આ અંકમાં
૧.
અભિલાષા / વજેસિંહ પારગી
૨. હાઈકુ
/ જયસુખ
વાઘેલા
૩. એક છોકરી હતી / જિનલ
વર્મા
૪. સુત્તર વીંટાઈ
ગયું / વિજય વણકર ‘પ્રીત’
૫. મોંઘી
કેડ સસ્તી કેડ / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૬. પ્રિયે / ઉમેશ સોલંકી
૧---------------------------------------------------------
અભિલાષા
/ વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો – દાહોદ)
હું કાળી
છું
વાદળી
જેવી.
મારાં
માંસ અને રક્તમાં
ગોરંભે છે
જીવન.
મારી
આંખમાં
સળાવો
કરતી આશા છે.
મારી
છાતીમાં ઘૂઘવે છે
ગંગાની
ધોળી ધારા.
મારા
સ્પર્શથી ફૂટે છે
ઝાડે
ઝાડે કૂંપળો.
પૃથ્વી
એના પેટાળમાં
સાચવી
રાખે છે બીજ
એમ મેં
મારી કૂખમાં
સાચવી
રાખ્યું છે માનવરતન.
એક દિવસ
મારી કૂખમાંથી અવતરશે
એ
માનવરતન.
જેનો આત્મા
હશે ધોળો
મારી
કાળી છાતીના ધોળા ધાવણ જેવો.
ભરવાડના
ડચકારે
વેરવિખેર
ઘેટાં ટોળે વળી જાય
એમ મારા
જાયાની હાકે
એકજૂટ થઈ
જશે
વેરાણછેરણ
આદિજાતિ.
ને પછી
અંધકારમાં
લપેટાયેલી જાતિને
એ દોરશે
નવા લોક
તરફ
જ્યાં
હશે –
ઝળાં
ઝળાં માનવતા !
૨---------------------------------------------------------
હાઈકુ / જયસુખ વાઘેલા (ચોટીલા,
જિલ્લો – સુરેન્દ્રનગર)
ચાંચમાં
દાણા
પંખી આવતું માળે
ન મળે
બચ્ચાં
૩---------------------------------------------------------
એક છોકરી
હતી / જિનલ વર્મા (મોડાસા, જિલ્લો : અરવલ્લી)
એક છોકરી
હતી
હસતી
ખેલતી કૂદતી
દુનિયાથી
અજાણ હતી
આબરૂનો
પ્રશ્ન હતી
પણ એ તો
પોતાના
ખ્યાલોમાં રાચતી હતી
મોટાં
સપનાં જોતી હતી
સપનાંની
બહાર
ન એનું
કોઈ હતું
ન એનું
કોઈ ઘર હતું
સ્વતંત્રતાના
આકાશમાં સ્હેજ ઊડી
ત્યાં જ
એની પાંખો કાપી નાખી
સપનાંઓનું
મરણ થયું
વાંક એનો
શું હતો ?
કે એ એક
છોકરી હતી.
૪---------------------------------------------------------
સુત્તર
વીંટાઈ ગયું / વિજય વણકર ‘પ્રીત’ (મુ. : પીંગળી, તા. : કાલોલ, જિલ્લો : પંચમહાલ)
આખા
ગામના ચોતરફ પેલા ગામવાળા ગાજે
કોણે
રાખ્યું હશે આવું કે એના દોરા વડે જ દાટે
ઢોલ-શરણાઈથી
ગામને વશ કરવું
એમાં
ગામના બધા જ લાગને જોવે
ઢોરઢાંખર
ગામતળ બહાર મુકાવે
બોલ-બખાર
સામ સાત કેવાય કુવાળે
શિકોતર
ગામતળ જેવી માતાના પૂજન થાય ભાદરવે
મહોલ્લા
ફળિયાં ખાંગામાં તોરણો બંધાય સંધ્યાએ
આમ કેમ
કરતા હશે
કોણે
કાઢ્યું હશે ફરતું નાટક
દરેક જણ
જણ અને ગામને લાગે છે ફાયદાકારક.
(
વર્ષોથી વડીલોની માન્યતા છે કે સુતર આખા ગામની ચોતરફ વીંટવાથી ઢોરઢાંખરને રોગચાળો
ના થાય)
૫---------------------------------------------------------
મોંઘી કેડ
સસ્તી કેડ / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી
ગામો, જિલ્લો : દાહોદ)
મોંઘી કેડ
સસ્તી કેડ કેવાં નાટક કરે રે (કેડ : રાશનકાર્ડ, મોંઘી કેડ :
A.P.L. Card, સસ્તી કેડ : B.P.L. Card)
કમ્પ્યુટરમાં
લખે રે હંઅ રે હોવે
ગરીબોના
લાભો મોટા લોકો ખાય રે
તોય ના
ધરાય રે હંઅ રે હોવે
દસ કિલો
ચોખા ને દસ શેર ઘઉં આલે રે
ઘાસતેલ
દબાવે રે હંઅ રે હોવે
આખા ગામનાં
ઉંદેડાં ગોડાઉનમાં ફરે રે
ફાલ્યાંફૂલ્યાં
રહે રે હંઅ રે હોવે
રાહતનું
અનાજ ગોડાઉનમાં સડે રે
કૂપનો ના
મળે રે હંઅ રે હોવે
કંટ્રોલવાળા
શેઠિયા ‘પાવર’ બતાવે રે
બે દિવસ
ચલાવે રે હંઅ રે હોવે
બે દિવસ
બિલો ચાલે, રાતે કાળો બજાર રે
કોઈને
ખબર છે રે, ના ને નો રે
નિરાધાર
બેનોને મોંઘી કેડ આલી રે
કેડ
દુકાનમાં રહે રે હંઅ રે હોવે
ગરીબોના
લાભો મોટાઓએ લીધા રે
મોટા પેટ
કર્યા રે હંઅ રે હોવે
મોંઘી
કેડ સસ્તી કેડ આવાં નાટક થાય રે
આવાં
નાટક થાય રે હંઅ રે હોવે
૬---------------------------------------------------------
પ્રિયે /
ઉમેશ સોલંકી
પીઠ
શેકતા રોડ
રોડ
વચ્ચે શિસ્તબદ્ધ છોડ
બેચાર
છોડને છોડી નાનકડું એક વૃક્ષ
એમ
વૃક્ષો
વૃક્ષોમાં
આવે ને
જાય ને અટકે
આવે ને
જાય ને અટકે
વાયરાનું
આવું વારે વારે થાય.
રોડ પડખે
હરોળબદ્ધ ઇમારતો
સૈનિકની
જાણે ઊભી કતારો
બગીચા ને
તળાવો
મકાનો
મકાનોમાં
માણસો
માણસોમાં
બનતાં બીજાં મકાનો
ગલીઓ
ગલીઓના
ધીમા ને વેગીલા વળાંકો
કલાકોના
કલાકો કલાકોના કલાકો
આશ્ચર્યમાં
ગરકાવ થયો છું
નાનકડું
એક્કેય ઝૂપડું નથી
અંદરથી
છેક હું તો ડરી ગયો છું
ક્યાં
લઈને આવી, પ્રિયે, તું મને ?
આ તો
મારો દેશ નથી
આ તો
મારો દેશ નથી.