આ અંકમાં
૧. દલિત-પ્રેમીનું ગીત / બ્રહ્મ ચમાર
૨. હોઈશું પ્રલયકાળ
સુધી / વજેસિંહ પારગી
૩. ઓળખ / છ ગ્રામીણ
બહેનોની સહિયારી રચના
૪. બે હાઈકુ / જયસુખ
વાઘેલા
૫. ‘તો ચાલ !’ / ઉમેશ
સોલંકી
૧-----------------------------------------------------------------------
દલિત-પ્રેમીનું ગીત / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે,
છુપાતો છુપાતો મળવા હું જઉ ત્યારે આંગળીની વીંટી એ માગે.
મારી હોસ્ટેલ પાછળ એની હોસ્ટેલ અમે બારી ખોલીને ઊભાં રેતાં,
ઈશારે ઈશારે વાતો થતી ને પછી બારીએ નામ ચીતરી દેતાં.
ફૂલની ફોરમ જ્યારે પ્રસરતી હોય ત્યારે હૈયું આનંદ ઘેલું લાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.
રજાના દિવસે ફરવા જતાં ને વળી ગમતી ફિલમ અમે જોતાં,
હાથમાં હાથ એનો, અધર શરમાઈ જતા, કરુણ દૃશ્ય જોઈ રોતાં.
પ્રેમનાં છૂંદણાં છુંદાવી દીધાં ને ગાતાં'તાં ગીત ઊંચા રાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.
એક દિવસ મેં લગ્નની વાત મૂકી છોકરી ભરાઈ ગઈ રીસે,
ચિઠ્ઠી ચબરખી પાછી આપી ને વળી અબોલા દીધા નવી રીતે.
લગ્નમાં નીચ હું દેખાવા લાગ્યો હવે મારાથી દૂર દૂર ભાગે,
બ્રાહ્મણની છોકરીના પ્રેમમાં પડ્યો ને છોકરી બોલાવતી બાગે.
૨-----------------------------------------------------------------------
હોઈશું પ્રલયકાળ સુધી
/ વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો – દાહોદ)
પૃથ્વી
પર પહેલપ્રથમ
ડુંગરા
રચાયા
વરસાદ
પડ્યો
ઝરણાં ખળખળ્યાં
ઝાડ
ઊગ્યાં
તેની
સાથે જ થઈ
અમારી
ઉત્પત્તિ.
પરંતુ
આજે તો
રોડાબોડા
ડુંગર જેવું
સુકાયેલા
ઝરણા જેવું
વેરાન
વગડા જેવું
નામનું
જ છે અમારું જીવતર !
પણ સબૂર !
પૃથ્વી
પર વરસાદ પડતાં
જીવંત
થઈ ઊઠે છે કુદરત
એમ અમારા
પર જીવનરસ વરસતાં
અમારાં
મડદાં થઈ જશે બેઠાં
ને
બુક્કારી ઊઠશું અમે : (બુક્કારવું –
ગર્જના કરવી)
હા, અમે
જીવંત છીએ !
પૃથ્વી
પર જ્યાં સુધી
ડુંગર
હશે
વરસાદ
હશે
ઝાડ હશે
ઝરણાં
હશે
અમેય
હોઈશું ત્યાં સુધી.
અમે આદિમો
છીએ
આદિકાળથી
ને
હોઈશું પ્રલયકાળ સુધી.
૩-----------------------------------------------------------------------
ઓળખ / ફૂલીબેન
નાયક, ઈનાસબેન
હરિજન, રમીલાબેન
રાઠવા, વીણાબેન
બારિયા, કૈલાસબેન
બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી
ગામો, જિલ્લો : દાહોદ)
આપણે
બધાં આદિવાસી, જંગલ સાથે જીવતાં રે
ડુંગરે વસતાં,
વનફળ વેણતાં, ઝોરે પાણી પીતાં રે (ઝોરે –
નાનકડું ઝરણું)
ડુંગરે
ચડતાં, ટીમરે ચડતાં, ટીમરું-પોનાં વેણતાં રે
ડુંગરે
ચડતાં, ગુંદર વેણતાં, ચાવર વેચી જીવતાં રે (ચાવર – ચારોળી)
અડદ,
તુવેર, મકાઈ પકવી, મકાઈ રોટલો ખાતાં રે
ટૂંકી
જમીન, રોજી નથી, બ્હાર મજૂરી જાતાં રે
આદિવાસી
ભેગાં થઈને ઈંદ-પિઠોરા પૂજતાં રે (ઈંદ-પિઠોરા – આદિવાસીના દેવ)
નાચણું
નાચતાં, ગોણું ગાતાં, હોળી-દશેરા રમતાં રે
ઝાડ-મૂળી
જોઈ લાવી મોંદાનં દવા કરતાં રે
ઘરનું
કરતાં, ખેતીનું કરતાં, અઘરાં કામો કરતાં રે
આટલાં
બધાં કામો કરી સમાજને ટકાવતાં રે
આપણે
બધાં આદિવાસી, જંગલ સાથે જીવતાં રે
૪-----------------------------------------------------------------------
બે હાઈકુ / જયસુખ
વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)
૧
ભગવું વસ્ત્ર
અસ્પૃશ્યતા-કલંક
ફગાવી દીધું
૨
વિશ્વ ડૂબતું
જળના હાથ લઈ
હું બચાવતો
૫-----------------------------------------------------------------------
‘તો ચાલ !’ / ઉમેશ
સોલંકી
હોઠ તારા
હોઠને મારા
પહેલીવાર સ્પર્શ્યા
અને લાગ્યું મને
જાણે
ભૂખમરો વેઠનારને મળ્યો
ઊનો ઊનો મકાઈનો રોટલો
અહીં રોટલો અને
વેઠનારની વચ્ચે
છે સંસ્કૃતિ ખડી
સંસ્કૃતિ સ્હેજ હલતી
નથી
હોઠને હોઠ સુધી
પહોંચવા દેતી નથી
અને
સંસ્કૃતિને ઝોકું
જલ્દી આવતું નથી
ઝોકાની વાટ જોવામાં
પેટ વાટકો ના થઈ જાય
રોટલો પથરો ના થઈ જાય
તો ચાલ !
આગવું ખેતર બનાવીએ
ખેતરમાં મકાઈ ઉગાડીએ
પછી
ઊંચીઊંચી મકાઈની વચ્ચે
તારા હોઠને હોઠ મારા
બનાવીએ
મારા હોઠને હોઠ તારા
બનાવીએ
‘તો ચાલ !’