16 November 2016

અંક - ૪૩ / નવેમ્બર ૨૦૧૬

આ અંકમાં

૧. પોસ્ટર / અનિષ ગારંગે
૨. ઝબકીને જાગી જાઉં / ઉપેન્દ્ર બારોટ
૩. છીપ / વજેસિંહ પારગી
૪. મીઠાનો મબલક પાક / દેવેન્દ્રભાઈ વાણિયા
૫. ત્રણ શરીર / ઉમેશ સોલંકી

૧----------

પોસ્ટર / અનિષ ગારંગે (અમદાવાદ)

પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે
દિવાલમાં ગુંદરનો આક્રોશ ઊભરી આવે છે
છાપાંનાં અપાર પાનાં
ફિલ્મોનાં લોભિયાં બૅનર
મૅગેઝિનનાં નાગાં ખાનાં
પુ્સ્તકોનાં થાકેલાં કવર
ચુંબકીય જાહેરાત
બધામાં એક જ ચહેરો ઉપસી
જાણે સરકસ બતાડે છે.
પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે.

ખમણની કઢી મારા જ ચહેરા પર ઢોળાય છે
બેસણાની ખબર દરરોજ મારી જ હોય છે
પે ઍન્ડ યૂઝમાં મારા ઉપર જ મૂતરાય છે
સરઘસમાં મારા જ ફોટા પર કાળક લાગે છે (કાળક - કાળો રંગ)
ક્યારેક ડૂચો બનું
તો ક્યારેક પોલીસ સ્ટેશનના પાટિયા પર લટકું

રેલવે સ્ટેશનની થૂકેલી દિવાલ પર
રિક્ષાના અભદ્ર હૂડ પર
પાનની પીચકારીમાં 
ગુમશૂદા વ્યક્તિની જાહેરાતના કાગળો રોજ બદલાય છે
તો પણ કાગળોના તહેખાનામાં એટલા ચહેરા ભાગે છે
જાણે બધાં પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે.

૨----------

ઝબકીને જાગી જાઉં / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

ઝબકીને જાગી જાઉં છું
જોઉં છું તો સવાર ક્યાં ?
એ જ રાત
એ જ ખાટલો
એ જ ફાટેલી ગોદડી
એ જ હું
એ જ ઠાલાં વચનો મારી અંદર ઘુમરાતા
ને બહાર ઘુમરાતા સેંકડો મચ્છરો
મને કરડે છે.
હું બચાવમાં ગોદડી ઓઢું છું
મચ્છર તોયે કરડે છે.
ને સરી પડું છું ફ્લૅશ બૅકમાં :
રાજનેતાઓની જાહેરસભાઓમાં
મારી જાતને જોઉં છું ઊભેલો 
વિશ્વાસથી ભરેલો
બદલશે મારું જીવન એમનાં વચનો.
અઢી દાયકા વીતી ચૂક્યા છે
ને આજે
ઝબકીને જાગી જાઉં છું
જોઉં છું તો સવાર ક્યાં ?
એ જ રાત
એ જ ખાટલો
એ જ ફાટેલી ગોદડી
એ જ હું
એ જ ઠાલાં વચનો મારી અંદર ઘુમરાતા
ને બહાર ઘુમરાતા સેંકડો મચ્છરો
મને કરડે છે.

૩----------

છીપ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

વર્ષોથી છીપ ખોલું છું
ને હજારો છીપ ખોલીને જોઈ છે.
ઘણી છીપ ખાલી નીકળી છે
ને ઘણી છીપમાંથી નીકળ્યા છે પથરા.
ભલે હજી મને મોતી મળ્યું નથી
પણ હજી બાકી છે કેટલીક છીપ
ને કોઈક છીપમાં
મોતી હશે-ની
મારી શ્રદ્ધા
હજી મોતીની જેમ ચળકે છે.

૪----------

મીઠાનો મબલક પાક / દેવેન્દ્રભાઈ વાણિયા  (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

ગુજરાત તણા કચ્છ પ્રદેશે મીઠાનો મબલક પાક
પાક પાકે તે પરિશ્રમે ખૂબ, પકવે શ્રમજીવી રાંક
ને રોજી કમ રઝળપાટ ખૂબ, સમજો કાંક કાંક
       મીઠાનો મબલક પાક....

શ્વેત વર્ણા બગ સરખા, પહાડ સરીખા ઢગ
એ ઢગલાના મૂલ મળે ના રહે શ્રમજીવી રાંક
       મીઠાનો મબલક પાક....

વર્ષ આખું વીતે રણમાં નહીં સગાનો સ્વાદ
વર્ષામાં એ વિવાહ કરતા ચોમાસે સંગાથ
       મીઠાનો મબલક પાક....

ખારાં પાણી ખારી હવા જીવનમાં ખારાશ
ગડગુંબડનો પાર નહીં ક્યાંથી રહે ઠીકઠાક
        મીઠાનો મબલક પાક....

જીવન આખું જોખમ વેઠ્યું કદી ના હર્ષ ઉલ્લાસ
જીવનની આ સમી સાંજે આંખમાં પડે ઝાંખ
         મીઠાનો મબલક પાક....

૫----------

ત્રણ શરીર / ઉમેશ સોલંકી

શરીરની અંદર પણ શરીર
શરીરની બહાર પણ શરીર
શરીર જન્મે છે
શરીર શરીરને સમાગમે છે
શરીરમાં શરીર જન્મે છે
શરીર વિકસે છે
શરીર મરે છે
છતાં શરીર મરતું નથી
શરીર શરીરથી છેટું થતું નથી
છેટું થાય તો શરીર રહેતું નથી
નથી શરીર હાડકાં માત્ર
નથી લોહી માંસ મજ્જા માત્ર
દેખાય છે જે
એ પણ છે શરીર
ન દેખાય જે
એ પણ છે શરીર
ન દેખાતું શરીર ઇશ્વર નથી
ઇશ્વર છે તો ઇશ્વર જેવું કશું નશ્વર નથી
ઇશ્વર છે સર્વવ્યાપક અગર
રિબાઈ રિબાઈને મરે એ રોજબરોજ નિરંતર
શરીર એની મેળે મરે છે
છતાં શરીર મરતું નથી
મરતી વેળા ઇશ્વરની તમા કરતું નથી
તમા કરે છે તો ભયની
અંદરના શરીરને વિયોગનો ભય
ધર્મનું ગુમડું દબાય જોરથી
પીડા ઊઠે અને શોરથી
એ પીડા પણ લાગે મામૂલી
એવી પીડા વિયોગના ભયની.