આ અંકમાં
૧. કાલ / ગૌરવકુમાર જૈન
૨. ખબર નથી / વજેસિંહ પારગી
૩. 2 BHK... / અનિષ ગારંગે
૪. હોકાયંત્ર / રૂપાલી બર્ક
૫. ઝૂકતી / કુસુમ ડાભી
૬. પતંગ અને ઝંડા / ઉમેશ સોલંકી
૧----------
કાલ / ગૌરવકુમાર જૈન (અમદાવાદ)
એ કાલની રાહ જોઈ રહી છે.
કાલ ક્યારે આવશે?
એની મમ્મીએ કહ્યું હતું
કાલે લાવી આપશે એને ગમતું રમકડું
કાલે બનાવશે એ શીરો
કાલે એને પીવા મળશે આખો કપ દૂધ
કાલે લાવી આપશે નવું ફ્રોક
ખાસ તો કહેલું કે પપ્પા તો કાલે આવશે.
ત્યારની,
એ રાહ જોવે છે કાલની
પણ કાલ આવતી જ નથી !
એ વિચારે છે કે,
કાશ કાલ ભૂખ જેવી હોત
તો રોજ આવી જાત.
એ શોધે છે કાલને
બહાર ઊભેલા ઝાડની છેક ઊંચી ટોચ સુધી,
એથીયે આગળ
રોડ પરની બહુમાળી ઇમારતના
છેલ્લા માળ સુધી,
એ જોતી રહે છે
આકાશમાં ઊંચે ઊડતાં પક્ષીઓ સુધી,
છેક ઢળતા સૂરજ સુધી.
પણ દૂર દૂર સુધી એને કાલ દેખાતી જ નથી.
એ વિચારે છે કે,
આ કાલ વળી કેટલે દૂર હશે
જલદી આવતી જ નથી?
૨----------
ખબર નથી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
કરાડમાં ઊગ્યો છું
તળમાં નથી જમીન
ઊંડાં મૂળિયાં નાખવા
ફૂલવા ફાલવાની અાશા
પીળી પડી ગઈ છે
જમીનના રસકસ વગર.
કેવળ ઊભવા માટે
મૂળિયાં નાખું ન નાખું
ત્યાં ધોઈ નાખે છે વરસાદ
ઉઘાડાં થયેલાં મૂળિયાં
પથ્થરને ફરી ચીપકે ન ચીપકે
ત્યાં ફૂંકાય છે પવન
ને ધ્રુજાવી નાખે છે
થડથી ટોચ સુધી.
ખબર નથી
ક્યાં સુધી ઊભો રહીશ
હોવાનો ભાર
ને પડવાનો ડર
માથે ઊંચકીને.
૩----------
2 BHK... / અનિષ ગારંગે (અમદાવાદ)
નાની નાની આંગળીઓ
પતંગિયાંને પકડવા તરસતી
એ ઊડતી જાય હું પાછળ ભાગું
પવનના વેગની સાથે
એ મલકાતી જાય
હું કિકરમાં (ઝાડમાં) ભરાઉં.
એકટસ જોવાની ઘેલછામાં
સાનભાન ભૂલી જાઉં
એને પકડ્યા પહેલાંનો આનંદ
અને છોડ્યા પછીનો આનં
જાણે શાળા છૂટયાનો આનંદ.
હવે
એ જગ્યાએ મોટી ઇમારતો છે,
જે પતંગિયાંને દબાવીને બેઠી છે
એની ચીસો સંભળાય છે,
પણ......
આધુનિકતાના ઘોંઘાટમાં
એ 2 BHKના નામે ઓળખાય છે.
૪----------
હોકાયંત્ર / રૂપાલી બર્ક (અમદાવાદ)
ખૂબ હરી ખૂબ ફરી
ના નકશાની જરૂર પડી
ના સીમાચિહ્નની
માનો કે ના માનો
બાહ્યતામાં બધું દિશાહીન જ હોય છે
અસ્તવ્યસ્ત, ઉડાઉ.
હરી ફરી થાકી કંટાળી
કશું ના લાગ્યું હાથ
હતું એય ખોવાયું
આ તો ભારે થઈ
વિયાર્યું એથી સાવ ઊલટું.
એમ હારી જઉં એ ચાલે વળી
પણ જવું તો ક્યાં જવું?
બાકી જ ક્યાં રહ્યું છે કોઈ ઠેકાણું?
ત્યાં અંદર રણકો સંભળાયો
ઉઠાવ આંતરિક હોકાયંત્ર
ને ચાલી નીકળ આંતરિકતાની સફર પર.
૫----------
ઝૂકતી / કુસુમ ડાભી (ચોટીલા)
કપાસના ખેતરે
ફાટેલા ચણિયાની બારીએથી
દેખાતા કાળામેશ ઢીંચણે
એમની નજરો તાકતી.
સાઇટ પર
માલમાં નખાતી રેતી-કપચી ભરતાં
એ જ્યારે ઝૂકતી
એના બ્લાઉઝની વચ્ચે, તિરાડે
દેખાતાં ઊભરતાં સ્તનોને
એમની આંખો ઘૂરકતી.
માસ્તરોની ટ્રેનિંગમાં અભિનય કરતી
એની દક્ષિણી સાડીમાં
બાજુએથી દેખાતાં વક્ષસ્થળોને
એમની નજરો જોવા મથતી.
વોકિંગ, ટોકિંગ, શોપિંગ માટે
જીન્સ, ટી-શર્ટમાં એ નિકળતી,
ટી-શર્ટમાં ઊભરતાં સ્તનોને જોવા
એમની આંખો ઘૂરકતી.
પણ,
ખેતર, સાઇટ, ટ્રેનિંગ, શોપિંગ એકેય સ્થળે
એમના કોઈપણ અંગને અજાણતા દેખાતા
એની આંખો હંમેશા ઝૂકતી.
૬----------
પતંગ અને ઝંડા / ઉમેશ સોલંકી
દૂર ઊડે પતંગ
કરે દોરીને તંગ
હૈયું હિલોળા લઈ છલકાવે રંગ
રંગના ઘેલમાં
થોડી દોરી છોડી
માર્યો એક ઠુમકો
ઝીણી દાંતી હતી
ખમી ના ઠુમકો શકી
હૈયાને આપી ગઈ ધ્રાસકો.
આમતેમ શોધ્યું
મળ્યું ન પિંડું
ધ્રાસકામાં ભળી બે ગાળો
ત્રીજી ગાળ લથ્થડિયા ખાવા લાગી
ઠરી તારા પર જ્યાં આંખો.
આંખનો ઉલાળો તારો
સ્પર્શીલો લાગ્યો
ગમતીલી ગલીપચી
પછી ભીતર ફેલાઈ ગઈ,
હૈયાને ફૂટ્યા જાણે ઝીણા દાણા.
ડાબા હાથેથી તેં
ચોટલો પકડીને તેં
ગોળ ગોળ ગુમાવ્યું
કાળી રિબનનું ફૂમતું
ફૂમતું જોતાં જોતાં
ખણ મીઠી ઊપડી મને
હળવેથી ખણવા લાગ્યો પાંથી.
પાંથી સમી પગદંડી પર
ઝાંઝર રણકાવતી,
ચોટલો ઉલાળતી
તું દોડી.
થોડે દૂર થોડા ઝંડા દેખાયા
દોરીની નાનકડી લચ્છી મારીને મેં
ઝંડા ભણી દોટ મૂકી.