15 February 2018

અંક - ૫૮ / ફેબ્રુઆરી ૨૦૧૮

આ અંકમાં
૧. અગરિયાનું ઘર / દેવેન્દ્ર કે. વાણિયા
૨. સમાગમની ભીખ / કુસુમ ડાભી
૩. બાબાસાહેબ / જયેશ સોલંકી
૪. કલમ વડે / ગુણવંત મેરૈયા
૫. એકાદ આશા / વજેસિંહ પારગી
૬. સંવાદની વાત / ઉપેન્દ્ર બારોટ
૭. મૂળિયું બનાવો / ઉમેશ સોલંકી

૧----------

અગરિયાનું ઘર / દેવેન્દ્ર કે. વાણિયા 'સ્નેહ' (ખારાઘોડા, તાલુકો : પાટડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

વારે વેચાય એવા
મોંઘેરા પ્લોટની નથી ગતાગમ
અમે મફતિયા પ્લોટમાં રહીએ
ઘાસ અને કંતાનથી બાંધીને ઝૂંપડી
ઘરનો અહેસાસ એમાં કરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

નથી દીવાલ નથી બારી કે બારણાં
અમને ડર નહીં ચોરીચુંગાલનો
તાળા કે ચાવીની પરવા નથી
ડર નહીં માનવરંજાડનો
અમે લાગણીના ઘરમાં રહીએ

કેવું છે ઘર મારું, ન્યારું છે ઘર મારું
સંતોષને સુખ સમજીએ
દશે દિશાથી ભલે વાયે વાયરા
અમે વાયરાની સાથે વિહરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

નથી જરૂર મારે મહેલ મહેલાતોની
જરૂર નથી ધનમાલની
મમતા ને લાગણીના મોટા મનડામાં
'સ્નેહ' શમણાંના સૂર પૂરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

૨----------

સમાગમની ભીખ / કુસુમ ડાભી (લીંબડી, જિવ્લો : સુરેન્દ્રનગર)

રસ્તે રખડતી ભટકતી
વેરવિખેર વાળ સાથે ફરતી
દાયકા જૂનાં
મેલાં લૂગડાંથી શરીર ઢાંકતી
કંઈ કેટલાંય બાકોરાંમાંથી
કાળામેશ ઢીંચણને, સાથળને સંતાડતી
હાલતાં-ચાલતાં
ટીખળિયાઓથી ડરતી પથ્થર ફેંકતી
એ જીવતી લાશ બની તોય જીવતી
શિયાળે ઠરતી ઉનાળે હાંફતી
ચોમાસે થરથર કાંપતી
દી ઊગે ને આથમે
એ હાથે જ્યારે ખાવા-પીવાનું માંગતી
સજ્જનોની વાણી: 'આઘી જા, હટ!'
તિરસ્કાર ભરી નજરે
એને તાકતી
રાતના અંધારે
એ જ સજ્જનો દુર્જનો બની
એ માંસના લોચા નિચોવતા
ગાંડી, પાગલ 'ડાકણ'રૂપી મા
તોય,
સજ્જનોના સમાગમની ભીખને
ખોળે રાખી હેતથી પંપાળતી...

(St. સ્ટેન્ડમાં જોયેલી એક પાગલ સ્ત્રીના ખોળામાં બાળક...અચાનક મનમાં યાદ આવ્યું આ)

૩----------

બાબાસાહેબ / જયેશ સોલંકી (ભુવાલડી, તાલુકો-જિલ્લો : ભુવાલડી)

બાબાસાહેબ,
હું રહ્યો
ભંગિયો
મને શી ખબર
આંબેડકરવાદ શું ચીજ છે ?
કોઇ કહે છે
તમારી આંગળી
સત્તા-પ્રાપ્ત કરવા તરફ
ઇશારો કરે છે
કોઇ કહે છે
'બૌદ્ધ' બનવા તરફ
કોઇ કહે છે
જાતિનિર્મૂલન તરફ
કોઇ કહે છે
શિક્ષિત બનવા તરફ
તો કોઇ વળી
એમ કહે છે
બાબાસાહેબ
મજૂરોના નેતા હતા
એમણે સ્વતંત્ર મજૂર પક્ષ સ્થાપેલો
જ્યાં મેં
ભરપેટ પૂરી-શાક ખાધાં
એ સ્ટૉલ વાળા કહેતા હતા
બાબાસાહેબ
મહાન હિન્દુ સમાજ સુધારક હતા
સમરસતાના પ્રખર હિમાયતી
બાબાસાહેબ
હું અકળાઈ ગયો છું
મને બસ નંબર ૧૫૦ની
મફત ટિકિટ અપાવી દોને
તમારી આંગળીના એક ઇશારે
મારે ઘરે જવું છે
ને પીવો છે ચિક્કાર દારૂ.

૪----------

કલમ વડે / ગુણવંત મેરૈયા (અમદાવાદ)

જોજનો
પહોળું રણ હતું
હતું સૈકાઓનું છલ.
જબરું કાઠું કામ હતું.
.... તો
જબરું કાઠું જણ.
શસ્ત્ર સામે શિક્ષણ !
રગરગ પ્રસરી પીડામાં
ન ઢાલ હતી ન ભાલો
જબરી અફરાતફરીમાં
એકલપંડે ઝૂઝવાનું.
ચતુર્વણી કિલ્લેબંધી
કલમ વડે ખોતરવી
જબ્બર જાદુગરી
કાચું કંઈ ન કાપ્યું...
લ્યો
ઠાકરપટ્ટે અર્પણ સૌને
સંવિધાન લખી આપ્યું.

૫----------

એકાદ આશા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

ક્યારેક તો પ્રકાશશે
અેકાદ અાશા
દીવાની જેમ
ને અજવાળી દેશે
થોડુંક અાયખું.
અેવા ભરોસે
જીવતા રહ્યા
અંધકારમાં.
અમે તો રાખ્યો
પૂરો ભરોસો
છેલ્લા શ્વાસ સુધી
પણ કદી પ્રકાશી નહીં
અેકે અાશા.
જન્મથી તે મોત લગી
અાયખું રહ્યું
અમાસ જેવું!
લાખો તારા જેટલી
અાશા વચ્ચે.

૬----------

સંવાદની વાત / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

જ્ઞાતિજાતિની વાત કરવી નથી
વાત કરવી છે સંવાદની
સંવાદમાં
હું હોઉં, તું હોય,હોય સૌ
મારું જે છે એ છે સર્વનું
સર્વમાં હું, તું ને સૌ

૭----------

મૂળિયું બનાવો / ઉમેશ સોલંકી

સદીઓની સદીઓ ગઈ
સદીઓ બની
જશે સદીઓ
બનશે સદીઓ
સદીઓનો નથી કોઈ આકાર
છતાં છે એનો આકાર
આકાર એનો હાથ
ખરબચડો હાથ
હાથનું પાછું મૂળિયું
મૂળિયાના છેડે મગજ ને હૈયું.
સદીઓ વીતી ને થયું
હૈયું પણ નોખું
મગજ પણ જુદું
મગજને ફૂટ્યો પછી સુંવાળો હાથ
હૈયાને ફૂટ્યો ભટકતો હાથ
ભટકતો હાથ ગોળગોળ ભમ્યા કરે
સુંવાળો હાથ સરસર સર્યા કરે.
હવે
એવું રસીલું કોઈ ખાતર બનાવો
બે મૂળિયાંનું એક મૂળિયું બનાવો.