15 August 2016

અંક ૪૦ / ઓગસ્ટ ૨૦૧૬

ગાયવાપસી-વિશેષાંક
(ઉનાકાંડના વિરોધમાં આંદોલનકારી અભિવ્યક્તિ)

૧. શૈલેષ ભાંભી                                     
૨. જયસુખ વાઘેલા
૩. મેહુલ મકવાણા                                 
૪. વજેસિંહ પારગી
૫. જિજ્ઞેશ પરમાર                                   
૬. વિક્રમ સોલંકી
૭. મહેન્દ્ર હરિજન                                    
૮. અનિષ ગારંગે
૯. વિનોદ સોયા                                      
૧૦. બ્રહ્મ ચમાર
૧૧. રોમેલ સુતરિયા                               
૧૨. કુશલ તમંચે
૧૩. રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’      
૧૪. હોઝેફા ઉજ્જૈની
૧૫. ઉમેશ સોલંકી

૧----------

જનસૈલાબ / શૈલેષ ભાંભી (સાગબારા, જિલ્લો – નર્મદા)

જોઈ લે,
સ્વયંભૂ જનસૈલાબ
હૃદયમાં ભરી
ક્રાંતિનું જોશીલું-મધુરું આબ (આબ – પાણી)
બેઠો છે શાંત ચિત્તે
જોવા ભાવિનાં અનેરાં ખ્વાબ
જોઈ લે..

જાત-પાત
તો ક્યારેક પશુ માત્રના નામે
અત્યાચાર
પીડા મળે હર પળે હર સરનામે
મૂંગો બની
એ તો સહેતો ગામે ગામે
ઝૂક્યું મસ્તક પળેપળ
ન દીઠો તોય ઉદ્ધાર એક પણ તીર્થધામે
માથું ઊંચકી
નાયક અતીતનો છે હવે
કંઇક નવલું કરવા બેતાબ
જોઈ લે..

અરે ઓ,
ક્યાં સુધી પહેરાવીશ તું
જાતભાતનાં વસ્ત્રો
ક્યાં સુધી શીખવીશ તું
ચલાવતાં રીતરસમ
કામકાજનાં શાસ્ત્રો
મેધાવીઓને કુંઠિત કરવા
ઘણું કર્યું તેં
બંધ કર્યો એક એક રસ્તો
ક્યાં છુપાવીશ લંપટ
રંગ બદલતો આ ચહેરો તારો હસતો
આગ ભડકી છે કંઇક દિલોમાં
ભડકે બાળશે
હવે તારો નવાબી નકાબ
જોઈ લે..

કલમ રૂપી ખડગ લઈ
ઝૂમે કૈંક કલમી ઉત્સાહે ઉન્માદમાં
થશે એવી કૂચ
કે દાંડી ફંગોળાશે થાન-ઉનાકાંડની યાદમાં
‘ન ઉપાડીશું માથે મેલું’
કરી એવી પ્રતિજ્ઞાઓ એક સૂરે એક સાદમાં
જોજે લહેરાશે વિજયપતાકા 
આ છે સુનામી ‘જય ભીમ’ની
દાબી શકે તો દાબ
જોઈ લે..

૨----------

મૂંઝારો / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)

સતત મૂંઝાયો છું
નથી અકારણ આ મૂંઝારો
મૂળમાં છે એના હિન્દુત્વનું વાહિયાતપણું
હું ગાયને કેવી રીતે કહી શકું માતા.
માતા કહેનારા ખપ પૂરતી બાંધે એને ખીલે
પછી કરે રસ્તે રઝળતી
ઘાસ સિવાયનું ન જાણે એ કેટકેટલું ચરે.
ઉપયોગ થાય એટલો કરી
કતલખાને મોકલતા
સંતાનોનો નથી કોઈ તોટો
હું ન કરી શકું ઢોંગ આવો.
હું બરાબરનો મૂંઝાયો છું
મૂંઝારામાં ભળે છે
ગાયને કરી આગળ
નિર્દોષ માણસો પર થતો ક્રૂર અત્યાચાર.
કોઈ મારકણી ગાય
માણસને કરે નુકસાન
તો ગાયો બધી થાય ભેગી
ને વઢે પેલી મારકણી ગાયને ?
હું મૂંઝાયો છું
નિર્દોષ માણસની બર્બરતા પર
પણ
આ મૂંઝારો હવે મૂંઝારો નથી રહેવાનો
જન્મ લેશે એમાંથી આંદોલન
ને બાળી નાખશે તમારા અધમ વિચારો.

૩----------

ગાયની વેદના / મેહુલ મકવાણા (બંધવડ, તાલુકો – રાધનપુર, જિલ્લો – પાટણ)

નિચોવી લીધી ભગાડી દીધી
દૂધ દોહીને લાકડી મને મારી દીધી
ઊંબરે ઓટલે ગટર ગટર
ચરતી ફરતી દિવસભર
ભમતી ભાગતી ભાંભરતી થાકતી
ક્યારેય તેં મને ‘મા’ ના કીધી.

તું શું સમજે પેટની ભૂખ
ઘર ઘર નગર નગર હું તો ભટકી
પ્લાસ્ટિક કાગળ પડીકાં પાઉચ
રોજ ખાઈને પેટ હું ભરતી
તેં શું આલ્યું ભલા મને
તેં તો નામની મારા રોકડી કીધી
જીવતી જાગતી રોજ તરછોડી
મર્યા પછી ક્યાં તેં મને ‘મા’ કીધી.

દલિત નહોતો દુશ્મન મારો
એણે મારી ચાકરી કીધી
મહેનત કરતો પડકાર ઝીલતો
હિંમત કરી મને ઊંચકી લીધી
ભલે એણે મને ‘મા’ ના કીધી   

૪----------

થૂ થૂ થૂ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)

થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ.
દંભી ગોભક્તોના મોં પર થૂ થૂ થૂ

ગાયના નામે ગોચર ચરવાનો
મર્યા પછી વૈતરણી તરવાનો;
ઢોરના ઓઠે માણસ મારવાનો
ગાયના નામે લીધો પરવાનો.
જાણી ગયા છે અમે બદીના મૂળમાં તું તું તું
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

કોથળીઓ ખાઈને મરે છે ગાય
મરતાં સાથે મટે છે માય;
ઢાંઢાને ગોભક્ત અડે નહીં !   (ઢાંઢા – મૃત પશુ)
માનું સૂતક એને નડે નહીં ?
સમજી લો સત્યનું મૂલ કહેતા નહીં શું શું શું ?
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

રાજ તમારાં દંડ તમારા શાસ્ત્રો તમારાં
તેથી કર્યાં ઢોરથી બદતર જીવતર અમારાં;
મોડું મોડું જાગ્યું છે ઝમીર અમારું
જોઈ લેવું છે જાલિમો જોર તમારું.
જંગ અમારો જોઈને કરતા નઈં ઊં ઊં ઊં
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

ફગાવી છે જીવતરની લાચારી આજે
નથી ઉતારવાં ચામડાં પેટ કાજે;
છોને ગંધાય તેત્રીસ કોટિ દેવોનો વાસ
હા હવે નથી રહ્યા અમે તમારા દાસ
રૂપ અમારું જોઈને થઈ ના જાય સૂ સૂ સૂ !
થૂ થૂ થૂ સત્તર વાર થૂ થૂ થૂ

૫----------

ફેંકી દે / જિજ્ઞેશ પરમાર (અમદાવાદ)

હકની ભીખ નહીં
અધિકારનો ઊંચેથી સાદ કર !
જુલમ હવે નહીં સહુ
એક ઝાટકે બોલી નાખ !
માથે ઉપાડેલું  
મેલું ભરેલું ટોપલું
માથે ફરી ના ચડે
એમ આઘું એને ફેંકી દે !
મરેલાં ઢોર નહીં ઢસડું
એવી હામ મનમાં ભરી લે !
કોઈ આવીને ટોકે
તો ડાચું એનું તોડી નાખ !
આંખોને નીચી કર નહીં
શર્ટનો કોલર ઊંચો રાખ !
અવાજમાં હવે
ઢીલાશ શાની
વાત ખોટી હોય તો
વાતની તરત ઝાટકણી કાઢ !
ઉપાડ કલમ,
બંધારણને ફરી લખવા બેસ !
કોઈ રોકે કલમ તારી
તો હાથ એનો તોડી નાખ !

૬----------

તું શું કરીશ / વિક્રમ સોલંકી (વડાલી, જિલ્લો – સાબરકાંઠા)

હવે નહીં ખેંચે કોઈ ઢોર
તું શું કરીશ
ભૂલી જઈશ બધી ખોળ
તું શું કરીશ
હતું, ચાલ્યું, વેઠયું
ભોળા અબુધ લોકોએ
ખરો પકડાયો હવે ચોર
તું શું કરીશ
પ્રમાણ હતું ઠીક બળ્યું
હવે નહીં વેઠી લેવાય
તેં જાતે ખોદી ઘોર
જયાં સુધી મળે ના
અમને અમારાં માનપાન
ખૂબ લગાવીશું જોર
તું શું કરીશ

૭----------

નામ છે / મહેન્દ્ર હરિજન (ટીંબારોડ, જિલ્લો – દાહોદ)

ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
આખા જગમાં છોને તારું નામ છે
કંઈ કેટલાય ‘દાદરી’ હવે ઉનાનું નામ છે
પહેલાં મુસ્લિમ હવે દલિતોનું નામ છે 
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
ગૌરક્ષકના નામે અમને મારનારા
હવે જુઓ
કેવું અમારું નામ છે
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે
આજ સુધી રહ્યા અમે અભડાયેલા
પણ હવે કોઈનાથી અમે કમ નથી
ચારેકોર હવે તો છે દલિત દલિત દલિત
દલિતોનું ચારેકોર નામ છે
ગાય,
તું શું જાણે કેવું આ કામ છે.

૮----------

હું તો છું દલિત દલિત / અનિષ ગારંગે (અમદાવાદ)  

હું તો નથી લલિત લલિત
હું તો છું દલિત દલિત
મારે તો ગણવાનું છે
સમાજનું ગણિત ગણિત
આંકડા ઘૂંટવાના છે અધિકારના
ભૂસવાનાં છે નામ જાતપાતનાં
મરેલા પછી નામ પડે છે ગૌહત્યાના
કરવું છે આજે કંઇક ફલિત ફલિત
હું તો છું દલિત દલિત

વિકાસપંથી કરશે ચાબુકના ફટકાર
સહી લઇશું અમે એમની પણ માર
જોમ રહેશે ત્યાં સુધી કરીશું પોકાર
મેળવીશું સંઘર્ષ કરીને જીત જીત
હું તો છું દલિત દલિત  

૯----------

ઊભો હું / વિનોદ સોયા (ગેડિયા, તાલુકો – પાટડી, જિલ્લો – સુરેન્દ્રનગર)

માથું ઊંચું કરી હું તો ઊભો
વગર હથિયારે નથી છૂટકો
કાયરતાનો કરી ભુક્કો.
લડી પડીશ હું
નહીં રડીશ હું
હા હા હી હી નહીં કરીશ હું
મૂછો મરડી મારી મુક્કો
છેદી નાખીશ ભેદી નાખીશ
દિવાલ તારી તોડી નાખીશ
નહીં સાંભળું હવે કોઈનું
સગપણ નથી આ લોહી લોહીનું
અહીં નથી કોઈ કોઈનું
નહીં ચાલે તારો કોઈ તુક્કો
નથી છૂટકો નથી છૂટકો
માથું ઊંચું કરી હું તો ઊભો
વગર હથિયારે નથી છૂટકો

૧૦----------

આ લોક નીચ છે / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો – ભાભર, જિલ્લો – બનાસકાંઠા)

આખલાને બાપ કે’તા ખચકાય છે.
ગાયને માને માતા, આ લોક નીચ છે.

ગૌરક્ષાના નામે ક્રૂરતાથી વર્તે છે,
મરેલી ગાય છે, આ લોક નીચ છે.

કતલખાને ગાયો જીવતી કપાય છે,
કરાવી શકે ના બંધ, આ લોક નીચ છે.

ગાયના નામ પર અઢળક દાન માગે છે,
રસ્તે રઝળે છે ગાય, આ લોક નીચ છે.

ગાય ખાય પ્લાસ્ટિક ને અંતે મરી જાય છે,
એનું ક્રિયાક્રમ નથી કરતા, આ લોક નીચ છે.

જો ગાય હોય માતા તો આખલો થયો પિતા,
બાકી મૂકી દ્યો આ તૂત, આ લોક નીચ છે.

૧૧----------

અંત બદલાશે / રોમેલ સુતરિયા (વ્યારા, જિલ્લો - તાપી)

ઈતિહાસ સાક્ષી છે
કાચા માટીના ઘરમા
સળગતા દીવાના અજવાળા પર
ફૈણ માંડીને બેસી ગયા છો તમે.
મારાં હાંડકાં અને માંસથી
તમે બનાવી હતી LED લાઈટો,
મારા લોહીને ડેમોમાં સંગ્રહી સંગ્રહી,
બનાવ્યાં છે પાવર હાઉસો
તમારા ઘરોમાં અંધકાર દૂર કરવા.
પણ યાદ રાખજો !
જે દિવસે ઈરાદો કરી લીધો
અને કહી દઈશુ બસ બહુ થયું હવે,
અંધકારમાં ખોવાઈ જશો તમે
હર હંમેશ માટે.

આર્યો-અનાર્યોનો સંઘર્ષ
આમ તો ઘણો જૂનો
રૂપ બદલાયાં પણ સંઘર્ષ તે
બ્રાહ્મણ્વાદથી હિંદુત્વ સુધીના
તમારાં કાવતરાંઓની
સાક્ષી છે પેઢી
માટે તમે રામ નહીં
વિકાસની વાતે ફાયા.
મનુને માનો છો ને તમે આદર્શ
જો ના માનતા હો જાતિવાદ
સમરસતાના કાવદાવા ના હોય
તો કહી દો તમારા ભાગવતને
સળગાવે "મનુસ્મ્રુતિ"
ને કહે
માફ કરો અમને, અમારા પૂર્વજોને.
પ્રગતિશીલતા ની ચાદર ઓઢી,
રાજકીય પક્ષ બનાવી આવ્યા અમારી જોડે
વળી અમને શીખવશો તમે
કેમ લડવું ને કેમ નહીં ?
માફ કરજો
તમારી સોસાયટીમાં જઈ
એક વાર તો કરો સમાનતાની વાત,
ધર્મનિરપેક્ષતાની વાત,
પણ ના તમે તેમ નહીં કરો
કે કરવા સક્ષમ નથી
હું નથી જાણતો
યજ્ઞોમાં ગાયોની બલિ ચડતી
તે  કઈ સંસ્કૄતિનું પ્રતીક છે ?
કૃષ્ણે ઉઠાવેલો ગોવર્ધન
ગૌ+વધ પરથી આવેલો શબ્દ નથી ?

કૃષ્ણ તો લડ્યા હતા ગૌ-વધ રોકવા
કોની સામે તે તો ચકાસી જુઓ
મડદાં ઢસેડવાનું થોપ્યું  કોણે અમને
તે તો એક વાર બોલી જુઓ
માગો તો ખરા માફી એક વાર
પછી કરીએ ને સમરસતા ની વાત.

જે રસ્તે તમે ચાલીને પહોંચ્યા
તે રસ્તેથી ચાલીને આવ્યા હતા અમે
છતાં તમે એટલા મોટા કે
આકાશ અડી લો છો !
અમે એટલા નાના કે
જમીનનેય ના અડી શકીએ !

તમે ત્યાં સુધી ઝાડ છો
જ્યાં સુધી પત્તાં તમારી જોડે છે,
પત્તાં પડતાં ઝાડ બુઠ્ઠું કહેવાય
બુઠ્ઠાં કહેવાશો તમે
જીવતે જીવ મરી જશે
અહંકાર તમારો.

ઉના ગામે તમે નીચતા બતાવી
ને અમારા સમાજે કહી દીઘું ને
ઊઠાવી લ્યો તમારી માતાનાં મડદાંઓને
ગૌ-ભક્તો ના પહહંચ્યા માતા પાસે
રસ્તે રઝળતા ગાયના મડદાની
રાજકીય ગંધ એવી તો પ્રસરી
ગુજરાતનાં મુખ્યપ્રધાને
ધરી દીઘું રાજીનામું
જય ભીમ - લાલ સલામને.

૧૨----------

ગૌઉના / કુશલ તમંચે (અમદાવાદ)

ખાનદેશમાં
ગૌઉના કરાવે
કલંકિત ત્રિકાળ માથે ચઢાવે
‘ગૌ’થી
ગંદાં કામ કરાવે
બા-પોતીની ગુલામી જકડાવે 
‘ગૌ’ ગંવિધાનનો ચીલો પાડે
કથિત રાષ્ટ્રનો અજેન્ડા વિસ્તરે
ખાનદેશમાં
ગૌકાનૂનનું ચલણ વધે
ગામ સીટીમાં
અટ્રોસિટીથી મરણ વધે
સંવિધાનની હોક નજર ફરે  (હોક – બાજ)
પ્યૂનથી માંડી પી.એમ. ડરે
પંચ્યાસીના સ્વમાન જાગે (પંચ્યાસી – બહુજન)
ગૌઉના પાછળ ભાગે

૧૩----------

આજ દલિત / રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’ (કાજ, તાલુકો – કોડીનાર, જિલ્લો – ગિર-સોમનાથ)

સોરઠ આખું, ગુજરાત આખું
આખું ભારતભર
આજ દલિત આઝાદી પછી પણ
તને કેટલો ડર.

શેરી ન બદલાણી, ઘર ન બદલાણું
ન બદલાણું કપડું કે વાસણ
આજ દલિત આઝાદી પછી પણ
તું કેટલો પાછળ.

આગથી ચાંપે, રહેસી નાખે
કેવા કરે જુલમ
તારી નાતની બહેન-દીકરી પર
ખુલ્લેઆમ દુષ્કર્મ
નાગની જેમ ડંખે તને
તોય તું કેમ છે નામ !

ઉના આખું, થાન આખું, થોરાળા આખું  
ચાણસ્મા આખું
કે આખું ભારતભર
આજ દલિત આઝાદી પછી પણ
તું કેટલો પાછળ.

બાળમજદૂર તું, બેરોજગાર તું
તું સહે મોંઘવારીનો માર
હિજરતો તું રોજ કરે
કેવાં તારાં ઘરબાર.
તોયે ન વિદ્રોહ, તોયે ન બળવો
તોયે ન રીસ કે ફરિયાદ
ચાલ ઊઠ, બહુ થયું
કર હવે બળવો, કર હવે પ્રહાર.

૧૪----------

ગજબ જેવી વાત છે / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

ગાય તારું જીવન નિરાળું છે
સત્તા મેળવવાનું
તું શતરંજનું પ્યાદું છે
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તારું જીવન અનમોલ છે
ઈલેક્શનના સમયે જ
વાગ્યો તારો ઢોલ છે
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તારું જીવન કામધેનુ
હિન્દુત્વવાદીઓનું
રાજ કરવાનું ઘરેણું
આ તે કેવી ગજબ જેવી વાત છે

ગાય તું અહીં
સૌની માતા કહેવાય
નામે તારા અહીં
માણસનું માંસ વ્હેંચાય
આ તે કેવી ગજબ જેવી વાત છે

૧૫----------

મોટા સમઢિયાળા / ઉમેશ સોલંકી

મોટા સમઢિયાળા !
એમની મરેલી ગાયમાતાને ફાડવા
ચલાવી તેં
રૂઢિની છરી
તો ઊકળી ઊઠ્યા
એમની ભારતમાતાને રોજ રોજ ફાડી ખાનારા.
પછી
મૃત્યુ તને અડ્યું
ડર્યું.
આઘું ખસ્યું.
જાહેરમાં એવી લજવાઈ
કે ક્રૂરતા સોળમાંથી નીકળી
નગ્નતાને ઓઢી
ખૂણામાં લપાઈ ગઈ.
બરડ થયેલાં તારાં હાડકાં
ભલે કરે કરડડ
પણ કરડડ કરતો અવાજ
આજ
ગાયવાપસીનો નારો બન્યો છે
રૂઢિને ચાંપતો અંગારો બન્યો છે.

મોટા સમઢિયાળા !
સંવેદનાનાં તેં તોડયાં છે તાળાં
વિચારનાં ઉઘાડ્યાં છે બારાં
હવે
આંખ જોઈ શકે એવો અજવાસ આવશે
ઊંઘ આવી શકે એવો અંધાર આવશે.