15 September 2015

અંક - ૩૦ / સપ્ટેમ્બર ૨૦૧૫

આ અંકમાં
૧. વારસાની ઇચ્છા / વજેસિંહ પારગી
૨. આવ દોસ્ત / વિનુ બામણિયા
૩. પ્રતિજ્ઞા / જયેશ સોલંકી
૪. ઇતિહાસબોધ / અરુણ વાઘેલા
૫. પ્રેમ એટલે / ઉમેશ સોલંકી


૧-------------------------------------------


વારસાની ઇચ્છા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)


ડુંગરી ખેડીને જીવેલા
બાપાના હાથમાં
ભાઠાં સિવાય કંઈ નહોતું.
ને મેં બાપ પાસે ઇચ્છ્યો હતો
દાળરોટી ચાલે એટલો વારસો.
વારસાની મારી ઇચ્છા જાણીને
બાપનો ચહેરો
ગ્રહણ લાગેલા સૂરજની જેમ
થઈ ગયો હતો કાળું ઠીકરું. (કાળું ઠીકરું - ગ્રહણ વખતે ભીલીમાં શબ્દપ્રયોગ)
ને ઝળહળતી મારી ઇચ્છા
થઈ ગઈ હતી અમાસ.
જ્યારે જ્યારે દાળરોટીનો વેંત થતો નથી
ત્યારે ત્યારે આંખ સામે ઊમડી પડે છે :
ગ્રહણ લાગેલો બાપનો ચહેરો
ને અમાસ થઈ ગયેલી મારી ઇચ્છા.


૨-------------------------------------------


આવ દોસ્ત / વિનુ બામણિયા (ગોધરા, જિલ્લો - પંચમહાલ)


આવ દોસ્ત
આ હાથ વરસોથી તારી રાહ જોઈ રહ્યો છે
હસ્તધૂનન માટે


આવ પ્રિયે,
બધાય વાડા તોડી
તારા વચનનું શું ?
જીવનમાં એકવાર સાથે
એક કપ કૉફી પીવાનું


એ મારી સહઅધ્યાપિકા !
તેં કેટલાં વરસોથી વાત છુપાવી રાખી
પેલો તુંડમિજાજી અધ્યાપક
મારા પીધેલા કપમાં ચા ન્હોતો પીતો


અરે, વડીલ વણિક મોવડી
તમે તો ભૂલી જ ગયા
ગામછેવાડે આવેલા પટેલના કૂવે
કળશ ભરી અભિષેક કરતા ઠાકુરજીને
કયું છોકરું તમને અડી ગયેલું ?


બહુ થયું હવે
અરે ભલા માણસ
આપણે એકવીસમી સદીમાં છીએ.


૩-------------------------------------------


પ્રતિજ્ઞા / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)


પ્રતિજ્ઞા પૂરી થતાંની સાથે જ
એણે વારાફરતી
બધા વિદ્યાર્થીઓની પાટીમાં
પાડ્યાં ખાનાં ચાર
પહેલાની પાટીમાં
એ બી સી ડી લખી
બીજાની પાટીમાં
ક ખ ગ ઘ લખ્યા
ત્રીજાની પાટીમાં
૧ ૨ ૩ ૪ લખ્યા
ચોથાની પાટીમાં
પહેલા ખાનામાં ભૂદેવ લખ્યું
બીજા ખાનામાં રક્ષક લખ્યું
ત્રીજા ખાનામાં વેપારી લખ્યું
ચોથા ખાનામાં લખવું શું ?
એ મૂંઝાયા
હાક્ થૂ
કરીને થૂક્યા
એણે
સાફ કરી પાટી
પાડ્યાં નવાં ખાનાં ચાર
પહેલા ખાનામાં લખ્યું પુનર્જન્મ
બીજા ખાનામાં લખ્યું ચાકરી
ત્રીજા ખાનામાં લખ્યું ઇશ્વર
ચોથા ખાનામાં લખ્યું મોક્ષ
આવ્યો મારી પાટીનો વારો
એમણે કહ્યું :
'તું સાલા ઢેડા
તું ખાનાની બહાર
એટલે જા જતો રહે
આ ઓરડાની બહાર'
ને મારાં કાનમાં
ગૂંજવા લાગી પ્રતિજ્ઞા :
ભારત મારો દેશ છે
બધાં ભારતિયો મારાં ભાઈબહેન છે !!

૪------------------------------------------- 


ઇતિહાસબોધઅરુણ વાઘેલા (અમદાવાદ)


તમે ગિરનારનો શિલાલેખ જોયો છે ?
ના, મેં તેની ભીતર કલિંગનું આક્રંદ સાંભળ્યું છે
તમે તાજમહેલ નિહાળ્યો છે ?
ના, હું રોજ ઓનર કિલિંગના સમાચાર વાંચુંસાંભળું  છું.
તમે નર્મદા બંધ પર તો ગયા જ હશો નહિ ?
ના, હું કડિયાનાકે આદિવાસીઓને ઉભેલા રોજ જોઉં છું.
તમે રીવર ફ્રન્ટની સુંદરતા માણી જ હશે ?
ના, ત્યાં અગાઉ દલિતવસાહત હોવાનો હું સાક્ષી છું.
અરે, તમે ઇતિહાસવાળા થઈ આવું બોલો છો ?
હા, હું ઇતિહાસવાળો છું એટલે જ આવું બોલું છું .
કારણ મને હેરિટેજમાં નહિ લિગસીમાં રસ છે.
જગતમાં નરસંહાર અટકતા હોય
તો ભલે ગિરનારનો શિલાલેખ ભૂંસાઈ જતો
કન્યાઓ મનપસંદને વરી શકતી હોય
તો ભલે તાજમહેલ ધ્વસત થઈ જતો
આદિવાસી તેના આંગણામાં હસતોખેલતો હોય
તો ભલે સરદાર-સરોવર સુકાઈ જતું
દલિતના ઘરના દીવા કરતાં
રીવર ફ્રન્ટની સુંદરતા વધારે છે ?
મને હેરિટેજમાં નહિ લિગસીમાં રસ છે.


૫-------------------------------------------


પ્રેમ એટલે / ઉમેશ સોલંકી


પ્રેમ એટલે
પડવાનું ભોંય
ભોંય પર રચવાનું આભ
આભમાં
હું બનું વાદળ, તારે બનવાનું ચાંદ
ચાલ, પહેરી લે ચંપલ
આવી જુઠ્ઠી દુનિયામાંથી
નીકળીને વસીએ, દૂર દૂર કયાંક
પ્રેમ એટલે
હોય નહીં પડવાનું ભોંય
રચવાનું હોય નહીં આભ
પ્રેમ એટલે
તું બને તું નકરી
હું બનું હું નકરો
તું-હું-ની વચ્ચે
આવે નહીં મૂછનો દોરો
ને નથણીનો ઘાવ રહે આઘો ને આઘો
વળી, ખિસ્સું નથી જો બુશકોટમાં મારા
પર્સ નથી હાથમાં તારા
યુદ્ધો લડાયાં ભલે દુનિયામાં સેંકડો
તોયે
પ્રેમ એટલે
લડવાનું હોય નહીં હોય નહીં મરવાનું
પ્રેમ એટલે
હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળ-પળનું.