15 December 2018

અંક - ૬૮ / ડિસેમ્બર ૨૦૧૮


અયોધ્યા-વિશેષાંક  

આ અંકમાં
૧. વજેસિંહ પારગી
૨. ઉપેન્દ્ર બારોટ
૩. રાજેન્દ્ર વાઢેળ 'જીતા'
૪. મહર્ષિ બ્રહ્મ ચમાર 
૫. જયેશ જીવીબહેન સોલંકી
૬. આતિષ ઇન્દ્રેકર છારા
૭. મીરખાન મકરાની
૮. અનિષ ગારંગે 
૯. दीपा
૧૦ હોઝેફા ઉજ્જૈની
૧૧. કુશલ તમંચે 
૧૨. મેહુલ ચાવડા
૧૩. હેમલ જાદવ
૧૪. કુસુમ ડાભી
૧૫. વૈશાખ
૧૬.  ઉમેશ સોલંકી

૧-----

એક બે અને ત્રીજી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

રામ નથી કે અલ્લાહ નથી
કોઈ અમારો તારણહાર નથી.
અમને તો આકાશે નાખ્યા
અને ધરતીએ ઝીલ્યા
કોઈ અમારો સર્જનહાર નથી.
અમારે છે એક પેટ અને બે હાથ
ને ત્રીજી પેટમાં ભભૂકતી આગ
અમે તો વ્યસ્ત અને ત્રસ્ત
ઠારવામાં પેટની આગ.
ભૂખ લાગે ત્યારે રોટલો આપવા
આવતો નથી મંદિરમાંથી રામ
કે મસ્જિદમાંથી અલ્લાહ
ભલા અમારે શું કામનાં
મંદિર અને મસ્જિદ?
નથી જોઈતું અમારે મંદિર
નથી જોઈતી અમારે મસ્જિદ.

૨-----

અનામ / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

નામ જેવું કશું હોવું ન જોઈએ
ભૂંસી નાખો નામને સ્મરણમાંથી
નામ ઓળખ છે
પણ ભૂતકાળ છે
ભૂતકાળમાં લોહીતરસ્યો કાળ છે
કાળ 
ઘણીવાર 
આવ્યો છે ભૂતકાળમાંથી બહાર
તેથી
ભૂંસી નાખો નામને સ્મરણમાંથી
નામ જેવું કશું હોવું ન જોઈએ
ધામ જેવું કશું હોવું ન જોઈએ.

૩-----

ભૂત થયું / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (કાજ, તાલુકો : કોડીનાર, જિલ્લો: ગિર-સોમનાથ)

ભૂત થયું ભૂત થયું ભૂત થયું
રામ નામનું રમકડું
હિંદુવાદનું ભૂત થયું
રાજકારણે મુદ્દો થયું
ચૅનલોમાં ચગી ગયું
ફૈઝાબાદ કે અયોધ્યા
મંદિર કે મસ્જિદ
લોકશાહીનું ભવિષ્ય
સરયૂનાં પાણીમાં ડામાડોળ થયું
રામ નામનું રમકડું
હિંદુવાદનું ભૂત થયું.
દંતકથાઓમાંથી હવે 
પ્રશ્નપત્રો જેવું બધે લીક થયું
બરોજગારી મોંઘવારી ના ઓછી થઈ
ગરીબોનાં ઝૂંપડે ના તચ્છુ^ થયું
બીમાર દવાખાને જઈ થાય
એવું કન્ફ્યૂઝ્ડ થયું
ગામડે શહેરે સવાર સાંજે
લોકલ-ફાસ્ટ, બસસ્ટૅન્ડ રસ્તે
સબસ્ટૅશન ગલી મહોલ્લે બધે
ઊંચા સ્ટૅચ્યૂ કરતાંયે
ઊંચું થયું ઊંચું ઊંચું થયું
ભૂત થયું ભૂત થયું ભૂત થયું
રામ નામનું રમકડું
હિંદુવાદનું ભૂત થયું.
-
^
તચ્છુ - રતીભાર પણ નહીં

૪-----

રામનીતિ કે રાજનીતિ / મહર્ષિ બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો : ભાભર, જિલ્લો : બનાસકાંઠા)

આજે ચૂંટણીટાણે 
વિકાસ વિકાસ કરતી સરકાર
વિકાસ ન કરી શકતાં
મંદિર મંદિર કરવા લાગી છે.
દુઃખ એક વાતનું થાય છે
આપણી સંસ્કૃતિ 
જોડવાની સંસ્કૃતિ
નહિ કે તોડવાની સંસ્કૃતિ
બાબરી મસ્જિદ તોડવાનું 
કુકૃત્ય કરનારે 
મસ્જિદ બનાવવાનું
સુકૃત્ય કરવું પણ જોઈએ.
પણ 
ભૂતકાળ પ્રશ્ન લઈને આવે છે સામે
શંબૂકની હત્યા પછી
શૂર્પણખાનું નાક કાપ્યા પછી
સંવેદના જેવું કંઈ જાગ્યું હશે કે કેમ?

૫-----

ભૂમિ-વિવાદ / જયેશ જીવીબહેન સોલંકી (ભુવાલડી, અમદાવાદ)

મસ્જિદમાં નથી ખુદા
કે મંદિરમાં નથી રામ
એ ક્યાં છે? 
છે કે નહીં એ પ્રશ્ન છે
પણ
મંદિર-મસ્જિદમાં 
લૂંટારા  પંડિત-મૌલવી જરૂર છે.
મૌલવીએ નથી બાંધી મસ્જિદ
કે પંડિતે નથી બાંધ્યું મંદિર
મંદિર-મસ્જિદ બાંધ્યાં છે મજદૂરે
તો મંદિર- મસ્જિદનો માલિક કોણ?
ખુદા, રામ
પંડિત, મૌલવી
કે
મજદૂર? 
ધારો કે 
મસ્જિદ પહેલાં ત્યાં મંદિર હતું
તો મંદિર પહેલાં પણ કશુંક હશે ને ત્યાં
એ શું હતું? 
એ હતું
આદિમાનવોનું ટોળું
જે અહીં જ 
બરાબર આ વિવાદિત ભૂમિ પર
વસતું હતું.
મેં તો એમ પણ સાંભળ્યું છે કે
જ્યાં પ્રભુની મૂર્તિ મૂકી છે 
ત્યાં એક બોરડી હતી
જેને આવતા'તા લાલચોળ ચણીબોર
એ ખાતાં ખાતાં
નિરાંતે હગતા'તા આદિમાનવો.

૬-----

અમે વાંદરા / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)

રામ બોલતાં જ
આયોધ્યા
આયોધ્યાને યાદ કરતાં જ 
રામ
બંનેને સાથે યાદ કરીએ
તો રમખાણો 
મંદિરની ધજાઓ માટે
ગાય માટે 
લવજેહાદ માટે
પરપ્રાંતીય માટે
કારણ કે 
અમે તો વાંદરા છીએ 
આયોધ્યાના વાંદરા
ને રામના નામે
માર્યા ગયા વાંદરા.

૭-----

આજે પણ / મીરખાન મકરાની (હિંમતનગર, જિલ્લો : સાબરકાંઠા)

એક હતી આજાદી 
સાથે મળ્યા હતા ભાગલા
ભાગલામાં માનવતા સળગતી રહી, 
સળગતી આગ પર કોમવાદ ફાલતો રહ્યો.
બાબરની ઓલાદોએ બનાવેલા કિલ્લા પર
આજાદીનો તિરંગો લહેરાયો
સાથે મળ્યા હતા ભાગલા...
આજે પણ
ટોળાશાહીએ લીધો લોકશાહીનો ભોગ
તે ન પહોચી શક્યો અયોધ્યા 
જે નીકળ્યો હતો રોજગારે
તે ન પહોચી શક્યો અયોધ્યા 
જે નીકળ્યો હતો નિશાળે
તે ન પહોંચી શક્યો અયોધ્યા 
જે નોકળ્યો હતો ખેતરે
તે પહોચ્યો અયોધ્યા 
જે નીકળ્યો હતો માનવવધના વિચારે
તે પહોચ્યો અયોધ્યા 
જે હતો ધર્મધંધાના વિચારે
બનાવો તમે મંદિર-મસ્જિદ 
પણ શું તમે
કોઈનો લાલ પાછો લાવી શકશો?  નથી આજે આજાદી 
કે નથી આજે માનવતા
બસ રહી છે હવે કટ્ટરતા 
બસ રહી છે હવે કટ્ટરતા.

૮-----

શંખ / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)

મંદિર મસ્જિદ જવા કરતાં 
શાંતિનો ઘૂંટ પી લઈએ
અઝાન પોકારતા પહેલાં
નાના બાળકને રમાડી લઈએ
છે ઘણા દરવાજા પ્રભુ-સ્મરણના
મળશે ટોળા ઇદમાં અને રમઝાનમાં
પણ
અલ્લાહને ચાદર ચડાવતા પહેલાં
એક નિર્વસ્ત્રને કપડું ઓઢાડી દઈએ.
થઈ હત્યા રાવણની રામના હાથે
નવો વળાંક આવ્યો અહીં તહીં બધે
અયોધ્યા બની નગરી એક દશેરે
પણ 
નગરીને સજાવાતા પહેલાં
કોઈ ગરીબના ઝૂંપડામાં 
એક દીવો સળગાવી લઈએ.
બેકાબૂ ખબરો મળશે રોજ નવા પાને
સફેદ દેડકો આપશે હથિયાર અંદરખાને
વિચારો પલળી જશે 
રહેશે માત્ર કબરો
પણ 
ઘંટ વગાડતા પહેલાં 
પ્રેમનો નાદ ફૂંકી લઈએ
મંદિર મસ્જિદ જવા કરતાં 
શાંતિનો ઘૂંટ પી લઈએ.

૯-----

92 का अवतार / दीपा (मालिया, जिला : मोरबी)

जन्मदिन 'मुबारक'
रामलला, 6 दिसम्बर है आज
याद है ना? 
जश्न हो रहा मस्जिद के मकबरे पर
तो प्रसाद बनाया है
विधि कुछ यूं :
2000
'इन्सानों' का खून
मरने पर पतानहीं चलता
हिंदू कौन मुसलमान,
150000
बेरोजगारी 
इक चम्मच बदनीयत 
खोखले वादों में घोलकर 
राजनीति की कढाई में
धीमी आंच पर
26
वर्षों तक पकाया 
उपर से एक चुटकी नफरत 
और स्वादानुसार डर.
यहीं
सीता की रसोई में 
बनायी है 
खाली पड़ी थी
यूं कि 
मर्यादा इन्सानियत से ज्यादा ज़रूरी है .
तो बस सीख लिया हमने भी
और बंट रहा प्रसाद
जय श्री राम
चख के ज़रूर बताना 
कैसा लगा !

૧૦-----

પથરા / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

પથરા ભેગા કરી 
કરી ભવ્ય યાત્રા
પત્તર ઠોકાઈ દેશની 
ને જયશ્રી રામ ગાજ્યા
પથરા મૂકી જમીનમાં 
પાયો નફરતનો નાખ્યો
વર્ષો જૂની મહેનતનું ફળ ચાખ્યું
રાજકારણના અખાડામાં વગાડ્યો પથરાનો ઢોલ
'
મંદિર વહી બનાયેંગે'થી સત્તા મેળવી રે લોલ
સત્તા થાય જ્યારે ડામાડોળ
લોકોની લાગણીઓ ભડકાવે 
ને યાદ કરાવે પથરાના મોલ
પથરા લઈ, પથરા તોડી 
પથરા એક બીજાને માર્યા
માણસ અંદરનાં જાનવરો 
ભયાનક રીતે જાગ્યાં
માણસ મારે માણસને 
ચૂસે માણસ માણસનું લોહી.
પથરાનું ન્યાયતંત્ર 
તેમાં બેઠા ડોગલા
કંકોડો ન્યાય મળશે
ઘંટા જેવા ફેસલા
હવે મંદિર બાનાવો કે મસ્જિદ 
કે રાખો બુદ્ધની મૂરત
લોહીથી ખદબદ જમીન.
પથરા વેચાય છે બજારમાં 
પાકો થયો છે સોદો
વરસોવરસ ચાલશે પથરાઓનો મુદ્દો
બસ કરો 
બહુ થયું હવે ભાઈ
પથરા બનાવવા હોય તો બનાવી લો
ને પૂરી કરો તમારી કામના
બંધ કરો રાજરમત 
ભડકાવશો નહીં લોકોની ભાવના
નહીંતર એક દિવસ
ભેગા કરી પથરા
લોકો કાઢશે ભવ્ય યાત્રા 
પત્તર ઠોકશે તમારી 
ને પથરા મારી ફોડશે તમારાં માથાં...

૧૧-----

ગેરમાર્ગે / કુશલ તમંચે (છારાનગર, અમદાવાદ)

કાળા કાળા અંધારે મૂર્તિ બની ગઈ°
રામ થઈને મસ્જિદમાં અવતરણ કરી ગઈ 
ગામેગામ ભૂંગળો વાગ્યો
ટાઈટલ સ્યૂટનો°° રે ભાઈ દાવો લાગ્યો
ધીરે ધીરે રામ મંદિરનો વિવાદ જાગ્યો 
વિવાદના ઘંટનો એવો ઘોંઘાટ થયો
કે ઘોંઘાટ કોરટના કાને અથડાયો 
કોરટે ઠક ઠક કરી ઘોંઘાટને શાંત કર્યો 
બાબરીના ઇતિહાસને ઇતિહાસ માન્યો 
પણ કલ્યાણના^ માથે બાબરિયો ભૂત બેઠો 
ને ઈતિહાસને શ્રદ્ધાનો ગોદો વાગ્યો 
બાબરીનો ઢાંચો પડી ભાંગ્યો 
પડેલા ઢાંચાને લીબ્રહાને^^ ફેંદી જોયો 
ફેંદીને બાબરિયા ભૂતને શોધી કાઢ્યો 
બાબરિયો ભૂત હવે ખુલ્લંખુલ્લા નાચે છે 
નાચતાં નાચતાં ઠેસ મારે છે 
ઠેસ એની સંસદને વાગે છે
ઠેસ એની સંસદને વાગે છે...
-
°બાબરી મસ્જિદમાં રાત્રે કોઈક મૂર્તિઓ નાંખી ગયું છે એવી એફ.આઈ.આર. ૧૯૪૯માં થઈ હતી. 
°°ટાઈટલ સ્યૂટ - હક દાવો (અહીં જમીનનો)
^
બાબરીધ્વંસ વખતે યુ.પી.ના મુખ્યમંત્રી 
^
બાબરીધ્વંસ પછી નિમાયેલું તપાસપંચ

૧૨-----

હાઇકુ / મેહુલ ચાવડા (અમદાવાદ)

ગરીબભૂખ્યું
નગર આ નગર
લોહીતરસ્યું

૧૩-----

શ્રદ્ધાનો સવાલ / હેમલ જાદવ (અમદાવાદ)

અયોધ્યા?
શ....ચૂપ
કોઈ શંકા નહીં
કોઈ સવાલ નહીં
પુરાવા નહીં પ્રમાણ નહીં
એ તો શ્રદ્ધાનો સવાલ છે.
પેલા મુલ્લાઓ કહે છે 
ત્યાં મસ્જિદ હતી
શું....? મસ્જિદ ?
પુરાવા લાવો 
પ્રમાણ લાવો
હિન્દુત્વપર ખતરાનો સવાલ છે.
મંદિર હતું
ના....ના... મસ્જિદ હતી
મંદિર.... મસ્જિદ.....
દોડો....પકડો...કાપો... મારો....
હવે તો પ્રતિષ્ઠાનો આ સવાલ છે
રામરહીમના અસ્તિત્વનો સવાલ છે.
નગર બળે, શવ રખડે
'
નામર્દ' થઈ સ્ત્રી પર તૂટે
રામરહીમના રખવાળા રાક્ષસ બનીને ફરે
પણ કંઈ નહીં યાર 
છેવટે તો શ્રદ્ધાનો સવાલ છે
આસ્થાનો સવાલ છે.
ખાલી પેટે મરીશું, નાગા થઈને ફરીશું
ગરીબીને કિસ્મત ગણીશું
સરકારોના નચાયા નાચીશું
દવા રસ્તા પાણી શિક્ષણ વગર રહીશું
પણ,અયોધ્યા માટે લડીશું
આખરે તો શ્રદ્ધાનો સવાલ છે.

૧૪-----

ખુરશી ખતરામાં / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

જય શ્રી રામ જય શ્રી રામ
હૈયે હરખ ન માતો.
શબરી-કેવટ- હનુમાનના વારસોને
કહેણ આવ્યા અયોધ્યાથી.
રામલલ્લા બોલાવે
હૈયે હરખ ન માતો.
ડોહી-ડોહા બીવી-બચ્ચાં
આંનદે કિલકિલતાં
કપાળે તિલક ગળે ફૂલહાર
પ્રવેશ્યા ટ્રેનદ્વારે
બકરો ચાલ્યો જાણે બલિ થવા મંદિરે
બેઠાં ડબ્બે, નાસ્તા-પાણી
મોજમજા- રામધૂન સંગાથે
હિંદુ હિંદુ બસ હિંદુ સૌ
ન કોઈ જાતિ-પાતિ
કેવા છો? ક્યાંના છો?
સવાલો જ્યાં કર્યા એકબીજાને
ન કોઈ બ્રાહ્મણ ન કોઈ વાણિયો
ન કોઈ દરબાર નીકળ્યો.
વણકર કોળી રોહિત બાવા
કણબી આદિવાસી નીકળ્યા
મજૂરી ખેતી જોડા સીવનારા
ઝૂંપડા-પોળ-ચાલીવાળા નીકળ્યા.
ફરતી ફરતી ટ્રેન ગોધરા પહોંચી
બેય ડબ્બા સળગાવ્યા
રોકકળ વચ્ચે જીવતા ભૂંજાયા
બચાવો બચાવો કહેતા તોયે
રામ ન વહારે ધાયા.
ગોધરાની આગ ગુજરાતમાં ફેલાણી
અનુગોધરા થઈ આગળ ઝિલાણી.
એક બે ને પાંચ દસ વર્ષ પછી
આંખો ખુલી
અપરાધી બહાર ઘૂમે
નિર્દોષ પુરાયા જેલમાં જોને
ન કોઈ મૌલવી ન કોઈ મઠાધિપતિ
એમણે તો બસ 
નાનીમોટી ખુરશીઓ મેળવી.
રાજકારણનો એકડો બગડો
ગરીબોને ન આવડે.
લુચ્ચા-સંધીઓ ગરીબોને હવે
સમરસતાના પાઠ ભણાવે.
ફરી ફરીને રામમંદિરના નામે
ગરીબોને ફોસલાવે.
દોડો દોડો ધર્મ ખતરામાં,
રામલલ્લા બોલાવે.
એવા એવા ભાષણ ઠોકે, 
યુવાનોને ભરમાવે.
'
મંદિર વહી બનાયેંગે' કહીને
હિંદુઓને સપના દેખાડે
ન ધર્મ ન રાજ્ય ન દેશ
નથી કોઈ ખતરામાં.
હે ભારતિયો સમજી જાજો,
ખુરશી છે ખતરામાં.
ગરીબ મજદૂર યુવાનો
પછી જીવ ગુમાવી દેશો.
ન રામ ન હનુમાન ન કૃષ્ણ
ન અલ્લાહ બચાવવા આવશે.

૧૫-----

ચેપી અણુબોમ્બ / વૈશાખ (અમદાવાદ)

આશ્ચર્ય ન લાગે તો એક વાત કહું?
વિશ્વના કોઈપણ દુશ્મન દેશથી 
આપણે ડરવાની જરૂર નથી 
કેમ કે સૌથી વધુ અણુબોમ્બ 
શાંતિદૂત હિંદુસ્તાન પાસે છે 
એટલે વિકએન્ડમાં 
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 
વેલી ઓફ ફ્લાવર્સમાં બેસીને 
મન કી બાત પર મોજથી મનન કરો 
અને સ્ટાર પ્લસની મેકઅપના એક્સ્ટ્રા ઓવરડોઝવાળી
કોઈપણ સીરીયલ સીરીયસલી જોતાં જોતાં
ઘોર ઊંઘમાં ઊંઘતા રહો.. 
કેમ કે 
સૌથી વધુ અણુબોમ્બ 
શાંતિદૂત હિંદુસ્તાન પાસે છે 
હા...ભાઈ....!!!
પૌરાણિક યુગની આ વાર્તા છે 
જ્યારે માણસ માત્ર માણસ હતો 
જંગલોમાં રહેતો 
ગુફાઓમાં સૂતો 
પશુપક્ષીઓના લગ્નમાં વરઘોડો લઈ નીકળતો 
નદીઓને પૂજતો પર્વતોને પગે પડતો 
ને જો આકાશી કોઈ રુહાની રહસ્ય સ્વપ્નમાં પંપાળી જાય 
તો વાંસની વાંસળી 
ને તાલીઓના તાલે નાચી ઊઠતો 
ને વરસાદી ઢોલ સાથે મોર બની સૂરીલું ગહેકી ઊઠતો 
કુદરત સિવાય કોઈનીયે એને હાડાબારી નહીં
પરંતુ એ વખતના અમુક 
ધાર્મિક વૈજ્ઞાનિકોને આ હાડાબારીની ઈર્ષ્યા થઈ
કે સાલું ! માણસ માણસની જેમ વર્તે !
ડર્યા વગર જે ખાવું હોય એ ખાય 
ને પાછું લાજશરમ વગર નાચે ને ગાય 
આવો 'અંધ વિશ્વાસ' તો કેમ કરીને ચાલે !
એટલે 
સનાતનયુગના આ મહાન ધાર્મિક વૈજ્ઞાનિકો
વીજળીવેગે તપસ્યાની રીસર્ચ લેબમાં જઈ 
મોટા પત્થરમાંથી 
નાના ચેપી અણુબોમ્બની શોધ કરી  
જેમાં હોમ હવન ને યજ્ઞ નામની અલૌકિક ચીપ ફીટ કરી
ભૂત ભવિષ્ય ને વર્તમાનનું ટાઈમર પણ સેટ કર્યું 
ને ગૂઢ પ્રચાર  નામનું એવું ગૂંગળ ફૂંક્યું
કે જેટલી વાર આ ચેપી અણુબોમ્બ ફાટે 
એટલીવાર એનું કદ કદાવર થતું રહે
ને પછી આ ધાર્મિક વૈજ્ઞાનિકોએ 'આસ્થા'ના ફાઇટર વિમાનથી 
પેલા માણસની સ્વચ્છંદ ગુફા પર 
કરી દીધો હુમલો 
ને પેલા માણસના મૌલિક જંગલમાં 
ગૌરવશાળી સ્વચ્છંદી ગુફામાં 
વાંસની વાંસળીમાં 
તાલીઓના તાલમાં 
આત્માના નાદમાં 
એવો ધાર્મિક જૈવ રાસાયણિક ચેપ ઘુસાડ્યો
કે આજ દિન સુધી 
એ માણસની બધી પેઢીઓમાંથી
લૂલી લંગડી બહેરી મૂંગી ને મંદ બુદ્ધિ જ પેદા થાય છે 
ને પેલા અણુબોમ્બની અણધારી ખાસિયત પણ એવી 
કે માણસની વસ્તીના જેટલા ભાગલા પડે 
એમ એ બોમ્બની વસ્તી 
ધાર્મિક અણુઓના કટ્ટર પત્થરની જેમ વિસ્તરતી રહે 
ક્યાંક રોડના ડિવાઇડરની વચમાં 
ક્યાંક ટ્રાફિક સર્કલના ચોકમાં
ક્યાંક જાહેર શૌચાલયની બાજુમાં 
ક્યાંક દારૂના પીઠાની પીઠને અડીને 
તો ક્યાંક ક્રિકેટના મેદાનમાં 
તો ક્યાંક ટીવીની લાઈવ ડિબેટમાં 
તો ક્યાંક 
ગામથી શહેરના સિવિલાઇઝેશનમાં 
ક્યાંક ગલ્લાંની બીડી સિગરેટના ધુમાડામાં
સોશિઅલ મીડિયાના દરેક નેટવર્કમાં 
ચૂંટણીઓના એક્ઝિટ પોલમાં
આપણા બધાની સભાનતાનાં અંધારા અજવાસમાં  
એટલે આશ્ચર્ય ન લાગે તો એક વાત કહું? 
આપણે કોઈ દુશ્મન દેશથી ડરવાની જરૂર નથી 
કેમકે સૌથી વધુ અણુબોમ્બ તો 
શાંતિદૂત હિંદુસ્તાન પાસે છે
કેમકે 
આ ધાર્મિક વૈજ્ઞાનિકોએ 
છેક પૌરાણિક યુગથી જ 
માણસમાંથી માણસને જ નીચોવી લીધો છે
મંદિર ને મસ્જિદનામના ચેપી અણુબોમ્બની શોધ કરી...

૧૬-----

ધારા / ઉમેશ સોલંકી

કેટકેટલી ધારા
વહેતી મારામાં
એક ધારા ડુબાડે
બીજી તરત ઉગારે
ડૂબીને જીવી જાઉં છું
ઊગરીને તરી જાઉં છું
જીવી જનાર હું નથી
તરી જનાર હું નથી
છતાં હું છું
ધારાઓમાં વહેંચાયેલો છું.
ધારા મને ગમે છે
ધારાઓ મને બહુ ગમે છે
ધારા વગર જીવી શકું છું
ધારા વગર હરીફરી શકું છું
ધારા વગર શ્વાસ એકેય ના લઈ શકું છું
ધારાઓમાં વહેંચાયેલો છું.
ધારા જોતી જંગલ
જંગલની લીલી પીળી ધોળી એમ વિવિધરંગી રંગત
રંગતમાં વસતી હાલતી-ચાલતી દોડતી કૂદતી નાચતી
નિયમને માથે રાખતી સંગત
સંગત સંકોચાવા લાગી
રંગતમાં ફીકાશ ભળવા લાગી
ફીકી પડતી રંગત
સંકોચાતી સંગત
ધારા જોતી જંગલ.
ધારા જોતી ગામ
સદીઓ વીતી તોય ઠરીઠામ
એક ગામ
ગામની બહાર બીજું ગામ
એમ દરેક ગામ
ધારા જોતી એક ગામનાં બે ગામ.
ધારા જોતી નગર
નગરની નાનીમોટી ડગર
મોટી ડગર પર મંદિર
મંદિર ક્યારેક કશુંક પી નાખે
પીધા પછી તાંડવ કરે
દરેક ડગર ડગમગવા લાગે
ડગમગતી ડગર અડે જેને 
એ પણ ડગર બનવા લાગે :
દુકાન ડગર લારી ડગર
ઘર ડગર મઢી ડગર
મસ્જિદ ડગર મૂર્તિ ડગર
તિલક ડગર ટોપી ડગર
ટાલ ડગર ચોટી ડગર
ડગર ડગર બધું ડગર
જડ ડગર ચેતન ડગર
ડગરને તીણી ધાર નીકળે
ચેતનને એ ચીરી નાખે
તણખા ઝેરવી બાળી નાખે
ઠેબું મારી કાસળ કાઢી નાખે
ડગર ડગરને પીંખી નાખે
પગલાં વગરની નાગી ડગર
ધારા જોતી આ નગર તે નગર
ધારાને યાદ આવ્યું અચાનક જંગલ
ફીકું જંગલ સંકોચાતું જંગલ
ગમે તેવું પણ રંગતવાળું જંગલ
સંગતવાળું જંગલ
ધારાએ એક ઠૂમકો માર્યો
ડગર બધી થઈ ગઈ જળ
ઠંડું ઠંડું મીઠું જળ.
મંદિર ફરી કંઈક પી ગયું છે
તાંડવ એણે શરૂ કર્યું છે
પણ
એકેય ડગર ડગમગતી નથી
ઠંડી મીઠાશ ડગરમાંથી ખસતી નથી
તાંડવ ધીરે ધીરે જોર કરીને વધી રહ્યું છે
ઠૂમકો મારવા પગનું તળિયું સ્હેજ ઊંચું થયું છે.