15 May 2015

અંક - ૨૬ / મે ૨૦૧૫

આ અંકમાં
૧. અનાથ બાળકને / વજેસિંહ પારગી
૨. એકવાર / બ્રહ્મ ચમાર
૩. મા / જિનલ વર્મા
૪. છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૫. એક દાયકા પછી / ઉમેશ સોલંકી 

૧----------------------------------------------------------

અનાથ બાળકને / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)

પેટ ભૂખ્યું છે
હાથ ખાલી છે
એવું બધું ભૂલી જા.
તું જન્મ્યો નહોતો ત્યારે
તારે ક્યાં કોઈ જરૂરિયાત હતી ?!
જ્યાં જગા મળે ત્યાં
ટૂટિયું વાળીને સૂઈ જા
માના ગર્ભમાં સૂતો હોય એમ !
તારા જેવા અનાથ માટે
ઉપર આભ ને નીચે ધરતી
એટલો સહારો કંઈ ઓછો નથી.

તારી ખોબોક જરૂરિયાત માટે
પૃથ્વી પર કલ્પવૃક્ષ ઊગવાનું નથી.
તારું ખાલી પેટ ભરવા
કોઈ અન્નપૂર્ણા આવવાની નથી.
તારાં આંસુ લૂછવા
સ્વર્ગમાંથી દેવદૂત ઊતરવાનો નથી.
તારું મનોરંજન કરવા
પરી પાંખે બેસાડીને તને ઉડાડવાની નથી.
તારા આર્તનાદથી
કોઈનું કાળજું કોરાવાનું નથી.
તારા જીવતેજીવ
તારો ન્યાય તોળવા
કોઈ અવતાર આવવાનો નથી.

માણસાઈ મોહંજોદડોમાં દટાયેલી છે
ઈશ્વર દયાળુ છે
એવું માત્ર ધર્મગ્રંથોમાં છે
ને દેવદૂતો દંતકથા બની ગયા છે
કોઈના પર આશા રાખીને
વધુ દુઃખી ન થા.
બસ ટૂટિયું વાળીને સૂઈ જા.
માના ગર્ભમાં જીવતો હોય એમ !

૨----------------------------------------------------------

એકવાર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર,  જિલ્લો – બનાસકાંઠા)

તું એકવાર દલિત બની
કોઈ પણ ગામડામાં જા
મંદિરની નજીકના ઘરમાં જા.
તને માળિયા પરથી ઉતારેલી
ચીતરી ચડે એવી પવાલીમાં
ચા પીતાં તને જે કાંય થાય
તેવું બધું જ મને થાય છે
આ જાતિપ્રથાના ઓકેલા ઝેરથી

૩----------------------------------------------------------

મા / જિનલ વર્મા (મોડાસા, જિલ્લો – અરવલ્લી)

મારા જીવનનું તેજ તું મા
મારા હોઠનું સ્મિત તું મા
મા તું અબળા નારી ?
ના મા ના
તું તો વહાલનું નામ બીજું
સાસુ-જેઠાણીનો ત્રાસ વેઠતી
પપ્પાનો માર તું વેઠતી
ગાળો, તિરસ્કારોને તું વેઠતી
પણ કદી ઊહકારો તું ના કરતી
રડતી આંખે અમને વહાલ તું કરતી
જાણે અમારા માટે જ તું જીવતી.
મા
ક્યારે તને હું
આ યાતનામાંથી મુક્ત કરાવીશ
ક્યારે તારા કરજનું વ્યાજ હું ચૂકવીશ
મા
મારી મા
મારી આંખોનું તેજ તું
મારી આંખોનું આંસુ તું

૪----------------------------------------------------------

ગામડાંમાં પાણી નો’તું લી બેનો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

ગામડાંમાં પાણી નો’તું લી બેનો, બેનો સરવેયું કરે
સરવે કરી થપ્પો આલેલી અરજી, સરકાર ગભરાઈ જેલી
કોને આલું ને કોને ના આલું, સરકાર છટકી જેલી
સંગઠનના ટેકે મોટા ટોટા ફોડેલા, કૂવા ઊંડા કર્યા
કચરો ને પથરો કાઢેલો બેનો, પાણી આવી જેલું
શ્રમદાન, લોકફાળો કરેલી બેનો, પાણી સંગ્રહ કર્યાં
સંગઠનના ટેકે થયું લી બેનો, પાણીનાં સુખ કર્યાં

૫----------------------------------------------------------

એક દાયકા પછી / ઉમેશ સોલંકી

મમ્મી, તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !

તું  મરી ત્યારે
ભીનાશ પણ અડકી નહોતી આંખને
દુઃખ થયું નહોતું, એવું તો સાવ નહીં કહું
થયું હતું, થોડું ઘણું
પણ પરંપરાવશ.
સાચું કહું
તારા મર્યા પછી બહુ ખુશ હતો
ખુશીમાં ને ખુશીમાં
મેં મુંડન નહોતું કરાવ્યું
ઉત્તરાયણ પર
ઘરમાં મેં એકલાએ પતંગ ચગાવ્યા હતા
એવા પતંગ ચગાવ્યા હતા, એવા પતંગ ચગાવ્યા હતા
જાણે મારી યુવાનીને બાળપણ ફૂટી નીકળ્યું હતું
‘પોંતરીમાં’ ભલે રફેદફે થઈ ગયો              (પોંતરી – પાંત્રીસ ગામનું પરગણું)
પણ ખુશ હતો
બહુ ખુશ હતો
કારણ,
તારું મરણ
તારી લાંબ્બીલાચ્ચ વેદનાનો છેડો હતો

મને યાદ છે
પથારી થઈ ગયેલા તારા ભારેખમ શરીરને
હજારો માકણ ચોંટી પડેલા
ચૂસવા લાગેલા
ચૂસી ચૂસીને ભારે થઈ ગયેલા
એવા ભારે થઈ ગયેલા, એવા ભારે થઈ ગયેલા
તું મરી ત્યારે, ચાલી પણ નહોતા શકતા !
બોલ, પછી તારા મરણ પર કેવી રીતે રડું ?
પણ મમ્મી, તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !

તું હમેશા કહેતી
‘માંહ્યલો બધાનો સારો હોય
માણસ છોને સ્હેજ કે વધારે ખારો હોય’
પણ, માણસ આજ માકણ બની ગયો છે
માંહ્યલાને ચોંટી પડ્યો છે
ચૂસી રહ્યો છે
ચૂસી ચૂસીને ભારે થઈ ગયો છે
ભારે થઈને આગળ ધસી રહ્યો છે
ટોચ પર પહોંચી ગયો છે
જ્યાં જુઓ ત્યાં માકણ દેખાય છે.
હેં મમ્મી, તું ખોટી પડી ?!
સાવ ખોટી પડી
સાચું કહું છું
તું આજે મને યાદ આવે છે
એવી યાદ આવે છે
કે આંખોને બસ આંસુ જ ફાવે છે !