15 January 2016

અંક - ૩૩ / જાન્યુઆરી ૨૦૧૬

આ અંકમાં
૧. પ્રશ્ન / વજેસિંહ પારગી
૨. તમને શું ખબર / બ્રહ્મ ચમાર
૩. હયાતીનું પુનરાવર્તન / દિપક બરખડે
૪. બેનો કંઈ મળશે? / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૫. સુ-પાછળપણું / ઉમેશ સોલંકી

૧--------------------

પ્રશ્ન / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો : દાહોદ)

છાતીમાં ઊડાઊડ કરે છે
લાગણીનાં પતંગિયાં.
ઊડતાં પતંગિયાંને બેસવા
કદી ન મળ્યાં
સંબંધનાં ફૂલ.
ફૂલોનો અભાવ
ભોંકાય છે શૂળની જેમ
ને નીકળે છે આહ!
ને આહ ભેળો ઊઠે છે પ્રશ્ન :
મારે માટે કેમ ન આવી
દુનિયાના બાગમાં વસંત?

૨--------------------

તમને શું ખબર / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)

મંદિર સળગે
મસ્જિદ સળગે.
તમને શું ખબર?
અહીં મારું પેટ સળગે

૩--------------------

હયાતીનું પુનરાવર્તન / દિપક બરખડે (સેલંબા, તાલુકો : સાગબારા, જીલ્લો : નર્મદા)

મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે
પણ હું,
‘મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે’
એમ કહીને કહું છું કે
‘કાચા જ કહિયા અમને
કદી ના કીધા કુશળ રાજકાજમાં’
એમ કહીને કહું છું કે,
‘કડી કડી કાયર જ કહિયા
કહિયા કદી ના, છે અમારાંમાં પન જોર ને જોમ’
એમ કહીને કહેવું પડે કે,
‘કેટલા કેમેરાઓ કર્યા છે જીવતે જીવતા કોર
જે સહેવી પડી કાયમની કડવાશ’
એટલે
કહીને કહું છું
મારે કશું નથી કહેવું
કશું નથી કહેવું મારે.

૪--------------------

બેનો કંઈ મળશે? / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન, (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

લીલો રૂમાલ પીળો રૂમાલ, બેનો કંઈ મળશે? કંઈ મળશે?    (કંઈ = ક્યાં)
ટીમરવા દરો, આંબા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે     (તંઈ = ત્યાં)

પાડો ડુંગર, આમલી નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
સાજોરા નદી, જાંબુ નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

ડેડકો ડુંગર, વડલા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
સાગટાળા જંગલ, મહુડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

બારા તળાવ, લીમડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે
દિવ્યા જંગલ, સાગડા નીચે, બેનો તંઈ મળશે, તંઈ મળશે

દેવગઢ ડુંગર, સંગઠનની બેન મારી, બેનો તંઈ મળશે, તંઈ મળશે
લીલો રૂમાલ પીળો રૂમાલ, બેનો કંઈ મળશે? કંઈ મળશે?

--------------------

સુ-પાછળપણું / ઉમેશ સોલંકી

ધર્મ તારો
ચર્ચના ખૂણામાં
લપાઈને ઠર્યો છે

ધર્મ તારો
મસ્જિદમાં
ટૂંટિયું વાળીને પડ્યો છે

ધર્મ તારો
મંદિરની મૂર્તિના પોલાણમાં
થરથર્યો છે

ધર્મનું ના ભાન જેને
પરમનું ના કામ જને
સાવ એવી નગ્નતામાં સરવું છે
આદિમાનવ આજ બનવું છે