુ....

અગરિયાનાં મીઠાં પર મજા કરે છે મહાજન
મફતમાં એ મીઠું લઈ જાય હિસાબે શૂનેશૂન
અગરિયાનાં આંસુ....

'દેવેન્દ્ર' કે દુઃખની વાતો સાંભળો અગરિયા ભાઈ
સંગઠન વિના શોષણ થાશે, કોઈ ઝાલે નહીં બાંઈ
અગરિયાનાં આંસુ....

૨----------

એ મહાન હતી / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

એ શ્રમિક સ્ત્રી હતી
પંચાણુમા વરસે એ ખાટલામાં પડી
ના ચાલી શકતી
ના બોલી શકતી
ના કશું ભાવતું પણ ખાઈ શકતી
પણ જે ટાણે
એણે
દેહ છોડ્યો
ત્યારે
એના હાથમાં હતી રિબન
જે
મારા બાપની
દીકરીના દીકરાના ઘોડિયાને
બાંધેલી હતી.
ખરેખર
એ સ્ત્રી મહાન હતી
જે મારી દાદી હતી.

૩----------

તે પહેલાં / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

મેં એને ફૂલ આપ્યું
એણે કહ્યું : ફૂલ લઈને શું કરું ?
ફૂલ તો કરમાઈ જાય.
મેં એને રૂમાલ આપ્યો
એણે કહ્યું : રૂમાલ લઈને શું કરું ?
રૂમાલ તો ફાટી જાય.
મેં એને વીંટી આપી
એણે કહ્યું : વીંટી લઈને શું કરું ?
વીંટી તો ખોવાઈ જાય.
હું એને હ્રદય આપું તે પહેલાં
એના પ્રતિભાવના ટકોરાથી
કાચા ઘડા જેવું
મારું હ્રદય ભાંગી ગયું.

૪----------

દુનિયાના જમેલા / અનિષ ગારંગે (અમદાવાદ)

આ તો છે દુનિયાના જમેલા
અમે તો પડી ગયેલા એકલા
તપતા રોડ, સળગતા છોડ
ઘોંઘાટના પારા, ચંપલોની હારમાળા
સંબધોની જ્વાળા, બીમાર દરવાજા
ગાડીઓના બૅન્ડબાજા...
શું કરીએ ? કોને મળીએ ?
છે આ તો ચૂભતા ભાલા
આ તો છે દુનિયાના જમેલા

કોઈ પૂછે શું કરો છો જનાબ ?
ત્યારે મોંઢા પરથી ઊતરી જાય છે નકાબ
ફસાયા એવા કે નીકળ્યા નથી અંધારા સુધી
ભોર પડી, પગ પકડ્યો કોઈએ નીચેથી
મરવાની બીક નથી, જીવવાની પણ જીદ નથી
નથી તૈયારી કંઈ શોધવાની
કે નથી રહી યારી બાથ ભીડવાની
મકાનનાં નળિયાં, સાંકડાં છાજલિયાં
ગંધાતા બુશટ, માંદલા મરઘટ
હાંફતાં સિગ્નલ, બેચેન સાયરન
લાગે બધા ગરમ થેપલા
આ તો છે દુનિયાના જમેલા

૫----------

આ તે કેવા હિંદુ-મુસ્લિમ / દિગરાજસિંહ ગોહિલ (અમદાવાદ)

આ કેવા હિંદુ  !આ કેવુ હિંદુત્વ !
કરોડો ભૂખ્યા રહે
ને ચર્ચા બીફ હતું કે મીટની કરે
ગાયને તો માતા કહે
પણ મહિલાઓ પર રેપ કરે
હોસ્પિટલના અભાવે અનેક મરે
પણ આ તો મંદિર માટે જ લડે
વકાલત આતંકના ખાતમાની કરે
પણ હજારો દલિતોની હત્યા કરે

આ કેવા મુસ્લિમ !  આ કેવો ઇસ્લામ !
અલ્લાને તો નિરાકાર માને
પણ મસ્જિદ માટે લડે
વાત સમાનતાની કરે
પણ મહિલાઓને બુરખામાં પૂરે
શાહબાનો જેવી અનેકને કચડે
ને અલ્લાની ઇબાદત પણ કરે
એક પુસ્તકને બહુ વહાલ કરે
ને તેની ખાતર માનવતાની હત્યા પણ કરે

આ કેવા હિંદુ ! આ કેવું હિંદુત્વ !
આ કેવા મુસ્લિમ ! આ કેવો ઇસ્લામ !

----------

ટીલડીઓ / ઉમેશ સોલંકી

વૉંઘાના કાંઠે
કોઠાના ઝાડે
કોઠું ખાતાં
ડચૂરો બાઝ્યો
ને કોઠાને ખાઈ ગયું વૉંઘું.
કાળાભમ્મ
લાંબા ચોટલાના છેડે
લાલ લાલ રિબનનું ફૂમતું
ફૂમતાને દોડીને ઝાલ્યું, રમાડ્યું
ને હવાડે જઈ પાણી પીધું.
ફૂમતાને પાણીમાં બોળીને તેં
હળવેથી છાલક મારી કે
તડકાનો તોર થયો કડડભૂસ.
દૂર થોડો હું બેઠો
દૂર થોડી તું બેઠી
પાણી હવાડાનું રેલમછેલ.
ગેલ થોડું આંખોમાં તારી
ગેલ થોડું આંખોમાં મારી
આંખોની વચ્ચે
ક્ષણને ઉખાડી
ક્ષણોની હારને ઉખાડી
આવ્યો સમય આખ્ખેઆખો.
આખ્ખા સમયને
જીરવી જીરવીને કેટલો જીરવાય ?
તેથી
ક્ષણ થોડી તેં ચોડી
ક્ષણ થોડી મેં ચોડી
ક્ષણોની ટીલડીઓ ચળકવા લાગી
સમય થઈ ગયો જાણે ઘૂમ.
કાણાળી ઓઢણીમાં
પડખે આવીને મેં
ધીમેથી આંગળી નાખી
તો નાખી તેં સ્લીપરના કાણામાં
નીકળી ગયેલી પટ્ટી
બક્કલની પિનથી પછી કાંટો કાઢ્યો
મળવાનું ફરી કર્યું નક્કી.
ઓઢણીના કાણામાંથી
મેં આંગળી કાઢી
ને હળવેથી
હાથમાં મૂકી એક ટીલડી.
ટીલડીઓ ખિસ્સામાં
ટીલડીઓ ખોબામાં
ટીલડીઓ અંગેઅંગમાં
ટીલડીઓના દેશમાં
ટીલડીઓની ભરમાર છતાં

ટીલડી એક ના ખોવું.