આ અંકમાં
૧. સાખી / મહેશ મેતિયા
૨. સારું છે / વજેસિંહ પારગી
૩. માફ કરજે પ્રિયે / જયેશ જીવીબહેન સોલંકી
૪. થૂ થૂ થૂ / કુસુમ ડાભી
૫. દેખાદેખી / સોમાભાઈ એલ. ઠાકોર
૬. હાક થૂ / ઉમેશ સોલંકી
૧----------
સાખી / મહેશ મેતિયા (અમદાવાદ)
વઢિયારમાં વરસાદ ઘણો
મોંય ફાલ્યા બાવળિયા;
નિરાંત નામ હાચું
રાડ પડાવે ડાપણિયા. (ડાપણિયા-ડહાપણિયા)
૨----------
સારું છે / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)
સારું છે
કુદરતને લાગી નથી
માણસની સોબત.
નકર
હવા ના પાડી દેત
મારા શ્વાસ બનવા
પાણી અટકી જાત
મારા ગળામાં
વરસાદ ટાળી દેત
મારું વીઘુંક ખેતર
સૂરજનાં કિરણો વળી જાત
જોઈને મારી ઝૂંપડી.
સારું છે
કુદરતની નજરમાં
હું છું
સૌના જેવો માણસ.
૩----------
માફ કરજે પ્રિયે / જયેશ જીવીબહેન સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)
પ્રિયે,
હું સક્ષમ હતો
તારા કરતાં વધારે સારા ગરબા રમવા
પણ તમારા લોકોએ
મને કદી તક ન આપી
ગામના ચોકમાં નાચવાની !
અમે તો જાણે સર્જાયા હતા
તમે નવરાત્રિમાં ખાધેલાં
ભજિયાંનાં પડીકાંના કાગળ વીણવા
કે
તમે નિરાંતે નાચી શકો
એ શેરી, ચોકને સાફ કરવા.
એટલે જ
આજે મને
અંબામાની મૂર્તિ આગળ
આરતીટાણે ટાળોટા પાળતો તારો ચેહેરો
કે
સ્કૂલમાં પ્રાર્થના ગાતો તારો ચેહરો
કે
માથે કલ્લો લચકો મૂકી
રાયડાનાં પીળાં પીળાં ફૂલોને
હાથથી સ્પર્શ કરતાં કરતાં
મુક્ત મને ગાતો તારો ચેહરો
કશુ યાદ નથી !
મને હવે
રોજ રાત્રે
બેફામ બની
રોડ વચ્ચે બીયરોની બોટલો તોડી
ટલ્લી બની જતી
બિનધાસ્ત કૉમરેડોના ચેહરા જ યાદ રહે છે... પ્રિયે,
મને તો તારા ને મારા શરીર વચ્ચે
મંદિરની દીવાલ પાછળ
એ રાતે જે જે થયેલું
એમાનું પણ કશું યાદ નથી
હવે મને મંદિરની દીવાલ
કે
એમાં વસતો દેવતા
કે તું
કે
તારી સુંદર કાયા
કશું યાદ નથી !
તું મને માફ કરી દેજે, પ્રિયે,
પણ હું
તને કે તારા ભગવાનને માફ નહીં કરી શકું
કારણ કે તમે મને
કદી ગામના ચોકમાં નાચવા ના દીધો
કે એ મંદિરનાં પગથિયાં ચડવા ના દીધો !
૪----------
થૂ થૂ થૂ / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો: સુરેન્દ્રનગર)
ધર્મનો
રૂપાળો અંચળો ઓઢી
ટીલા-ટપકાં લગાવી,
મોટી ફાંદે માળા લટકાવી
એ તો શહેનશાહી ઠાઠ ભોગવે.
દેવી
સુંદર માસૂમ છોરીને
રંગીન મેકપ ચડાવી
ઈશના નામે ફસાવી
દેવદાસી બનાવી ભોગવે.
મંદિર
ભજન-કીર્તન દિવસે
રાતે બનાવે શૈયાશન
ભગવાનની પત્ની બનાવી
દેવી-દીકરીને પૂજારી ભોગવે.
થૂ થૂ
હા
થૂ થૂ થૂ
એ મંદિર, એ ધર્મને
એ પૂજારીને એના ભક્તોને
જેમણે દીકરીને દેવદાસી બનાવી.
૫----------
દેખાદેખી / સોમાભાઈ એલ. ઠાકોર (સાંઢેલી, તાલુકો : ઠાસરા, જિલ્લો : ખેડા)
કેવી જામી હરીફાઈ
અહીં કેવી જામી હરીફાઈ
બાળકને શહેર ભણવા મૂકે ગામના સૌ ભાઈ
કેવી જામી હરીફાઈ.
શહેરમાં કોર્સ અલગ આવતો હશે કે શું ?
કેમ ભૂલી ગયા પિતા
'હું ગામની શાળામાં જ ભણ્યો
છું.'
ફીવધારો ગમતો નથી
ફી વધારે લેતી શાળામાં
બાળકને છતાં આપણે મૂકીએ છીએ
કેવી કઠણાઈ આપણે કરીએ છીએ
વેઠીએ છીએ
માની પરોઢ-પરોઢની ઊંઘ બગાડીએ છીએ
બાળકને શહેરમાં ભણવા મૂકીએ છીએ.
દરેક નાગરિક ગામનો
ધ્યાન રાખે ગામની શાળાનું જો
બાળકને શહેરમાં મૂકવાની ન નોબત આવે તો.
૬----------
હાક થૂ / ઉમેશ સોલંકી
મૃત્યુ,
આ તે તું
કેવી રીતે આવ્યું !
જન્મતાંવેંત
સામે જેમ
ચાર ચાર ખભા પર
ભારત આવ્યું
એમ અદલ એમ
તું આવ્યું !
આવીને તેં
ભલે ફાડી ખાધું મને
પણ લે
મરતાં મરતાં હાક થૂ તને.