15 October 2016

અંક - ૪૨ / ઑક્ટોબર ૨૦૧૬

આ અંકમાં
૧. વજેસિંહ પારગી
૨. મેહુલ મકવાણા
૩. કનુ પરમાર
૪. જયસુખ વાઘેલા
૫. ઉમેશ સોલંકી 

----------

કદી નહીં / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)

આપવા ધારું તો
દુનિયાનો દરેક માણસ
તોબા તોબા પોકારી જાય
એટલી પીડા
મારી છાતીમાં છે.
પણ નહીં નહીં
ખેરાત અને તેય પીડાની ?
ના ના કદી નહીં !
દરિયો કદી પોતાની ખારાશ
વરસાદરૂપે આપે નઈં.

----------

'તાત' મારો / મેહુલ મકવાણા (બંધવડતાલુકો - રાધનપુર, જિલ્લો - પાટણ)

જન્મ્યો, જાગ્યો જોયું તો દલિતનું ઘર
જાણી ગયો હવે વેઠ કરવી પડશે જીવનભર

ગામ આખ્ખાની મેલી નજર
બાપ અમારું પેટ ભરવા
મજૂર બન્યો જઈ મોટા ઘર
દિવસે વૈતરું
રાતે મોચી
ચૂલામાં ખાલી લાકડું સળગે
ખાલી પેટ ભરવા
કદી કદી ચામડું સીવ્યા કરે રાતભર.

ભગવાન ક્યારેય જોયો નથી
જોવાની ઇચ્છા જરાય નથી
નજર સામે હાડ ગાળતો
જોયો છે ઓલિયો મેં જીવનભર.

માથે મેલું પોતે ધોઈ
મને રોજ સાફ રાખ્યો
અપમાન 'મોટા લોક' કરે તો
સમજ આપી એમને માફ કર !

દલિત થયો શાપ નથી
ગરીબ થયો સંતાપ નથી
મહેનત કરી સહન કર્યું
ત્યારે સચવાયું દલિતઘર.

સ્વર્ગમાં નહીં, નર્કમાં નહીં
મારી પાસે વસે 'તાત' મારો :
દલિત હતો , ગરીબ હતો
તોય મને કર્યો છે કેવો પગભર.

એક આંખમાં ભીમ બાબો
એક આંખમાં બાપ મારો
ભણીગણીને આગળ વધુ
શું કામ રાખું કોઈની ફિકર.

----------

હું તો રોહિત થઈ ગ્યો / કનુ પરમાર 'અપવાદ' (વડોદરા)

અલ્યા,
હું તો રોહિત થઈ ગ્યો,
હરખપદુડો 'હું' હરખાઇ ગ્યો.

નામમાં વાંધો હતો
મેં નામ બદલાવ્યું
કંઈક કનુમાંથી કમલેશ થઇ ગ્યો !

અટકમાં વાંધો હતો
મેં અટક બદલાવી,
પરમારમાંથી પરીખ થઈ ગ્યો !

હવે શરમ આવે જાત પર
મેં જાત બદલાવી નાખી,
ચમારમાંથી રોહિત થઈ ગ્યો !

ના હું કમલેશ બન્યો
ના હું પરીખ બન્યો
ના હું રોહિત બન્યો
રહ્યો હું 'અપવાદ'

અલ્યા! હું તો રોહિત થઈ ગ્યો !

----------

રામને બદલે / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો - સુરેન્દ્રનગર)

કપાળે લખાયેલી સદીઓ જૂની ગાળ
ભૂંસી શકાય ખરી ?
હાડમાં ઊતરી ગયેલા વારસાને
બદલી શકાય ખરો ?
જાતિપ્રથાના કૂવામાં રહેલો માણસ
મથે બહાર આવવા
એમ વધારે ડૂબે એમ નથી લાગતું ?

શિક્ષક બન્યો
વારસામાં મળેલી જાત બદલી
ણાવવા બેઠો કવિતા :
'ચોખ્ખું ઘરનું આંગણું...'
કવિતા પૂરી કરું
ત્યાં તો કોઇક કામથી માજી આવ્યાં
તેમના મોંઢામાંથી
રામને બદલે નીકળ્યા શબ્દો :
'ગામ હોય ત્યાં ઢેઢવાડો હોય'
કાનમાં મારા જાણે શીશુ રેડાયું.

----------

નિયમની છાતી પર / ઉમેશ સોલંકી

વરસાદી મોસમનો તડકો
સ્હેજ તને અડતો
તો નઠ્ઠારો પડછાયો બળી મરતો-
-એવી આભાસી વાછટો મને વાગતી.
વાછટો વાગતાં
છેપટ ધોવાતી
ઓટલાની સ્થિરતા પછી
ભરચકતા મારામાં લાવતી.
તારી બુટ્ટીનો ચમકારો
મારા ચહેરા પર પડતો
રમતો
રમતાં રમતાં
હૈયાને હિલ્લોળે ચડાવતો.
જર્મનની તપેલી પર
નારિયેળના હેલીવાળા કૂચાને    (હેલી રાખ, કૂચો કૂચડો)
ઘસવાનો અવાજ
ઉનાળુ બપોરમાં
અવાવરું કૂવામાં
કબૂતરનું ઘૂઘવવું યાદ આવતું.
તારી કાયાને
આમ આંખો ઝાલે
ને આંખો ઘેલી
ઉલાળા લેતી
પછી ડોહાનો ખોંખારો સાંભળી
સૂનમૂન થતી આંખો
આજે
આમતેમ ભટક્યા કરી છે.
કૂતરાનું ભસવાનું
એધરાનું ઠકઠકવાનું    (એધરું બળતણ માટેનું લાકડું)
ભજનનું ગણગણવાનું
તંબૂરાનું ટણટણવાનું
પાંપણ પર લટકી ઝૂલ્યાં કરે છે.
ઝૂલવું નિયમ નથી
નિયમ જો હોત નહીં
ઝૂલવું પણ હોત નહીં.
નિયમ પણ ગજબ કરે છે
સમયની શોધમાં ફર્યા કરે છે
પણ
સમય ભળાતો નથી
સમય સમજાતો નથી
સમય ઘટમાં નથી
સમય ક્ષણમાં નથી
ક્ષણોનો ભ્રમ હવે
ઝૂલવુંથી ખમાતો નથી.
શરીર જે ઓગળે છે
ઓગળીને રેલે છે
સમયનો વાંક એમાં કશો કઢાતો નથી.
માણસ પકડાય
જીવડું પકડાય
સમયને નિયમથી પકડી શકાતો નથી.
ઝૂલવું નિયમ નથી
નિયમ જો હોત નહીં
ઝૂલવું પણ હોત નહીં.
ઝૂલી ઝૂલીને ઝૂલવું હવે ડગલું વધ્યું છે
નિયમની છાતી પર એનું પગલું પડ્યું છે.

(અહીં નિયમ એટલે માણસ રચિત નિયમ)