16 January 2014

અંક - ૧૦, જાન્યુઆરી, ૨૦૧૪

આ અંકમાં 1. हिजड़ा - एक ख़त खुदा के नाम / वैशाख राठोड (अहमदाबाद) 2. બ્રહ્મ ચમારનું વસિયતનામું / બ્રહ્મ ચમાર 3. કૂકમૂકડી / જયેશ સોલંકી 4. અંધારે અટવાયાં રે / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના 5. નવા રૂપે મા / વજેસિંહ પારગી 6. ભીખલો બોલે છે / ઉમેશ સોલંકી ----------1----------------------------------------------------------------------------------------------------------------
हिजड़ा - एक ख़त खुदा के नाम / वैशाख राठोड (अहमदाबाद) न जाने तू कौन-सा गाँजा पीकर बैठा था न जाने कौन-सा चंचल चरस चढ़ाकर बैठा था कि तेरी क़लम से बेनूर बेहोशी उतर आई या तेरी आँखें किसी के ख़ुमार में खोई थी या तेरे हाथ ख़ुद के हाथ में नहीं थे ! कि तेरी चाक पे चढ़े हम बिना पके ही उतार लिए गए । शायद तू अख़बार भी नहीं पढ़ता होगा या कायनात के आलिम अदीबों का साहित्य तेरी नज़रों में नहीं आया होगा वगरना इतनी नासमझी तू तो नहीं करता कभी ! कि आड़े हाथ क़लम पकड़के आधे-अधूरे अल्फ़ाजों को तड़पते छोड़ देता काग़ज़ों पर । अब तू ही बता ये अनहोनी , अनूठी इस काया की लिपि कौन पढ़ेगा ? तूने इस काया की हर मात्रा आड़ी-तिरछी कर दी एक ही रूह में दो जनम फूँक दिए । ऐसी पीड़ा तो तूने कभी किसीकी नहीं दी ? चल जाने दे - ये पीड़ा भी पी लेंगे हम , पर जब तेरे नशेका ख़ुमार उतरेगा तब तेरी समझ की सारी सुबह बीत गई होगी कि तेरा ये वेद , सुसंस्कृत शास्त्रों में शामिल न हो पाएगा कभी । उसके बाद अगर ओ...मेरे आका...राई भर भी बुरा लगे तो...जा ... हम माफ़ कर देंगे तुझे । 

----------2----------------------------------------------------------------------------------------------------------------

બ્રહ્મ ચમારનું વસિયતનામું / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
આમ તો
હમણાં હું
મરવાનો નથી
પણ
મૃત્યુ નિશ્ચિત છે
માટે વસિયતનામું
લખવું પડે છે.
મારા મૃત્યુ પછી
મારા બંને પગ વિષ્ણુને
મારું લિંગ શિવને
મારા વાળ બ્રાહ્મણને
મારા હાથ ક્ષત્રિયને
અને
મસ્તિષ્ક સિવાયનો ભાગ
ધરતી માને અર્પણ કરજો.
પરંતુ,
મારું મસ્તિષ્ક
મારા દલિત બાંધવોને આપજો
કારણ કે
જે એમણે વેઠ્યું છે
તે જ
મેં વેઠ્યું છે...!

----------3----------------------------------------------------------------------------------------------------------------

કૂકમૂકડી / જયેશ સોલંકી (ભુવાલડી જિલ્લો - અમદાવાદ)

આખી રાતના
ધોધમાર વરસાદ બાદ
સવારે ફૂટી નીકળી
મારી અંદર એક કવિતા
કૂકમૂકડી જેવી.
જેનો પેલ્લો શિકાર હશે
ઝાડુ મારતા
મારા બાપને જોઈને થૂકતા
જનોઈધારી પેલા બ્રાહ્મણો,
બીજો તલાટી,
ત્રીજો વડપ્રધાન
ચોથો મૂડીપતિ.

તું
મારી અંદર છુપાયેલી
હિંસકતાને ઉઘાડી પાડવા
કૂકમૂકડીના પેશાબને
પેટ્રોલની જ ઉપમા આપવાનો
મારી વિરુદ્ધની પ્રતિકવિતામાં
એ હું જાણું છું
કારણ કે
તારે ત્યાં
કંડુ કલરની
મખમલની ચામડીવાળી
ભગવાનની
સુંદર ગાયો ફૂટી નીકળે છે સવારે

----------4--------------------------------------------------------------------------------------------------------------------

અંધારે અટવાયાં રે / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

આપણો સમાજ રે, બેન મારાં
હે નાની ઉંમરમાં લગ્ન લીધા
અંધારે અટવાયાં રે, બેન મારાં
માનવા હોય તો માની લેજો રે
અંધારે અટવાયાં રે, બેન મારાં

હે નાનો છોકરો, મોટી છોકરી રે
અધવચ્ચે અથડાયાં રે, બેન મારાં
કજોડાને લીધે રે, બેન મારાં
છોકરો ગામમાં ફરતો મેલે રે
વહુને ઘરમાં કામ રે, બેન મારાં
છોકરી મોટી, છોકરો નાનો રે
વહુનો જાણે દીકરો રે, બેન મારાં
જિંદગી કેમ જિવાય રે, બેન મારાં

હવે તો મારી જિંદગી ગઈ રે
બીજી આવી ઘરમાં રે, બેન મારાં
મારાં છોકરાં રઝળતાં થયાં રે, બેન મારાં
ઘરમાંથી મને કાઢી મેલી રે
અધવચ્ચે અટવાયાં રે, બેન મારાં
મારું જીવન ભટકતું થયું રે, બેન મારાં
અંતે બહેનો આપઘાત કરે રે
ઘરમાંથી મને કાઢી મેલી
અધવચ્ચે અટવાયાં રે, બેન મારાં
મારું જીવન ભટકતું થયું રે, બેન મારાં
અંતે બહેનો આપઘાત કરે રે
ગળું દબાવી એને મારે રે
આપણા સમાજને જગાડો રે, બેન મારાં

સાંભળવા હોય તો સાંભળી લેજો રે
હવે થયું અંધારું રે, બેન મારાં

----------5-------------------------------------------------------------------------------------------------------------------

નવા રૂપે મા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ) 

ઘરડી થઈ ગઈ છે મા.
ઉનાળામાં સુકાઈ ગયેલી નદીની જેમ
ઓસવાઈ ગઈ છે મા. (ઓસવાઈ - શોષાઈ જવું)
મને જોઈને
ચોમાસાની નદીની જેમ
હવે ખળખળતી નથી મા.
નવાઈ લાગે છે
સમય સાથે બદલાઈ ગઈ છે મા
આંખ સામે છે છતાં
લાગે છે ખોવાઈ ગઈ છે મા.
માનું બદલાયેલું રૂપ જોઈ
બાવરો બની જાઉં છું
ને વિખૂટા પડેલા બાળકની જેમ
મા-માનો કરું છું પોકાર
ત્યાં અચાનક
મારી આંખ સામે
નવા રૂપે પ્રગટે છે મા.
સૂકી નદીમાં વીરડો ગાળતાં ઝરણ ફૂટે
એમ માની ઊંડી આંખમાં ફૂટે છે
મમતાનાં પાતાળપાણી.
ને પળવારમાં
અંતર સુધી રેલાઈ જાય છે મા.
છો ઉપર ઉપરથી બદલાઈ ગઈ છે મા,
મને ભીતર ભીતર પમાઈ ગઈ છે મા.

----------6--------------------------------------------------------------------------------------------------------------------

ભીખલો બોલે છે / ઉમેશ સોલંકી

રૉ...મ,
મું નહીં શમ્બૂક
કઅ ધૅડ દઈન્
તું મૉથું પાડ

દો...ણ,
મું નહીં એચલવ્ય
કઅ કૅય મન્ તું :
'બુચ્ચ લઈન્ અંગૂઠો વાઢ !'

મું તો
ભીખલો સું ભીખલો
જો મફતમૉં
કૉય કરે કઅ મૉંગે
તો મણની ભૉંડે ગાર.

------------------------------------------------------------------------------------------------------------------------------
તમે પણ તમારી રચના umeshgsolanki@gmail.com પર મોકલી શકો છો
------------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------------------
પ્રતિભાવ જણાવશો ! 
------------------------------------------------------------------------------------------------------------------------------