આ અંકમાં
૧) હું કવિતા કરતો થઈ ગયો / દિપક બરખડે
૨) મૂર્ત આપ્યું / જયેશ સોલંકી
૩) મા / વજેસિંહ પારગી
૪) સાચો દેશભક્ત
કોણ ? / બ્રહ્મ ચમાર
૫) સિક્કો / ઉમેશ સોલંકી
૬) 'મૂળ' ઓડિઓ આલબમના લોકાર્પનનું સવા બે મિનિટનું ફોટો આલબમ
૧--------------------
હું કવિતા કરતો થઈ ગયો / દિપક બરખડે (સેલંબા, તાલુકો : સાગબારા, જીલ્લો : નર્મદા)
જો, જો, હવે
હું કવિતા કરતો થઈ ગયો છું
શબ્દો શબ્દો મળી ગયા છે મને
જગ્યા બદલી છે
યુદ્ધનું મેદાન નથી બદલ્યું
જો, તું, જો, કવિતા મળી ગઈ છે હવે
શબ્દો શબ્દો મળી ગયા છે હવે
વિષય બદલાયો નથી
સમય બદલાયો છે
સાધનો પણ મળ્યાં છે
જો તું હવે
કવિતા મળી છે, શબ્દો પણ મળ્યા છે.
૨--------------------
મૂર્ત આપ્યું / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)
ભગવાન
તારી હયાતીનો
આશરો લઇને
એક ટોળાએ
અમને
એમના જવા જ
માણસ હોવા છતાં
ભારતની ભૂમિ પર
પશુ બનાવી રાખ્યા
હે ઈશ્વર
મને ખબર છે
કે તું નથી
ક્યાંય નથી
હવે તો
માથે મેલું ઉપાડતી
મારી માને પણ ખબર છે
કે તું નથી...
કણ, કાળ કોઈમાં નથી
જો તું હોત તો
આવો અતાર્કિક અન્યાય
સવર્ણ હિંદુઓનો
ના જ હોત
તારા કરતાં તો
મારી સવર્ણ હિંદુ પ્રેમિકા
મહાન છે
જેણે
આ અછૂત પ્રેમીને
અપેક્ષા કરતાં ઓછું
પણ જે આપ્યું
જેવું આપ્યું
એ ભૌતિક આપ્યું
મૂર્ત આપ્યું
૩--------------------
મા / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો : દાહોદ)
મા રાજરાણી નહોતી
ને હું નહોતો રાજદુલારો
મા કૌશલ્યા નહોતી
ને હું નહોતો રામલલ્લો.
મા ને મારામાં આમ કંઈ ખાસ નહોતું
તોય મા મારે મન હતી અનન્ય !
ને માને મન હતો હું બાળરાજા.
મા સાવ અબુધ હતી
માના મહિમાથી પણ સાવ અજાણ
ને ભગવાન વિશે પણ કંઈ જાણતી નહોતી મા.
છતાં માને મન હું હતો
ભગવાનનું બાળસ્વરૂપ !
દુનિયાના દાવાનળ સામે
મને અભયદાન આપતો હતો
લાવરીની પાંખ જેવો માનો ખોળો.
માની આંખમાંથી વરસતું હતું
દુનિયાભરનું વહાલ
ને થતો હતો મારો અભિષેક.
છાતીએ વળગાડીને
પોયાણાની જેમ મને ખીલવતાં ખીલવતાં
મા બની જતી હતી ચાંદો !
બાળપણમાં રામની જેમ
‘ચાંદો લાવી આપો’ની હઠ પકડવાની
મને જરૂર નહોતી પડી.
લાવરી : માના મહિમા માટે આદિવાસીઓમાં લાવરીનું દૃષ્ટાંત અપાય છે. દવ લાગ્યો હોય ત્યારે લાવરી ઊડી નહીં શકે એવાં બચ્ચાંને પાંખમાં
ઘાલીને બચ્ચાં સમેત બળી મરી. પ્રાથમિક શાળામાં આવતી ‘લાવરી અને તેનાં બચ્ચાં’વાળી વાર્તા
જુદા સંદર્ભે અહીં યાદ આવે.
૪--------------------
સાચો દેશભક્ત કોણ ? / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો : ભાભર, જિલ્લો : બનાસકાંઠા)
હું
ગામડાનો
છેવાડે રહેતો માણસ.
તમે લોકોએ
આઝાદીથી લઈને આજ સુધી
રાજસત્તા ભોગવી !
આજે જ્યારે
હિન્દુ મહાસભા
ગોડસેનું મંદિર બનાવવા
જઈ રહી છે ત્યારે
સાલ્લુ
મને એ નથી સમજાતું
કે સાચો દેશભક્ત કોણ ?
મારનાર કે જિવાડનાર ?
(ગોડસેનું મંદિર બનવાના સામાચાર
સાંભળ્યા ત્યારે થયેલો પ્રશ્ન)
૫--------------------
સિક્કો / ઉમેશ સોલંકી
કેમ, એક અળવીતરી ક્ષણ મારી
મોટીમસ બિલ્ડિંગ પર ચડી
જમીન પર ફસડાય છે !
નાક અને મોઢામાંથી નીકળતા
ફીણમાં પરપોટાય છે !
ઊંડાં પાણીમાં રૂંધાય છે !
ના, નથી એવું
કે હારી ગયો હું
હારવાની પણ તક ક્યાં આપી મને.
ના, નથી એવું
કે થાકી ગયો હું
ચાલવાની પણ તક ક્યાં આપી મને
ન હારેલો
ન થાકેલો
ન ક્યાંય પહોંચેલો
છતાંય
પુસ્તકાલયનાં પુસ્તકોનાં પાને પાને
ઝીણી મારી નજર દેખાશે
નાનાંમોટાં વર્તુળોમાં
વાત મારી પડઘાશે
ધૂળિયા રસ્તા પર
મારા પગની છાપ ભળાશે
છતાંય
ન ક્યાંય પહોંચેલો
ચાલવા લાગું છું
ચકચકાટ રસ્તાની પડખે બેસું છું
આંખો બંધ કરી
અંધારું ફેંદું છું
અંગૂઠાને ધાવું છું, ધાવ્યા કરું છું
ટોચકું ચવાઈ જાય છે.
એક જ છે
ખિસ્સામાંથી એ સિક્કો કાઢું છું
ટોચકા સાથે હળવે હળવે એને રમાડું છું
ફેંકું છું.
રોડની બરાબર વચ્ચે રહેલા
સફેદ પટ્ટાની વચ્ચે પડેલા
ઝાંખાપાંખા લાલ રંગના સિક્કાને જોયા કરું છું
હસું છું
આંખો બંધ કરી
ફરી અંધારું ફેંદું છું
અંગૂઠાને ચૂસવા લાગું છું.
૬--------------------
સવા બે મિનિટનું ફોટો આલબમ
'મૂળ' (Roots) ઓડિઓ આલબમનું લોકાર્પણ (6 ડિસેમ્બર 2015) થયું. 6 ડિસેમ્બરની એ સાંજ ઘણી રીતે યાદગાર બની રહી.
એ સાંજે ગુજરાતના સૌ પ્રથમ સ્વરબદ્ધ અછાંદસ કાવ્યોના ઓડીઓ આલબમનું લોકાર્પણ ચાની કીટલી પર થયું.
એ સાંજે લોકાર્પણમાં બૌદ્ધિકો, કર્મશીલો, કવિઓ, પત્રકારો, સંસ્કૃતિકર્મીઓ અને મિત્રો આવ્યાં અને સૌએ ઓડિઓ આલબમનું લોકાર્પણ કર્યું, કોઈ વ્યક્તિવિશેષે નહીં.
સમગ્ર કાર્યક્રમને તસવીરમાં ઝડપનાર Ph.D.ના વિદ્યાર્થી (સમાજશાસ્ત્ર) સુરેશ ચૌહાણનો વિશેષ આભાર એટલે માનવો રહ્યો કે તેમણે પહેલી વખત કેમરો પકડ્યો હોવા છતાં સંતોષકારક તસવીરો ઝડપી.
આલબમ જોવા માટેની લિંક : https://www.youtube.com/watch?v=vHX3TAXQv1k&feature=youtu.be
Media Coverage
* Times of India (6 December)
* DNA (7 December)
* 94.3 My FM (7 December)
* Indian Express (8 December)
* Gujarat Samachar (Plus) (8 December)
* DNA (7 December)
* 94.3 My FM (7 December)
* Indian Express (8 December)
* Gujarat Samachar (Plus) (8 December)