આ અંકમાં
૧. रास्ते / दीपा
૨. અગ્નિદાહ / હોઝેફા ઉજ્જૈની
૩. મીંડું / અનિષ ગારંગે
૪. પેટના ખાડામાં / વજેસિંહ પારગી
૫. જુમલો / કુશલ તમંચે
૬. હું / ઉમેશ સોલંકી
૧-----
रास्ते / दीपा (मालिया, जिला : मोरबी)
तुम्हारे रास्ते मेरे रास्ते अलग हैं
नहीं सच में!
हाईवे तुम्हारा, गलियां तुम्हारी
रात के रस्ते तुम्हारे,
सुनसान रस्ते तुम्हारे.
बेमतलब रस्ते तुम्हारे
आवारा रस्ते तुम्हारे
जंगल की पग डंडिया
रेतों के धूमिल रस्ते, सब तुम्हारे
देखो तुम्हारे पैरों की छाप पड़ी है
विशालकाय अटल सदृढ़ छाप
खुश हो लिए
अब आओ मेरे रास्ते पर
ये वो रास्ता जहाँ मुझे
‘लाज’ निकालनी नहीं पड़ती
वो रास्ता
जहाँ मैं कबड्डी खेलती हूँ
बिना सोचे की मेरा दुपट्टा कहीं गिर ना जाए
जहाँ मैं भी रातों को ठहाके मार कर हस्ती हूँ
जहाँ मैं बिना मतलब घुमती हूँ
और खुद पर नज़रें टंगी नहीं पाती
जहाँ मैं बारिश में नाचती हूँ
और चाय क प्याले पर
राजनीतिक सवाल पूछती हूँ
जहाँ मैं दौड़ती हु उछलती हूँ
उटपटांग हरक़ते करती हूँ
वो रास्ते
जिनके लिए मैं कभी छोटी नहीं होती
और कभी बड़ी नहीं होती
जो सिर्फ घर से काम
और काम से घर के नहीं होते
जहाँ मैं दोस्त बनाती हूँ
जहाँ मैं इश्क करती हूँ
जहाँ मैं शरारतें करती हूँ
जहाँ मैं इंतज़ार नहीं करती तुम्हारा
वो रास्ते मेरे
वो गलियां मेरी
वो सुनसानियत मेरी
बेमतलब आवारा और जंगल की पग डंडियाँ मेरी
वो मेरा रास्ता बीचोंबीच बनाया है मैंने
तुम्हारे रस्ते के गड्ढों को चुनकर
तो चलो चलें
૨-----
અગ્નિદાહ / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)
તેત્રીસ દિવસથી ન્યાય ઝંખતી
આદિવાસી દીકરી
પિંકી ગમારના
બરફમાં જામી ગયેલા શવના માસના લોથડા
સમાજ, માતાજી અને ભગવાનને
ખદબદાવી રહયા છે.
વાત સાચી
પિંકીના પરિવારની
'તેમની દીકરી હોત
આંદોલન થઈ જાત
ન્યાય રાતોરાત મળી જાત.'
કરજે માફ મને
હું ધિક્કારું છુ પોતાની જાતને.
પિંકીનું શરીર
સડવાની પ્રક્રિયા પાર કરી ચૂક્યું છે
હવે
ગુનેગારોને તાબામાં લઈને જ થશે
કોહવાઈ ગયેલા
લોકતંત્રના ન્યાયતંત્રના શવનો અગ્નિદાહ.
૩-----
મીંડું / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)
સવાર થઈ
વિચારોનો લેપ ઉતાર્યો
દુર્ગંધભર્યા મ્હોંમાંથી બગાસું આવ્યું
થાકેલું બુરાસ
કાસળ કાઢેલી કોલગેટ
આંખોમાં ભરાયેલી સપના તૂટેલાની ગુદ
તિરાડ પડેલા દર્પણ સામે
એ જ રોજનો મુરઝાયેલો ચેહરો.
બેગમાં એ જ વાસી સામાન
કરચલીઓવાળો બુસટ
મળેલાં ચશ્માં
અણધાર્યા કાગળ.
ખબર નથી આ શું કામમાં આવે છે....
જે પેટના ખાડામાં ઊતરી
ભૂખનાં હાલરડાં ગાય છે
લાઈટના બિલમાં એક આંકડો વધારે લાગે છે
જે મીંડાની સાથે બેસી
મારું અટ્ટહાસ્ય કરે છે.
ગંધાયેલાં મોજાં પહેરીને
રોડ પર દાળમૂંગ ખાવા નીકળ્યો
પર્સમાં હાથ નાખ્યો
જેમાં એક મીંડું રૂંધાય છે
જે રેતની ઝાલર પકડીને
રણમાં ઊંટની જેમ સંતાય છે.
૪-----
પેટના ખાડામાં / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)
ભરાયેલું હોત પેટ
તો અમેય કરત
એવું કોઈ કામ
કે લેવી પડત જગતને એની નોંધ
કે પછી લખત
એવી કોઈ પ્રેમકવિતા
કે પ્રેમ ન કરનારાયે એને વાંચત
પણ કાયમ રહ્યાં દટાયેલાં
અમારાં હાથ હૈયું ને માથું
પેટના ખાડામાં
૫-----
જુમલો / કુશલ તમંચે (છારાનગર, અમદાવાદ)
વિકાસ નામે આવ્યો રે
નંબરો વધારી સ્વચ્છતા કરે જુમલો
રિમોટમાં સ્ટાર્ટ અપ લઈ
ડિજીટલ બને રે જુમલો
મુદ્રા ભાંગી, મુદ્રા આપી
ભજિયા રોજગારનો જુમલો
ભીડતંત્રને બેકાબુ રાખી
ઘરવાપસી કરે રે જુમલો
દેશદ્રોહ રાષ્ટ્વાદ ફરતે
સર્જીકલ સ્ટ્રાઈક જુમલો
કર્મનિષ્ઠોને નજરબંધ કરી
અર્બન નક્સલનો જુમલો
નોટબંધી બની સબજીમંડી
કાળું નાણું આવ્યો જુમલો
નાદાર પલાયનને પ્રોત્સાહન
ખેડૂતો દેવામાફીનો જુમલો
મેક ઇન ઇન્ડિયા નામે અયોધ્યા
સી.બી.આઈ. અસ્થાને જુમલો
વિકાસ નામે વોટ આપો
પૂર્ણ બહુમતનો જુમલો.
૬-----
હું / ઉમેશ સોલંકી
નસો બધી એવીને એવી ગરમીલી
આંખો હજી નિયમને વરેલી
શ્વાસોને ગમતી હૃદયની ગલી
ચાલવાના સમયે પગ ચાલવા લાગે
મન પણ વખતસર કામ કરવા લાગે
પેટને પદાર્થ માફક આવે
રાત પડે ને શરીર ઢળવા લાગે
દિવસ થતાં ફરી ગતિ કરવા લાગે
તારા ગયા પછી
તારા ગયાનો કશો અર્થ નથી
આ દેશમાં હું કેવળ હું નથી.