1 September 2018

અંક -૬૫ / સપ્ટેમ્બર ૨૦૧૮


વરસાદ-વિશેષાંક


આ અંકમાં
૧. હોઝેફા ઉજ્જૈની
૨. રાજેન્દ્ર વાઢેળ
૩. કુસુમ ડાભી
૪. મહર્ષિ બ્રહ્મ ચમાર
૫. અપૂર્વ અમીન
૬. કલ્પના ભાભોર 
૭. વજેસિંહ પારગી
૮. જયેશ જીવીબહેન સોલંકી
૯. અરવિંદ કે પરમાર
૧૦. અનિષ ગારંગે
૧૧. આતિષ ઇન્દ્રેકર છારા
૧૨. વીણા બારિયા
૧૩. ઉપેન્દ્ર બારોટ
૧૪. દેવેન્દ્ર વાણિયા 'સ્નેહ'
૧૫. મુશતાકઅલી શેખ
૧૬. ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૧૭. ઉમેશ સોલંકી

૧----------

અલગ વરસાદ / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

તે હેં પપ્પા !
અમારા સાહેબ કહે છે
વર્ષાઋતુમાં ખૂબ મજા પડે છે
ભીની માટીની મહેક માણવાની
આકાશમાં ઇન્દ્રધનુષને જોવાની   
પાણીમાં છબછબિયાં કરવાની
કાગળની હોડી બનાવી તરતી મૂકવાની
પલળીને હરવાફરવાની
ગરમા-ગરમ ભજિયાં, મકાઈદોડો ખાવાની
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ખાવાની
છત્રી લઈ, રેઇનકોટ પહેરી નિશાળે જવાની
થાકીને રાત્રે મસ્ત ઊંઘવાની
ધરતીમાં પહોંચેલ ઠંડક અનુભવવાની.
પણ
જુઓને પપ્પા,    
આપણા ઘરમાં ભરાયેલાં 
ઇન્દ્રધનુષ સમાં પાણીમાંથી 
કેવી ગરમ બાફ નીકળે છે
પેલાં ગરમ ભજિયાંમાંથી નીકળે એવી.
આ પાણીમાં પગ મૂકું છું તો
તળિયાં બળવા લાગે છે
છબછબિયાં કેમનો કરું ?
શ્વાસ લેવામાં પણ ગૂંગળામણ થાય એવી
કેમિકલ જેવી ગંધ આવે છે
ભીની માટીની મહેક કેમની લઉં ? 
શહેરનું પાણી ગટરમાંથી ઊભરાઈને 
વસ્તીમાં ફરી વળ્યું છે
જુઓને,
પાણીમાં ગૂ તણાઈને આવ્યું છે
કાગળની હોડી બનાવી તરતી કેમની મૂકું ?
તમારી સાથે ચંબુથી પાણી ઊલેચતાં થાકી ગયો
છેલ્લા બે દિવસથી બરાબર ખાધુંયે નથી 
વાસણોમાં કેમિકલના પાણીના ક્ષાર જામેલા છે
ઊની ઊની રોટલી ને કરેલાનું શાક
કેમનાં ખઉં ?
ઘરમાં તળાઈ ગાદલાં કપડાં 
બધું તો પલળી ગયું છે
હવે પેલા 
પ્લાસ્ટિકના કોથળાની સિલાઈ ઉધેડીને
માથે ઓઢીને નિશાળે કેમનો જઉં ?
આ કાદવ-કીચડના
કચરાના ઢગલાના
કીડા પડેલાં 
સડેલાં જાનવરોથી બનેલા રસ્તા પાર કરી 
હરવાફરવા કેવી રીતે જઉં ?
જેમ તમારો શેઠ તમારું લોહી ચૂસે છે
તેમ લોહી ચૂસનારા મચ્છરોના બણબણાટમાં
મસ્ત મજાની નીંદર કેમની લઉં ?
વસ્તીમાં ફાટી નીકળેલા રોગચાળાથી બચીને
ધરતીમાં પહોંચેલી ઠંડક કેમનો અનુભવું ? 
પપ્પા,
આ સાહેબ તો અમથા
ચોપડીમાં વર્ષાઋતુનો ઉલ્લેખ પણ અમથો
કે પછી
તે હેં પપ્પા !
શું આપણે ત્યાં કંઇક અલગ વરસાદ પડે છે ?

૨----------

ઘર એટલે બેઘર-બેહાલ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (મુકામ-પોસ્ટ : કાજ, તાલુકો :  કોડિનાર, જિલ્લો : ગિરસોમનાથ)

કવિતા કરું નિબંધ કે અહેવાલ
વર્ષાઋતુમાં મારું ઘર એટલે બેઘર-બેહાલ.
સડી આડહરે ઊંધીને હડી ગયા હાજ*
ભીંતે ભીંતે દોડી છે તિરાડ પર તિરાડ
ધસી આવે છે દર સાલ ગામ આખાનું પાણી
સાઠીકડાના માળા જેવાં ઘરોમાં ગારો થાય ગાર
ને કરામાંથી પાણી પડે છે ધોધમાર.

રામાપીરના મંદિરમાં કેટલાનો થશે પનાર
એક બાચકું સરકારી ઘઉંની કેટલી થશે રાબ
મચ્છર માંખ્યો માંકડ ને મંદવાડ
વાસ આખો છે ખાડામાં
ખાડામાં ફૂટશે દૂજાર.**

દૂધ-દહીં ખાય, રાજપૂતોએ કેટલી ધકેલી ગાય
જણશે એ વાછરડું તો થશે કેમ એ પાર
ઘાસતેલ બીપીએલનું બંધ થયું છે ને
દી'માં લાઇટ જાય છે હજાર વાર.
કવિતા કરું નિબંધ કે અહેવાલ
વર્ષાઋતુમાં મારું ઘર એટલે બેઘર-બેહાલ.
--
* સડી આડહરે ઊંધીને હડી ગયા હાજ - ઊધઈ પડવાથી સડીને પોલો થયેલો મોભ
** દૂજાર - જમીનમાં વધારે પાણી આવવાથી જમીનમાં ફૂટતા પાણીના ફોરા

૩----------

હસતા રહ્યા / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

ચાલીસ બેતાલીસ 
ને પછી તેતાલીસ
ડિગ્રીઓ રોજબરોજ વધતી ગઈ.
ચાર દીવાલ પર રહેલાં નળિયાં
ઊકળતાં ઊકળતાં ને બસ ઊકળતાં જ રહ્યાં.
નળિયાં નીચે આખો દિવસ
ચરખો કાંતતાં કાંતતાં 
રૂની ગૂંગળામણમાં
એના શરીર પર પાણી નીતરતાં રહ્યાં.
આંગળીથી 
કપાળે નીતરતી પરસેવાની નદીને 
ઢસરડતાં ઢસરડતાં જમીન પર ફેંકતા ગયા.
રાતે ખુલ્લા આકાશે
વાદળાં દોડતાં જોઈ
'વરસી જા વરસી જા બાપલિયા' કહેતા ગયા.
એ રાતે એવો તે વરસ્યો 
કે તૂટેલા નળિયાંમાંથી નદી-નાળાં વહેવાં લાગ્યાં
નળિયાં વચ્ચે વહેતી નદીઓને ડોલમાં ભરી
આખી રાત ઊલેચતા રહ્યા ઊલેચતા રહ્યા.

હળ જોડી નીકળેલા ખેડૂતે
'ચ્યમ રહ્યું, બાપા, રાતે વરસાદે ?' પૂછ્યું,
'એ ઘણી ખમ્મા મેહુલિયાને' કહી 
ઉજાગરો ભૂલી 
પલળેલા ગોદડાને નિચોવતાં નિચોવતાં
ખેડૂતના ચહેરાને તાકતાં તાકતાં
હસતા રહ્યા બસ હસતા રહ્યા.

૪----------

વરસાદમાં / મહર્ષિ બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો : ભાભર, જિલ્લો : બનાસકાંઠા)

મારી વાત તું 
કાન દઈ સાંભળજે ભલા,
'વાંકા વાંકા 
ભીંજાતાં ભીંજાતાં 
વરસાદી પાણીથી ભરેલા ખેતરમાં 
એક એક ડાંગરને રોપવાની. 
રોજે રોજ બસ એક જ કામ 
રોપવાનું એટલે રોપવાનું 
કમર દુઃખે
હાથપગ દુઃખે
પાણીમાંને પાણીમાં પગ ફોગાય 
ચાલતાં ચાલતાં દર્દીલો ચચરાટ થાય 
પણ 
વરસાદમાં ને વરસાદમાં 
એની સંગાથે 
બધુંય ભૂલી જવાય
ભૂલી જવાય..!'

૫----------

ઊભરાતી ગટરો / અપૂર્વ અમીન (અમદાવાદ)

ધોધમાર વરસાદમાં 
મેલેરિયાના તાવથી વાતી ઠંડીમાં
ટૂંટિયું વળીને 
ડૂચો વળી ગયેલા દીકરાને લઈને
ઊભો છું હું
વીમા યોજનાના દવાખાનાની લાઈનમાં.
મારી છાતી પર અડતું
ધગધગતી સગડી જેવું 
એનું ગરમ લાય શરીર 
મારી અંદર
સરકારી મચ્છરો પ્રત્યે
કોર્પોરેશનના કોક્રોચો પ્રત્યે 
નફરત કે ગુસ્સો નથી ભરતું.
મને ખુન્નસ ચઢતું હોય તો
સિઝનના પ્રથમ ધોધમાર વરસાદ સામે.
ભલે એ વરસાદ 
ઘણા માટે ખુશનુમા થયો હશે
રોમેન્ટિક મૂડ થવાનું કારણ થયો હશે. 
ભલે એ વરસાદમાં પલળવા નીકળેલી 
બંગ્લાઓની શેઠાણીઓએ 
મકાઈડોડાની મકાઈ ચાવીને 
ડોડાને રોડ પર ફેંકીને 
ભીની માટીની સુંગંધ સાથે
મારા ભાગનો ચોખ્ખો ઓક્સિજન 
પણ લઈ લીધો હશે.
પણ આવતીકાલે 
એ જ ડોડાને, એનો ગુચ્છાને
મારે ને આવનારી મારી પેઢીએ ઉઠાવવાના છે 
તેની ચિંતાને કારણે
દરેક પ્રથમ વરસાદે 
મને ગાળ બોલાવડાવી હતી.

એ પહેલો વરસાદ 
તેમના વિસ્તારમાં 
ભરાયેલા પાણીના નિકાલ માટે
અમે સર્જાયા છીએ એની યાદ અપાવતો હતો.

વરસાદમાં બહાર છલકાતાં
તેમનાં પીળાં પચ્ચક પાપ 
બહાર કાઢતાં જોઈ અમને 
'આ તો આધ્યાત્મિકતાનો ભરપૂર આંનદ લે છે'
કહી અમારી ક્રૂર મજાક કરી નાખે છે
અને મને તે જ ક્ષણે એનો જ લુદ્દો 
એના મોંઢામાં ઠૂંસી 
આધ્યાત્મિક આંનદ નિઃશૂલ્ક વહેંચવાની 
ઈચ્છા થઈ જતી હતી
પણ નફ્ફટ વરસાદ 
તેમની ઊભરાતી ગટરોના મેનહોલમાં ઊતરી 
તેમના બચ્ચાંઓના ડાયપરના ડૂચા કાઢવાનું
યાદ કારવાતો હતો.
મને વરસાદ 
મારી ચાલીના ખાબોચિયામાં જન્મેલા 
માંદા એનોફિલિશ પ્રત્યે વેરઝેર નહીં 
પણ 
સહાનુભૂતિ દર્શાવવાનું શીખવાડી રહ્યો હતો. 

આખા ચોમાસામાં હું આખો દિવસ
ઘરનાં છાપરે પડેલા કાણા સામે 
જોયા કરતો હોઉં છું 
ક્યારે સૂર્યનું ધારદાર કિરણ 
વિનાશક વાદળાંઓની દૂંટી ચીરીને આવે 
અને 
મને માત્ર બે કલાકની ઊંઘ પૂરી પાડે.

પછી હું કેવી રીતે વાંક કાઢું 
કોર્પોરેશનનો કે સમાજનો કે સરકારનો 
હું વાંક કેમ ન કાઢું વરસાદનો 
જેના આવવાથી 
મારા ફૂલ જેવા દીકરાને
ધસમસતા વરસાદમાં લઈને
ઊભો છું વીમા યોજનાના દવાખાને.

૬----------

જાતમહેનતુ / કલ્પના ભાભોર (ટૂંકીવજુ, પોસ્ટ : ગાંગરડી, તાલુકો : ગરબાડા, જિલ્લો દાહોદ)

બારે માહના મેઘ વરસ્યા
સૌ જીવ થયા ખુશ
આદિવાસી ખેડૂત થયો ખુશ
સાથે ભીતરમાં થયો દુ:ખી
નથી બિયારણ વાવણી માટે
ઉછીપાછીનું કરી વાવણી કરી,
વાવણી કરી 
ઘરડાં બાને ઘરે મૂકી હાલ્યાં મજૂરી કરવા 
કેડે બાળક માથે થેલો.
બનાવે આલીશાન બંગલા
પોતે તંબુમાં રહે.
કરે ગધામજૂરી
છતાં ઢીંગલાં આપે ઓછાં
જેમતેમ કરી ઘર ચલાવે
આદિવાસીની આ જ કરમકહાણી.
હે ભલા માનવો, મા ગણો નીચ !
છે જાતમહેનતુ ઈ જ.

૭----------

રાહ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો :  દાહોદ)

ચોમાસું આવે ને જાય છે
પણ મારે તો છે
વરસોવરસ દુકાળ.
કદી ભીંજાતાં નથી 
મારી કઠણ છાતી
ને છાતીમાં ધરબાયેલાં બીજ
કાયમ ઓછો પડે છે 
મને આ વરસાદ.
રાહ જોઉં છું વરસોથી
ક્યારે ઊગે બીજ
ને ક્યારે હું લહેરાઉં.
ક્યારેક તો વરસશે
ફોડી નાખે છાતી
ને ભીંજવી દે બીજને
એવો વરસાદ.
કે પછી 
રાહ જોતાં જોતાં
હું થઈ જઈશ ખાક
છાતીમાં શેકાતા બીજ સાથે!

૮----------

વરસાદ / જયેશ જીવીબહેન સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)

આજ 
મારા ઘરે
મારી બાયડીના પેલ્લા આણાની 
પેલ્લી રાત છે
ને અંધાર્યો છે વરસાદ
કોઇ કહી દો વરસાદને કે 
આજ વરસે મન મુકી 
કોઈ ચાયડામાં
કે વરસે કોઇ સ્વીમિંગપુલમાં.
મારી બાર ફૂટની ઓયડીની છત પર છે 
બારસો કાણાં
ને રહે છે સાત સાત જીવ.
આજ મારા ઘરે
મારી બાયડીના પેલ્લા આણાની 
પેલ્લી રાત છે!!

૯----------                   

નાગઈ ને અંચઈ / અરવિંદ કે પરમાર (અમદાવાદ)

તારા બંગલામાં વરસાદ આહલાદક હશે                      
ક્યાંક લોકોના જીવ પણ તરતા હશે !
તું આ મોસમમાં જીભના ચટકરા લેતો હશે                        
ક્યાંક છુટ્ટાં પડીકાં પણ પડતાં  હશે !                               
તું ભલે વરસાદના જોક બનાવતો હોઈશ                      
ક્યાંક વરસાદ લોકોના જોક બનાવતો હશે !                    
છે કુદરત પણ ઘણી નિષ્ઠુર ને ડફોળ !                              
કરે કોઈ ને ભરે કોઈ
આવા તો કંઈ ન્યાય હોતા હશે !
કોઈ પાપ કરીનેય પુણ્ય કમાશે                                 
મહેનત કરીને ખાનારો વલખા મારશે ?
ખેરખર, 
તારી ખુલ્લી નાગઈ ને અંચઈ છે, કુદરત !
શુ તનેય કોઈનો ડર હોતો હશે ?

આવી અપેક્ષા નહોતી મને
આમ કુદરત પણ દાવ કરતી હશે !

૧૦----------

આવ્યો રે મેહુલિયો / અનિષ ગારંગે (અમદાવાદ)


આવ્યો આવ્યો રે મેહુલિયો
સાથે લાવ્યો રે એ તો બુલબુલિયો
મેહુલિયો તો આજે એવો ગરજયો
નગર જળબંબાકાર બન્યું (નગર - છારાનગર)
રસ્તાઓ કાદવકીચડનાં મેદાન બન્યાં
નાનાં ભૂલકાંઓને તો મજા પડી
મોટાઓ માટે તો આફત બની.

મેહુલિયો તો ઊંચે આકાશમાં બગાસાં ખાય
મન થાય ત્યારે બુંદનાં બાણ છોડતો.
બાણ તો એવાં રે વાગ્યાં હ્રદયમાં
ખર્ચા રે થયા તમારા નામના

મેહુલિયો રોજ શહેરમાં ટપ્પર (રમત) રમતો
અને રસ્તાઓમાં પતાસા નાખી ભૂવા પાડતો
ભૂવામાં આખું શહેર સંતાઈ જતું
અને એમાંથી વાહનો ડોળા કાઢતાં.

૧૧----------

નગર કે મહાનગર / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)

અમદાવાદ છે મહાનગર
મહાનગરમાં છે છારાનગર
પ્રિ-મોન્સૂન પ્લાન શું છે?
નગરને નથી ખબર
વરસાદના એક ઝાપટે
પડવા લાગે છે ગાબડાં
પણ સરકારને ક્યાં ખબર?
વરસાદ-ટાણે  
નગરમાં ગટરના પાણીની રેલમછેલ
તો ક્યાંક તૂટેલા કાચા ડામરના રોડ
તો ક્યાંક 
કદીયે ન ચાલુ થયેલી સ્ટ્રીટ લાઇટ
પણ સરકારી બાબુઓને છે ક્યાં અસર?
ચૂંટણી-ટાણે 
એમની વાતોમાં
છારાનગર જાદુઈનગર 
ચૂંટણી પતતાં જ છારાનગર ગુન્હેગારનગર
હવે તમે જ કહો
મહાનગરમાં છે છારાનગર?
કે
છારાનગરમાં છે મહાનગર?

૧૨----------

ઢેસાળમાં* / વીણા બારિયા (જબુવાણિયા, તાલુકો : ઘોઘંબા, જિલ્લો : પંચમહાલ)

ઊંડો ઊંડો મેઘલો ગરુડ્યો** હો વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
છાપરા હારુ અરજી કરેલી રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
અરજી ઓફિસોમાં ફરે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
બેન મારી ઝૂંપડીમાં જીવે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
પાણી હારુ અરજી કરેલી રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
અરજી ઓફિસોમાં ફરે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
બેન મારી કૂવે કૂવે ફરે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
લાઈટ હારુ અરજી કરેલી રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
અરજી ઓફિસોમાં ફરે રે વાલ્લા મારા  ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
બેન મારી  અંધારામાં જીવે રે વાલ્લા મારા             
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
શિક્ષણ હારુ અરજી કરેલી રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
અરજી ઓફિસોમાં ફરે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
બાળકોનું ભણતર બગડે રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
સરકાર સામું નથી જોતી રે વાલ્લા મારા 
ઢેસાળમાં વીજળી ઝબૂકે રે લોલ 
--
*ઢેસાળ - સૂર્યાસ્ત વખતે બંધાતાં ડુંગર જેવાં સોનેરી કોરવાળાં ઘટ્ટ વાદળી રંગનાં વાદળ 
**ગરુડ્યો - ગાજ્યો

૧૩----------

ગમતો વરસાદ / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

મને ગમતો વરસાદ
ગમતું વરસાદમાં નહાવું
ભીતરથી રહી જાઉં તોય કોરો
ચુવાતાં ઘરમાંથી નિસાસા નીકળે
સેંકડો નિસાસા મારા ભીતરને કોરે
ને થતું
હવે થાકે વરસાદ તો સારું
રહી જાઉં ભલે હું કોરો.

૧૪----------

ધીરે ધીરે વરસ / દેવેન્દ્ર વાણિયા 'સ્નેહ' (ખારાઘોડા જૂનાગામ, જિલ્લો : સુરેન્દ્રનગર)

ધીરે ધીરે વરસ મેહુલિયા
ઘરે પ્રસંગ છે બહુ સરસ 
                              મેહુલિયા ધીરે ધીરે વરસ
માંડ મળી મોકળાશ તો અમે ઘડિયા લગ્ન લીધા
ઓચિંતાના આવીને તેં અમોને આડે હાથ લીધા
પરોણલા પલવાશે નહીં જાશે અમારી ગરથ
                              મેહુલિયા ધીરે ધીરે વરસ
વરસ આખું રણમાં રઝળ્યા પેટિયા કાજે પરવા
વ્હેવારી કામ વર્ષામાં કરવા મોજે મોજે પલળવા
તોય અમે ના ત્રસ્ત થઈએ ભરેલાં અમારાં પરસ
                              મેહુલિયા ધીરે ધીરે વરસ
ઢોલ ત્રાંબિયા ધ્રુબાંગ ધ્રુબાંગ મન મૂકીને નાચીએ
લગ્નની મોસમ ને વર્ષા હરખઘેલા રાચીએ
શમણાના વેલડામાં બેઠા, છૂપશે અમારી તરસ
                              મેહુલિયા ધીરે ધીરે વરસ
મીઠાની મહેનતનો ચુકાવો જીવનનો સહારો
'સ્નેહ' શમણાં પૂરે અમારાં જીવનની બહારો
ખમીરી ખારાપાટની પરોણાગતને પરખ
                              મેહુલિયા ધીરે ધીરે વરસ

૧૫----------

લોહિયાળ વરસાદ / મુશતાકઅલી  શેખ (અમદાવાદ)

ઋતુ ચાલે વરસાદની
પણ મારા ઘરે પાણીનો નહીં 
લોહીનો વરસાદ થાય છે.

આઝાદી વખતની સાંઠગાંઠ
આજે પણ મારા ઘરે
લોહીની યાદ અપાવે છે
અમે નથી ગયા અમારી ઇચ્છાથી
અમે તો રહ્યા અહીં ઇચ્છાથી
છતાં 
વિદેશી, પાકિસ્તાની, દેશદ્રોહી 
એવાં નામોથી બોલાવવાનો હક 
તમને કોણે આપ્યો ? 
આ જ નામોનો આશરો લઈ
૧૯૬૯ હોય
૧૯૯૨ હોય
કે પછી હોય ૨૦૦૨
તમે દર વખત અમારાં ઘરોમાં,
લોહિયાળ વરસાદ કર્યો છે.

હવે તો હદ થઈ ગઈ
દાદરી પ્રતાપગઢ ઉદમપુર અમદાવાદ
અલવર અસમ રાજસમંદમાં
અમારાં ઘરોના દીવાઓને તમે 
લોહીના રંગથી રંગી દીધા.
અમારા ઘરે વર્ષાઋતુમાં જ નહીં
આખું વરસ વરસાદ થાય છે
એ વરસાદ પાણીનો નહીં
અમારા લોહીનો હોય છે.

૧૬----------

લોકસ્વાસ્થ્ય-જાગૃતિનું ગીત / દેવગઢ મહિલા સંગઠનની બહેનો (દેવગઢ બારિયાની ગ્રામીણ બહેનો, જિલ્લો : દાહોદ)

એવા ચોમાસાના ચાર ચાર મહિના
                        ભાઈઓ-બેનો ચેતી લેજો !
ધેર ઘેર ઝાડાના કેસો
                        ભાઈઓ-બેનો ચેતી લેજો !
ઝાડા શક્તિ તમારી લૂટે
ઝાડા બવ થાય તો જવતર તૂટે
એનાં જંતુ આંતરડામાં જીવતાં
એ તો નરી આંખે નથી દીસતા
ઝાડા થાય તો શરીર સુકાય છે
શરીરનું પાણી ખૂટી જાય છે
પાણી ખૂટે તો જીવતર તૂટે
તમે પળે પળે પાણી પીજો,
                        ભાઈઓ-બેનો ચેતી લેજો !
તમે ઓ.આર.એસ.નાં પડીકાં લાવજો
બે લોટા પાણી તમે લેજો
એમાં આખું પડીકું વાપરજો
પાવડરનો શરબત બનાવજો
રોજ તાજો શરબત તમે કરજો
                        ભાઈઓ-બેનો ચેતી લેજો !
શરબત ખૂટે તો ઘરે બનાવજો
                        ભાઈઓ-બેનો ચેતી લેજો !
ચપટી મીઠું ને મોરસ લેજો
બે લોટા પાણીમાં એને નાખજો
સાથે ખોરાક ખાતા રેજો
ભાન ચોખાઈનું રોજ તમે રાખજો
પાણી ભરવામાં કાળજી રાખજો
પાણી ગાળીનાળીને વાપરજો
તમે ડોયાથી પાણી લેજો
આટલું કરશો તો ના બાટલા જોઈએ
ખોટા ખરચથી આપણે બચી જઈએ
તમે દાક્તરનાં ખિસ્સાં નથી ભરો
ચાર મહિના કાળજી તમે રાખો
આખી જિંદગી તમે રાજી રેજો
                         ભાઈઓ-બેનો ચેતી લેજો !

૧૭----------

વરહાદનઅ્ ચમ કરી હાચવું ? / ઉમેશ સોલંકી

વરહાદનઅ્ ચમ કરી હાચવું? 
હાચવવાનું બાચી રોજનું આયખું
પલરેલો હાલ્લો પસી બાસ મારઅ્
હૂવાનું થઈ જાય કાઠું
માઠું લાગઅ્ પરણ્યાનઅ્ પાહું
હાંજે મલ નંય એનઅ્ ટેપું
ટેપાની લાયમંઅ્ બાજી પડઅ્ એ તો
હાથમંઅ્ આવેલું મેલે સૂટું
અંગે વાગઅ્ તો બળ્યું ખમીય લઉં
ભેંતે વાગઅ્ તો ચમ ખમવું?
છોરાનો ભેંકડો કોનમંઅ્ વાગઅ્
મૂઈ માખોય કેડલો ન મેલઅ્
જમ-તમ કરીન્ વાહિયલ ઘાલ્યું
જમ-તમ કરીન્ માર્યા પંપો 
માૅંડ માૅંડ ઘાહલેટની ધાર તાંણ સૂટી
બાકસ-નઅ્ ભેજ લાજ્યો
હરી અવઈ જી
એવું થતું ક બળી મરવું
બોલ, અવઅ્ વરહાદનઅ્ ચમ કરી હાચવું?