15 March 2018

અંક - ૫૯ / માર્ચ ૨૦૧૮


આ અંકમાં
૧. મૂર્તિઓ તોડો / જયેશ સોલંકી
૨. જોઈએ હવે / વજેસિંહ પારગી 
૩. ચાલ પ્રિયે / કુસુમ ડાભી
૪. ચાલી ગયું / કલ્પના ભાભોર
૫. રીડ પડી..હ..રીડ / આતિષ ઇન્દ્રેકર છારા
૬. એવા કેરની / ધાર્મિક
૭. પ્રેમ / ઉમેશ સોલંકી


૧----------

મૂર્તિઓ તોડો / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

તોડો તોડો,
મૂર્તિઓ તોડો,
મૂર્તિઓ માટે નહીં પાથરે 
કોઈ દલિત મજૂર હવે ખોળો.
તમ તમારે તોડો,
કણ કણમાં વસ્યો છે 
સીતાનો શંકાશીલ પતિ, શંબૂકનો હત્યારો રામ
સર્વવ્યાપી છે તમારો પેલો ભગવાન
જે નથી આવતો
આંધળા, અપંગ 
દીન-દુખિયારા, સર્વહારા મનખને કામ
તો એની મૂર્તિને 
કોઈક તો મેલો લ્યા હડસેલો!
અમે પૂતળામાં પેસી ગયેલા
લેનિનને નથી ઓળખતા
અમે તો દાતરડા અને હથોડામાં હયાત 
હાજરાહાજૂર લેનિનના કોમરેડ છીએ.
છોને મરડી નાંખી હો તમે
બાબાસાહેબની
પેલી સમાનતા તરફ ઇશારો કરતી આંગળી
પણ દલિતોનાં દિલમાં
ગવાતાં ગીતમાં 
અમર છે બાબાસાહેબ.
પણ એટલું યાદ રાખજો નાલાયકો 
જે દિવસે અમે તોડીશું પૂતળાં
એ દિવસે
પ્રતિમામાં પેસી ગયેલાં 
તેત્રીસ કરોડ દેવી-દેવતા ને ભૂદેવ
બધાં ઊભી પૂછડીએ ભાગશે.

૨----------

જોઈએ હવે / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

હજારો રસ્તા છે
સાવ અજાણ્યા
નથી કોઈ રાહબર
કે નથી ખબર મુકામની.
બસ એક હૃદય છે
મારું સંગી
એ દોરે એ રસ્તે
ચાલું છું
ને જાઉં છું
લઈ જાય ત્યાં.
સંતો કહે છે
હૃદયથી દોરાનાર
એક દિવસ પહોંચે છે
ઈશ્વર સુધી;
લોકો કહે છે
હૃદયથી દોરાનાર
ભટકે છે
સાતે અવતાર.
જોઈએ હવે

સાચું કોણ પડે છે?

૩----------

ચાલ પ્રિયે / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

તું
ગંદો ગોબરો ગરીબ
જે પણ હોય
તું મને પ્રિય છે, પ્રિયે.
તું
અભણ અજ્ઞાની અલ્લડ હોય
તો પણ,
હું તારી આશિક છું, પ્રિયે.
સામંતવાદ-મૂડીવાદની આટીઘૂંટીથી ઉપર ઊઠ,
તું ને હું
બસ માનવ છીએ, પ્રિયે.
ચાલ
હું મૂડીવાદને જાકારો દઉં 
ને તું ગરીબીને
આપણે
સમાજવાદ માનવતાવાદના પ્રહરી બનીએ
પ્રિયે!

૪----------

ચાલી ગયું / કલ્પના ભાભોર (ટૂંકીવજુ, પોસ્ટ – ગાંગરડી, તાલુકો – ગરબાડા, જિલ્લો – દાહોદ)

વહેવું હતું ઝરણાની સાથે
વહેવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
તરવું હતું ઝરણાની સાથે
તપવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
ગાવું હતું ઝરણાની સાથે
ગાવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
ખેલવું હતું ઝરણાની સાથે
ખેલવાની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
જીવન વિતાવવું હતું ઝરણાની સાથે
જીવનની શરૂઆત કરતાં ઝરણું વહી ગયું
આ ઝરણાનું હૃદય કેવું હશે?
તે છોડીને મને ચાલી ગયું!

૫----------

રીડ પડી..હ..રીડ / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)

રીડ પડી..હ..રીડ
રીડ પડી...હ..રીડ
છારેનગરા માંહી
પુલીસા કી રીડ પડી હ
કિતોડ હ પુલીસ
સિંગલ ચાલિયાંમ
ચાલીસ મકાનામ
અર્જુનનગરામ..
ક્યા પકડ્યા
દેશી દારૂ પકડી
ઈંગ્લીશ ભી પકડી
અન અબ તો
બિન ફાલતુ ગાડિયા, ભી પકડિયા
પણ ગાડિયા કાહિકુ?
અર ઉપરાસ ઓર્ડર હ..
ક છારેનગર માહી રોજી રીડા પાડો
જી ક્યાં ખાલી છારાનગરમ દારૂ બીચથી ક્યાં?
દુસરે જગ્યા ભી તો બીચિ રહિયા
અન પેડે માંહી આખે દારૂ થોડી બેચતે હ
અન ચોરી ભી કડ કરતે હ.
અર ચૂપ વધાર મતી બોલ્લ..
હમ છારેનગર માંહી રહેતે હ ન બસ 
યોહી હી ગુન્હા મ્હારા..
અબ વધાર મતી બોલ તો..
નાહીં તો ચકું ભી ખોટે કેસામ બંધ કરી દંગડે
યો પુલીસ હ પુલીસ..
રીડ પડી હ રીડ
પુલીસા કી જનરલ રીડ
પણ અમદાવાદા કે ખાલી છારેનગરામ.. જ?
કાહીકુ ક્યાં આખે અમદાવાદ માંહી
ખાલી છારે જ ચોર હ?
બુટલેગર હ?
ગુન્હેગાર હ?
અન દુસરે ઔર કોઇ નાહી
રીડ પડી....હ.....રીડ
છારેનગરામ પુલીસા કી 
રીડ પડી....હ....રીડ..

૬----------

એવા કેરની / ધાર્મિક (ધોરણ - ૮, શ્રી કોલીવાડા પ્રાથમિક શાળા તાલુકો - સાંતલપુર, જિલ્લો - પાટણ)

એવા કેરની કથા લખતાં
કલમ મારી કાંપે
સમી સુરત કરતાં કરતાં 
વરસ્યો સવારસાંજે
અરણાસાનું આવતું પાણી (અરણાસા - બનાસ નદી)
અણહિલ સુધી આવે (અણહિલ - પાટણની ધરતી)
ધાનેરાની ધરા આજે
ધસમસતી રેલના પ્રવાહે.
જીવને જોખમમાં મૂકી 
જેણે કાર્ય કર્યું મહાન 
તે વીર જવાનોને અમે 
ભરીએ સલામ આજે.
દિલનું દુઃખ દૂર કરીને 
ચાલુ કરીએ વિકાસ 
'ધાર્મિક' ધ્રૂજે છે હજી
જોઈને પૂરનો વિનાશ 

૭----------

પ્રેમ / ઉમેશ સોલંકી

નાગાંપૂગાં બાળક માટેનાં
કપડાંનાં સપનાંથી
તારી ઊંઘ ફાટી જાય, તો મને કહેજે.
સ્વાદિષ્ટ કોળિયામાં
ખાલીખમ પેટમાંથી જોતી
આંખ દેખાય, તો મને કહેજે.
ઠંડું ઠંડું પાણી પીતાં પીતાં
ગોબા પડેલા બેડાના ભારના વિચારથી
થાકી જવાય, તો મને કહેજે.
મને કહેજે
જ્યારે પોચા પોચા બિસ્તરમાંથી આવતી
ફાટીમેલી ગોદડીની ગંધ
નાકના ટેરવાને લાલ કરી નાખે.
મને કહેજે
જ્યારે સ્વિમિંગ પુલનું પાણી
શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે.
મને કહેજે
જ્યારે તને એવું લાગે
કે આવું તો મને મારી દુનિયામાં પહેલીવાર લાગે.

હું જાણું છું
તું મને ચાહે છે
ચાહી શકાય એટલું ચાહે છે
ન વેઠી શકાય એટલું ચાહે છે
પણ મારા સુધી પહોંચવાનો
આ જ રસ્તો છે.

તને તો ખબર છે
પ્રેમમાં પીડા છે
તો ચાલને
સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પિડાતાને પ્રેમ આપીએ
પછી એમની પીડા
ને આપણી પીડા
આપણાં હૈયાંમાં
આપણા હૈયામાં ભેગી થશે
ને ઊગી નીકળશે પ્રેમ
એ પ્રેમમાં હશે બસ પ્રેમ
પીડા જેવુંય કંઈ નહીં.

15 February 2018

અંક - ૫૮ / ફેબ્રુઆરી ૨૦૧૮

આ અંકમાં
૧. અગરિયાનું ઘર / દેવેન્દ્ર કે. વાણિયા
૨. સમાગમની ભીખ / કુસુમ ડાભી
૩. બાબાસાહેબ / જયેશ સોલંકી
૪. કલમ વડે / ગુણવંત મેરૈયા
૫. એકાદ આશા / વજેસિંહ પારગી
૬. સંવાદની વાત / ઉપેન્દ્ર બારોટ
૭. મૂળિયું બનાવો / ઉમેશ સોલંકી

૧----------

અગરિયાનું ઘર / દેવેન્દ્ર કે. વાણિયા 'સ્નેહ' (ખારાઘોડા, તાલુકો : પાટડી, જિલ્લો : સુરેન્દ્રનગર)

વારે વેચાય એવા
મોંઘેરા પ્લોટની નથી ગતાગમ
અમે મફતિયા પ્લોટમાં રહીએ
ઘાસ અને કંતાનથી બાંધીને ઝૂંપડી
ઘરનો અહેસાસ એમાં કરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

નથી દીવાલ નથી બારી કે બારણાં
અમને ડર નહીં ચોરીચુંગાલનો
તાળા કે ચાવીની પરવા નથી
ડર નહીં માનવરંજાડનો
અમે લાગણીના ઘરમાં રહીએ

કેવું છે ઘર મારું, ન્યારું છે ઘર મારું
સંતોષને સુખ સમજીએ
દશે દિશાથી ભલે વાયે વાયરા
અમે વાયરાની સાથે વિહરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

નથી જરૂર મારે મહેલ મહેલાતોની
જરૂર નથી ધનમાલની
મમતા ને લાગણીના મોટા મનડામાં
'સ્નેહ' શમણાંના સૂર પૂરીએ
અમે લાગણીના ઘરમાં રહીએ

૨----------

સમાગમની ભીખ / કુસુમ ડાભી (લીંબડી, જિવ્લો : સુરેન્દ્રનગર)

રસ્તે રખડતી ભટકતી
વેરવિખેર વાળ સાથે ફરતી
દાયકા જૂનાં
મેલાં લૂગડાંથી શરીર ઢાંકતી
કંઈ કેટલાંય બાકોરાંમાંથી
કાળામેશ ઢીંચણને, સાથળને સંતાડતી
હાલતાં-ચાલતાં
ટીખળિયાઓથી ડરતી પથ્થર ફેંકતી
એ જીવતી લાશ બની તોય જીવતી
શિયાળે ઠરતી ઉનાળે હાંફતી
ચોમાસે થરથર કાંપતી
દી ઊગે ને આથમે
એ હાથે જ્યારે ખાવા-પીવાનું માંગતી
સજ્જનોની વાણી: 'આઘી જા, હટ!'
તિરસ્કાર ભરી નજરે
એને તાકતી
રાતના અંધારે
એ જ સજ્જનો દુર્જનો બની
એ માંસના લોચા નિચોવતા
ગાંડી, પાગલ 'ડાકણ'રૂપી મા
તોય,
સજ્જનોના સમાગમની ભીખને
ખોળે રાખી હેતથી પંપાળતી...

(St. સ્ટેન્ડમાં જોયેલી એક પાગલ સ્ત્રીના ખોળામાં બાળક...અચાનક મનમાં યાદ આવ્યું આ)

૩----------

બાબાસાહેબ / જયેશ સોલંકી (ભુવાલડી, તાલુકો-જિલ્લો : ભુવાલડી)

બાબાસાહેબ,
હું રહ્યો
ભંગિયો
મને શી ખબર
આંબેડકરવાદ શું ચીજ છે ?
કોઇ કહે છે
તમારી આંગળી
સત્તા-પ્રાપ્ત કરવા તરફ
ઇશારો કરે છે
કોઇ કહે છે
'બૌદ્ધ' બનવા તરફ
કોઇ કહે છે
જાતિનિર્મૂલન તરફ
કોઇ કહે છે
શિક્ષિત બનવા તરફ
તો કોઇ વળી
એમ કહે છે
બાબાસાહેબ
મજૂરોના નેતા હતા
એમણે સ્વતંત્ર મજૂર પક્ષ સ્થાપેલો
જ્યાં મેં
ભરપેટ પૂરી-શાક ખાધાં
એ સ્ટૉલ વાળા કહેતા હતા
બાબાસાહેબ
મહાન હિન્દુ સમાજ સુધારક હતા
સમરસતાના પ્રખર હિમાયતી
બાબાસાહેબ
હું અકળાઈ ગયો છું
મને બસ નંબર ૧૫૦ની
મફત ટિકિટ અપાવી દોને
તમારી આંગળીના એક ઇશારે
મારે ઘરે જવું છે
ને પીવો છે ચિક્કાર દારૂ.

૪----------

કલમ વડે / ગુણવંત મેરૈયા (અમદાવાદ)

જોજનો
પહોળું રણ હતું
હતું સૈકાઓનું છલ.
જબરું કાઠું કામ હતું.
.... તો
જબરું કાઠું જણ.
શસ્ત્ર સામે શિક્ષણ !
રગરગ પ્રસરી પીડામાં
ન ઢાલ હતી ન ભાલો
જબરી અફરાતફરીમાં
એકલપંડે ઝૂઝવાનું.
ચતુર્વણી કિલ્લેબંધી
કલમ વડે ખોતરવી
જબ્બર જાદુગરી
કાચું કંઈ ન કાપ્યું...
લ્યો
ઠાકરપટ્ટે અર્પણ સૌને
સંવિધાન લખી આપ્યું.

૫----------

એકાદ આશા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

ક્યારેક તો પ્રકાશશે
અેકાદ અાશા
દીવાની જેમ
ને અજવાળી દેશે
થોડુંક અાયખું.
અેવા ભરોસે
જીવતા રહ્યા
અંધકારમાં.
અમે તો રાખ્યો
પૂરો ભરોસો
છેલ્લા શ્વાસ સુધી
પણ કદી પ્રકાશી નહીં
અેકે અાશા.
જન્મથી તે મોત લગી
અાયખું રહ્યું
અમાસ જેવું!
લાખો તારા જેટલી
અાશા વચ્ચે.

૬----------

સંવાદની વાત / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

જ્ઞાતિજાતિની વાત કરવી નથી
વાત કરવી છે સંવાદની
સંવાદમાં
હું હોઉં, તું હોય,હોય સૌ
મારું જે છે એ છે સર્વનું
સર્વમાં હું, તું ને સૌ

૭----------

મૂળિયું બનાવો / ઉમેશ સોલંકી

સદીઓની સદીઓ ગઈ
સદીઓ બની
જશે સદીઓ
બનશે સદીઓ
સદીઓનો નથી કોઈ આકાર
છતાં છે એનો આકાર
આકાર એનો હાથ
ખરબચડો હાથ
હાથનું પાછું મૂળિયું
મૂળિયાના છેડે મગજ ને હૈયું.
સદીઓ વીતી ને થયું
હૈયું પણ નોખું
મગજ પણ જુદું
મગજને ફૂટ્યો પછી સુંવાળો હાથ
હૈયાને ફૂટ્યો ભટકતો હાથ
ભટકતો હાથ ગોળગોળ ભમ્યા કરે
સુંવાળો હાથ સરસર સર્યા કરે.
હવે
એવું રસીલું કોઈ ખાતર બનાવો
બે મૂળિયાંનું એક મૂળિયું બનાવો. 

15 January 2018

અંક - ૫૭ / જાન્યુઆરી ૨૦૧૮

આ અંકમાં
૧. કાલ / ગૌરવકુમાર જૈન
૨. ખબર નથી / વજેસિંહ પારગી
૩. 2 BHK... / અનિષ ગારંગે
૪. હોકાયંત્ર / રૂપાલી બર્ક
૫. ઝૂકતી / કુસુમ ડાભી
૬. પતંગ અને ઝંડા / ઉમેશ સોલંકી

૧----------

કાલ / ગૌરવકુમાર જૈન (અમદાવાદ)

એ કાલની રાહ જોઈ રહી છે.
કાલ ક્યારે આવશે?
એની મમ્મીએ કહ્યું હતું
કાલે લાવી આપશે એને ગમતું રમકડું
કાલે બનાવશે એ શીરો
કાલે એને પીવા મળશે આખો કપ દૂધ
કાલે લાવી આપશે નવું ફ્રોક
ખાસ તો કહેલું કે પપ્પા તો કાલે આવશે.
ત્યારની,
એ રાહ જોવે છે કાલની
પણ કાલ આવતી જ નથી !
એ વિચારે છે કે,
કાશ કાલ ભૂખ જેવી હોત 
તો રોજ આવી જાત.
એ શોધે છે કાલને
બહાર ઊભેલા ઝાડની છેક ઊંચી ટોચ સુધી,
એથીયે આગળ 
રોડ પરની બહુમાળી ઇમારતના 
છેલ્લા માળ સુધી,
એ જોતી રહે છે 
આકાશમાં ઊંચે ઊડતાં પક્ષીઓ સુધી,
છેક ઢળતા સૂરજ સુધી.
પણ દૂર દૂર સુધી એને કાલ દેખાતી જ નથી.
એ વિચારે છે કે,
આ કાલ વળી કેટલે દૂર હશે 
જલદી આવતી જ નથી?

૨----------

ખબર નથી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

કરાડમાં ઊગ્યો છું
તળમાં નથી જમીન
ઊંડાં મૂળિયાં નાખવા
ફૂલવા ફાલવાની અાશા
પીળી પડી ગઈ છે
જમીનના રસકસ વગર.
કેવળ ઊભવા માટે
મૂળિયાં નાખું ન નાખું
ત્યાં ધોઈ નાખે છે વરસાદ
ઉઘાડાં થયેલાં મૂળિયાં
પથ્થરને ફરી ચીપકે ન ચીપકે
ત્યાં ફૂંકાય છે પવન
ને ધ્રુજાવી નાખે છે
થડથી ટોચ સુધી.
ખબર નથી
ક્યાં સુધી ઊભો રહીશ
હોવાનો ભાર
ને પડવાનો ડર
માથે ઊંચકીને.

૩----------

2 BHK... / અનિષ ગારંગે (અમદાવાદ)

નાની નાની આંગળીઓ 
પતંગિયાંને પકડવા તરસતી
એ ઊડતી જાય હું પાછળ ભાગું
પવનના વેગની સાથે 
એ મલકાતી જાય 
હું કિકરમાં (ઝાડમાં) ભરાઉં.
એકટસ જોવાની ઘેલછામાં 
સાનભાન ભૂલી જાઉં
એને પકડ્યા પહેલાંનો આનંદ 
અને છોડ્યા પછીનો આનં
જાણે શાળા છૂટયાનો આનંદ.

હવે 
એ જગ્યાએ મોટી ઇમારતો છે,
જે પતંગિયાંને દબાવીને બેઠી છે
એની ચીસો સંભળાય છે,
પણ......
આધુનિકતાના ઘોંઘાટમાં 
એ 2 BHKના નામે ઓળખાય છે.

૪----------

હોકાયંત્ર / રૂપાલી બર્ક (અમદાવાદ)

ખૂબ હરી ખૂબ ફરી
ના નકશાની જરૂર પડી 
ના સીમાચિહ્નની
માનો કે ના માનો
બાહ્યતામાં બધું દિશાહીન જ હોય છે
અસ્તવ્યસ્ત, ઉડાઉ.

હરી ફરી થાકી કંટાળી
કશું ના લાગ્યું હાથ
હતું એય ખોવાયું
આ તો ભારે થઈ
વિયાર્યું એથી સાવ ઊલટું.

એમ હારી જઉં એ ચાલે વળી
પણ જવું તો ક્યાં જવું?
બાકી જ ક્યાં રહ્યું છે કોઈ ઠેકાણું?
ત્યાં અંદર રણકો સંભળાયો
ઉઠાવ આંતરિક હોકાયંત્ર
ને ચાલી નીકળ આંતરિકતાની સફર પર.

૫----------

ઝૂકતી કુસુમ ડાભી (ચોટીલા)

કપાસના ખેતરે
ફાટેલા ચણિયાની બારીએથી 
દેખાતા કાળામેશ ઢીંચણે 
એમની નજરો તાકતી.
સાઇટ પર
માલમાં નખાતી રેતી-કપચી ભરતાં
એ જ્યારે ઝૂકતી
એના બ્લાઉઝની વચ્ચે, તિરાડે
દેખાતાં ઊભરતાં સ્તનોને 
એમની આંખો ઘૂરકતી.
માસ્તરોની ટ્રેનિંગમાં અભિનય કરતી
એની દક્ષિણી સાડીમાં 
બાજુએથી દેખાતાં વક્ષસ્થળોને
એમની નજરો જોવા મથતી.
વોકિંગ, ટોકિંગ, શોપિંગ માટે
જીન્સ, ટી-શર્ટમાં એ નિકળતી,
ટી-શર્ટમાં ઊભરતાં સ્તનોને જોવા
એમની આંખો ઘૂરકતી.
પણ,
ખેતર, સાઇટ, ટ્રેનિંગ, શોપિંગ એકેય સ્થળે
એમના કોઈપણ અંગને અજાણતા દેખાતા
એની આંખો હંમેશા ઝૂકતી.

૬----------

પતંગ અને ઝંડા / ઉમેશ સોલંકી

દૂર ઊડે પતંગ
કરે દોરીને તંગ
હૈયું હિલોળા લઈ છલકાવે રંગ
રંગના ઘેલમાં 
થોડી દોરી છોડી 
માર્યો એક ઠુમકો
ઝીણી દાંતી હતી
ખમી ના ઠુમકો શકી
હૈયાને આપી ગઈ ધ્રાસકો.
આમતેમ શોધ્યું
મળ્યું ન પિંડું
ધ્રાસકામાં ભળી બે ગાળો
ત્રીજી ગાળ લથ્થડિયા ખાવા લાગી
ઠરી તારા પર જ્યાં આંખો.
આંખનો ઉલાળો તારો 
સ્પર્શીલો લાગ્યો
ગમતીલી ગલીપચી
પછી ભીતર ફેલાઈ ગઈ,
હૈયાને ફૂટ્યા જાણે ઝીણા દાણા.
ડાબા હાથેથી તેં
ચોટલો પકડીને તેં
ગોળ ગોળ ગુમાવ્યું
કાળી રિબનનું ફૂમતું
ફૂમતું જોતાં જોતાં
ખણ મીઠી ઊપડી મને
હળવેથી ખણવા લાગ્યો પાંથી.
પાંથી સમી પગદંડી પર
ઝાંઝર રણકાવતી,
ચોટલો ઉલાળતી 
તું દોડી.
થોડે દૂર થોડા ઝંડા દેખાયા
દોરીની નાનકડી લચ્છી મારીને મેં
ઝંડા ભણી દોટ મૂકી.

15 December 2017

અંક - ૫૬, ડિસેમ્બર ૨૦૧૭

આ અંકમાં
૧. હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ
૨. ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી
૩. તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર
૪. આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ
૫. રાહ જોઉં છું / વજેસિંહ પારગી
६. धर्मनिरपेक्षता / श्याम
૭. ભૂતકાળ / ઉમેશ સોલંકી

૧----------

હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ (કાજ, તાલુકો : કોડીનાર, જિલ્લો : ગિર-સોમનાથ)

આમ તો
તારામાં, મારામાં નથી તફાવત
તોય તફાવત છે
તારાં ને મારાં કપડાંમાં
ગોદડાંમાં, ઘરમાં, દફતરમાં, ચોપડામાં
યાદ કર,
મારી પાટી પૂંઠાની, તારી કેવી લાલ કલરની.
હું તને લેસન આપવા આવતો તારા ખેતરે
તારી દાદી
તારી બોટલનું પાણી પીવા ન દેતી મને
ખાટલેથી નીચે બેસાડતી મને
તું મારા અક્ષરોને વખાણતો
તો એ કેવી ડોળા ફાડતી
'ક્યાં સુધી ભણવાનો?'
કહી મારી જાતને ગાળો ભાંડતી
બધાં આશ્ચર્યોના જવાબ
ધીરે ધીરે મળતા જાય છે.
એ વાડીખેતરના માલિક તારા પપ્પા
ને મારાં માબાપ ત્યાં મજૂર
મારે તો પ્રાથમિક શાળા પછી ભણવું
ભારે પડી ગયું.
મેં પકડી મજૂરી
તું મેનેજર થઈ ગયો
મારી હોશિયારી તો સાત ચોપડી સુધી રહી
પછી તો...
તું તહેવારમાં આવે કે દોસ્ત?
હવે તો તને કોઈ યાર મળી ગયો હશે.
આમેય આપણે તો જુદા
જાતેય જુદા, નાતેય જુદા, ખાતેય જુદા
રંગઢંગ ને વ્હેવાર જુદા.
તને પેલી પ્રતિજ્ઞા યાદ છે :
'અમે બધા ભારતીય છીએ'
અને પ્રજાસત્તાક દિવસે ગાતા પેલું ગીત :
'છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની'
આપણી દોસ્તી કેવી થઈ હતી
આપણે જે લાઇબ્રેરીમાં જતા બેસવાને
હું હજુ ત્યાં જાઉં છું ક્યારેક
લવ સ્ટોરીની બૂક નથી લેતો હવે
હવે વાચું છું 'દાસ કૅપિટલ' માર્ક્સનું
લેનિન, માઓ, સ્ટૅલિનને વાચું છું હવે
સમજું છું આંબેડકરી ચળવળને
મને પણ થાય છે
આ તફાવત ક્યાં સુધી?
આ સાંકળ ક્યાં સુધી?
તારા પપ્પા, તું ને તારો છોકરો માલિક!
મારા બાપા, હું ને મારો છોકરો મજૂર!
ક્યાં સુધી?
હરગિજ નહીં આ તફાવત હરગિજ નહીં.

૨----------

ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી (ચોટીલા)

ગામના છેવાડે એનું ઘર
ના ના ઘર તો કેમ કહેવાય?
ત્રણ બાજું ટીંગાતાં કંતાન
ઉપર બાવળની ડાળખીનું માળખું
માળખામાં વાંસની ચોકડી
ચોકડી પર કંતાન, પ્લાસ્ટિક, ટાયર.
ખુલ્લા ભાગે દરવાજો
ના ના દરવાજો કેમ કહેવાય?
તેલના કટાયેલા ડબ્બા તોડી-ટીપીને
બનેલી આડશ માત્ર.
અંદર
ત્રણ પડદાંની વચ્ચે એક કુટુંબ
ના ના કુટુંબ તો કેમ કહેવાય?
પતિ, પત્ની, દીકરાં, ગલૂડિયાં, કૂકડાં,
તિરસ્કૃત સમાજ માત્ર.
ભર શિયાળે
ના ના શિયાળો શાનો?
ઓખી વાવાઝોડાના વરસાદે
ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં
સૂતેલાં એકબીજાને લપાઈને.
બે-ચાર પગવાળા લોકોનો વિકાસ
અચ્છે દિન ઝગમગી ઊઠ્યા...

૩----------

તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર (અમદાવાદ)

તમે સ્ત્રી છો
તો તમે ઓલરેડી મહાન છો !
આનાથી બીજું મહાન શું હોઈ શકે?
તમે જન્મ્યાં હશો
એમાંય કેટલી બબાલ થઈ હશે !
તમે થોડું બોલતાં શીખ્યાં હશો
એમાંય નિયમો ઘડાયા હશે !
તમે કપડાં પહેર્યાં હશે
એમાંય કેટલાયને વાંધા હશે !
તમે ક્યારેક હસ્યાં હશો
એનો પણ હિસાબ થયો હશે !
તમેં રડ્યાં પણ હશો
કયાંક લપાઈને, કોઈકની બીકે !
તરુણા કાળે કુદરતી બદલાવ થયા હશે
એમાંય લોકોને પાપ દેખાયું હશે !
તમને પ્રેમ પણ થયો હશે
ને એ અંદર જ મરી ગયો હશે !
આખરે બીજે ક્યાંક મોકલ્યાં હશે
ને ત્યાંય ફવડાવ્યું હશે !
આટલું તો  કહેવાતો ઈશ્વર
પણ ના કરી શક્યો હોત !
તમે સ્ત્રી છો,
તો તમે ઓલરેડી મહાન છો !

૪----------

આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ (અમદાવાદ)

તારા મુલાયમ અને ઊજળા
સુસંસ્કૃત ને વેદજ્ઞ ચહેરાની પાછળ,
તારી ચકોર ને ચાલાક
દુરંદેશી ને પારદર્શી નજરની અંદર,
પેલા મડદાંઘરના દરવાનના નાકમાં
સજ્જડ થઈ ગયેલી વાસ જેવી
નફરત અને ઘૃણા તું મારે માટે લઈને ઊભો છે,
ને ચોકી કરી રહ્યો છે હજારો વર્ષોથી
તારા નિષ્પ્રાણ અને સડી ગયેલા મંદિરની,
પછી અચાનક તને
પરશુરામનાં શોર્ય ને ત્રાડ યાદ આવ્યાં
એટલે તું મંત્રોચ્ચાર કરતો,
જનોઈની જાળ પાથરી નીકળ્યો
તારી બુઠ્ઠી થઈ ગયેલી આવડતના જોરે
મારો શિકાર કરવા
પણ છલાંગ મારી ફાડી ખાવાના ગુમાનમાં
તું એ ભૂલી ગયો, કે મારી પાસે પણ
કલમ, કાગળ ને શબ્દનું કૌશલ્ય છે
જે મેં તારી જ સ્કૂલની બહાર
તારા જ હીરાજડિત ને સોનાના વરખ ચઢાવેલા
જૂતાની રખેવાળી કરતાં કરતાં
પૌરાણિક વર્ષોથી શીખ્યું છે
ને આજ ઢાલના ઓથા હેઠળ
મેં  તારા લાચાર અહમ્ ને ઊંધે માથે પટક્યો
ને તારા દરેક ખૂંખાર વારથી બચ્યો.
ને છેવટે ઊંચનીચનું માનસિક ચક્રવ્યૂહ રચી
મારી પર ધર્મોપદેશોનાં બ્રહ્માસ્ત્ર વરસાવા લાગ્યો
ને હું કાગળ, કલમ ને શબ્દના જોરે
પેલા ઈન્દ્રપુત્રના સાથ વગર
તારા ઘેરાને તોડી
મારા ઘવાયેલા સ્વમાનને
પંપાળતો મલમપટ્ટી કરતો લઈ આવ્યો બહાર.

હવે યુગ પલટાયો છે
મેદાનમાં યુદ્ધનો હુંકાર બદલાયો છે
ને આ બાથંબાથીની રમતમાં
હવે દાવ પણ ફેરવાયો છે
તરકશ છે મારી પાસે ને એમાં ચળકતા તીર
હવે હું છુ તારો શિકારી ને તું છે મારો શિકાર
આજે એટલે જ તું આટલો હતાશ
ને અકળાયેલો છે
કેમકે તને માત્ર શિકાર કરતા જ આવડ્યું છે બચતાં નહી.
ને મેં બચવાના કૌશલ્યનો ઈજારો,
મારા બાપદાદાની ચિતા પર સતી કરી દીધો છે
નવા યુદ્ધનો આરંભ છે
તારા કોઈ પણ તારણહારને સારથી બનાવી લે
અર્જુન અને એકલવ્ય નહીં
હવે આવડત અને કૌશલ્ય ભીડાવાનાં છે..

૫----------

રાહ જોઉં છું / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો :  દાહોદ)

સામે હતો
અે રસ્તે
ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં
સાંજ પડી ગઈ
પણ
ન રાહદારી મળ્યો
ન અાવ્યો પડાવ
ન ગામ
ન રસ્તો ખૂટ્યો.
ચાલી ચાલીને
લોથ થઈ ગયો છું
અાગળ ચલાય અેમ નથી
પાછા વળાય અેમ નથી
બેસી પડ્યો છું
રસ્તાની ધાર પર.
રાહ જોઉં છું
રાત પડે અેની.

६----------

धर्मनिरपेक्षता / श्याम (अहमदाबाद)

लहू से लथपथ रास्ते
और नंगे पाँव चला जा रहा हूँ मैं,
बन रहे हैं क़दमों से सुर्ख़ निशाँ
सफ़र और भी मुश्किल होता जा रहा है ।
थामकर हाथ पीरों के
चलना चाहता हूँ लेकिन
कमज़ोर पडे हाथ बढ़ाना
दिन-ब-दिन दुश्वार होता जा रहा है ।
पहचान भूल रहा हूँ अपनी
और चेहरा भी धुँधला जा रहा है,
हिज्जा भी मेरे नाम का
शब्दकोश से मिटता जा रहा है ।
बंद कमरों में हो रही है बहस कि
साबुत रहे वजूद मेरा,
शोर मुझे मिटाने का लेकिन
बाहर बढ़ता ही जा रहा है ।
कोई मरहम लगे, दवा मिले
कोई तो इलाज हो
घाव है कि दिनोंदिन
नासूर बनता जा रहा है ।

૭----------

ભૂતકાળ / ઉમેશ સોલંકી

હજુ કેટલું
દોડવાનું, મથવાનું, તૂટવાનું
દિવસ વીતે ને થાય
વરસ વીતીને વીતાડતું જાય :
ચામડી જાંબલી થઈ
પાનીઓમાં નદીઓ વહી
પેટમાં ભૂવો પડ્યો
છાતીમાં ડુંગરો ફૂટ્યો
હોઠને કાળાશ ચડી
આંખો કૂવાની માછલી બની
ગાલ થયા ગુફાનો વળાંક
માથાને વળગી પડ્યું વંઠીલું કપાળ.
ભાળ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભેલો ભૂતકાળ
ભૂતકાળ ન તારો, ન મારો
ન બે-ચાર જણાનો
પણ મઝિયારો.
આજ
ભૂતકાળમાંથી સ્હેજ બહાર આવ્યો તાજ
માથે મૂકી દીધો ધરાર !
પણ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભો ભૂતકાળ.