19 March 2013

અંક - ૩, માર્ચ, ૨૦૧૩

આ અંકમાં

1. આધુનિક મહિલાનો ટંકાર / ઉમેશ સોલંકી
2. માઓવાદી / જયેશ સોલંકી
3. હાઈકુ / જયસુખ વાઘેલા
4. ખરાબ દિવસો / વિક્રમ સોલંકી
5. ક્યાં જઈ કેદ પુરાણો? / પ્રવીણ મકવાણા 'ગાફેલ'

6. मैं हुआ तो क्या हुआ ? / श्याम


----------1-----------------------------------------------------------------------------------------------------------------------

આધુનિક મહિલાનો ટંકાર / ઉમેશ સોલંકી

મારે વળાંક લેતી
ખળખળ કરતી નદી, નથી બનવું
નથી બનવું ચંદ્રને ચોંટેલું ઉછીનું અજવાળું
ફૂલની કોમળતામાં હવે ખપવું નથી
ભમવું નથી હવે પવિત્રતાના અડકાદડકામાં
મોરપિચ્છને પણ આઘું રાખજો
થશે નહીં તો, એ ઘડીકમાં ભડકો
સંસ્કૃતિનું તો ન નામ જ લેતા
સદીઓ વીતી, પછી, ઠેઠ આજે જાણ્યું છે
ગરે છે મારા બે પગ વચ્ચે જે જગ્યા શોધી
એનું જ તો છે નામ સંસ્કૃતિ
ને ત્યારે, મારું પેટ શમે છે
એ બીજું શું છે, છે પ્રકૃતિ
પણ સાંભળો,
સમાજના ઠેકેદારો, સાંભળો,
ધર્મના ધુરંધરો, સાંભળો,
રાષ્ટ્રના ફણીધરો, સાંભળો,
હવે, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
હા, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ

----------2-----------------------------------------------------------------------------------------------------------------------

માઓવાદી / જયેશ સોલંકી (ભુવાલડી, અમદાવાદ)

ચોક્કસ એ
માઓના મામાની
માસીના ફોઈનો
ષડયંત્રકારી છોકરો હોવો જોઈએ!
ભાદરવી પૂનમના મેળામાં
છૂંદણાવાળા પાસે
નામ લખાવેલું,
એ નામ ખોટું પણ હોય,
એના દાકીરાનું નામ
‘વિપ્લવ’શા માટે?
મંગલ પાંડેના પેઢીનામામાં
એ નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી!
ઊંચા ડુંગર પર બનાવેલા
એના માટીના મકાનમાંથી
ચોક્કસ કોઈ ભોંયરું
લેનિનના અભ્યાસખંડને
મળતું હોવું જોઈએ!
ભીંત પર ચીતરેલાં
મોર, પોપટ, ફૂલ
હિંસક ક્રાંતિ માટે શોધેલી
નવી લિપિ પણ હોય!
ભીંતમાં જડેલું હરણનું શિંગડું
ઇન્ટરનૅશનલ સંપર્ક માટેનું
ઍન્ટિના પણ હોઈ શકે!
ઓસરીના ખૂણામાં
કરેલા કેરીઓના ઢગલામાં
કદાચ
કેરી-બોમ્બ પણ હોય
કમિશનરની કચેરી ઉડાડી દેવા માટે!
શિંગડા પરટિંગાડેલું તીર
પેન્સિલ સ્ટાઇલની
નવી મિસાઇલ પણ હોઈ શકે
ગૃહયુદ્ધની પૂર્વતૈયારીના ભાગરૂપે!
વાંસની જાળીવાળું
મરઘીના બચ્ચાનું નાનકડું ઘર
લૅટેસ્ટ એલ.સી.ડી. પણ હોઈ શકે
સરકારની ગતિવિધિ ધ્યાનમાં રાખવા માટે!
ઢોલની પડી માટે સાચવેલા
બકરીની ચામડામાં
કદાચ
પાર્ટીનો ગુપ્ત દસ્તાવેજ લખેલો હોય
નવી શોઘેલી લિપિમાં!
એના
આદિવાસી પડોશી પણ કેતા’તા,
‘એદા’ડીમાં દહ શેરની જુવારને
બદલે અધમણ માગતો’તો
એની મા-બેટીને
જમીનદારને ત્યાં નહીં જ મોકલે
એમ કેતો’તો
અને
ટુકડો જમીન માટે
સરકારની સામે લડતો’તો’
ખરેખરએ માઓવાદી હતો.

----------3-----------------------------------------------------------------------------------------------------------------------

હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા)

   ન લઈ શક્યો
એક દાણો, જિંદગી
   ગૈ કાપણીમાં

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

ખરાબ દિવસો / વિક્રમ સોલંકી (વડાલી, સાબરકાંઠા)

‘ભગવાન,
મુખ જોઈને આપનું
જાય છે દિવસ સારા
બધાય મારા’
એવું કહેનાર પૂજારીને જોઈને
બોલ્યા ભગવાન,
‘લ્યા, મારા એક દિવસ વિશે તો વિચાર!
કેમ કરી મારે
સુધારવો મારો દિવસ
તારું મુખ. . . .?

સુધારવો છે મારે પણ મારો દિવસ,
માણસાઈથી ભરેલા
સાદા ને નિર્મળ
નિર્દોષ ને નિખાલસ
નિષ્કપટી ને ભોળા માણસને જોઈને.
પણ, એને તો
તમે બધા
નથી દેતા મારી ઢુકડોય
સરકવા કે ફરકવા,
ક્યાં સુધી ચાલશે મારા. . .
આ ખરાબ દિવસ?’

----------5-----------------------------------------------------------------------------------------------------------------------

ક્યાં જઈ કેદ પુરાણો? / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’  (મહુવા)

ક્યાં જઈ કેદ પુરાણો?
હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?
ભગવાન, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ધૂપ, દીપ ને ઝળહળ જ્યોત
આરતી નિશદિન થાતી
ગરીબને ઘેર દીવો ન બળતો
અંધારે એ અટવાય...

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ઘીના દીવા ને બત્રીસ ભાતના
પકવાન તને રે ચડતા
ભિખારીને એઠો ટુકડો ન મળતો
અંધારે એ અટવાય...

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

ઠેકઠેકાણે મંદિર જોઈ
મનમાં હું રે મુંઝાતો
દલિતપીડિતથી તું અભડાતો
જોઈને દિલ દુભાતું

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

'સંભવામિ યુગે યુગે' સાંભળી
કાન મારા પાક્યા
જનમ તું ક્યારે લઇશ, હરિ
'ગાફેલ' જુએ છે વાટ

હરિ, તું, ક્યાં જઈ કેદ પુરાણો?

----------6-----------------------------------------------------------------------------------------------------------------------

मैं हुआ तो क्या हुआ ? / श्याम  (अहमदाबाद)

मैं हुआ तो क्या हुआ ?
न होता मैं तो क्या होता !
वो खुदा है तो है ,
न होता बंदा न खुदा होता ।
ये तपन , ये ठिठुरन ,
न चोला न चादर ।
ये ग़रीबी , ये बेहाली
न तमन्ना न चाहत ।
ये बेकसी, ये लाचारी
न दिलासा न ढ़ारस ।
ये वज़ूद का मर्ज़
न दवा न राहत ।
देवता सारे बँट गए अमीरों में ,
काश ! मुफ़लिसों का भी कोई खुदा होता ।
मीनारों की नक़्श ,
मूर्तियों की चमक ।
ऊँचे ऊँचे पर्चम ,
स्वर्ण कलशों की दमक ।
अजानों की चुभन,
हवनों की धधक ।
दुआओं के दलाल
शेख़ो बरहमन का दख़ल ।
गर ये सब हैं खुदा के घर,
तो कहाँ मुफ़लिसों का खुदा होगा ?

नसीहत चौखट तक ,
इल्म किताबों तक ,
सच औरों तक ,
ईमानदार मौक़े तक ,
आदर्शों की सीमा
बस, ख़ुदगर्ज़ी तक ।
इन्कलाब इक नारा
तख़्त तक  पहुँचने तक ।
नाम तो बेचते ही हैं उसका ,
बेचते उसे भी गर सामने खुदा होता ।

लहू से लथपथ
ये कूचे, ये गलियाँ ।
सियासी इशारों पर
जलती ये बस्तियाँ ।
' वोटर ' के गोश्त की
लगती हैं बोलियाँ ।
मंडी में बिक रही हैं
रेवड़-सी हस्तियाँ ।
इन्सां , इन्सां कहाँ रहा अब !
ये होता अगर खुदा होता ?