14 December 2014

અંક - ૨૧ / ડિસેમ્બર ૨૦૧૪

આ અંકમાં
૧. ઢેડકીએ જતી હોય તો / મેહુલ ચાવડા
૨. બાળભિખારી / જયેશ સોલંકી
૩. કંઈ રે લોકો સૂવો છો કે જાગો છો... / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. મને શું મળ્યું? / બ્રહ્મ ચમાર
૫. रोमेंटिक फूल स्टॉप / वैशाख राठोड
૬. કાગળની હોડી / વજેસિંહ પારગી
૭. ફૂદું / ઉમેશ સોલંકી

૧.........................................................................................

ઢેડકીએ જતી હોય તો / મેહુલ ચાવડા (અમદાવાદ)

ઉનાળાના ધોમધખતા તાપમાં
ગામના છેવાડાની ઓત્તર દશામાં (ઓત્તર દશા - ઉત્તર દિશા)
તલાવમાં
સૂકીભઠ માટીના પોપડા જોઈ
બાઈ
ગામના ગામ તલાયના આરે (તલાય - તળાવ)
આરાના પથરે
લૂગડાં ધોવા આવે
બાઈના હાથે
કાળા સાબુ વશે (વશે - વડે)
ધોવાતાં લૂગડાંના છાંટા ઉડ્યા
પડ્યા કપડાં ધોતી ગામની સ્ત્રી પર
ને મોંઢેથી ભોંડીભઠ ગાળ છૂટી
“ઢેઢી,
ઢેડકીએ જતી હોય તો”

(ઢેડકી – ગામમાં દલિતો પાણીનો ઉપયોગ કરે તે જગ્યા)

૨.........................................................................................

બાળભિખારી / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો – અમદાવાદ)
       (સત્યઘટના પરથી)

વહેલી સવારે
મારા ઉંબરે
આવી ચડ્યો
એક બાળભિખારી
એ હતો આગળ
ને વાસનાં કૂતરાંની લાંબી લંગાર એની પાછળ
બાજરીનો રોટલો ટીપતી
મારી માના મનમાં કે
‘આ તો બાળરાજા!’
એણે
કૂતરાંને કીધું ‘હાડ...’
ધરી ગરમ રોટલાની ફાળ
કલાડીમાં શેકાતો રોટલો થઈ ગયો બળીને ખાખ
પણ
પેલા છોકરાએ નાં લીધી રોટલાની ફાળ
એ એટલું જ બોલ્યો :
“રોટલો ન’ઈ, લોટ આપો બા!
માના હૈયા પર
ભોંકાયા ભાલા
ને હૈયું થઈ ગયું
ચુલામાં ભડભડ બળતો ગોરંડો

(ગોરંડો – ભેંસનો સુકાયેલો કઠણ પોદળો જે બળ્યા પછી એકબે દિવસ અંદરથી સળગતો રહે)

૩.........................................................................................

કંઈ રે લોકો સૂવો છો કે જાગો છો... / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

કંઈ રે લોકો સૂવો છો કે જાગો છો?
નિશાળ છોકરાં ભૂખ્યાં છે કે તરસ્યાં છે?
કંઈ રે માસ્તર સૂવે છે કે જાગે છે?
કેટલો જથ્થો આવે છે ને ખાઈ જાય છે?
કંઈ રે સરકાર સૂવે છે કે જાગે છે?
સંચાલકની દુકાન ચાલે છે ને વેચાય છે?
કંઈ રે લોકો સાંભળો છો કે બહેરા છો?
રસોયા રાંધેલું લઈ જાય છે કે ખઈ જાય છે?
કંઈ રે ગામવાળા બોલો છો કે બોબડા છો?
બાલવાડીનો નાસ્તો છોકરાં ખાય કે ડોબાં ખાય?
કંઈ રે કાર્યકર સૂવો છો કે જાગો છો?
કંઈ રે સરકાર ભાળે છે કે આંધળી છે?

૪.........................................................................................

મને શું મળ્યું? / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

ગુરુ દ્રોણે
મારો અંગૂઠો ક્યાં માગ્યો હતો?
એમણે તો માંગ્યું હતું
અર્જુનનું જીવતદાન
અર્જુનનું સ્વમાન
અર્જુનનું ગૌરવ
જે મારા
એક જ અંગૂઠાથી તેમને મળી ગયું
પણ મને શું મળ્યું ?

.........................................................................................

रोमेंटिक फूल स्टॉप / वैशाख राठोड (अहमदाबाद) 

कल फोन पर की नोंक जोंक में रूठ गए थे 
तो एक दूसरे को मना रहे थे 
शादी के लिए माँबाप को कैसे समझाना है 
बड़ी गंभीरता से उस विषय पर निर्णय ले रहे थे 
एक दो की  तो शायद ये पहेली ही मुलाक़ात होगी 
तो ह्या और लाज के फूल चारों सिम्त बिखरे पड़े थे 
कोई कॉलेजीयन ने अपनी इंग्लिश की कापी के पीछे 
नई  कविता लिखी थी 
तो 'ग़ालिब' की तरह सुना रहा था 
ऑफिस में बॉस के साथ बवाल हुयी थी 
तो उसकी उदासी को चाहीये थे 
पुचकार के दो रूहानी शब्द 

 अहमदाबाद की शान ओ शौकत जैसे नहेरु ब्रिज के 
इक छोर के सरदार बाग़ और 
रिवर फ्रंट के खुले मैदान में 
कुछ प्रेमी झोड़े 
हाथ में हाथ  लिए ऐसे ही सांस्कृतिक गुन्हा कर रहे थे 
की तभी किसी राजनैतिक संघ के 
भगवा धारी डंडों  ने 
अश्लील निर्दयता से 
उनकी सारी  मुरादें 
धर्म के हवन में झोंक दी 
और हरेक 'ग़ालिबको मार भगाया 

वो ऐसा कर सकते है 
क्यूंकि उनके हाथों में 
भारतीय संस्कृति को बचाने का ठेका है 
और मुँह में फतवे के श्लोक 
जो हमारे दिलचस्प संविधान से उन्हें 
असलाफ (विरासत) में मिले है 

 कल दोपहर से शाम तक की ये घटना 
जिस से रूबरू हुए थे तुम 
आप आज नसीम ए शहर (खुशबु दार सुब्ह) में 
हाथों में चाय का कप 
और टोस्ट का टुकड़ा थामे 
सत्ताईस इंच के रंगीन टी वी में 
बड़ी संगीन निग़ाहों से देख रहे है 
और आपके दिल दिमाग, मन मष्तिष्क, अमर आत्मा में 
बहोतसे उद्गारों के अंकुर फुट रहे है 
वो अंकुर पेड़ बने उस से पहले ही 
आपकी बीवी चैनल बदल  देती है 
फिर 'देव आनंद' का गाना खत्म होते होते ही 
आप चाय और टोस्ट, रोमेंटिक फूल स्टॉप से  पूरा कर लेते है 

कितना सुखद होता है.…  नहीं?
ऐसी किसी भी घटना से बचकर निकल जाना 
पर 
उससे भी ज्यादा आनंद दायक और उत्तेजक होता है 
ऐसी रसिक घटना के गवाह की हैसियत से 
अपने घरवालों  को उस पर व्याख्यान देना । 

.........................................................................................

કાગળની હોડી / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો – દાહોદ)

દરિયો તો
દુનિયા ડુબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!

.........................................................................................

ફૂદું / ઉમેશ સોલંકી

ધૂળિયા ગામનું લીપેલું ઘર
ઘરના બારણે અલ્લડ શી સાંકળનું મીઠુંમધ ખટખટ
ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન
ખનખન પર છલકાતું હસવાનું કલકલ
અને આંગળીથી ચાંદરણું પંપાળી પંપાળી
ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ
મારી ફરતે ઘેરાતો બની ઘનઘોર
પછી વરસી પડતો
હું પલળી જતો

આજ
અક્કડ થયેલી સાંકળ પર લાગ્યું છે કટાયેલું તાળું
તાળા પર બાઝ્યું છે કરોળિયાનું જાળું
જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું
જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.