16 October 2014

અંક - ૧૯ / ઓક્ટોબર ૨૦૧૪

આ અંકમાં 
૧. એ / જયેશ સોલંકી
૨. આવતી કાલ / હર્ષદ સોલંકી
૩. શું આ જ જીવન છે ? / મહેન્દ્ર સોલંકી
૪. પંચમહાલ જિલ્લાનું હોળીનું લોકગીત, પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’
૫. અને તું ? / ઉમેશ સોલંકી

૧------------------------------------------------------

/ જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)

નર્મદા નદીના કાંઠેથી
એની દીકરી ભરતી’તી બેડું પાણી
એ ગલમાં પરોવી અળસિયું
છેતરતો’તો માછલીઓને
અચાનક ટપક્યો વોચમેન
બેડું ને ગલ થઈ ગયાં જપ્ત
દીકરી દોડીને જતી રહી ઘેર
અને
ચાલી નીકળ્યો નર્મદાના કાંઠે કાંઠે
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
માઈલોના માઈલોના
માઈલોના માઈલોના
એ જગ્યાએ પહોંચ્યો
જ્યાં ભૂખ-તરસ
સમગ્ર અસ્તિત્વ
ભળી જતુ’તું સમુદ્રનાં ખારાં જળમાં
આમ જ નિરર્થક

કોઈ કહે છે
એણે જળસમાધિ લીધી’તી
કોઈ કહે છે
એ બાવો બની ગયો છે
કોઈ કહે છે
એ પાછો ફરતો’તો ત્યારે
એના ખભે બંદૂક હતી
એ નક્સલવાદી બની ગયો છે.

કાશ, એને આદિવાસી રહેવા દીધો હોત !

૨------------------------------------------------------

આવતી કાલ / હર્ષદ સોલંકી (મું પો.- આદુંદરા, તા.- કડી, જિ.- મહેસાણા)

રક્ત સ્રવતો;
માથા વગરનો,
ગઈકાલનો મૃતદેહ 
હજીય લટકે છે મારા સ્કંધ પર
એનું લોહી મારા લોહીમાં ભળી ગયું છે.
એની મરતા પહેલાંની વેદના 
મારી વેદનાના અખૂટ ભંડારમાં સમાઈ ગઈ છે
એનું હ્રદય હવે ધબકે છે 
મારામાં 
જાણે કે એ મૃતદેહ આખેઆખો
મારામાં ભળી રહ્યો છે
અથવા તો હું ભળી રહ્યો છું એનામાં !
પણ હવે એ ભાર મારે ઉતારવો છે
એના સમેત મારોય વજન 
હું મૂકવાનો છું, આજ પર
આજને મારે આળોટતી જોવી છે મારા પગમાં 
આજ પર હું બન્ને પગે ઊભવાનો છું,
આજને મારી સોડમાં સુવડાવવાનો છું,
આજને હું ગર્ભવતી બનાવવાનો છું 
હા,
હું આવતી કાલનો નિર્માતા બનવાનો છું 
પછી મારા એક સ્કંધ પર હશે -
ગઈકલનો રક્તનીંગળતો મૃતદેહ
અને બીજી બાજુ હશે ,
આવતીકાલની સુંવાળા શરીરની ગુલાબી સુવાસ 

૩------------------------------------------------------

શું આ જ જીવન છે ? / મહેન્દ્ર સોલંકી (અમદાવાદ)

સવારથી રાત સુધી
રાતથી સવાર સુધી

સવારે ટિફિન લઈને કામ સુધી
સાંજે કામથી ઘર સુધી
રાત્રે થાકેલા શરીરથી ખાટલા સુધી
સવાલ સવાલ સવાલ
કામ કરતાં કામના સવાલ
ઘરે આવતાં ઘરના સવાલ
ખાટલે સૂતાં શાંતિના સવાલ
દિવસરાત સવાલ સવાલ
શું આ જ જીવન છે ?

૪------------------------------------------------------

ઓરીમા ક્યારે આવશો ? / પંચમહાલ જિલ્લાનું હોળીનું લોકગીત (પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’, પીંગળી, તાલુકો : કાલોલ, જિલ્લો : પંચમહાલ)

માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા (હોળીમા)

કેસૂડો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

આંબા રસ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

ડોરિયો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

રાંયણે પીળો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

૫------------------------------------------------------ 

અને તું ? / ઉમેશ સોલંકી

બોલ, કહીશ શું,
પ્રેમને તું ?
“બીજું શું,
વરસાદનું પહેલું ટીપું;
અને તું ?-“
ગટરનું ઢાંકણું.

----------------------------------------------------------

umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો

પ્રતિભાવ જણાવશો!