16 October 2013

અંક - ૭, ઓક્ટોબર, ૨૦૧૩

આ અંકમાં 

1. દારૂ કાઢવો પડશે / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
2. પ્રોફેસર દ્રોણાચાર્ય / જયેશ સોલંકી
3. પરિવર્તન / બ્રહ્મ ચમાર 
4. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય (દીર્ઘકાવ્ય) / ઉમેશ સોલંકી

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

દારૂ કાઢવો પડશે / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)
 

ગામમાં સૌનાં ખાલી ખિસ્સાં, તોય નથી છોડતા શેંહા (શેંહા = શીશા) 
શેંહા ફોડવા પડશે, દારૂ કાઢવો પડશે,
બેનની જમીનો છે ટૂંકી, ભાઈએ પૈસા માર્યા ફૂંકી
દારૂ છોડાવવો પડશે, દારૂ કાઢવો પડશે
 

કોઈ થાકીને પીએ કોઈ હારીને પીએ
રસ્તા શોધવા પડશે, દારૂ કાઢવો પડશે
ઘરમાં ખાલી હાંલ્લા ખખડે, છોરાં ભૂખ્યાં બેઠાં રુએ
પેટ ભરવું પડશે, દારૂ
કાઢવો પડશે
 

ઘરમાં રોજનો પપડાટ, રોજ ઢોર ઢોરનો માર
ટક્કર આલવી પડશે, દારૂ કાઢવો પડશે
પોલીસ વ્હારે નથી જોતી, સરકાર સામું નથી જોતી
બેનોને જાગવું પડશે, દારૂ કાઢવો પડશે
 

રોજ બાટલીની પેટી, પોલીસ હપતા ખાઈને બેઠી
હપતા તોડવા પડશે, દારૂ કાઢવો પડશે
આવો બેનો, સાથે મળીએ, હવે વેઠી નહીં લઈએ
ધાડ પાડવી પડશે, દારૂ કાઢવો પડશે
 

---------2-----------------------------------------------------------------------------------------------------------------------

પ્રોફેસર દ્રોણાચાર્ય / જયેશ સોલંકી (ભુવાલડી, અમદાવાદ)

ચાર ખાનાં પાડી
એકમાં લખો એક !
ત્રણ ખાનાં ખાલી
અનુસરવા,
થોડી ક્ષણો બાદ
એક એકડાના હાથમાં હતું ત્રિશૂળ
એ થૂક્યા થૂ
પછી પાટિયા પર પાડ્યાં
ચાર ખાનાં
એકમાં લખ્યું કવિતા
ત્રણ ખાનાં ખાલી
અનુકરણ કરવા
પહેલાએ લખ્યું : ઘટના
બીજાએ લખ્યું : વાસ્તવિકતા
ત્રીજાએ લખ્યું : જવાબદારી
ચોથાએ લખ્યું : પ્રતિબદ્ધતા
પાંચમાએ લખ્યું : લોકતંત્ર
છઠ્ઠાએ લખ્યું : સમાજવાદ
સાતમાએ લખ્યું : સામ્યવાદ
ભાગી ગયા
શ્રીરામની શોધમાં
હિમાલય તરફ
પાછળ અંગૂઠો બતાવતું હતું
એકલવ્યોનું ટોળું 


 ----------3-----------------------------------------------------------------------------------------------------------------------

પરિવર્તન / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

પહેલાં
એ લોકો મને
મારી મારીને જીવાડતા હતા
ને
આજે હું -
હસતાં હસતાં જીવું છું.

સદીઓથી
એ લોકોની ગુલામીમાં
રક્તથી ન્હાયો છું
ને
આજે
આઝાદીના શબ્દોથી
પોંખાયો છું

પહેલાં
મારા હાથમાં
બીજાનો પાવડો હતો
ને
આજે
મારું પુસ્તક છે

----------4-----------------------------------------------------------------------------------------------------------------------

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય (દીર્ઘકાવ્ય) / ઉમેશ સોલંકી

()
ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટ
શહેરની વચ્ચે રોડ ઉપર
ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટ
ઘોંઘાટ પડખે
નહીં નાના નહીં તોતિંગ દરવાજામાં પગલું પાડ્યું
આવ્યું જાણે
આદિવાસીઓનું કોઈ ગામ નાનું
ના ના, ના ના ગામ નહીં ગામ નહીં
ગામ જેવું હવામાન કાલુ કાલુ
પગલું છોડી ડગલું ચાલુ પગલું છોડી ડગલું ચાલુ
એવું લાગે કાલુ કાલુ એવું લાગે કાલુ કાલુ
મરણ આવે સામે ઘેલું
તરત એને પાસે ખેંચું
સહેજ એને આઘું ઠેલું
એવું લાગે કાલુ કાલુ એવું લાગે કાલુ કાલુ
પગલું છોડી ડગલું ચાલુ પગલું છોડી ડગલું ચાલુ
ડખડવખડ ઉબડખાબડ ઇતિહાસ હઠીલો
આજે લાગે શાંત સપાટ ભલે રસીલો
ધારો તો શ્વાસમાં એને ભરી શકો
ધારો તો મુઠ્ઠીમાં કેદ એને કરી શકો
ધારો તો એને મરડી શકો
કકડા કરી આમતેમ ફેરવી શકો
ભલે હતો
ડખડવખડ ઉબડખાબડ ઇતિહાસ હઠીલો
પગલું છોડી ડગલું ચાલુ પગલું છોડી ડગલું ચાલુ
છેટે વળાંકે
નહીં નાનો નહીં તોતિંગ બીજો દરવાજો ભાળું
ઊંચા નીચા, જાડા પાતળા
ગોરા કાળા, અક્કડ લચીલા
રસહીન કોઈ, તો કોઈ મોજીલા
આકાર
પગથિયાં ઊતરેચડે ચડેઊતરે
કોઈ ઠેકે બેચાર
પગલું છોડી ડગલું ચાલુ પગલું છોડી ડગલું ચાલુ
છેલ્લે પગથિયે પગલું છોડું
આકાર નહીં હવે આંખો ભળું :
ટેબલ પર શબ્દને શોધતી આંખો
છાપાંમાં ચાલતી-દોડતી આંખો
આંખોમાં સપનું બનીને ડોલતી આંખો
તસવીરમાં ઇતિહાસ અડીખમ
નીચે હાલકડોલક ક્યાંક ઘોરતી આંખો

()
આંખોના હું વનમાં આવ્યો
અક્ષરના ઉપવનમાં આવ્યો
ઉપવન કેવું સ્થિર ઊભું છે!
ઉપવનમાં વન રમી રહ્યું છે
રમતાં રમતાં
ઉપવનને વન અડી પડે છે
વન થઈને ઉપવન પછી હસી પડે છે
મારી આંખે અચાનક વન ઊગ્યું
વનમાં ઉપવન રમવા લાગ્યું
તા તા થૈયાં કરવા લાગ્યું


તા તા થૈયાં કરતાં કરતાં
વનને ઉપવન અડી પડે છે
ઉપવન થઈને વન પછી હસી પડે છે
વનને ઉપવનની લગની લાગી
ઠીંગરાયેલી એક પ્રાચીન ભૂખ જાગી
ઉપવન ખુલતાં વન ઉપવન થતું
બંધ થતાં ઉપવન પાછું વન થતું
થતાં થતાં ચાર વરસ થયાં
મનમાં અક્ષરનો મોટો ઢગલો થયો
ઢગલામાંથી અચાનક આગ ઊઠી
ભડભડ કરતી વનમાં પેઠી
પેસીને વનની રાખ કરી
ક્યાંકથી વાયરો વેગવંતો આવ્યો
આવીને રાખને લેતો ગયો
વન ગયું રાખ ગઈ
આંખ પાછી આંખ થઈ
આંખ હવે હાથ જુએ છે
હાથની સાથે હાડ જુએ છે
ઉપરનીચે હાથ થયા કરે છે
હાથ વળે એમ હાડ વળ્યાં કરે છે
વળી વળીને વળી ગયાં છે
ચામડી સાથે રૂંવાંને ગળી ગયાં છે
જે સ્થિર ઉપવન લાગ્યું
હવે હઠીલી ખાણ લાગે છે
ખાણમાં ભરચક થાક ઠોંસેલો
એમાં જીવન ડચકા લેતું

()
વરસોથી થયા હાથ જે
પુસ્તક પકડે, ના અડે પાન જે
હાથમાં નખ ઘણા
પણ નખમાં નખનો તોર નથી
એમ વિચારી વાત માંડી
વાતનો એક સૂર નીકળ્યો
વીસ વીસ વરસથી મથ્યા કરીએ
મથવાનું મંથન થયું
મંથનનો પરપોટો થયો
ફટાક દઈને ફૂટી ગયો
લૂગડું ફાટે તો થીંગડું મારીએ
બટકું ભરે તો જીવડું મારીએ
અંદર ઘૂસીને કોરી ખાતું
કહો, એને કેમનું મારીએ?
છાતીમાં મારી ડૂમો બાઝ્યો
એક આંસુ ફરસ પર ટપક્યું
ટપ નહીં
શબ્દ બનીને હીબકું નીકળ્યું :
    "તમને ફૂટ્યું વૃદ્ધત્વ
      યૌવન તમારા વળતરને ફૂટ્યું!"
સાંભળી હીબકું શબ્દવાળું
પુસ્તક્માંથી બહાર આવ્યું
એક ઘરડું બોખું મોઢું
બોલ્યું પાછું આછું આછું :
    "ઘણી હોંશથી મંત્રેલું
     લે, માદળિયું
     પહેરાવ ખુરશીને માદળિયું
     થશે સૌનું પ્યારું પ્યારું
     એવું અનોખું માદળિયું"
માદળિયું
ગોળ ગોળ ચશ્માંના ગોળ ગોળ કાચ જેવું
ગોળ અનોખું માદળિયું
ગોળ ગોળ ફરતી
લચકદાર ખુરશીને હેતથી
પહેરાવ્યું
ગોળ અનોખું માદળિયું

()
ખુરશી લચકા લેતી'તી
ગોળ ગોળ ફરતી'તી
ભાર ભારેખમ ઊતરી ગયો
એવી હળવી લાગતી'તી
ભીતર મારી ફાળ પડી
લપસ્યો
અને સડક વેગીલો ઢાળ બની
માદળિયુ? માદળિયુ?
ક્યાં ગયું માદળિયું?
ઉપર જોયું નીચે જોયું
ટેબલનું ખાનેખાનું ફેદ્યું
આખેઆખું ગ્રંથાલય જોયું
પુસ્તકનું પાનેપાનું ફેદ્યું
નહોતું જડતું જડ્યું
જડ્યું એક માદળિયું
અહીં શોધું તહીં શોધું
તહીં શોધું અહીં શોધું
જાણ્યાં-અજાણ્યાં ખીસે શોધું
બાથરૂમના ખૂણે ખૂણે શોધું
ખભે હળવેથી હાથ અડ્યો :
    "હુ હોધો, બોલો ભૈ?"
    "માદળિયું, ગોળ અનોખું માદળિયું"
    "માદળિયાથી હુ થાય, ભૈ
     એકઅ એનઅ સંડાસમઅ ફેક્યું
     ડોલ ભરીન ઉપર પૉણી રેડ્યું"
"અલ્લક ચલાણું ચલ્લક ચલાણું
માદળિયું તો મળમાં ફસાણું, મળમાં ફસાણું
અલ્લક ચલાણું ચલ્લક ચલાણું
મળ પાછું માદળિયે ભરાણું
મળ પાછું માદળિયે ભરાણું"
દૂરથી ધીમો અવાજ આવે છે
અવાજ તરફ શરીર વાળ્યું
પગલું છોડી ઝડપી ચાલુ પગલું છોડી ઝડપી ચાલુ
હાથ બધા ભેગા થયા છે
આશ્ચર્યમાં ગરકાવ થયા છે
ગણગણ ગણગણ કરી રહ્યા છે
એક ખૂણેથી
કોઈ ધીમેથી, હસી રહ્યું છે
મોઢું પુસ્તકમાંથી બહાર કાઢી રહ્યું છે
હસવું ધીમે ધીમે વધી રહ્યું છે
વધવામાંથી સફાળો શબ્દ છૂટ્યો
એક નહીં ત્રણ ત્રણવાર છૂટ્યો :
"વૅમ્પાયર, વૅમ્પાયર, વૅમ્પાયર"
શબ્દ નહીં ત્રાડ લાગી
પહાડ આખો, નાખે ચીરી, એવી એની ધાર લાગી
પુસ્તક એક એક હલવા લાગ્યું
ચડ્યો તાવ ને કંપવા લાગ્યું
એક પુસ્તક હેઠું પડ્યું
હતું જાણીતું, પણ ભલે પડ્યું
બારીમાંથી મોઢું જતું રહ્યું
કાન પરથી હાથ લીધા
પડ્યા હાથને ઊભા કર્યા
હાડને થોડાં રૂંવાં ફૂટ્યાં
હાડને થોડાં રૂંવાં ફૂટ્યાં

(વકીલ ને વાળંદના સરખા વળતરના ઉમંગસેવી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં દસ દસ, પંદર પંદર, વીસ વીસ વરસથી કરાર પર કામ કરતા અને છેલ્લા બે-એક મહિનાથી દિવસદીઠ ૨૨૮ રૂપિયા રોકડા (ઓગસ્ટ, ૨૦૧૩થી ચેકથી) મેળવીને જીવનસંઘર્ષમાં જજૂમતા દલિત, ઓ.બી.સી., આદિવાસી સહિત સૌ મિત્રોને અર્પણ.)