15 April 2017

અંક - ૪૮ એપ્રિલ ૨૦૧૭

આ અંકમાં
૧. कहते है / रेखा यादव
૨. લંડન / ગોપિકા જાડેજા
૩. તારાં વચનો / હેતલ જી. ચૌહાણ
૪. ઝૂલડી / વજેસિંહ પારગી
૫. અમે કરીશું  / અનિષ ગારંગે
૬. રહેઠાણ મારું નામ / મેહુલ ચાવડા
૭. લત / ઉમેશ સોલંકી

૧----------

कहते है / रेखा यादव (वडोदरा)

कहते हैं
साथ रहते-रहते
प्रेम हो जाता तबदील आदत में
तब वह
प्रेम नहीं रह जाता
सूखे रजनीगंधा के फूलों की तरह
टिक जाता है फूलदान में
कभी
मैले तौलिये से लटकता हुआ
बच्चों की किताबों के
क, ख, ग, घ,
से  होता हुआ रसोई घर में
कूकर की सीटी में तब्दील हो जाता है
घर के गलियारों में धूल की तरह
उडता प्रेम उन दोनों के बीच
शून्य में बदल जाता है ।

૨----------

લંડન / ગોપિકા જાડેજા

શરીરે ભૂખ વીંટાળી 
ભૂખને ઘર બનાવી
વિક્ટોરિયા સ્ટેશનની બહાર
બેઠેલા તે માણસની 
ખાલી દૃષ્ટિ સામે 
હું નગ્ન છું.

૩----------

તારાં વચનો / હેતલ જી. ચૌહાણ (સુરત)

એક વખત 
તારા આપેલા વચનને 
હું સમજી બેઠી
બ્રહ્મવાક્ય
ફરી-ફરી એ જ વચનને 
સત્ય માની 
સોનેરી સપનાં સજાવી બેઠી
મૄગજળ સમાં સપનાં
સાચાં માની બેઠી
અદાલતમા તારીખ પર તારીખ જેમ 
એમ તારી તારીખો પડતી રહી 
ના તો કેસ પૂરો થયો અદાલતનો
ના પૂરાં થયાં તારાં વચનો.

૪----------

ઝૂલડી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

નાનપણમાં મારા માટે
બાપા લાવ્યા હતા ઝૂલડી.
ધોતાં ચઢી ગઈ
રંગ ઊપટી ગયો
દોરા ઊબળી ગયા
ઝૂલડી મને ગમી નઈં.
મેં કર્યો કળો -
નથી પહેરવી અા ઝૂલડી.
માથે હાથ ફેરવીને
માઅે સમજાવ્યું હતું -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી નવી લાવશું.
અાજે તો
અણગમતી ઝૂલડી જેવું
થઈ ગયું છે શરીર.
કરચલીઅો પડી ગઈ છે
સાંધા નંગળી ગયા છે
શ્વાસ લેતાંય ધ્રૂજે છે.
ને હવે  જીવ કરે છે કળો - 
નથી પહેરવું અા ખોળિયાને!
હું જેવો ખોળિયું ઉતારવા જાઉં છું 
તેવી યાદ અાવી જાય છે મા
ને માની વહાલભરી સમજાવટ -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી...  ...

૫----------

અમે કરીશું  / અનિષ ગારંગે (અમદાવાદ)

સૂરજના તડકાને  થેલામાં બાંધી
કોદાળી થી ધરતી પર ઘા કરીશું
લાંબો હોય કેટલોય પથ
પરસેવાથી એને ભીંજવીશું
કાંકરા આવે કે કાંટા
વાવ બનીને ઝાલી લઈશું
હાથ પકડી, ઓ સાથી...........
અમે કરીશું.

દરિયાની ભરતી આવશે, 
આવશે તૂફાનના ચક્રવાત
નાવ આપણી હાલકડોલક થશે
ખરાબ થશે આપણી હાલત
તો પણ,
જળના મુખને ફાડીને
આપણે તરી લઇશું.
હાથ પકડી, ઓ  સાથી......
અમે કરીશું.

સમાજના રસ્તા છે છાણાં
કાળાં કાળાં ગોળ ગોળ,
બનીશું હિંમતવાન
બતાડીશું એમને આપણા
જોમની કળ કળ
હાથ પકડી, ઓ સાથી........
અમે કરીશું.

૬----------

રહેઠાણ મારું નામ / મેહુલ ચાવડા (અમદાવાદ)

મને બરાબર યાદ છે એ દિવસો
પ્રાથમિક શિક્ષણ પૂરું કરી
કંઈક બનવાની ઘેલછામાં 
હું ભણવા ગયો
એક અજાણ્યા નગરમાં
જ્યાં ના કોઇ મારું હતું
હતાં તો હું અને મારું પરિણામ.
શાળાના પ્રથમ દિવસે 
કોઈને ખબર ના પડી
ખબર પડી 
તો મારી હોશિયાર હોવાની છાપની
પણ છાપ ભુસાઇ ગઈ 
રેતીના પગલાની જેમ
શિક્ષક દ્વારા પૂછવામાં આવ્યાં 
નામ અને રહેઠાણ.
પછી બની ગયું
મારું રહેઠાણ મારું નામ :
બી.સી. બોર્ડિંગ.
ડગલે ને પગલે યાદ કરાવ્યું
રહેઠાણ રૂપી મારું નામ
ના રહી હોશિયાર તરીકેની છાપ
ના રહ્યું મારું નામ.
મને તો યાદ રહ્યું મારું રહેઠાણ રૂપી નામ :
બી.સી બોર્ડિંગ.

૭----------

લત / ઉમેશ સોલંકી

તને બેઠું'તું સત્તરમું
મનેય બેઠું'તું સત્તરમું
સત્તરમાં હોય નહીં જીવનને ઘાટ
ફાટફાટ થતું તેથી ખેંચાવું
શાળામાં ગામમાં
કે હોઈએ વાસમાં
ખેંચાવું ખસતું લગીર ના છેટું
શું કરવું ?
વિસ્તરવું
કે સંકોચાવું
સંકોચાવામાં હિત નથી
વિસ્તરવામાં મળવાની પ્રીત નથી
સ્થિરતાને વળી કોહવાટ વહાલો
કોહવાટ એ સત્તરની રીત નથી.
વિસ્તર્યો
પહોંચ્યો
આજ
દાણો એક અંદર પડે
પેટ તરત બરાડી ઊઠે
છતાં
છાતીની અંદર
એજ હલચલ
આંખ એટલી જાગી
કે આંત્રપુચ્છની રીત હઠાળી
પોપચાંને લાગી વહાલી
ભલે લાગી
સાથે લાગી
કોહવાટ ન ભાળવાની
કીકીને પણ લત નિરાળી.

----------

    ફેરફાર (નવલકથા)
    મૂલ્ય : ૧૩૦ રૂપિયા
    કુલ પાનાં : ૧૯૨
    પુસ્તક-ખરીદી માટે સંપર્ક :  9428039964