આ અંક્માં
૧. ભમરડું / અનિષ ગારંગે
૨. એને અને તેને / કુસુમ ડાભી
૩. લમણે લખેલું / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. ઊખેડી ફેંક્યું / ઉમેશ સોલંકી
૧----------
ભમરડું / અનિષ ગારંગે (અમદાવાદ)
એક દી અંધારામાં
બાનો રડવાનો અવાજ સંભળાયો
બાપુજીના છેલ્લાં શ્વાસ ચાલતા
ઘરમાં ગભરામણનો દીવો સળગ્યો
મારું મન મારા નાના ભમરડામાં જ ભરાયું
આછા ઉજાસમાં લાગે
એની અણી ધાર ધાર
જાણે બાની બંગડિયો તૂટતી આરપાર.
બાની છાતી કૂટવાનો અવાજ આવે
પણ
મારા ભમરડાનો અવાજ લાગે મને દમદાર
બા રડતી રહે અને હું એને વળગી રહું
બાપુજી કરતાં એને વ્હાલ હું કરું.
કાલે તૈયાર કરવાનો છે
બીજા ભમરડાનો ભીરુ
એટલે જ ખિસ્સામાં નાખી
સુઈ ગયો હું તો ધીરુ.
સવાર થઈ, વાળ કપાયા
સફેદ ઝભલા પહેર્યા
બધા હાય હાયની કિલકારિયો પાડે
રુદનનો પહાડ મારા માથે ટપલી મારે
પણ મારા દોસ્તાર તો
એક બીજાનાં ભમરડાં મારે
મારા મનમાં
ઘોડાની જેમ ઊભું હતું
મારું ભમરડું
પણ એક હાથમાં મારા
નાની માટલી આવી
જેમાં અંગારા હતા.
ને મારા બીજા હાથમાં હતું
મારું ભમરડું.
(ભમરડું = ભમરડો)
૨----------
એને અને તેને / કુસુમ ડાભી (ચોટીલા)
એને
કુટુંબની
લાગણી સમજીને
સમાજની સડેલી માનસિકતા
સાથે સમાધાન કર્યું.
તેને
કુટુંબની
પ્રતિષ્ઠા છોડીને
સમાજની સડેલી માનસિકતા
સામે બંડ પોકાર્યું.
એને
કુટુંબે
અબળા સમજી
સંતતિ ઉત્પાદન નું
મશીન સમજી તરછોડી.
તેને
કુટુંબે
કુલદીપક સમજી
વીર્ય-ઉત્પાદકનો
વીર (સ્રોત) સમજી અપનાવ્યો.
૩----------
લમણે લખેલું / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)
તડકો ને ટાઢ અને વયનો વિષાદ
બધું લમણે લખેલું દેખાય છે
અગરમાં અટવાતો આખડતો અગરિયો
દેવામાં ડૂબતો દેખાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.
પહાડ શી પીડાઓ પરિવારને પોષવાની
પીડામાં પિસાતો જાય છે
દન દન વધતી મોંઘવારી બેકારી ને
સમાજમાં શેકાતો જાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.
રીતિ અને નીતિ ને સમાજના કુરિવાજ
વ્યસનમાં એ વલોવાય છે
દીકરી ને દહેજ વિરાટ લાચારી એની
આક્રંદમાં એ અટવાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.
મૂંગી આ વેદના નિસહાય અસ્તિત્વ અહીં
શોષણમાં શોષાતો જાય છે
અસહ્ય મહેનત ને મોંઘેરા મીઠાને
સસ્તામાં સરકાવી જાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.
શાણા કોઈ સમજો ને સમજાવો સહુને
હર દન હિજરાતો જાય છે
'દવેન્દ્ર' દુ:ખ ટળે સ્નેહ ને સહકાર મળે
અંતરથી એવું કંઇક થાય છે
કોઇને ક્યાં એની પીડાઓ સમજાય છે.
૪----------
ઊખેડી ફેંક્યું / ઉમેશ સોલંકી
મંદિર પછવાડે
મળું તને
તો મંદિરની ઘંટડી
આરતીને હડસેલો મારી
લોકગીતના લયમાં રણકી ઊઠે.
દૂ...ર
ખુલ્લા ખેતરે
મળું તને
તો મકાઈના
લિલ્લાછમ્મ ડોડાનાં
સુંવાળાં રૂંછાં
ગાલને અડતાં
ગલીપચી થાય
એમ
ગલીપચીથી ખેતર મરકી ઊઠે.
ગોચરની વચ્ચે
બાવળના છાંયે
મળું તને
તો બોરડીનાં પાનાં
લાલચટ્ટ ચણીબોર થઈ
મંદ મંદ ડોલવા લાગે,
અને
કાબર ને તેતરાં
કોયલ ને કાગડાં
હોલાં ને ચકલાં
ઘેલાં બને રંગરેલા બને.
દિવસો વીત્યા
બેચાર વરસો વીત્યાં
તું મને મળે
અને ખબર પડે
ગામ આખું ચોમેરથી ચોંટી પડે
ન ઊખેડીએ ગામને
તો ગામ આખું લોહી ચૂસે, દુબળાં કરે
ઊખેડીએ ગામને
તો ગામ સાથે ચરચર ચામડી ઊતડે.
ઊતડેલી ચામડી
કાલ આવશે નવી
ધારી વિચારી
આંગળીઓમાં તારી
મારી આંગળીઓ નાખી
હથેળી પર મારી
તારી તેં હથેળી દાબી
ગામને ઘમઘમ ઊખેડી ફેંક્યું
લોહીની બેચાર સેરો છૂટી
થોડી ઘડી પછી ટાઢક વળી
હ્રદયમાં તોય ઝીણી કંપારી રહી.