14 February 2017

અંક - ૪૬ / ફેબ્રુઆરી ૨૦૧૭

પ્રેમ-વિશેષાંક

૧. સ્પર્શ-અસ્પર્શ / જયેશ સોલંકી
૨. સંભોગ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા'
૩. કોસ્યા કરું છું / વજેસિંહ પારગી
૪. તું સિંઘ હું છારા / અનિષ ગારંગે
૫. પ્રિયે, મને દુખ છે / હોઝેફા ઉજ્જૈની
૬. પ્રેમનાં પોટલાંઓ / રાજેશ પી. જાદવ
૭. ડંખ / હેતલ જી. ચૌહાણ
૮. હાળીનું પ્રણયગીત / બ્રહ્મ ચમાર
૯. રંગ / મેહુલ ચાવડા
૧૦. મોહણિયું (સ્મશાન) / ઉમેશ સોલંકી

૧----------

સ્પર્શ-અસ્પર્શ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

એ કદી
સ્પર્શી ન શકી મને
હજારવાર
હમબિસ્તર બની છતાં
એને
સ્પર્શ કરવો જ નહોતો.
એણે
મારી કવિતા
મારો અભિનય
મારું નામ
મારી તાર્કિક દલીલોને
સ્પર્શી હંમેશા,
મને કદી નહી !
એને મન
હું
મારા ગંધાતા મોજા જેવો હતો
ચ્હા પીતાં પીતાં આવતા
બેસૂરા અવાજ જેવો હતો
કે
ડાઇનિંગ ટેબલ પર પડેલી
ચમચીઓ વચ્ચેના
એંઠા હાથ જેવો હતો
અસભ્ય
ગામડિયો
દારૂડિયો !

૨----------

સંભોગ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (કાજ, તાલુકો - કોડીનાર, જિલ્લો - ગિર-સોમનાથ)

તારા હોઠને
મારા હોઠ સ્પર્શતાં
યાદ આવી સવર્ણની કઠોરતા.
તારી આંખમાં નાંખી આંખ
તો ભળાણી
ખુલ્લેઆમ લૂંટાતી કેટલી યે લાજ.
તારાં તન-સ્તનમાંથી
દલિત અબળાને ચૂંથનારા
તારા પૂર્વજોની ગંધ આવતી.
મારા આલિંગનથી
તું ભરતી આહ
ને મને દૂર દૂરથી ચીસો સંભળાતી.
આ સંભોગથી
છોકરો થાય ને
તો નામ રાખજે ભારત
છોકરી થાયને
તો ભારતી.

૩----------

કોસ્યા કરું છું / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જુવાન થતાં જ
છાતીમાં કંઈક ઊછળવા લાગ્યું.
કંઈ કરતાં કંઈ સમજાતું નહોતું
કંઈ કરતાં કંઈ કહેવાતું નહોતું
કંઈ કરતાં કંઈ ગમતું નહોતું.
આમ કંઈ કંઈ થતું હતું
ને હું ગુમસૂમ ગુમસૂમ
છાતી દબાવીને જીવ્યે જતો હતો.

અને એક દિવસ
મારી સામે આવી ઊભી એક છોકરી.
આંખ નચાવી
હોઠ મરકાવી
બોલી એ છોકરી :
એય! તારું દિલ ઊછળે છે દિલ.
છાતી પર હાથ દાબવાથી
ઉછાળા બંધ નહીં થાય
ને ઊછળતું દિલ તારાથી નહીં સચવાય.
લાવ મને આપી દે
હું એને સાચવીશ જીવનભર!
પળનુંય મોડું કર્યા વગર
છોકરીના બોલ પર
ધરી દીધું મેં દિલ એના હાથમાં.
મોટી મિરાત માનીને
છોકરીએ દિલને
આંખે અડાડ્યું
છાતીએ ચાંપ્યું
ને રાખી લીધું પોતા પાસે.
દિલ દીધાના હરખમાં
હું ઊડતો રહ્યો સાતમા આસમાનમાં
દિવસો સુધી મહિનાઓ સુધી.

અને એક દિવસ
શીતળ લહરી જેવી એ છોકરી
આંધી બનીને ત્રાટકી મારા પર
ને હું આખો ને આખો ઝંઝેડાઈ ગયો.
આ તો ગરીબ છે
આ મારી જાતનું નથી
એવા એવા લાલચોળ ડામ દઈ
ફેંકી દીધું દિલ
મારા પગ આગળ.
બસ તે દિવસથી
છાતીમાં ચમચમ્યા કરે છે
દિલને દીધેલા ડામ.
હું કણસ્યા કરું છું છાનું છાનું
ને મનોમન કોસ્યા કરું છું :
જાતને
ગરીબાઈને
પ્રેમને!

૪----------

તું સિંઘ હું છારા / અનિષ ગારંગે (અમદાવાદ)


હું વીર તું ઝારા
તું હીર હું રાંઝા
તું સિંઘ હું છારા
આવી આવી તો કેટલી કહાની
છે કેટલાને યાદ જુબાની
સમાજની સાંકળ તોડી
બની છે આપણી જોડી.

તું કહેતી,
'ચાલ પેલી પાર જઇએ
દરદ ના સહીએ
નાના માળામાં રહી
હાથ એક બીજાનો ઝાલીએ'
તો પણ,
પાટલાના તારા ધીમા અવાજમાં  (પાટલા - બંગડી)
ધબકે મારા
હ્રદયના ધબકારા
લાગે જાણે પૂનમ પર આવ્યા છે
વીજળીના ચમકારા .

શું કહેશે એ,
શું કરશે એ,
છોડ એની ચિંતા
ચાલ
આપણે એક નવું માળખું બનાવીએ
સાંજને દુલ્હન બનાવીએ
છે સૈનિકોના કેટલા પહેરા ?
શતરંજમાં વજીરે પાથર્યા છે મોહરા
એટલે જ
તું હીર હું રાંઝા
હું વીર તું ઝારા
તું સિંઘ હું છારા.

૫----------

પ્રિયે, મને દુખ છે / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

પ્રિયે, મને દુખ છે
ખોખલી પરંપારાઓમાં
જાતિવાદી વ્યવસ્થામાં
કોમવાદી પરિબળોમાં
શોષણયુક્ત અર્થવ્યવસ્થામાં
જાતીય હિંસાખોરોની આંખમાં
રાજનૈતિક અધોગતિના સમયમાં
પ્રિયે,
તમારી સાથેના સંબંધ
કેમનો મજબૂત બનાવું,
પ્રેમની પળોને કેમનો માણું,
પ્રેમની કવિતા કેમનો લખું.
મારી કલમ, મારા વિચાર, મારું જીવન
આ અન્યાયી વ્યવસ્થાઓને
ખતમ કરવાના સંઘર્ષમાં વ્યસ્ત છે
તમે કહી શકો છો
હું બદલાઈ ગયો છું
તમે કહી શકો છો
હું દગાખોર છું
મારે પણ
તમારી સાથે એક-એક પળ જીવવી છે
પણ
તમારી લાગણીઓ
મારી લાગણીઓ મળી
શોષણની વધતી જ્વાળાઓને
ઓલાવી નથી શક્તી.
પ્રિયે, મને દુઃખ છે.

૬----------

પ્રેમનાં પોટલાં / રાજેશ પી. જાદવ (લીંબડી, જિલ્લો - સુરેન્દ્રનગર)

લ્યા, હાલ્યા આવજો !
લઈ જાઓ
સાવ સસ્તો
કિલોના ભાવે
મળે છે મફતના ભાવમાં
મારી લારીમાં
પ્રેમનાં નાનાં નાનાં પોટલાં.

તમારી અનુકૂળતાનો
ઊંચ જાતિનો
નીચ જાતિનો
જાત જાતનો
હલકો ભારે
શહેરનો ગામડાનો
ગલી પોળ મહોલ્લાનો
વિધ વિધ પ્રેમ
છે વેચાણમાં
કાળો રૂપાળો
ઠાલો કે ભરેલો
ગ્રામ સો ગ્રામ
કિલો કે મણ
વે'લા તે પે'લા
ભરો થેલા
લ્યા, હાલ્યા આવજો !
મારી લારીમાં
પ્રેમનાં નાનાં નાનાં પોટલાં
છે વેચાણમાં.

૭----------

ડંખ / હેતલ જી. ચૌહાણ (સુરત)

આપણે મળ્યાં
આંખો મળી
વાતચીતો થતાં મુલાકાતો વધી
મન મળ્યાં
તરબતર થયાં
સાથે રહેવાનું વચન આપ્યું
અને પહેલું પગલું ભર્યું.
પણ
ખબર નહીં ક્યાંથી
ઝેરી કાળોતરાએ ડંખ માર્યો
બધું જ પૂરું
કશું રહ્યું નહીં
રહી તો બસ જાતિ.

૮----------

હાળીનું પ્રણયગીત / બ્રહ્મ ચમાર (ચલાદર, પોસ્ટ: ચાતરા, તા. ભાભર, જિ. બનાસકાંઠા)

હું રહ્યો રઘલો હાળી,
સવારથી લઈને સાંજ સુધી કરતો ક્યારા-પાળી.

મૂંગું ખેતર મૂંગો શેઢો રસ્તા વચ્ચે ભેંસ ભાંભરતી
ભૂખ લાગે કકડીને એવી, ભાત સાથે શેઠાણી સાંભરતી
શેઠાણી તો એવી હસતી પછી દઈ દેતી એ તાળી,
હું રહ્યો રઘલો હાળી.

દન આખાની મહેનત ભતવારીમાં મહેકે,
છુટ્ટા હાથે પીરસે અંતર મારું બહેકે.
શેઠનો જાશે પિત્તો, જશે જો આ બધું ભાળી,
હું રહ્યો રઘલો હાળી.

ખેતરનો હું રાજા ને શેઠાણી રાણી,
ઘરે ચાલે એનું, કામે હું પાણી પાણી.
શેઠ ચીંધે, શેઠાણી ચીંધે ને વળી રોટલી દેતી બાળી,
હું રહ્યો રઘલો હાળી.

જરાક અમથી ચૂંટી ખણું તો લોહી એને ફૂટે,
હું આખો ય બરછટ બરછટ મારામાં કંઈક ખૂટે.
એની પાસે રંગબેરંગી, મારી પાસે ફાટેલી કામળી કાળી,
હું રહ્યો રઘલો હાળી.

એ પરણેલી, હું કુંવારો લાગું પાકા વાને,
મારામાં કંઈક પડ્યું છે એવું તન-મન એનું માને.
જરાક અમથો માંદો પડું તો હાજર દવાની થાળી.
હું રહ્યો રઘલો હાળી.

શેઠ આ બધું જાણશે, એનો ડર ઊંડે ઊંડે થાતો,
સજા એવી કરાવશે કે જશે જીવનથી નાતો.
નથી જરાયે રંજ, શેઠાણીમાં ખીલી રહી છે ડાળી,
હું રહ્યો રઘલો હાળી.

૯----------

રંગ / મેહુલ ચાવડા ( અમદાવાદ)

સવારના પોરમાં
તું કોલેજ જતી હોય
તને નીરખવાની લ્હાયમાં
સવારે દોડવાનું બહાનું કાઢીને
બ્રશ કરીને
એએમટીએસના બસ સ્ટેન્ડે રાહ જોયા કરુ..
બપોરની મારી કોલેજના સમયે
તારા છૂટીને ઘરે જવાના વખતે
પાલડીના સ્ટેન્ડે
વાત કરવાની લ્હાયમાં
એકાદ લેકચર છોડીને રાહ જોવું
એવો મારો પ્રેમ.
તને પૂછતા વેંત જ
મોઢામાંથી શબ્દો સરી પડતા હોય
એવા ઉદગારોની વચ્ચે
મારા કાનને અડે
ને મારાથી બોલાયેલ મારી જાતિનું નામ..
તારા ચહેરાની રોનક
દીવાની જેમ ઓલવાઈ જાય.
ઢીલી ઘેંસ જેવું મારું મોઢું લઈ
ખોવાઈ ગયો હું ઊંડા વિચારોમાં
ઊડી ગયો ચહેરા પરનો રંગ
કપડાના રંગની જેમ.

૧૦----------

મોહણિયું / ઉમેશ સોલંકી

મોહણિયું ભલે રહ્યું ગામનું   (મોહણિયું - સ્મશાન)
લાગે છતાંય કેટલું આપણું :
મોહણિયામાં હું
પડખે તું
તારી પડખે વાૅંઘું    (વાૅંઘું - નદી, જળાશયને મળતી કુદરતી કૅનાલ)
વાૅંઘું તો એકદમ કોરું
પલાળતું આપણને તોય કેવું કેવું !
પલળીને
તને અડકું હું
ગમતીલી હળવાશથી
લાગે એવું
જાણે અડકું અવકાશને.
મને અડકે તું
તારી અટૂલી નરમાશથી
લાગે એવું
જાણે આભાસ સમયનો
મારામાં ધરતો આકારને.
મોહણિયામાં અવકાશ
અવકાશને વાગે નહીં સમયની ફાંસ.
સાંજ
કોઈ, ન આવે ન જાય
આવે ક્યારેક વાયરો
વાયરામાં હોય
આપણને અડવાનો
માણસની હેલીને ધખારો.  (હેલી - રાખ)
હેલી ચોંટે, અડે
ને ઊડી ઊડી જાય
હાય
ચહેરા પર તારા
ચોંટેલી હેલીને જોઉંને
રોમ રોમ જીવવાનું થઈ જાય
હેલીને લૂછતાં
ગાલ પર પડે લિસોટી
લિસોટીમાં લુછાઈ જાય
ભેદોના ડાઘ
અને રોમ રોમ જીવવાનું થઈ જાય.