15 May 2018

અંક - ૬૧ / મે ૨૦૧૮

સ્ત્રીહિંસા-વિરોધ-વિશેષાંક

૧.   ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૨.   હેમલ જાદવ
૩.   કુસુમ ડાભી
૪.   फौज़िया धत्तिवाला
૫.   चाँदनी गोस्वामी
૬.   मीना सिंह
૭.   રૂપાલી બર્ક
૮.   વજેસિંહ પારગી
૯.   મહર્ષિ બ્રહ્મ ચમાર
૧૦. વૈશાખ રાઠોડ
૧૧. આતિષ ઇન્દ્રેકર છારા
૧૨. જયેશ જીવીબહેન સોલંકી
૧૩. હોઝેફા ઉજ્જૈની
૧૪. અનિષ ગારંગે
૧૫. ઉમેશ સોલંકી

૧----------

જાંબુડાનું ઝાડ.. / દેવગઢ મહિલા સંગઠનની બહેનો (દેવગઢ બારિયાની ગ્રામીણ બહેનો, જિલ્લો : દાહોદ)
    
જાંબુડાનું ઝાડ ઝેરણ નમી ઝોલા ખાય રે.. નૈણોમાં નેંદરો નઈ આવે (૨) 
મલકાતી ચારણ છોરીને ગોંધીને રંજાડી રે.. નૈણોમાં નેંદરો નઈ આવે
રોજી રળવા ગયલી 'મા'ની છોરીને વીતાડી રે.. 
નૈણોમાં નેંદરો નઈ આવે
એક હતી બારની ને બીજી એનથી નોની રે.. નૈણોમાં નેંદરો નઈ આવે રે..
કાકાએ ઘરમાં ને સંતરી-મંત્રીએ ગઢમાં રૂંધી મટાડી રે..
નૈણોમાં નેંદરો નઈ આવે
આબરૂના ખેલમાં બેનોનો ભોગ લીધો રે... નૈણોમાં નેંદરો નઈ આવે
છાપાંઓમાં રોજ આવી હિંસા વાંચી રોઉં રે.. નૈણોમાં નેંદરો નઈ આવે
મારી નાનકી ટબુડીને કોઈના અડી જાય રે.. નૈણોમાં નેંદરો નઈ આવે
મૂંગા મોઢે ક્યાર સુધી આપણે સહ્યાં કરશું રે.. નૈણોમાં નેંદરો નઈ આવે
માનની લડાઈમાં બેનો ધાડ ચઢશે* રે..
નૈણોમાં નેંદરો નઈ આવે
ચારે 'પા'ના શોષણ સામે નવો સૂરજ ઊગશે** રે..
નૈણોમાં નેંદરો નઈ આવે
-----
નોંધ
*દુષ્કાળ જેવા અઘરા સમયમાં 
મેઘને મનાવવાનું કામ બેનો ને સોંપાતું, 
બેનો પુરુષના વેશમાં ધાડ ચડતી.

**મહિલાઓની સામુહિક બદલાવની વાર્તાઓનો સંગ્રહ

(ઉનાળામાં જાંબુડાના ઝાડ પર જાંબુ લટકે અને ડાળો ઝોલા ખાય ત્યારે ચેન નથી પડતું તેના આદિવાસી ગીત પર આધારિત આ ગીત 'દેવગઢ મહિલા સંગઠન'ની બહેનોએ લખ્યું છે. રાતદિવસ મહિલાહિંસા અટકાવવાનું કામ કરતી અને પોતાના અને ઘરમાં થતી હિંસા સામે આવાજ ઉઠાવતી આ બેનોનાં 'નૈણોમાં નેંદરો' નથી.)

૨----------

સોનપરી / હેમલ જાદવ (અમદાવાદ)

મા,
અંધારું પડે, સોડમાં તારી લપાતી
રાક્ષસ, પરી, ચમત્કારો, 
ગીતા, કુરાનની તું વાર્તાઓ કહેતી.
ક્યારેક કલ્પનામાં હુંય વિહરતી
પાંખો ફફડાવી ગગન ભેદતી
છડી ગુમાવી જાદૂ કરતી
અદ્દલ પેલી સોનપરીની જેમ.
એકવાર
એક રાક્ષસ આવ્યો
રક્તબીજની જેમ 
એકમાંથી બે, બેમાંથી ત્રણ 
કંઈ અનેક થયો એમ.
મા,
તારી સોડ છૂટી, પરીકથા જૂઠી પડી
ના છડીથી કોઈ જાદૂ થયો 
ના કોઈ ચમત્કાર થયો
બસ...ચિત્કાર...પીડા...ગૂંગળાણ...
આંસુની ગંગા અને રક્તની જેલમ....
આજે એ આંસુ અને રક્તમાં
સૌ ધર્મ શોધે છે
સૌ સત્તા શોધે છે
ગીતા અને આસિફાના ભેદ ઊભા કરે છે.
એક રક્તરંજિત, નગ્ન, પીંખાયેલી 
મોતની આગોશમાં સૂતેલી 
પેલી સોનપરીને કોઈ જોતું નથી.
મા,
તારી પરીકથાઓ જૂઠી છે
ના છડીનો જાદૂ છે, ના ચમત્કાર છે
બસ છે
પેલો મોં ફાડીને ઊભેલો રાક્ષસ.

૩----------

રે સખી / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

બે પગ વચ્ચે જો ને સખી
એણે પરમ સુખ પામ્યું રે.
અને ભૃણરૂપે, સખી, હું અવતરી રે.
મારી માડીની કોખમાં સખી
લાલ રકતે હું ઘડાણી રે.
સોયો ખાઈ, પીડા વેઠી રે સખી,
મારી માડીએ નવ માસ રે.
અસહ્ય વેદના, જરીક ફાડી કોખ સખી
લોહીથી લથબથ હું જન્મી રે સખી.
મુખડું જોઈ, વેદના વિસરી રે સખી,
મારી માડીનું મુખડું ખીલ્યું રે સખી.
રાત-દિન જાગી મને સુવડાવી રે સખી,
મારી માડીએ એમ મને ઉગાડી રે સખી.
હસતી-ખેલતી એના આંગણે રે સખી,
મારી માડી બસ જીવતી મને જોઈને રે સખી.
એમણે પીંખી, ચૂંથી મારી યોનિ રે સખી,
મારી નાજુક ચામડી ચિરાઈ રે સખી.
હું રડતી, તરફડતી, પોકારું માવડીને રે,
મારી ચીસો ન કોઈએ સાંભળી રે સખી.
તૂટી વર્જાઈન મારી ફાટી ગઈ યોનિ રે સખી.
મને બહુ યાદ આવી મારી માવડી રે સખી,
જેમ લથબથ લોહીમાં જન્મી'તી રે સખી,
એમ લથબથ લોહીમાં હું મરી'તી રે સખી.
કાશ ન જન્મી હોત રે સખી,
મારી માવડીની કોખમાં સુરક્ષિત રે'તી રે સખી.

૪----------

 दुखतर / फौज़िया धत्तिवाला (अहमदाबाद)

बचपन के समन्दर मे मासूमियत की लहरें 
कुछ तेज-सी खिल रही थी, 
नन्ही-सी कश्ती 
अपने ही बेबाकपन नटखट होते चल रही थी, 
वहीँ कुछ नफ्स के परचम लिए जहाजों ने 
उसे घेर लिया, 
वो अकेले नहीं
साथ हवस की आंधी ले कर आए थे
एक ही झटके में कश्ती टूट गई
बिखर गई, बेज़ार हो गई, 
बचपन ज़ख्मी हुआ इज़्ज़त नीलाम हो गई, 
मोत का साया फिर धीरे से आया
कश्ती को खुद मे उसने लिपटाया
दूर एक किनारे उसे पहुंचाया
लुटा कर सब कुछ अपना 
बस इंसाफ़ का लिबास था उसने ओढ़ा
अब कुछ बाज़ मंडरा रहे हैं उस पर
दबोचने इंसाफ को
और वो उम्मीद की सांसें जज़्बों में लिए
रेत में ढ़ंस गई हैँ ! 

૫----------

चिड़िया / चाँदनी गोस्वामी (अंजार, जिला : कच्छ)

खुले गगन में चहकती चिड़िया 
पर नजर चील ने डाली है
नोंचकर भी बेख़ौफ़ घूमेगा
ऐसी हिंमत उसने पाली है
कहलाती देवी लक्ष्मी 
पर विपद पड़ी भारी है

दरिंदों ने बनाली है टोलियाँ
सामूहिक दुष्कर्म जारी है 
गुनेह्गार बेफिक्र हुए सब  
न्यायतंत्र पर पड़़े भारी है
कहलाती देवी लक्ष्मी 
पर विपद पड़ी भारी है

मानव-मूल्य अब हुए शर्मसार
जनता के चहेरे पर लाचारी है 
पुलिस बनी जब मूक दर्शक
गर्म खून नहीं यह पानी है ,
कहलाती देवी लक्ष्मी 
पर विपद पड़ी भारी है

पक्ष-विपक्ष आपस में रहे लड़
धर्म पर झगड़ा जारी है 
जात-पात पर मुकर रहे सब 
बिटिया वह नहीं  हमारी है
कहलाती देवी लक्ष्मी 
पर विपद पड़ी भारी है

आजाद घूम रहें चील कौएं
चिड़ियों पर पिंजरा भारी है
स्वतन्त्रता बस मिली नाम की 
स्त्री मुक्ति का संघर्ष जारी है
कहलाती देवी लक्ष्मी 
पर विपद पड़ी भारी है

૬----------

रिश्तों की हत्या / मीना सिंह (कडी, जिला : मेहसाना)

छुप जाओ नन्ही परियों तुम
बाहर भेड़ियों की तादात लगी हैं
चाचा, भईया, फूफा, मामा
जाने किस भेष में आये
तेरी प्यारी सी मुस्कान में 
वे अपनी यौवन की प्यास बुझाये

इन नन्ही-सी कलियों को मसलने से पहले 
क्यों रूह तुम्हारी नहीं काँपती
तेरे घर मे भी माँ, बहन, और हैं बेटियां 
क्या सूरत उसमें उनकी नजर नहीं आती
राजनीति भी खूब चमकती इस पर 
बच्चियों के साथ बलात्कार पर
उनकी निर्मम हत्या पर 
कहते हो 
लड़कें हैं गलतियां हो जाती हैं
छुप जाओ नन्ही परियों तुम
बाहर भेड़ियों की तादात लगी हैं

૭----------

પીટ્યાઓ / રૂપાલી બર્ક (અમદાવાદ)

લક્ષમણરેખા ઓળંગી
હરણફાળ ભરતી નારીને ભાળી
નીકળે બનવા શૂર,
બળના જોરે કરે નારીદેહ ચૂરચૂર.
મનનો એંઠવાડ ઠાલવવા 
પુરુષની પામર જાત
કરે બળાત્કાર
પાંચ નારીઓ સામે 
ઊભી પૂંછડીએ ભાગે
એકલી ભાળી પૌરુષ બતાવવા ચાહે?
અગિયાર વર્ષની બાળકીનો ત્રણ ફૂટનો દેહ 
એના પર પૂરા સત્યાશી ઘા કરે.
એંશી વર્ષની વૃદ્ધા પર દાનવ થઈ ફરી વળે
ચાર મહિનાની શિશુનેય ના છોડે.
દીકરીને દીકરાથી બચાવવા પાડોશમાં રાખે
તો દીકરો જનેતા પર તૂટી પડે.
સૂવરથી પણ બદતર 
સાલા આ બાયલાઓની જમાત
વાસના પર જીવતા લજવે કુળની પેઢી સાત.
કરાય જાહેરમાં ખસ્સી આમની 
તો આવે ઠેકાણે સાન.

ભારતમાતાની જય ! 
ભારતમાતાની જય !
પીટ્યાઓ, 
કર્યો તમે એના ગૌરવનો ક્ષય.
કરી મોં કાળું 
તમારી માતાનું 
શેની બોલાવો જય? 
પીંખાયેલી જોઈ ફૂલ સમી બાળકીઓ
પોકે પોકે રડે એ
આત્મહત્યા કરવાનું ના વિચારે 
તો બીજુ શું વિચારે એ.
કાન ખોલીને સાંભળી લો નમાલાઓ,
ના બોલાવશો ભારતમાતાની જય
બોલવી જ હોય જય 
તો બોલજો નરાધમો, ‘ભારતપિતાની જય !

૮----------

માની કૂખ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

જનમવા થનગનતી પરીઓ
હજાર વાર વિચારજો
છોકરીની જાત માટે
માની કૂખ જેવી
સલામત જગા
પૃથ્વી પર ક્યાંય નથી.

જનમતાની સાથે
ખરી પડશે
તમારી પાંખો.
વરુઓનાં ટોળાં
ઘેરી વળશે
ત્યારે ઊડી નહીં શકો.
માબાપ લાચાર છે
સમાજ પંગુ છે
ન્યાય આંધળો છે
સરકાર બહેરી છે
કોઈ કરતાં કોઈ
બચાવી નહીં શકે 
વાસનાભૂખ્યા વરુઓથી.
તમારા પોકારોથી
કદાચને
ધરતી ફાટી પડે
આકાશ ચિરાઈ જાય
પણ ફરકશે નહીં
વરુઓનું રૂંવું.

જનમવા થનગનતી પરીઓ
હજાર વાર વિચારજો
જનમીને પીંખાઈ જવા કરતાં
બહેતર છે
માની કૂખને
કબર બનાવી લેવી.

૯----------

ચીમળાયેલી કળીની કવિતા / મહર્ષિ બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો : ભાભર, જિલ્લો : બનાસકાંઠા)

બસ બસ બસ... 
બહુ થયું શોષણ 
બધી જ બાબતમાં દબાવવાના 
ભૂલ ન હોવા છતાં પણ...

આજે નરાધમોના હવસનો શિકાર બની
હવે વાયુ મને સ્પર્શી નથી શકતો
જળ મને ભીંજવી નથી શકતું
અગ્નિ મને દઝાડી નથી શકતો
પૃથ્વી મારો ભાર વહન નથી કરી શકતી
આકાશની વિશાળતા મારા દુઃખનો પર્યાય બની 
મારી એક એક સંવેદના મરી પરવારી.

મતાધિકાર મળવામાં મને 
ઘણાં વરસો બાકી છતાં મારો મત છે,
"બળાત્કારી નરાધમોને
જાહેરમાં ફાંસી આપો !
જેથી તમારી મા-બહેનની હાલત 
મારા જેવી ન થાય !"

૧૦----------

બર્થડે કેક / વૈશાખ રાઠોડ (અમદાવાદ)

કુદરતના અંતિમ સત્ય જેવી વિશ્વાની આંખો 
કાલી કાલી કુતૂહલ ભાષા જેવી એની આંખો 
ઘરની અંદરથી 
ઉંબરની પેલે પાર રાહ જોતી ઊભી હતી 
સ્કૂલમાં બનેલી સૌથી પહેલી બહેનપણીની.
એની મમ્મીએ એને 
પોટલીબાબાની પરી જેવી તૈયાર કરી હતી.
ચાર ગુલાબી મીણબત્તીથી શોભિત કેકની સામે 
મહોલ્લાના ટોફી જેવા ટેણિયાઓ 
જાણે ગોળમેજી પરિષદ ભરીને બેઠા હતા,
ગહન ગપ્પાં મારી રહ્યા હતા.
એમના માટે આ કેક જાણે આખી દુનિયા...!!

કુદરતના અંતિમ સત્ય જેવી એની આંખો 
કાલી કાલી કુતૂહલ ભાષા જેવી એની આંખો 
ઉંબરને ઠેકડો મારી દોડી ગઈ 
સૌથી પહેલી બહેનપણીને કહેવા :
કે અલી અફસા જલ્દી ચલ..
તારા વગર હું કેક નહી કાપું
ને એની ચોખ્ખી આંખોએ 
કુદરતનું ભેંકાર, છૂપું, કોરી ખાધેલું,
ધૂણતા બિહામણા ભૂવા જેવું રહસ્ય જોયું :
કાળા પહાડ જેવા 
બે કદાવર હવસખોર આદમીઓ 
અફસાના ગુલાબી ફૂલ જેવા ફ્રોકને ચૂંથી રહેલા
જેમ કોઈ સિગરેટનો છેલ્લો ટુકડો
વૂડલેન્ડના મોંઘા બુટ નીચે મસળે એ રીતે.
અફસાનું ઠંડું થઈ ગયેલું લોહી 
બે પહાડ વચ્ચેથી ઊકળતા ઝરણા જેમ રેલાતું 
વિશ્વાના પગ સુધી આવ્યું 
એના પગને ઠંડા લોહીની આગ લાગે એ પહેલાં એના જેન્ટલમેનપપ્પાએ એની આંખો દાબીને 
મોંઘા માલસામનની જેમ સાચવીને, ઊચકીને 
લઈ આવ્યા કેક પાસે
અફસા-ના ઠંડા લોહી જેવું કેકપર ગરમ થૂંકી 
વિશ્વા બોલી ઊઠી 
કે પેલી અફસા વગર હું ક્યારેય કેક નહીં કાપું  

૧૧----------

હું ગુસ્સે છું / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)

હું ગુસ્સે છું મંદિરની દેવીથી
સામે જેની હવસખોરિયાઓએ
આસિફાનો દુપટ્ટો ખેંચ્યો
લેંગો ફાડયો
દુષ્કર્મ કરતા રહ્યા એક પછી એક નરાધમો.
અને મંદિરમાં બેઠેલી દેવી !
તું શાંતિથી જોતી રહી,
થોડી દયા પણ ન આવી એ બાળા પર,
ચીસો એની 
તારા મંદિરમાં પડઘાતી રહી
પણ તારી મૂર્તિમાંનું સ્મિત 
એ જ રીતે છલકાતું રહ્યું.
દુષ્કર્મીઓને બચાવવા 
લેવાયો તિરંગાનો સહારો
પણ આસિફાને ન્યાય અપાવવા
તારા મંદિરની ધ્વજા ક્યાંય જોવા ન મળી?
એ દેવી....જો તું છે?
તો ઉનવ...કઠુઆ...ગુજરાતમાં 
તારી હોવાની સાબિતી આપ
પછી જ તારા ભક્તોને 
શ્રદ્ધા માટે મંદિરમાં બોલાવ
ત્યાં સુધી અંધશ્રદ્ધાનો ખેલ બંધ કર

૧૨----------

સ્રીદેહ / જયેશ જીવીબહેન સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)

ધર્મગ્રંથો રચી- રચાવી
સ્રીદેહને ગૌણ ગણી 
યોનિને અપવિત્ર કહી
પુરુષોએ એક થઈ કર્યું એલાન 
યોનિની તુલનામાં લિંગ શ્રેષ્ઠ છે
સ્રીદેહની તુલનામાં પુરુષદેહ પવિત્ર છે
યોની નર્કનું દ્વાર છે
એ દ્વારેથી પુરુષોએ આ ભૌતિક જગતમાં
પાપા પગલી ભરી હોવા છતાં !

સ્રીદેહ સ્રીદેહ હોવા છતાં
ફક્ત સ્રીદેહ નથી હોતા.
કેટલીક ગાયના શરીર પર
દેવામાં આવે છે ડામ
એમ
કેટલાક સ્રીદેહો પર દેવાય છે ડામ.
દલિત આદિવાસી મુસલમાન શ્રમજીવી એકલ અભણ ગ્રામીણ સ્રીદેહ હોય છે ડામવાળા.
ડામના આધારે  પુરુષોનું હિંસક ટોળું
ગર્ભવતી બિલ્કીસબાનુનું પેટ ચીરીને
એના શીશુને 
ત્રિશૂળની અણી પર લટકાવી કહે છે
અમે 
સૌથી મોટું ક્રૂર બળાત્કારી હિન્દુ ટોળુ છીએ !

આદિવાસી સ્રીની યોનિમાં
પોલીસ ડંડાના ગોદા મારી 
પથ્થરો ઘૂસાડી કહે છે
અમે જ સાચા દેશભક્ત છીએ.
જુઓ અમે તિરંગા પર ટીંગાડી છે
માઓવાદી મહિલાઓની 
અસંખ્ય બળાત્કાર કરેલી યોનિઓ !

જ્યારે જ્યારે કોઇ દલિત સ્રીને
ચોરા વચ્ચે નગ્ન કરાઈ છે
જ્યારે જ્યારે
એકલ આદિવાસી સ્રીની જમીન હડપવા
ડાકણ કહી મુંડન કરી
જુત્તાનો હાર પહેરાવી હડધૂત કરાઈ છે
ત્યારે ત્યારે
એ હિંસક ઉત્સવોમાં
સ્રીઓ દ્વારા પણ તાળીઓ પડાઈ છે.
એટલે જ
કહું છું
સ્રીદેહ સ્રીદેહ હોવા છતાં
ફક્ત સ્રીદેહ નથી હોતા
તે દેહ
દલિત - સવર્ણ હિન્દુ - મુસલમાન
આદિવાસી - બિનઆદિવાસી
કામદાર - મૂડીપતિ શિક્ષિત - અભણ
ગ્રામીણ - શહેરી પણ હોય છે !

૧૩----------

યા રબ / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

હજુ તો મારે રમવું હતું
હસવું હતું ખીલવું હતું
હરણથી વધારે ઝડપે દોડવું હતું
સુંદર મજાનાં જંગલોને ઓળખવાં હતાં
ફળો, ઝાડ-પાન છોડેછોડ સુધી પોહચવું હતું
ઘેટાં બકરાં સાથે ડુંગરોની ટોચે ટોચે ભમવું હતું
પક્ષીઓની જેમ 
સવારસાંજ કિલકિલાટ કરવો હતો
પણ
તે દિવસે આંખો અંધારી થઈ
શ્વાસ લેવામાં ગૂંગળામણ થઈ
નસોમાં વહેતું લોહી
તીક્ષ્ણ હથિયારના ઘૂસ્યા પછી થીજી ગયું
પછી
એક પછી એક લાલઘૂમ સળિયાઓ
મારી અંદર આવતાજતા 
મારા શરીરની નસેનસને જાણે બાળી નાખતા
પછી
સેતૂર પિચકાઈને તેનો રંગ જામી જાય છે 
એમ મારું માથું પીચકાયું અને લોહી જામી ગયું
યા રબ !
હું તો હતી તારી બંદી
હંમેશા કરતી તારી બંદગી
ગુનો શું હોય તે પણ ન સમજતી
મને પ્રશ્ન થાય છે
શું જાલિમોને તેં આટલી તાકાત આપી હશે?
શું તેં મારું મોત આવું નક્કી કર્યું હશે ?

૧૪----------

ફૂલ / અનિષ ગારંગે (અમદાવાદ)

હું ઘણી બડી કડ હ
હું તો હજુ ઘણી નાહની હ.
મેરે તો હસણે કે, ખેલણે-કૂદણે કે દિન હ.
પર મેરે સાથી ઐસા વ્યવહાર કાહી કું ?
હું તો ગાના ગાવણ ચાહતી હ, 
પર મેરે મું હાસ તો કિલકારી નીકળી ગી.
માં મુકુ (મને) બચાઈ લે ઇન હવસખોરાસ.
ક્યા ઇનકે ઘર 
નાહને (નાના) ટાબર (બાળકો) નાહીં ?
કોઈ ઇનકે સાથ કર જી ઇદા (એમ) ?
કહતે હ ક નાહને ટાબર તો મન્દિર કા ફૂલ હ, 
પણ યો જગ ઉસ ફૂલા કું પિસ્સી
ઉનકા બચપન છિન્ની
બળત્કાર કરતા હ.
અબ બે ફૂલ કભી નાહીં આંગડે (આવશે)
અન આંગડે તો કભી નાહીં હંસગડે (ખીલવશે).

૧૫----------

ચક્ર નીચે / ઉમેશ સોલંકી

રોડ પર દોડવા લાગ્યો
ફરકવા લાગ્યો
ન લજવાયો
ટોળું ભરમાયું, એ ન ભરમાયો.
કેસરી રંગ 
મંદિરનો થઈને રહી ગયો
સફેદ રંગ 
દેરાસરના અંબરને ચોંટી ગયો (અંબર - વસ્ત્ર)
લીલો રંગ 
મસ્જિદની ટોચે ચડી ગયો 
ચક્ર નીચે એના
ચગદઈ ગઈ બાળા
છતાં ન ખચકાયો
ન પછતાયો !

અંદર થતું
સંસદ પર ચડું
ખેંચી નાખું
ફાડી નાખું, ફેંદી નાખું
ગાભા જેવો કરી નાખું.