16 August 2015

અંક - ૨૯ / ઓગસ્ટ ૨૦૧૫


અનામત-વિશેષાંક
A poetic protest to save reservation

આ અંકના કવિઓ
૧. રાજેશ જાદવ 'ફિઝૂલ'
૨. વજેસિંહ પારગી
૩. જયસુખ વાઘેલા
૪. ડૉ. કનુ પરમાર
૫. જયેશ સોલંકી
૬. મેહુલ મંગુબહેન
૭. બ્રહ્મ ચમાર
૮. વિનુ બામણિયા
૯. કુશલ તમંચે
૧૦. ઉમેશ સોલંકી

૧-------------------------

શેની અનામત / રાજેશ જાદવ 'ફિઝૂલ' (લીંબડી, જિલ્લો - સુરેન્દ્રનગર)

મતનું
'હા' મતનું 'ના' મતનું
અનામતનું
અનામતના મતનું
હિંમતનું કિંમતનું મતનું
મતનું મતાંતરનું
આપો મત, કાપો મત, છાપો મત
આ તે કેવા મત !
અનામત જનામત સલામત
સત્તાની સાઠમારી
ખુરશીની ખુમારી
અટવાઈ પડ્યા રે પેલા
અનામતની કરામત
જાણે શઢ વગરનાં વહાણ
જાણે ધાર વગરનાં બાણ
રેતીના ટીલાની ટોચે બેસીને
જોવો હતો પૂંછડિયો તારો
અંતે તો એટલું જ જણાયું
આ તો બધું મતનું સત
શેની અનામત
મતની અનામત
મતની...
 
૨-------------------------
 
કાલની આશા / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો દાહોદ)
 
હજારો હજારો વર્ષ સુધી
વર્ણ વિદ્યા ભણે
વર્ણ તપ કરે
વર્ણ રાજ કરે
એવી ગોઠવણ કરીને
ખુદના લાભ માટે
બે-ત્રણ વર્ણે ઘડી કાઢ્યું -
અનામતનું અક્ષયપાત્ર.
ને બાકીના વર્ણોને રાખ્યા
વર્ણમાળાની બહાર
અક્ષયપાત્રથી દૂર.
 
વર્ણમાળામાં સ્થાન મેળવવા
શંબૂકે કલમ કરાવ્યું માથું
એકલવ્યે કાપી આપ્યો અંગૂઠો
બાબાસાહેબે સતત લડ્યું
માનવહક માટે મહાભારત.
ત્યારે માંડ કબૂલ કરાયો
અમારો માનવહક.
ને અમારે ભાગે આવી અનામત.
અનામત -
અમારા પૂર્વજોએ આપેલા બલિદાનનું ફળ છે.
 
છ-સાત દાયકાથી કરોડો હાથ
અનામતના ફળ સામે તાકીને જીવે છે.
પરંતુ હજી પાક્યું નથી ફળ
આજ નહીં તો કાલ ફળ પાકશે
ને ટપકશે અમારા હાથમાં.
અનામત -
અમારી આવતી કાલની આશા છે.

૩-------------------------

 
આગળ આવશોને ? / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો - સુરેન્દ્રનગર)
 
બાળપણમાં
મંદિરની બહાર દરવાજે
શ્રીફળ વધેરી
માનતા પૂરી કરતી
બાને જોઈ છે
 
ઊંચ-નીચની વ્યવસ્થાનો
ભાગ બની ગયેલા ઇશ્વર પ્રત્યે
બાની શ્રદ્ધામાં હજુય
ઓટ કોઈ આવી નથી
મંદિરની બહાર આજે
એ જ દરવાજે
શ્રીફળ વધેરીને બા
પૂરી કરે છે માનતા
 
વરસોથી
બહાર મંદિરની
હજારો માની
શ્રીફળ વધેરવાની
અનામતના વિરોધમાં
ખૂણેખાંચરેથી વિશાળ મેદનીમાં
પ્રચંડ અવાજે
આગળ આવશોને ?

૪-------------------------

 
મેં લીધી છે / ડૉ. કનુ પરમાર (વડોદરા)
 
જન્મયો ત્યારે માથે છાપરું નોહતું
બાળમંદિરનું નામોનિશાન નોહતું
પ્રાથમિક શાળામાં ઓરડા નોહતા
રસ્તો નહતો ને પગ ઊઘાડા હતા
સ્કૂલ પછીના સમયમા ટ્યૂશનના વેંત નોહતા
ભણવા માટે ધગશ હતી
પણ લાઇટનાં ઠેકાણાં નહોતાં
રવિવારની રાહ નોહતી એ તો દા'ડીનો દિવસ હતો
ઉચ્ચ-શિક્ષણનો દાયરો નહોતો
આવન-જાવન માટે બસ નહોતી
હોસ્ટેલના એ દિવસો હતા
વહેલી સવારે ઉઠાડતા
ઠંડાંબોળ પાણીએ નહાતા
સૂકીભઠ્ઠ એ રોટલી હતી
પાણીથી પચપચતુ્ં એ શાક હતું
ખબર હતી આમાં કંઈ થવાનું નથી
ભણીગણીને બાપદાદાનુ એ જ કામ કરવાનું
ખબર નહીં
ક્યાંથી મળી ગઈ ડૉક્ટરી
ફી માટેના પૈસા નહોતા
કોઇ સજ્જન મદદ કરતા
એમ ને એમ ગુજારો કરતા
ભણ્યા પછી આગળ ભણવા નોકરી કરતા
હોઇ શકું હું લાખોમાં એક
છુ આજે લાખોમાં એક ડૉક્ટર
હા મેં અનામત લીધી છે.
 
૫-------------------------
 
બ્રહ્માના મ્હોંમાં / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)
 
હે
સવર્ણ સાંઢ હિંદુ
તારી પાસે
હવે એક જ રસ્તો છે
તું મને
મારી પૂંઠે બાંધેલા
ઝાડૂથી મુક્ત કર
ને પહેર
તારી ડોકમાં
હકારાત્મક ભેદભાવનો ડેરો
તારે આમ કરવું જ પડશે
ન્યાય ખાતર
સમાનતા ખાતર
નહિતર
સ્પર્ધા નહીં
યુદ્ધ થશે
લટકાવી ઊંધો બ્રહ્માને
એના મ્હોમાં
મૂતરની ધાર થશે.
 
૬-------------------------
 
અડબોથ / મેહુલ મંગુબહેન (અમદાવાદ)
 
એકના પગમાં
વૂડલેન્ડ, બાટા કે લખાનીના શૂઝ હોય
ને બીજાની ચામડી જ હોય એના ચંપલ
એવામાં કોઈ માઈનો લાલ,
કે એના બાપની બબાલ
સમાનતાની ભાઈ-બાપ, મા-બેન કરે,
મહેનતની સફ્ફઈ ઠોકે,
જિંદગી કી રેસનાં ગીતડાં ગાય
કે તંદુરસ્ત સામાજિક હરીફાઈનું ભોંપુ વગાડે
ત્યારે
સહુથી પહેલું મન મને,
એનાં કાન અને મગજનો બધો મેલ ખરી પડે
એવી અડબોથ મારવાનું થાય છે.
 
૭-------------------------
 
તને દીધી / બ્રહ્મ ચમાર (ચલાદર)
 
અલ્યા
મુખ્યમંત્રી તારો
સંસદસભ્ય તારો
ધારાસભ્ય તારો
ને
સરપંચેય તારો
તોય તું અનામત લેવા ઉપડ્યો
બાબાસાહેબે
ઓબીસી વિશે
સરદારને સમજાવેલું
પણ
એ નહીં સમજેલા
આજે તમે સમજ્યા ખરા !
જો
બારવાહાની દીકરી                 (બારવાહા = વાલ્મીકિ)
મુખ્યમંત્રી કે વડાંપ્રધાન હોત
તો જરૂર કહેત,
'એક વર્ષ ગટરની
ગંદકી સાફ કર !
અમ બારવાહાનાં કચરાં-પોતાં કર !
અનામત
તું માગે કે ના માગે
તને દીધી.
         
૮-------------------------
 
બીજુ શું ? / વિનુ બામણિયા (ગોધરા, જિલ્લો - પંચમહાલ)
 
ચાલ ભાઈ
આપણે પણ જોઈએ
જેને આપણું જોઈએ
એનું પણ આપણે જોઈએ
જે જોયું નથી એ પણ જોઈએ
 
આપણે ધૂળના માણસ
ચીરફાડ કરનારા માણસ
મેલું ઉપાડનારા માણસ
ગંદુંગોબરું સાફસુથરું કરનારા
એમનેય આપણું ખપે છે હવે
તો આપી દો આપણું બધું એમને
પણ એ લોકો તૈયાર છે ?
આપણું ચીરફાડ કરવાનું
ગંદુંગોબરુંમેલું ઉપાડવાનું
કામ સ્વીકારવા
છતાંય
આપણે તો અનામત છીએ, રહેવાના
આપણે ક્યાં
એમના બાપદાદાની
પેઢી છીનવી લીધી
થવા દો, જે થાય તે ખરું
બાપલા !
પૂર્વજન્મની લેતીદેતી
બાકી રહી ગઈ હશે, બીજુ શું ?
 
૯-------------------------
 
કલમ-કસાઈની વ્યથા ! / કુશલ તમંચે (અમદાવાદ)
 
અનામતથી દેશની અધોગતિની જ્યોતિષી ભાખો
ગોલ્લા ધર્મના સંદેશને શિરે બાંધો                    (ગોલ્લા = ગુલામ)
સર્વ શોષણની ધજા લહેરાવો
 
જ્યોતિ પ્રગટાવો પણ ફૂલેને મિટાવો
ગુણધર્મીથી ટકાવારીનો વ્યાપ કરાવો
મનુઓને મજૂરી કરાવતી પ્રથા હટાવો
 
જાતિ-વર્ણની ગુલામીનો મંત્ર ફૂંકો
ભગવત-ભાગવતની ફૂંકણી મારો                 (ફૂંકણી = ફૂંક મારી ચૂલો સળગાવવાની નાની પાઇપ)
આંબેડકરનું સુરક્ષાકવચ નષ્ટ કરો
 
મનુવાદના મેરિટની વિદ્યા આપો
રાજધર્મથી રાષ્ટ્ર ચલાવો
અંધશ્રદ્ધાને રૂઢિચુસ્ત બનાવો
 
નાબૂદ કરો નાબૂદ કરો
અનામતને નાબૂદ કરો
 
૧૦-------------------------
 
એક ટીપું / ઉમેશ સોલંકી
 
ન સુકાતી
હિલ્લોળા લેતી
વહેતી, બસ વહેતી
અને અચાનક વળાંક લેતી
ધીમી પડતી
તમારાં ઘરઘરમાંથી
રણઝણ કરતી
પસાર થતી
આ દેશની નદીમાંથી
હજારો વર્ષની
બળબળતી તરસ પછી
એક ટીપું
હમણાં લીધું
ત્યાં તો
સૂર્ય ગળામાં ફસાઈ ગયો જાણે
એમ તમે તરફડવા લાગ્યા !
અમે તો હજુ કિનારે આવવાના
અંગૂઠાને ધીમે ધીમે જળમાં બોળી
છબછબિયાં કરવાના
તરવાના, ડૂબકી મારવાના
આ પારથી પેલે પાર કરવાના
ડૅમ બાંધવાના
એક એક નગર, ગામેગામ
જંગલ અંદરનાં ઠામેઠામ
ન ધમાલ કરતી
પહોંચે કલકલ કમાલ કરતી
નદીની એવી નહેરો રચવાના
તમે પછી શું કરવાના ?
મરી જવાના
કે મારી નાખવાના ?
સહેલું ક્યાં છે મરી જવું
મારી નાખવુંય સહેજ હવે તો ના સહેલું રહ્યું
ટીપામાંથી અમને એવું જોર મળ્યું.