14 October 2018

અંક -૬૬ / ઓક્ટોબર ૨૦૧૮


આ અંકમાં
૧. સવાલ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા'
૨. મેરિટિયા / કુસુમ ડાભી
૩. ૨૫૦૦૦ના બાૅન્ડ / અપૂર્વ અમીન
૪. સાહેલડી / બાલુબહેન દેવીપૂજક
૫. વડવાઈઓ / મેહુલ ચાવડા
૬. સીમાઓથી પાર / હોઝેફા ઉજ્જૈની
૭.  कौम हम शर्मिंदा है / मीर खान मकरानी
૮. રોજીની આગ / વજેસિંહ પારગી
૯. પેટ / ઉમેશ સોલંકી

૧----------

સવાલ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (મુકામ-પોસ્ટ : કાજતાલુકો :  કોડિનારજિલ્લો : ગિરસોમનાથ)

હું તમને રોજ અહીંથી જતા જોઉં છું
બસમાંબાઇકમાં કે ચાલતા
એક જ પ્રકારના ડ્રેસમાં.
હું તમને રોજ અહીંથી જતા જોઉં છું
મારી સામેની એ આલીશાન બિલ્ડિંગમાં
કેટલું મોટું મેદાન છે 
કેટલાં બધાં સાધનો છે રમવા માટે!
તમારો ઠેલો
એને તમે શું ક્યો છો?
દફતર
એમાં બુકપેન્સિલકમ્પાસ ને ભાગપેટી લઈને
હું તમને રોજ અહીંથી જતા જોઉં છું.
મારી માને જ્યારે જ્યારે કહું છું :
'મારે ત્યાં જઉં છેમા.'
તો મને એ કે છે : 
'ઝૂંપડીવાળાને ત્યાં કોણ ઊભવા દે?'
મને સવાલ થાય છે
'હું ઝૂંપડીવાળો છું તો તમે કોણ છો?'
હું તમને રોજ અહીંથી જતા જોઉં છું.

૨----------

મેરિટિયા / કુસુમ ડાભી (લીંબડીજિલ્લો : સુરેન્દ્રનગર)

સાવ અજાણ્યા મારગે 
જોને નીકળ્યા સંગાથે.
તૂટલાં-ફૂટલાં જોડાં 
જોને થીગડિયાં વાઘા શોભે.
ગાભાની બનાવી થેલી 
જોને પસ્તીની નોટો માંહે.
પાંચ સેતરવા દોડ્યા
જોને નિહાળ ત્યારે ભાળે.
નીતરતા પરસેવે પછી 
જોને સાવરણી પકડીને વાળે.
નળિયાંવાળા ઓરડા 
જોને ઉબડ-ખાબડ તળિયું વાગે.
ગંદું ગરમ પાણી પીતા 
જોને ખીચડીમાં કંકર આવે.
પેટ ને સ્લેટ ભરાતાં 
જોને દિમાગે જ્ઞાન જાગે.
ભણીગણીને આવ્યા 
જોને આ મેરિટિયા* હિસાબ માગે.
---
*મેરિટિયા - બિનઅનામતિયા

૩----------

૨૫૦૦૦ના બાૅન્ડ / અપૂર્વ અમીન (અમદાવાદ)

તું એ દરેક ક્ષણ પર દુઃખી છે
તું એ દરેક સમય પર દયા દાખવે છે
તું એ દરેકેદરેક પળને ધિક્કારે છે
કે જ્યારે હું અર્ધનગ્ન ચૂંથાયેલો
ફંગોળાઈનેઘસડાઈને
લોહીલુહાણ પડ્યો હતો બાંધેલો
તારા બાપાના બદળગાડાનાં પૈડાં પાછળ
પણ આ તારા ખોટા ખેલ-ખોખાંઓથી
મને કે મારા જડબેસલાકને 
આશ્વાસન સુધ્ધાં મળવાનું નથી.
હું તારા એ ક્ષણિક ધિક્કારને
મારા સ્વામાન સાથે ચેડા કરનારા
ક્રૂર ધાપલા સાથે સરખાવું છું.
તારા દુઃખી થવાથી કે દયા ખાવાથી
વીજળી વેગે આવેલો અમારો ઊભરો 
ઠરી જવાનો નથી.
જો ખરેખર તને 
એ ક્ષણો પ્રત્યે સહાનુભૂતિ હોત 
તો તું અત્યારે
ટોલસ્ટોય જેવાં 
અમારાં ગગનભેદી ટોળાંઓ વચ્ચે રહી
કચેરીઓ આગળ 
ન્યાયના નારા બોલતી હોત.
હજુ કંઈ ઘસાઈ નથી ગયું
તારામાં જો માનવતાના મૃત પ્રવાહીનું 
એકાદ ટીપું બાકી રહી ગયું હોય તો
પ્રિયેતારે આવવું પડશે 
આ ધગધગતા વિદ્યુતપ્રવાહમાં
સૌપ્રથમ વિદ્રોહના વટાણા 
દાંત વચ્ચે કચકચાવીને
જય ભીમની ભયંકર બૂમ 
તારા બાપાના આંગણે પાડવી પડશે.
બુકાની બાંધીને નીકળી પડેલી 
અમારી મા-બહેનો સાથે જોડાવું પડશે.
હાય હાયના તેજાબી તાળોટા સાથે ધક્કે ચડી
પોલીસવાનોમાં ભરાઈ  
બેભાન થવાનું નાટક પણ કરવું પડશે.
પરસેવે પોલિશ થયેલી 
મહિલાઓના હાથમાં હાથ રાખી
પોલીસના લાલઘૂમ લાઠીચાર્જથી
અમારા યુવાધનને બચાવવું પણ પડશે.
અને છેલ્લે થાકીને એક ઈંટ ઉપાડવી પડશે
પૈસાના જોરે જામીન મેળવેલા રાક્ષસો પર.
પિયરના ધાબાઓ પર 
કે જ્યાં આપણે પકડાયા પ્રથમવાર 
પછી મને રહેંસી નખાયો હતો.
બાકી તારી દયાદુઃખપ્રેમધાપલા
અમને ના ન્યાય અપાવી શકશે
ના મુખ્યમંત્રીના ભંડોળમાંથી ૨૫૦૦૦ના બાૅન્ડ..

૪----------

સાહેલડી / બાલુબહેન દેવીપૂજક (ભચાઉજિલ્લો : કચ્છએકલનારી શક્તિ મંચ)

સાહેલડી રે સુણ સાહેલડી
કોને કહીએ દુ:ખડાની વાતો
દુ:ખડા નથી સહેવાતા રે સુણ.....

સાહેલડી રે સુણ સાહેલડી 
મારા જેઠ મેણલા બોલે
બોલે રે પરણ્યાની વાતો રે સુણ.....

સાહેલડી રે સુણ સાહેલડી 
તમે ગામેગામ જજો
સંગઠન કરજો રે સુણ.....

સાહેલડી રે સુણ સાહેલડી
મારી બહેના આત્મહત્યા કરે
વાતો તમે જાણો રે સુણ.....

સાહેલડી રે સુણ સાહેલડી 
સાટાપદ્ધતિ તમે તોડો 
દુ:ખડા વખોડો રે સુણ....

સાહેલડી રે કચ્છમાં સંગઠન બન્યાં રે
વાતો તમે જાણો રે સુણ.....
સુણ સાહેલડી રે સુણ સાહેલડી

૫----------

વડવાઈઓ / મેહુલ ચાવડા (અમદાવાદ)

શંબૂકનું માથું વાઢી લીધું
અંગૂઠો માંગી લીધો એકલવ્યનો
કરી નાખો ગોવિંદ પાનસરેની હત્યા તમતમારે
મારી નાખો નરેન્દ્ર દાભોલકરને
કુલબુર્ગીની કલમ રોકવા એની હત્યા કરી નાખો
ધમકીઓ આપો
આદિવાસી કવિની આંગળીઓ વાઢી નાખવાની 
સોની સોરીની યોનિમાં 
ઠૂંસી ઠૂંસીને પથ્થરો ભરી દો
નિર્દોષ ગૌરી લંકેશના છાતીમાં 
ગોળીઓ ધરબી શકશો.
અરે કરી કરીને તમે બીજું કરશો શું ?
બહુ બહુ તો 
નક્શલવાદના થપ્પા લગાવી 
કોર્ટ કચેરીમાં લઈ જશો.
પણ એ વિચારનું શું ? 
જેને તમે દબાવવા માંગો છો
એ તો વિરાટ વડ થઈને ઊભો છે તમારી સામે
એનાં મૂળિયાં બહુ ઊંડાં ગયાં છે
એની વડવાઈઓ પર ઝૂલે છે હીંચકા
તમે વડરૂપી વિચારનો નાશ નહીં કરી શકો.
કેમ કે
વડવાઈઓ પણ વટવૃક્ષ બનીને ઊભી છે.

૬----------

સીમાઓથી પાર / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

ધરતીની છાતી પર
તારની વાડની બનાવેલી સરહદના ભારતમાં
વસે છે કેટલાય દેશ.
'હિન્દુ રાષ્ટ્રના
કર્ણાવતી મહાનગરના 
નરોડા જિલ્લાના મેઘાણીનગરમાં 
આપનું સ્વાગત છે.
'અમે ભારતના લોકો'
'અમે ભારતીય નાગરિકો'
સરહદની વાડના તારમાં ફસાઈ ગયા છે
જરૂર છે હવે તેને 
સીમાઓ પાર અનહદ ઊડવાની.

૭----------

 कौम हम शर्मिंदा है / मीर खान मकरानी (हिंमतनगरजिला : साबरकांठा)

 कौम हम शर्मिंदा है
तेरे रहमोकरम पर ज़िन्दा है
क्यों उजड़ा चमन मेरा 
कि गिरवी हुवा कफन मेरा
घर मेरा गैरो ने जलाया
तो अपनों ने बसा के डराया
आँसू मेरे बेबसी के कहते है
 कौम क्या हम जमीन पर रहते है?
 कौम हम शर्मिंदा है..

जलील किया हमें इतना तुमने
कि बच्चियों को सताया जाय
या हमारे घर को जलाया जाय
 आयेंगें तेरे दर पर 
चाहे हमारी जान पर बन आये
 कौम हम शर्मिंदा है

क्या तेरे ज़मीर पर जंग लग गया है
या तू भी गैरो संग खड़ा है
मर मर कर हम जी रहे है 
क्या तुम नही होते शर्मिंदा?
अब तो लेले दामन में तेरे
क्यों रहे हम तन्हा अकेले
 कौम हम तेरे आंगन में जी कर भी तन्हा है
अब तो कह दे के तू भी शर्मिंदा है.

૮----------

રોજીની આગ / વજેસિંહ પારગી (ઇટાવાજિલ્લો :  દાહોદ)

હોળીની જેમ
એક દિવસ સળગીને
ટાઢા થઈ જવાનું
નથી અમારા કરમમાં.
અમારે તો 
ચૂલો સળગાવતાં પહેલાં
સળગવું પડે છે રોજેરોજ
રોજીની આગમાં.

૯----------

પેટ / ઉમેશ સોલંકી

ડુંગર
નાના-મોટા ભાતભાતના ડુંગર
ઝાડછોડઘાસનદીજંગલ
જંગલમાં ખેતર
ખેતરમાં ઘર.
ઘર મમળાઈ ગયું
ખેતર ખવાઈ ગયું
જંગલ ચવાઈ ગયું
પાણી પિવાઈ ગયું
ઊણું રહી ગયું તોય પેટ!
પેટ
અહીંથી તહીં બીજે એમ ક્યાં ક્યાં લઈ ગયું ઠેઠ
સમય ને પેટ
લાગે બંને એક :
પેટમાં સમયસમયમાં પેટ
પેટમાં કણ જાય
સમય એને ફોલી ખાય
સમયમાં ક્ષણ જાય
પેટ ચરચર એને ચીરી ખાય.
બધું બદલાય
ન પેટ બદલાય
ન સમય બદલાય.
દિવસ લઈને અજવાળું આવે
કાયાને કામઠામાં ફેરવી નાખે.
રાત આવે
આંખમાંથી બહાર લાવી જોઈ શકાય સપનાને
હલાવી શકતી નથી ઊંઘ એવી રીતે પોપચાંને.
ઊંઘ પણ શું કરે?
કામઠામાંથી છટકી
લટકી પડ્યો અણીદાર થાક પોપચાં વચ્ચે
અને
અન્નનો દાણો બની ગયેલી કાયાને
ખોતરવા લાગ્યું ધનેડું
ક્યારનુંય વાટ જુએ એરંડિયું
દુકાનના ખૂણામાં 
પડેલા ડબ્બામાં 
ઝોકા ખાતું ખાતું.