આ અંકમાં
૧. માન્યતા / જયેશ સોલંકી
૨. લક્ષ્મીપૂજન / વજેસિંહ પારગી
૩. છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. અનાજનો પહેલો દાણો / ઉમેશ સોલંકી
૧-------------------------------------------------------------------------------------
માન્યતા / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો –
અમદાવાદ)
વેંત કાતરીને જીતેલા અંટા કરતાં (અંટો – શ્રેષ્ઠ લખોટી)
ઈમાનદારીથી જીતેલું ઠોંજરું સારું (ઠોંજરું –
ઘસાયેલી, ખરબચડી, નબળી લખોટી)
ખોટી છે આ માન્યતા
એના પર
અમલ ના કરતા, દોસ્તો !
નહિતર ભૂખે મરશો મારી જેમ
એટલે યાદ રાખજો !
વૈશ્વિકીકરણ ઉદારીકરણ મૂડીવાદના આ યુગમાં
જે જેટલો વેંત કાતારવામાં ઉસ્તાદ છે
એના ખિસ્સામાં એટલા જ નવાનકોર અંટા છે
એટલે ફરીથી કહું છું, દોસ્તો !
ફેંકી દો, બાળપણની આ માન્યતાને.
૨-------------------------------------------------------------------------------------
લક્ષ્મીપૂજન / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો –
દાહોદ)
ખોળે લેવાનું તો દૂર રહ્યું
અમ ગરીબોને તો
ઓરમાન ગણી
ઢૂંકડેય ફરકવા દીધા નથી.
ધ્રુવની વાર્તા સાંભળી છે
રામાયણ પણ સાંભળ્યું છે
એટલે અપરમા કેવી હોય
એની તો ખબર છે
છતાં ધનતેરસના સપરમા દહાડે
મા લક્ષ્મી ! તારી પૂજા
અમે ભક્તિભાવથી કરીએ છીએ.
ને માતા કુમાતા થતી નથી
એવી વાયકા પરની અમારી શ્રદ્ધા
વ્યાજવા રૂપિયાની જેમ
દિવસે દિવસે વધતી રહે છે.
ભલે ઓરમાન રહ્યા
પણ અમે કુપુત્ર નથી !
૩-------------------------------------------------------------------------------------
જમીનની જંજાળ / ફૂલીબેન
નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ
મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)
મા-બાપે જાણ્યાં આપણે બુન-ભાઈ
વિભાજન કોણે પાડ્યા ?
સાથે રહ્યાં સાથે મોટાં થયાં
વિભાજન સમાજે પાડ્યાં.
દીકરી પારકી ને દીકરો પોતાનો કર્યો
વિભાજન મા-બાપે પાડ્યાં
નથી મળી જમીન સાસરીએ પિયરીએ
અમારાં નામો કમી કોણે કર્યાં ?
મારી પાછલીમાં કોણ રાખે ભાળ ?
અમે બેનો અંધારે અટવાયાં
હવે ના કરીએ કોઈને કાલાવાલા
અમે માંડ્યાં કાયદાનાં પગલાં
૪-------------------------------------------------------------------------------------
અનાજનો પહેલો દાણો / ઉમેશ સોલંકી
સરકતો જાય સમય
સરકે રેત જેમ મુઠ્ઠીમાંથી
તું કહેતી
“ખોલ મુઠ્ઠી,
સમયને પકડ અવકાશથી”
પણ સમય ક્યાં સરકે છે !
સમય તો એની મુઠ્ઠી
નસ ઊપસી આવે એમ ભીંસે છે
અને સરકે છે
તારામાં અટવાયેલો હું
મારામાં સચવાયેલી તું
હવા પણ નથી.
સરકેલી રેત મુઠ્ઠીમાં લીધી
નસ જાય ફાટી એમ મુઠ્ઠીને ભીંસી
કશુંય સરકતું નથી !
ખોલી મુઠ્ઠી
મુથ્થીમાંથી નીકળ્યો
અનાજનો દાણો
‘લાખ્ખો વર્ષ’થી ભટકતાં જીવનને જડેલો
અનાજનો એ જ પહેલો દાણો
દાણાને
આંગળી અને અંગૂઠા વડે પકડી
આંખને થોડી ઝીણી કરી,
નીરખી
દાણા પર કોતરેલી
‘બાર-તેર હજાર વર્ષ’ની કોતરણી
પછી
એક હાથ ઊંડે
રેતમાં દાટી દીધો દાણાને
અને
નદીનો રેતાળ પટ
બની ગયો મારી આંખ,
આંખમાંથી નીકળે છે વાયરો
વાયરાને વળગી છે શેકી નાખતી લાય.
ગોખરું ભાંગ્યું હોય એમ
ચાલે છે શ્વાસ.
મગજ ઊતરી આવ્યું છાતીમાં
અને પેટમાં હડસેલી માર્યું હૈયાને.
‘ચારપાંચ દાડા’થી
એક પણ દાણો ન પામેલી
વીંછાળી ભૂખ ચોંટી ગઈ ઘૂંટણને.
--------------------------------------------------------------------------------------
umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો