આ અંકમાં
૧. મૂર્તિઓ તોડો / જયેશ સોલંકી
૨. જોઈએ હવે / વજેસિંહ પારગી
૩. ચાલ પ્રિયે / કુસુમ ડાભી
૨. જોઈએ હવે / વજેસિંહ પારગી
૩. ચાલ પ્રિયે / કુસુમ ડાભી
૪. ચાલી ગયું / કલ્પના ભાભોર
૫. રીડ પડી..હ..રીડ / આતિષ ઇન્દ્રેકર છારા
૬. એવા કેરની / ધાર્મિક
૭. પ્રેમ / ઉમેશ
સોલંકી
૧----------
મૂર્તિઓ તોડો / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)
તોડો તોડો,
મૂર્તિઓ તોડો,
મૂર્તિઓ માટે નહીં પાથરે
કોઈ દલિત મજૂર હવે ખોળો.
તમ તમારે તોડો,
કણ કણમાં વસ્યો છે
સીતાનો શંકાશીલ પતિ, શંબૂકનો હત્યારો રામ
સર્વવ્યાપી છે તમારો પેલો ભગવાન
જે નથી આવતો
આંધળા, અપંગ
દીન-દુખિયારા, સર્વહારા મનખને કામ
તો એની મૂર્તિને
કોઈક તો મેલો લ્યા હડસેલો!
અમે પૂતળામાં પેસી ગયેલા
લેનિનને નથી ઓળખતા
અમે તો દાતરડા અને હથોડામાં હયાત
હાજરાહાજૂર લેનિનના કોમરેડ છીએ.
છોને મરડી નાંખી હો તમે
બાબાસાહેબની
પેલી સમાનતા તરફ ઇશારો કરતી આંગળી
પણ દલિતોનાં દિલમાં
ગવાતાં ગીતમાં
અમર છે બાબાસાહેબ.
પણ એટલું યાદ રાખજો નાલાયકો
જે દિવસે અમે તોડીશું પૂતળાં
એ દિવસે
પ્રતિમામાં પેસી ગયેલાં
તેત્રીસ કરોડ દેવી-દેવતા ને ભૂદેવ
બધાં ઊભી પૂછડીએ ભાગશે.
૨----------
જોઈએ હવે / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
હજારો રસ્તા છે
સાવ અજાણ્યા
નથી કોઈ રાહબર
કે નથી ખબર મુકામની.
બસ એક હૃદય છે
મારું સંગી
એ દોરે એ રસ્તે
ચાલું છું
ને જાઉં છું
લઈ જાય ત્યાં.
સંતો કહે છે
હૃદયથી દોરાનાર
એક દિવસ પહોંચે છે
ઈશ્વર સુધી;
લોકો કહે છે
હૃદયથી દોરાનાર
ભટકે છે
સાતે અવતાર.
જોઈએ હવે
સાચું કોણ પડે છે?
૩----------
ચાલ પ્રિયે / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)
તું
ગંદો ગોબરો ગરીબ
જે પણ હોય
તું મને પ્રિય છે, પ્રિયે.
તું
અભણ અજ્ઞાની અલ્લડ હોય
તો પણ,
હું તારી આશિક છું, પ્રિયે.
સામંતવાદ-મૂડીવાદની આટીઘૂંટીથી ઉપર ઊઠ,
તું ને હું
બસ માનવ છીએ, પ્રિયે.
ચાલ
હું મૂડીવાદને જાકારો દઉં
ને તું ગરીબીને
આપણે
સમાજવાદ માનવતાવાદના પ્રહરી બનીએ
પ્રિયે!
૪----------
ચાલી ગયું / કલ્પના ભાભોર (ટૂંકીવજુ, પોસ્ટ –
ગાંગરડી, તાલુકો – ગરબાડા, જિલ્લો – દાહોદ)
વહેવું હતું ઝરણાની સાથે
વહેવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
તરવું હતું ઝરણાની સાથે
તપવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
ગાવું હતું ઝરણાની સાથે
ગાવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
ખેલવું હતું ઝરણાની સાથે
ખેલવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
જીવન વિતાવવું હતું ઝરણાની સાથે
જીવનની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
આ ઝરણાનું હૃદય કેવું હશે?
તે છોડીને મને ચાલી ગયું!
૫----------
રીડ પડી..હ..રીડ / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)
રીડ પડી..હ..રીડ
રીડ પડી...હ..રીડ
છારેનગરા માંહી
પુલીસા કી રીડ પડી હ
કિતોડ હ પુલીસ
સિંગલ ચાલિયાંમ
ચાલીસ મકાનામ
અર્જુનનગરામ..
ક્યા પકડ્યા
દેશી દારૂ પકડી
ઈંગ્લીશ ભી પકડી
અન અબ તો
બિન ફાલતુ ગાડિયા, ભી પકડિયા
પણ ગાડિયા કાહિકુ?
અર ઉપરાસ ઓર્ડર હ..
ક છારેનગર માહી રોજી રીડા પાડો
જી ક્યાં ખાલી છારાનગરમ દારૂ બીચથી ક્યાં?
દુસરે જગ્યા ભી તો બીચિ રહિયા
અન પેડે માંહી આખે દારૂ થોડી બેચતે હ
અન ચોરી ભી કડ કરતે હ.
અર ચૂપ વધાર મતી બોલ્લ..
હમ છારેનગર માંહી રહેતે હ ન બસ
યોહી હી ગુન્હા મ્હારા..
અબ વધાર મતી બોલ તો..
નાહીં તો ચકું ભી ખોટે કેસામ બંધ કરી દંગડે
યો પુલીસ હ પુલીસ..
રીડ પડી હ રીડ
પુલીસા કી જનરલ રીડ
પણ અમદાવાદા કે ખાલી છારેનગરામ.. જ?
કાહીકુ ક્યાં આખે અમદાવાદ માંહી
ખાલી છારે જ ચોર હ?
બુટલેગર હ?
ગુન્હેગાર હ?
અન દુસરે ઔર કોઇ નાહી
રીડ પડી....હ.....રીડ
છારેનગરામ પુલીસા કી
રીડ પડી....હ....રીડ..
૬----------
એવા કેરની / ધાર્મિક (ધોરણ - ૮, શ્રી કોલીવાડા પ્રાથમિક
શાળા તાલુકો - સાંતલપુર, જિલ્લો - પાટણ)
એવા કેરની કથા લખતાં
કલમ મારી કાંપે
સમી સુરત કરતાં કરતાં
વરસ્યો સવારસાંજે
અરણાસાનું આવતું પાણી (અરણાસા - બનાસ નદી)
અણહિલ સુધી આવે (અણહિલ - પાટણની ધરતી)
ધાનેરાની ધરા આજે
ધસમસતી રેલના પ્રવાહે.
જીવને જોખમમાં મૂકી
જેણે કાર્ય કર્યું મહાન
તે વીર જવાનોને અમે
ભરીએ સલામ આજે.
દિલનું દુઃખ દૂર કરીને
ચાલુ કરીએ વિકાસ
'ધાર્મિક' ધ્રૂજે છે હજી
જોઈને પૂરનો વિનાશ
૭----------
પ્રેમ / ઉમેશ
સોલંકી
નાગાંપૂગાં
બાળક માટેનાં
કપડાંનાં
સપનાંથી
તારી
ઊંઘ ફાટી જાય, તો મને કહેજે.
સ્વાદિષ્ટ
કોળિયામાં
ખાલીખમ
પેટમાંથી જોતી
આંખ
દેખાય, તો મને કહેજે.
ઠંડું
ઠંડું પાણી પીતાં પીતાં
ગોબા
પડેલા બેડાના ભારના વિચારથી
થાકી
જવાય, તો મને કહેજે.
મને
કહેજે
જ્યારે
પોચા પોચા બિસ્તરમાંથી આવતી
ફાટીમેલી
ગોદડીની ગંધ
નાકના
ટેરવાને લાલ કરી નાખે.
મને
કહેજે
જ્યારે
સ્વિમિંગ પુલનું પાણી
શરીરને
ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે.
મને
કહેજે
જ્યારે
તને એવું લાગે
કે
આવું તો મને મારી દુનિયામાં પહેલીવાર લાગે.
હું
જાણું છું
તું
મને ચાહે છે
ચાહી
શકાય એટલું ચાહે છે
ન
વેઠી શકાય એટલું ચાહે છે
પણ
મારા સુધી પહોંચવાનો
આ જ
રસ્તો છે.
તને
તો ખબર છે
પ્રેમમાં
પીડા છે
તો
ચાલને
સાથે
મળીને
પીડાને
આપણી
કને રાખીને
વગર
વાંકે પિડાતાને પ્રેમ આપીએ
પછી
એમની પીડા
ને
આપણી પીડા
આપણાં
હૈયાંમાં
આપણા
હૈયામાં ભેગી થશે
ને
ઊગી નીકળશે પ્રેમ
એ
પ્રેમમાં હશે બસ પ્રેમ
પીડા જેવુંય કંઈ નહીં.