15 December 2017

અંક - ૫૬, ડિસેમ્બર ૨૦૧૭

આ અંકમાં
૧. હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ
૨. ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી
૩. તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર
૪. આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ
૫. રાહ જોઉં છું / વજેસિંહ પારગી
६. धर्मनिरपेक्षता / श्याम
૭. ભૂતકાળ / ઉમેશ સોલંકી

૧----------

હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ (કાજ, તાલુકો : કોડીનાર, જિલ્લો : ગિર-સોમનાથ)

આમ તો
તારામાં, મારામાં નથી તફાવત
તોય તફાવત છે
તારાં ને મારાં કપડાંમાં
ગોદડાંમાં, ઘરમાં, દફતરમાં, ચોપડામાં
યાદ કર,
મારી પાટી પૂંઠાની, તારી કેવી લાલ કલરની.
હું તને લેસન આપવા આવતો તારા ખેતરે
તારી દાદી
તારી બોટલનું પાણી પીવા ન દેતી મને
ખાટલેથી નીચે બેસાડતી મને
તું મારા અક્ષરોને વખાણતો
તો એ કેવી ડોળા ફાડતી
'ક્યાં સુધી ભણવાનો?'
કહી મારી જાતને ગાળો ભાંડતી
બધાં આશ્ચર્યોના જવાબ
ધીરે ધીરે મળતા જાય છે.
એ વાડીખેતરના માલિક તારા પપ્પા
ને મારાં માબાપ ત્યાં મજૂર
મારે તો પ્રાથમિક શાળા પછી ભણવું
ભારે પડી ગયું.
મેં પકડી મજૂરી
તું મેનેજર થઈ ગયો
મારી હોશિયારી તો સાત ચોપડી સુધી રહી
પછી તો...
તું તહેવારમાં આવે કે દોસ્ત?
હવે તો તને કોઈ યાર મળી ગયો હશે.
આમેય આપણે તો જુદા
જાતેય જુદા, નાતેય જુદા, ખાતેય જુદા
રંગઢંગ ને વ્હેવાર જુદા.
તને પેલી પ્રતિજ્ઞા યાદ છે :
'અમે બધા ભારતીય છીએ'
અને પ્રજાસત્તાક દિવસે ગાતા પેલું ગીત :
'છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની'
આપણી દોસ્તી કેવી થઈ હતી
આપણે જે લાઇબ્રેરીમાં જતા બેસવાને
હું હજુ ત્યાં જાઉં છું ક્યારેક
લવ સ્ટોરીની બૂક નથી લેતો હવે
હવે વાચું છું 'દાસ કૅપિટલ' માર્ક્સનું
લેનિન, માઓ, સ્ટૅલિનને વાચું છું હવે
સમજું છું આંબેડકરી ચળવળને
મને પણ થાય છે
આ તફાવત ક્યાં સુધી?
આ સાંકળ ક્યાં સુધી?
તારા પપ્પા, તું ને તારો છોકરો માલિક!
મારા બાપા, હું ને મારો છોકરો મજૂર!
ક્યાં સુધી?
હરગિજ નહીં આ તફાવત હરગિજ નહીં.

૨----------

ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી (ચોટીલા)

ગામના છેવાડે એનું ઘર
ના ના ઘર તો કેમ કહેવાય?
ત્રણ બાજું ટીંગાતાં કંતાન
ઉપર બાવળની ડાળખીનું માળખું
માળખામાં વાંસની ચોકડી
ચોકડી પર કંતાન, પ્લાસ્ટિક, ટાયર.
ખુલ્લા ભાગે દરવાજો
ના ના દરવાજો કેમ કહેવાય?
તેલના કટાયેલા ડબ્બા તોડી-ટીપીને
બનેલી આડશ માત્ર.
અંદર
ત્રણ પડદાંની વચ્ચે એક કુટુંબ
ના ના કુટુંબ તો કેમ કહેવાય?
પતિ, પત્ની, દીકરાં, ગલૂડિયાં, કૂકડાં,
તિરસ્કૃત સમાજ માત્ર.
ભર શિયાળે
ના ના શિયાળો શાનો?
ઓખી વાવાઝોડાના વરસાદે
ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં
સૂતેલાં એકબીજાને લપાઈને.
બે-ચાર પગવાળા લોકોનો વિકાસ
અચ્છે દિન ઝગમગી ઊઠ્યા...

૩----------

તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર (અમદાવાદ)

તમે સ્ત્રી છો
તો તમે ઓલરેડી મહાન છો !
આનાથી બીજું મહાન શું હોઈ શકે?
તમે જન્મ્યાં હશો
એમાંય કેટલી બબાલ થઈ હશે !
તમે થોડું બોલતાં શીખ્યાં હશો
એમાંય નિયમો ઘડાયા હશે !
તમે કપડાં પહેર્યાં હશે
એમાંય કેટલાયને વાંધા હશે !
તમે ક્યારેક હસ્યાં હશો
એનો પણ હિસાબ થયો હશે !
તમેં રડ્યાં પણ હશો
કયાંક લપાઈને, કોઈકની બીકે !
તરુણા કાળે કુદરતી બદલાવ થયા હશે
એમાંય લોકોને પાપ દેખાયું હશે !
તમને પ્રેમ પણ થયો હશે
ને એ અંદર જ મરી ગયો હશે !
આખરે બીજે ક્યાંક મોકલ્યાં હશે
ને ત્યાંય ફવડાવ્યું હશે !
આટલું તો  કહેવાતો ઈશ્વર
પણ ના કરી શક્યો હોત !
તમે સ્ત્રી છો,
તો તમે ઓલરેડી મહાન છો !

૪----------

આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ (અમદાવાદ)

તારા મુલાયમ અને ઊજળા
સુસંસ્કૃત ને વેદજ્ઞ ચહેરાની પાછળ,
તારી ચકોર ને ચાલાક
દુરંદેશી ને પારદર્શી નજરની અંદર,
પેલા મડદાંઘરના દરવાનના નાકમાં
સજ્જડ થઈ ગયેલી વાસ જેવી
નફરત અને ઘૃણા તું મારે માટે લઈને ઊભો છે,
ને ચોકી કરી રહ્યો છે હજારો વર્ષોથી
તારા નિષ્પ્રાણ અને સડી ગયેલા મંદિરની,
પછી અચાનક તને
પરશુરામનાં શોર્ય ને ત્રાડ યાદ આવ્યાં
એટલે તું મંત્રોચ્ચાર કરતો,
જનોઈની જાળ પાથરી નીકળ્યો
તારી બુઠ્ઠી થઈ ગયેલી આવડતના જોરે
મારો શિકાર કરવા
પણ છલાંગ મારી ફાડી ખાવાના ગુમાનમાં
તું એ ભૂલી ગયો, કે મારી પાસે પણ
કલમ, કાગળ ને શબ્દનું કૌશલ્ય છે
જે મેં તારી જ સ્કૂલની બહાર
તારા જ હીરાજડિત ને સોનાના વરખ ચઢાવેલા
જૂતાની રખેવાળી કરતાં કરતાં
પૌરાણિક વર્ષોથી શીખ્યું છે
ને આજ ઢાલના ઓથા હેઠળ
મેં  તારા લાચાર અહમ્ ને ઊંધે માથે પટક્યો
ને તારા દરેક ખૂંખાર વારથી બચ્યો.
ને છેવટે ઊંચનીચનું માનસિક ચક્રવ્યૂહ રચી
મારી પર ધર્મોપદેશોનાં બ્રહ્માસ્ત્ર વરસાવા લાગ્યો
ને હું કાગળ, કલમ ને શબ્દના જોરે
પેલા ઈન્દ્રપુત્રના સાથ વગર
તારા ઘેરાને તોડી
મારા ઘવાયેલા સ્વમાનને
પંપાળતો મલમપટ્ટી કરતો લઈ આવ્યો બહાર.

હવે યુગ પલટાયો છે
મેદાનમાં યુદ્ધનો હુંકાર બદલાયો છે
ને આ બાથંબાથીની રમતમાં
હવે દાવ પણ ફેરવાયો છે
તરકશ છે મારી પાસે ને એમાં ચળકતા તીર
હવે હું છુ તારો શિકારી ને તું છે મારો શિકાર
આજે એટલે જ તું આટલો હતાશ
ને અકળાયેલો છે
કેમકે તને માત્ર શિકાર કરતા જ આવડ્યું છે બચતાં નહી.
ને મેં બચવાના કૌશલ્યનો ઈજારો,
મારા બાપદાદાની ચિતા પર સતી કરી દીધો છે
નવા યુદ્ધનો આરંભ છે
તારા કોઈ પણ તારણહારને સારથી બનાવી લે
અર્જુન અને એકલવ્ય નહીં
હવે આવડત અને કૌશલ્ય ભીડાવાનાં છે..

૫----------

રાહ જોઉં છું / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો :  દાહોદ)

સામે હતો
અે રસ્તે
ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં
સાંજ પડી ગઈ
પણ
ન રાહદારી મળ્યો
ન અાવ્યો પડાવ
ન ગામ
ન રસ્તો ખૂટ્યો.
ચાલી ચાલીને
લોથ થઈ ગયો છું
અાગળ ચલાય અેમ નથી
પાછા વળાય અેમ નથી
બેસી પડ્યો છું
રસ્તાની ધાર પર.
રાહ જોઉં છું
રાત પડે અેની.

६----------

धर्मनिरपेक्षता / श्याम (अहमदाबाद)

लहू से लथपथ रास्ते
और नंगे पाँव चला जा रहा हूँ मैं,
बन रहे हैं क़दमों से सुर्ख़ निशाँ
सफ़र और भी मुश्किल होता जा रहा है ।
थामकर हाथ पीरों के
चलना चाहता हूँ लेकिन
कमज़ोर पडे हाथ बढ़ाना
दिन-ब-दिन दुश्वार होता जा रहा है ।
पहचान भूल रहा हूँ अपनी
और चेहरा भी धुँधला जा रहा है,
हिज्जा भी मेरे नाम का
शब्दकोश से मिटता जा रहा है ।
बंद कमरों में हो रही है बहस कि
साबुत रहे वजूद मेरा,
शोर मुझे मिटाने का लेकिन
बाहर बढ़ता ही जा रहा है ।
कोई मरहम लगे, दवा मिले
कोई तो इलाज हो
घाव है कि दिनोंदिन
नासूर बनता जा रहा है ।

૭----------

ભૂતકાળ / ઉમેશ સોલંકી

હજુ કેટલું
દોડવાનું, મથવાનું, તૂટવાનું
દિવસ વીતે ને થાય
વરસ વીતીને વીતાડતું જાય :
ચામડી જાંબલી થઈ
પાનીઓમાં નદીઓ વહી
પેટમાં ભૂવો પડ્યો
છાતીમાં ડુંગરો ફૂટ્યો
હોઠને કાળાશ ચડી
આંખો કૂવાની માછલી બની
ગાલ થયા ગુફાનો વળાંક
માથાને વળગી પડ્યું વંઠીલું કપાળ.
ભાળ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભેલો ભૂતકાળ
ભૂતકાળ ન તારો, ન મારો
ન બે-ચાર જણાનો
પણ મઝિયારો.
આજ
ભૂતકાળમાંથી સ્હેજ બહાર આવ્યો તાજ
માથે મૂકી દીધો ધરાર !
પણ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભો ભૂતકાળ.