15 March 2016

અંક - ૩૫ / માર્ચ ૨૦૧૬

આ અંકમાં
૧. कतई जोर करी / किरानी और अंजली (छत्तीसगढ़)
૨. રાહ / વજેસિંહ પારગી
૩. અમને માફ કરજે / જયેશ સોલંકી
૪. પરીકથા જેવી / ડૉકનુ પરમાર 'અપવાદ'
૫. મગરાની વાતો / ઉમેશ સોલંકી

૧----------

कतई जोर करी / किरानी और अंजली (सीतापुर, जिला - सरगुजा, छत्तीसगढ़ - Right to Food Campaign, Chhattisgarh)

एक रुपया किलो चाउर मिले (चाउर - चावल)
पांच रुपया किलो चना,
फोकट में नोन मिले (नोन - नमक)
सौ रुपया किलो तेल
मोर साखी रे, जुछा घरे कतई जोर करी ?  (साखी - सखी, जुछा घरे - खाली घर में, कतई - कितना)

सरकार हर देहेल आंगनबाड़ी में (देहेल - देती है)
बढिया बढिया पोषण,
कार्यकर्ता देहेल बिगडल मरल दलिया (कार्यकर्ता - आंगनबाडी कार्यकर्ता)
मोर साखी रे, लाईका हवा कतई बढिया रही ? (लाईका - बच्चा, हवा - अब)

सरकार हर काम देहेल
रोजगार गारंटी कानून,
तेहुले गांवे काम नहीं मिले (तेहुले - तब भी)
मोर साखी रे, अनपढ़ हमर कतई जोर करी ?

सरकार हर पेंशन भेजेल
हर महिना में,
खाता में पैसा पहुंचेल छः महिना में
मोर साखी रे, जुछा हाथे कतई जोर करी ?

૨----------

રાહ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

ગરીબી વેઠી વેઠીને
ગળી ગયાં છે ગાતર.
શોષણથી શોષાઈ શોષાઈને
થઈ ગયા છીએ હાડકાંનો માળો.
અન્યાય સામે
ન્યાય માટે
હક માટે
લડીએ તો કઈ રીતે લડીએ ?
અમે તો
આવતી કાલનું આશાનું કિરણ આંજીને
વેંઢારીએ છીએ કાળુંધબ જીવન
ને વાંછી છીએ-
આવતી કાલનો સૂરજ
સોનાનો થઈને ઊગે
ને ઝાંખાંપાંખાં જીવનને
ઝળાંઝળાં કરે !
અમે તો
કોઈ મસીહા અવતરશેની આશામાં
ધૂંધળી નજરે જોઈએ છીએ
જન્મનારા પ્રત્યેક બાળક તરફ.
ને પ્રાર્થીએ છીએ-
કોઈ બાળકરૂપે મસીહા અવતરે
ને જિંદગીમાંથી નીકળી ગયેલાને
જિંદગીના કેન્દ્રમાં આણે
ને પૃથ્વીપટ પર સ્થાપે
માનવ તરીકે !

-------------

અમને માફ કરજે / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

ધોળે દા'ડે
વીંટાળી જનોઇ ડોકમાં
મારી દીધી બેત્રણ આંટી
પછી
ઊભા થઇ ગયા
સામસામે એ લોકો
છડે ચોક.
એક છેડો
બ્રાહ્મણવાદીઓના
હાથમાં હતો
બીજો છેડો હતો
મૂડીપતિઓના હાથમાં
વચ્ચોવચ હતો
શોષણ વિરુદ્ધ બોલતો
અન્યાય-અત્યાચાર વિરુદ્ધ લખતો
ન્યાય ખાતર લડતો
શોષણવિહીન
જ્ઞાતિવિહીન
પિતૃસત્તાવિહીન
સમાજનાં સપનાં જોતો
તું
ને અમે જોતા રહ્યા તમાશો
પાળતા રહ્યા તાળીઓ
કહેતા રહ્યા
હત્યાને આત્મહત્યા
અમને માફ કરજે, રોહિત !

-------------

પરીકથા જેવી / ડૉ. કનુ પરમાર 'અપવાદ' (વડોદરા)

અમે તો ગામને છેવાડે રે'વાવાળા
ચામડાંનું ને સેન્ટિંગનું કામ કરવાવાળા
આમ તો કે'વાઈએ હરિજન
પણ રામમંદિરમાં પ્રવેશ-નિષેધ.
અમે સવાયા ગુલામ
આપાની ગાળો ખાતા
તોય એની દાડિયું કરતા.
અમારા ધર્મની અમને ક્યાં ખબર ?
ગરીબી હટાવવા
ભણતર મેળવવા ધર્માંતરણ કરતા.
અમે કોઈથી અભડાતા
કોઈ અમારાથી
એમના એઠા ઠેબરામાં
પાણી-અંજળ છેટેથી કરતા.
અમે સવાયા માંસાહારી
ભેંસનું કે ગાયનું હોય
હોય પાડાનું કે બળદનું
પણ ક્યાં હલાલ હતું ?
હતું મડદાલ.
અમે લાજુંય કાઢતા
હોય એમાં
અમારા મોટિયાર ને આખું ગામ.

આવ્યો કોઈ દેવદૂત
મોહનભાઈ એનું નામ
પકડ્યો અમારો હાથ
સફર શરૂ થઈ મંજિલ તરફ.

કર્યો પરિશ્રમ, મળ્યું ફળ
તોય છેલ્લે લાગ્યું
અનામતનું લાંછન.
થયા મોટા
ભણીગણી આગળ વધ્યા
તોય રહ્યા પૂંજાના છોકરા

જિંદગી
નો સમજાઈ
લાગે બધું 'અપવાદ'
એટલે કહી દીધું
અમારી વાતો પરીકથા જેવી.

૫----------

મગરાની વાતો / ઉમેશ સોલંકી

મગરાની વાતો રૂડી સાંભરતી      (મગરો - ડુંગર)
એવી મગરાની વાતો રૂડી સાંભરતી    (મગરાનું ઉચ્ચારણ : મગ-રો)
ઢોરઢાંખર ચરાવતાં
લિલ્લાંછમ થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

ગોખરાંને કાંકરાને
તળિયેથી પીધાં
ને શીતળ હવામાં હાથ
ફરફરતા મૂક્યા
પછી
પગમાં તે લાલઘૂમ ચણોઠી ઊગી
આંગળીએ આંગળીએ
મોર ઘણા કૂદ્યા
કૂદતાં કૂદતાં મોર
મેઘ-ઝરમર થ્યા'તા
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

છોરીએ છોરીની કેડે
એમ ચૂંટી ખણી
કે છોરીનાં નેણે આભ
આખું બિડાયું
ઘાટ લીલી છાતીનો
ઘડી આંખમાં ભર્યો
ત્યાં તો હૂંફાળા જળથી
અંતર ભીંજાયું
પછી ધીરા વરસાદે
અધીરાં મન થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

બાવળના રૂમાલથી
તડકાને ગાળીને
ગટગટ ગળા લગી
એવો પીધો માણીને
કે આખ્ખોય મગરો
ઘેરાયો આંખોમાં
ને ગેગલાએ કલરવ
ઓઢાડ્યો આવીને
પોઢેલા મગરે પછી
લાલ સૂરજ થ્યાં'તાં
એવી મગરાની વાતો રૂડી સાંભરતી

નટખટ કિશોરપણું
ગૂમસૂમ પથ્થર બનીને
મગરાની ટોચે અમારી વાટ જુએ છે
પણ સમજણનો ભાર કૈં
એટલો લાગે કે
થાકી થાકીને
પગની પાની રુએ છે
રિવાજને તોડતાં
સમાજના સજન થ્યા'તા
ત્યારથી
મગરાની વાતો રૂડી સાંભરતી