ભારતબંધ-વિશેષાંક
૧. જયસુખ વાઘેલા
૨. જયેશ સોલંકી
૩. કુશલ તમંચે
૪. અરવિંદ પરમાર
૫. અનિષ ગારંગે
૬. કુસુમ ડાભી
૭. દેવેન્દ્ર કે. વાણિયા 'સ્નેહ'
૮. ગુણવંત મેરૈયા
૯. હોઝેફા ઉજ્જૈની
૧૦ વૈશાખ રાઠોડ
૧૧. દિવ્ય પ્રેમ
૧૨. ઉમેશ સોલંકી
૧----------
જિવાડીશું / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો : સુરેન્દ્રનગર)
વરસો પહેલાં
કાગળ પર ખતમ કરાયેલી રાજાશાહી
જીવે છે હજી.
વર્ણવ્યવસ્થાની માળા છે હેમખેમ
એક્કેય મણકો થયો નથી આમતેમ.
દેશમાં હજી
સ્મશાન, તળાવકાંઠો, કૂવો સૌનાં નથી.
પ્રવેશથી અભડાતી
મંદિરોની દીવાલ જીર્ણ થઈ નથી
નથી થયો એકલવ્યનો અંગૂઠો સજીવન.
માનવતાને ઊધઈની જેમ
કોરી ખાતી વ્યવસ્થા જ્યાં લગ જીવશે
જીવશે ઍટ્રોસિટી ઍક્ટ, અનામત તંદુરસ્ત થઈ
જરૂર પડે એને રક્તથી પણ જિવાડીશું.
૨----------
બંધનુ એલાન / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)
બાબાસાહેબની
પ્રતિમાની પાછળ
ગાતા- સૂતા પાગલ, વૃદ્ધ, અપંગોને
પુછ્યા વિના કે કઈ નાતના ?
છાશ પાઈ
ભજિયા ખવડાવી
ધરી રુપિયા પાંચ!
બાબાસાહેબને હાર ચડાવી
ભીમસૈનિકોએ નારો લગાવ્યો બુલંદ :
બંધ કરો !
બંધ કરો !
આજે ભારત બંધ કરો !
થોડી ક્ષણોમાં
બસો બંધ
વાહનો બંધ
બંધ બધી દુકાનો.
સડકો પર
ઉમટ્યો સાગર
ભીમસૈનિકોનો અનંત !
સાંજ પડે
સૌ ચેનલો બોલી
સવાર પડે
છાપાની હેડલાઇનો બોલી
દલિતો બધા હિંસક છે
દલિતટોળાં બેકાબૂ છે.
મી લૉર્ડ,
તમે દલિત-આદિવાસીના માથેથી
એટ્રોસિટી ઍક્ટનું હેલ્મેટ કઢાવીને
દરેક દલિતપરિવારને
એમની સુરક્ષા માટે
કોઈ જ્ઞાતિગત માનસિકતાવિહીન
રૉબોટ આપવાનો ઓર્ડર કરવાના છો કે શું?
૩----------
ન ઝૂકીશું / કુશલ તમંચે (છારાનગર, અમદાવાદ)
ન ઝૂકીશું
ન ભીખ લઈશું
મક્કમ રહીશું
કરીશું કોરેગાંવ રસ્તે રસ્તે.
નક્સલી, આતંકીનું છદ્મ
કેમેરામાં કંડારાય ભલે
મહાડની દહાડ
ફાડશે પરંપરાનો પહાડ
ચાર સ્તંભોને
વિહારથી નહીં વિપ્લવથી મેળવીશું
ઇતિહાસ નહીં ઇતિહાસથી કેળવીશું
પથરાઈ છે કલમ રસ્તે રસ્તે
કરીશું કોરેગાંવ રસ્તે રસ્તે.
૪----------
બદલો વાળવો છેને / અરવિંદ પરમાર (અમદાવાદ)
બદલો વાળવો છેને ભારતબંધનો
નકલ કરવી છે અમ દલિતોની
હવે સૂઝ્યું ? આટલાં વરસે
સારું તો પહેલાંથી ચાલું કર હેંડ
ચાલ,
લઈ
લે... ઝાડુ ને બાંધ પાછળ
ચાલવાના નિશાન પણ ના દેખાવા જોઈએ.
લઈ લે, માટલી ને બાંધ ગળે
થૂકથી બીજા ના અભડાવા જોઈએ.
કાઢ કપડાં
ઊતર પેલી ગંધાતી-ગોબરી ગટરમાં
સાફ કર બધાની છી.
ગામની છેક બારે ઝૂપડું બાંધ
બૈરાને તારાં મોકલ વૈતરાં કરવા.
ગામમાં કોકની ગાય ને કોકનું પાડું મરે
ઉપડ ત્યારે છરી લઈને તાણવા..
ને એનાથી જ તારું રેદું ભર.
કોકનાં ઘેર જાયને
તો છેટો ઊભો રહેજે
ખાટલે ના બેસતો,
ને ચા..
ચા તો પેલી સ્પેશ્યલ રકાબીમાં પીજે.
તારા છોકરાને ભણવા મોકલજે
કોક એને ઢેઢડા ને ચમાયડા કહે તો
જવાબ એને ગોતી આલજે.
ગામના કોક મંદિરમાં જાય..
ત્યારે પેલાં 'ઊંચી નાત' વાળા પાછો કાઢે
તો 'માતા મેલી' સંતોષ કરજે.
બોલ હવે.. કરવી છેને નકલ અમારી
કેમ શું થયું? ફાટી ગઈ ?
જા.. જા નકટા તારું કામ નૈં
એ તો દલિત થવા દલિત પેદા થવું પડે !
૫----------
આંદોલન / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)
આ તો છે આંદોલન
છે આજે ભારતબંધ
સરઘસ બનશે, બળશે, તૂટશે
પણ ચાલશે પગ સન સન સન સન
આ તો છે આંદોલન.
મુઠ્ઠીઓ વાળી કરવાનો છે હાહાકાર
પોતાના હકનો સંભળાવવાનો છે પોકાર
ટોળામાં જોવાશે જયારે લાલ આંખ
ત્યારે આવશે સંઘ જન જન જન જન
આ તો છે આંદોલન.
મોંઢાંઓનાં તાળાં તોડી
ખોલવાની છે અધિકારોની દુકાન
છે આજે ભારત બંધ
આ તો છે આંદોલન.
૬----------
સદીઓ પુરાણો / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)
એમણે કહ્યું,
'કવિતા લખો !
બીજી એપ્રિલના બંધ પર.'
મેં કહ્યું
શું લખું?
શબ્દો ભાગે છે દૂર,
મન અસ્વસ્થ છે.
પીડિતજનો ધકેલાયા જેલમાં
અને મારનાર સેના આવી છે ગેલમાં,
ગોળીએ વીંધાયા બાબાના દીકરા.
સત્તા શું મળી મનુવાદીઓને,
ભૂલ્યા છે ભાન ખુરશીના નશામાં.
એ વિદેશી હતા, છે અને રહેશે,
એ જ કરી રહ્યા સાબિત જો.
આંગળીથી નખ રહે વેગળા
એમ આર્યો રહ્યા વેગળા
હજારો વર્ષ પછીય.
રૂપાળા મનુવાદી આર્યોના હાથે
મર્યા દસ અનાર્યો.
તોય સાબિત થઈ દોષિત
પીડિત અનાર્યો પુરાઈ રહ્યા જેલમાં.
સત્તાપક્ષ, મીડિયા,
ધર્મના ઠેકેદારો, વિવેચકો
પહેરીને બેઠા છે કેસરી ચશ્માં.
હવે,
સમજાય
છે મને,
કર્ણ, એકલવ્ય
શંબૂક, બલિરાજાના મોતનું રહસ્ય.
કોણ હતા દોષિત
કોણ હતા પીડિત
આ ખેલ સદીઓ પુરાણો છે
ભારતમાં વિદેશીઓ સાથે
જંગે ચડ્યા કાયમ મૂળનિવાસીઓ છે.
૭----------
સાંભળ / દેવેન્દ્ર કે. વાણિયા 'સ્નેહ' (ખારાધોડા, તાલુકો : પાટડી, જિલ્લો : સુરેન્દ્રનગર)
સાંભળો ખોલીને તમે કાન
ક્યાંથી બને ભારત મહાન
અત્યાચાર, બળાત્કાર રોજ રોજ થાય
અને વકર્યો છે જાતિનો વાદ
ગેરમાર્ગે દોરે છે ભડકાઉ ભાષણો
દેશ ક્યાંથી થાશે આબાદ
અંદરો અંદર લડાવી-ઝઘડાવીને
ખાટી જાઓ છો તમે માન.
જાતિ પશુમાં હોય માણસમાં હોય નહીં
માણસાઈ માણસનું નામ
વર્ણવ્યવસ્થા દુશ્મન માનવની
ભિન્ન ભિન્ન કરવાનું કામ !
ધર્મના નામે ધતિંગ છોડો હવે
ગાઓ એકતાનું તમે ગાન.
સ્મૃતિ ને મૂર્તિ ને પૂજા ને પાઠ થકી
ઘર કરી ગયો છે મનુવાદ
આંધળું અનુકરણ શ્રદ્ધાના નામ થકી
માણસને કરશે બરબાદ
સંસ્કૃતિ સંસ્કારની વાતો કરી કરીને
હરી લીધી છે સૌની શાન.
સાંભળો ખોલીને તમે કાન
ક્યાંથી બને ભારત મહાન
૮----------
એપ્રિલની એંધાણી / ગુણવંત
મેરૈયા (અમદાવાદ)
૨૦૧૮ની બીજી એપ્રિલ
મંડાણ એનાં છેક ૧૮૯૧ની ૧૪મી એપ્રિલ
શૂદ્રનું ઉત્ક્રાંતવું શરૂ થયું,
પાપના ઘડાનું છલકવું, ફુટવું.
એપ્રિલિયો કાલખંડ ફળ્યો.
ચતુર્વર્ણી પ્રથાનો સૈકા દાબ્યો ધર્મદંભ
અનાવૃત્ત થયો એપ્રિલ ૨૦૧૮માં.
જાહેર માર્ગો પર
વણલખી આધુનિક મનુસ્મૃતિ
ફરી ભડભડ બળી !
વાહ રે ! વીરો !
જર્જરિત હિન્દુત્વનું પ્હેરણ ઉતાર્યું ખુલ્લા ચોકે.
ખુદાના બંદાઓએ
જયભીમના ઘોષે
સૂર પરોવી
સહધર્મી જાતિવર્ગિકર્ણકોનું અભિમાન છંછેડ્યું,
હવે દોર શરૂ થયો છે
થડકો નહીં,
ચતુર્વણી વહેણ તરી લો,
માનવધર્મની શાખે...
૯----------
ભૂંસી નાખીશું / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)
રોહિતથી માંડી ઉના
શાહરણપુરથી માંડી ભીમા-કોરેગાંવ
અમને માર્યા
દેશના ખૂણે ખૂણે :
શહેરોમાં અને ગામેગામ.
ન્યાયના નામે
મળ્યું મીંડું
ન્યાયમૂર્તિઓ બની બેઠેલા સંધીઓ
માને છે મનુનું કીધું.
એસ.સી., એસ.ટી. કાયદાને કરી પાંગળો
બંધારણ બદલવાની વર્ષોની ઈચ્છા તરફ
તમે ડગલું ભર્યું
દેશમાં કાયદાનું શાસન ટૂટ્યું.
પછી,
અમારા વિરોધ પર રમી રાજનીતિ
શોષિત-પીડિત-વંચિત બહુસંખ્યકમાં
જાતિ આધારિત વિભાજનનું બ્યૂગલ ફરી ફૂંક્યું
શાસકવર્ગે ૨૦૧૯નું ટાર્ગેટ મૂક્યું.
જાતિશ્રેષ્ઠતાનો નશો ચડાવી
બનાવ્યા દુશ્મન
અમને મારી
મળશે એમને
રોજગાર, સ્વાસ્થ્ય, મકાન, મફત શિક્ષણ.
હિટલરના તમે સાથી
ફાસીવાદી તમારી ચાલાકી
યાદ કરાવવી પડશે તમને હવે
તેના મોતની કહાની
એક દિવસે
અમે શોષિતો
ભૂંસી નાખીશું
એના તખ્તો તાજની નિશાની.
૧૦----------
ઇક્ષ્વાકુ-કુળ VS મેરિટ / વૈશાખ રાઠોડ (અમદાવાદ)
ઇક્ષ્વાકુ-કુળનું છોકરું
રોકકળ કરતું
ધમપછાડા કરતું
ગુસ્સાના ફુગ્ગામાં ભરેલી ગાળો ભાડતું
માના ખોળામાં આવી લપાઈ ગયું
માએ પોલા હાથે પંપાળ્યું
તો ધ્રુસકે ધ્રુસકે ડૂસકું બોલ્યું
અમારા આચાર્ય ભીમરાવે
એમની સદીઓ જૂની દાઝ મારા પર કાઢી
મને જાણીજોઈને એ.ટી.કે.ટી. આપી
મેરિટ બગાડ્યું મારું.
ઇક્ષ્વાકુ-કુળના ભગવાધારી બાપાએ
ગુગલિયું જ્ઞાન લઈ
યુ ટ્યૂબની બેચાર લિંક કોપી કરી
જનોઈનું જોર કાને ઘાલી
ઢોલ વગાડી ઢોંગ કર્યો
આચાર્યને અદાલતમાં લઈ જઈ
છોકરાના ભવિષ્યની ચિંતાની લાજ રાખવા
જાતિવાદની ફરિયાદ કરી.
જાગીરદારીના જજે
કાયદાના કાન મરડી
આચાર્યને ફિલોસોફિકલ ઠપકો આપ્યો
શિક્ષક થઈ શિક્ષણમાં અસમાનતા ફેલાવો છો
તમારું શિક્ષકપણું રદ કરવું પડશે.
માય લોર્ડ,
ફક્ત એક સાદો સવાલ પૂછવા દો
આ લબરમુછિયા દિવ્ય વંશને
પછી ભલે મારું શિક્ષકપણું રદ કરો
જાતિવાદી કહી.
હે દિવ્ય વંશ,
મહાત્મા ગાંધીનાં માતાનું નામ શું ?
ઈક્ષ્વાકુવંશ તુમાખીથી કહે
'કસ્તૂરબા'
જાગીરદાર જજની હથોડી
જવાબના લાંછન નીચે ચગદાઈ ગઈ
મેરિટ ચોપડીની જગ્યાએ
બીજી બેંચ પર
ડાફોળિયા મારવાથી બગડે, બેટા
એપ્લીકેશનના ફોર્મમાં ભરેલ
જાતિની કોલમથી નહીં.
સદીઓ જૂની દાઝથી
દલિત નામનો જીવ
વેદ,
પુરાણ
ને ગ્રંથો ઉલેચવા માંડે
ને ડરનું માર્યું
પેલું ઇક્ષ્વાકુ-કુળનું છોકરું
રોકકળ કરતું
ધમપછડા કરતું
ગાળો ભાંડતું
પાછું માના ખોળામાં આવી લપાઈ જાય
તો એમાં મેરિટ બિચારું શું કરે?
૧૧----------
પ્રશ્ન / દિવ્ય પ્રેમ (અમદાવાદ)
આ હિંસા, આ તોડફોડ
આ આગ, આ મારપીટ
બસ નુકસાન,
જાનમાલને નુકસાન!
આ કેવો વિરોધ ?
આ કેવો ચક્કાજામ ?
આ કેવી હડતાળ ?
ક્યારેક સત્તાધારી
ક્યારેક વિપક્ષ આપે બંધનું એલાન,
નુકસાન તો બસ ગરીબ-લાચારનું
પ્રસવપીડિત મહિલાનું, બીમારનું, અપંગનું.
બાળકો આવું ભયાનક જુએ,
વિદ્યાર્થી આજુબાજુથી શીખે.
આ જ ભવિષ્ય ?
કુમળા મનનો સવાલ,
ગરીબની રોજીરોટીનો સવાલ.
કેવી વિટંબણા !
લોક ઝૂરે ન્યાય માટે
મરે નિર્દોષ,
ને ચમડીતોડ નેતાઓને નથી પરવા
લોહીથી લથબથ લોકોની,
પથ્થરથી, લાઠીમારથી ઘાયલની
એ.સી. ચેમ્બરમાં બેસી
જાહેર કર્યું એમણે બંધ સફળ.
પંચની નિમણૂક
એ જ ઢીલી નીતિ....
લોકોનાં આક્રોશ, હાડમારી એ જ.
આપણે કંઈ શીખ્યા ?
ના,
કેમ નહિ ?
જીવનની ઘટમાળ
હર્ષ અને શોક,
આશા-નિરાશામાં અટવાયેલો માણસ
જીવનથી, સમાજથી,
રંગબેરંગી દુનિયાથી અભિશપ્ત
જિંદગી ધૃણા સમાન,
અસમાનતા કોરડો બની વરસી.
સમાજની, પીડિતની ચેતના છટપટી
પછી હિંસાનો ઉદ્ઘોષ
ચક્કાજામ
અન્યાયનો ઉત્તર
એના ભણકારા, સિસકારા
માના ગર્ભમાંથી પણ સંભળાયા.
સદીઓથી પીડિત સમાજનો આક્રોશ
બહાર આવ્યો બુલંદ બની અવાજ
અવાજ
એમની શાસનપ્રણાલી પર,
ખોખલી માનસિકતા પર
જોરદાર લપડાક સમાન.
હવે ન ડરવું, ન નમવું,
આત્મસન્માન માટે લડવું
લડવું એ જ પોકાર,
માણસને છિન્નભિન્ન કરવામાં આવે
પોકાર બળવત્તર બની બહાર આવે.
આજે નિરુત્તર રહ્યા
આવતીકાલ પણ સઘર્ષરત હશે!
માણસ તરીકે સ્થાપિત થવા
માત્ર સઘર્ષરત જ રહેવાનું ?
પ્રશ્ન!
૧૨----------
ઝંડો / ઉમેશ સોલંકી
વરસો ગયાં
દાયકા ગયા
દાયકા પર ડોલતી કલગી ગઈ
તોય
ન હલ્યું
ન હલવા દીધું
વાળીચોળી એમ ખૂણે ઘાલ્યું.
જૂનું હતું, જતું રહ્યું
જતાં જતાં કંઇક મૂકતું ગયું.
ખૂણો કબાટનો ખૂલતો ગયો
આંખો ચોળી
આળસ મરડી
છેપટ ઝાપટી સંગ કરચલી ખંચેરી.
આભલું ઊઘડ્યું
આભલામાં લાલચટક ફૂલ ખીલ્યું
આભલાની કોરને ડાળી મળી
પવનમાં આભલું ફરફરવા લાગ્યું
પવનની સામે
પવનને કાપી
પવનની પેઠે દોડવા લાગ્યું.
દોડતાં દોડતાં પલળી જશે
થાકી જશે
છાંયો ભાળી બેસી જશે.
ઊભું થશે
ચાલવા લાગશે
ઠોકર ખાશે
દોડવા લાગશે
દોડી દોડીને
ઘરેડને ઢીલી કરીને
ભાંગીને
પરસેવો છાંટી છાંટીને
લાલચટક ફૂલ ખીલવશે.