16 June 2014

અંક - ૧૫ / જૂન ૨૦૧૪

આ અંકમાં
૧. પેટ / વજેસિંહ પારગી
૨. બીક ઘણી લાગે / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૩. મુક્તક / બ્રહ્મ ચમાર
૪. સુતર વીંટાઈ ગયું / વિજય વણકર 'પ્રીત' 
૫. ખેંચાણ / ઉમેશ સોલંકી

૧--------------------------------------------

પેટ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ) 

ખાહડા જેવડું પેટ ભરતાં ભરતાં
ડુંગરા ઘસાઈ ગયા
ઝરણાં સુકાઈ ગયાં
વગડો વેડાઈ ગયો.
હૂંકળવાના ને કિલકારવાના
દન આથમી ગયા
ને વાંસળીમાં ફૂંકવા જેટલી
ફેફેસામાં રહી ન હવા
ત્યારે અમે છોડ્યો કુદરતનો ખોળો
ને પકડ્યો નગરનો પલ્લો.

નૂગરા નગરમાં
કોઈ ન અમારો બેલી
ન કોઈ લાગભાગ
કે ન કશો હકદાવો.
નગરમાં તો
અમે કેવળ હિજરતી.
અમારાં વગડાઉ મૂળિયાં
અમે ક્યાંક ગાડી ન દઈએ
એની અગમચેતી રૂપે
આ નગરે
અમારા માટે છોડી નથી
પગ મૂકવા જેટલી ભોંય.

પ્લાસ્ટિકના ઓઢામાં
શિયાળે ઠૂંઠવાવું
ઉનાળે હમહમવું
ચોમાસે લદબદવું
ઋતુની અસરથી બચવા
અમારાં બાંધેલાં બંગલા ને બિલ્ડિંગોમાં
નથી મળતો અમને આશરો.

કડિયાનાકાં પર
ઘેટાં-બકરાંની જેમ
થાય છે અમારા ભાવતાલ
ને રૂંવેરૂંવે લાગે છે આગ.
પીઠ પાછળથી છૂટતાં
મામા-લંગોટિયાનાં મર્મબાણો
ચટકાવે છે વીંછીની જેમ
ને ચડે છે ચોટલીએ ઝાળ.

રોજેરોજ હડહડ થઈને જીવવા કરતાં
સમસમીને સમો કાઢવા કરતાં
થાય છેઃ
નરક જેવા નગરને છોડી દઈએ
ને પાછા મૂકી દઈએ કુદરતના ખોળે માથું.
પણ અમને ડસી લેવા
ઉદરમાં ફૂંફાડા મારે છે ભૂખનો ભોરિંગ.
ને મરવું અમને મંજૂર નથી.

૨--------------------------------------------

બીક ઘણી લાગે / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે,
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

હું તો પગે ચાલનારી, મને એસ.ટી.માં બેસાડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને મંડળમાં જોડાવે
હું તો ઘરમાં સંતાઈ જાતી, હું તો વાડામાં સંતાઈ જાતી
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બારથી બેનો આવે, મને વાતે વળાવે
મને શરમ ઘણી લાગે, મને બોલતા નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને તાલીમમાં બોલાવે
મને નવું શીખવાડે, મને શરત્યો નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બારથી બેનો આવે, મને બૅંકમાં બોલાવે
મને સઈ કરતા નંઈ આવડે, પૈસા ગણતા નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

૩--------------------------------------------

મુક્તક / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

જીવનનો હક માગો, દલિતો,
વર્ષો ઊંઘ્યા જાગો, દલિતો;
રાજા કેવો ? રાણી કેવી?
જૂની વાણી ત્યાગો, દલિતો.

૪--------------------------------------------

સુતર વીંટાઈ ગયું / વિજય વણકર 'પ્રીત' (પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ)

આખા ગામના ચોતરફ પેલા ગામવાળા ગાજે
કોણે રાખ્યું હશે આવું કે એના દોરાવડે જ દાટે
ઢોલ-શરણાઈથી આ ગામને વશ કરવું
એમાં ગામના જ બધા લાગ જોવે
ઢોર-ઢાંખર ગામતળ બહાર મુકાવે
બોલ-બખાર સામ સત કેવાય કુવાળે
શિકોતર ગામતળ જેવી માતાના પૂંજન થાય ભાદરવે
મહોલ્લા-ફળિયાં, ખાંગામાં તોરણો બંધાય સંધ્યાએ
આમ કેમ કરતા હશે એ કોણે કાઢ્યું છે ફરતું નાટક
દરેક જણ જણ અને ગામને લાગે છે ફાયદાકારક

(વરસોથી વડીલોની માન્યતા છે કે આખા ગામની ચોતરફ સુતર વીંટવાથી ઢોર-ઢાંખરને રોગચાળો, ખરવારો ના થાય)

૫--------------------------------------------

ખેંચાણ / ઉમેશ સોલંકી

આજકાલ હું
ફૂલને ફૂલ નથી કહેતો
એના શ્વાસનો આકાર કહું છું,
ચંદ્રને ચંદ્ર નથી કહેતો
એના સ્પર્શનો ચમત્કાર કહું છું,
એના કેશને કેશ નથી કહેતો
ત્રીજા નેત્રના ઉઘડેલા પોપચાના પરિણામની
કાળી ધૂમ્રસેરો કહું છું,
એની વાતોમાં, મહાન પ્રેમગીતમાં લપાયેલા
કોઈ કુંવારા અર્થને શોધું છું,
સરોવર જેવા એના શરીર પર
મંદ મંદ શ્વાસોથી લહેરો બનાવું છું,
છતાં,
છતાં, કોઈ પ્રબળ ખેંચાણ
ખેંચી જાય છે મને
ખખળી ગયેલી ઝૂંપડીના ખૂણામાં પડેલા
ઘાસતેલિયા દીવાની થરથરતી જ્યોત આડે હાથ ધરવા,
બાળોતિયા વગરની નિર્દોષતાને 
હૂંફ આપવા,
ઠંડા પડી ગયેલા લોહીને
શબ્દોના લાવાથી ગરમ કરવા
ને તરત પછી
સામે એની
બની જાઉં છું હું ઠંડું પડી ગયેલું શરીર
આજકાલ હું, ઠંડું પડી ગયેલું શરીર પણ બની જાઉં છું.