25 November 2013

અંક - ૮, નવેમ્બર, ૨૦૧૩

આ અંકમાં 

1. યક્ષપ્રશ્ન / વજેસિંહ પારગી
2. ફેંકવાની વાર છે /  જયેશ સોલંકી
3. પરિવર્તન / બ્રહ્મ ચમાર
4. બોલે મારી બેનો / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
5. સગવડિયો સંસાર / ઉમેશ સોલંકી

 
----------1-----------------------------------------------------------------------------------------------------------------------

યક્ષપ્રશ્ન / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
 
એક હાથમાં ભૂખ
ને બીજા હાથમાં મજૂરીકામ લઈને
હું જન્મ્યો છું
હે સરજનહારા !
તારી પૂજા કરવા
મારે ત્રીજો હાથ ક્યાંથી લાવવો ?


---------2-----------------------------------------------------------------------------------------------------------------------

 
ફેંકવાની વાર છેજયેશ સોલંકી (ભુવાલડી, અમદાવાદ)

બાવીસમી તારીખે
નહોતું
અગરબત્તીનું પૅકેટ
ડોસીની થેલીમાં !
હતાં
ત્રણ માંદાં સફરજન

છોકરાં માટે
એક પાલકની જૂડી
કરમાયેલી !
અને હવે
શરૂ થશે એક નવું યુદ્ધ
પરસેવો પીને ઉછરેલી
શાકભાજીના સરખા ભાગ માટે,
પૂરતી માત્રા અને ગુણવત્તા માટે
બસ
ગોખલામાં ગોઠવેલી મૂર્તીને
કચરાપેટીમાં
ફેંકવાની વાર છે !

----------3-----------------------------------------------------------------------------------------------------------------------


પરિવર્તન / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

પહેલાં
એ લોકો મને
મારી મારીને જીવાડતા હતા
ને
આજે હું
હસતાં હસતાં જીવું છું.

સદીઓથી
એ લોકોની ગુલામીમાં
લોહીથી ન્હાયો છું
ને
આજે
આઝાદીના શબ્દોથી
પોંખાયો છું.

પહેલાં
મારા હાથમાં
બીજાનો પાવડો હતો
ને
આજે
મારું પુસ્તક છે.

----------4-----------------------------------------------------------------------------------------------------------------------
 
બોલે મારી બેનો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

ઊંચા ડુંગર મોટા પથરા મંય પાણી ના ખળે
બોલે મારી બેનો, બોલે મારી બેનો

ઊતળા કૂવા જળ સાંકડાં, મંય સેંદુરિયો શેવાળ
બોલે મારી બેનો, બોલે મારી બેનો

ઊંડા હેન્ડપંપ જળ સાંકડાં, મંય કાટ આવી જાય
બોલે મારી બેનો, બોલે મારી બેનો

ઊતળા કોતર જળ સાંકડાં, મંય પાણી સુકાઈ જાય
બોલે મારી બેનો, બોલે મારી બેનો

----------5-----------------------------------------------------------------------------------------------------------------------
 
સગવડિયો સંસાર / ઉમેશ સોલંકી

સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર
કેમ કરીને ઝાલો ? પારાનો અવતાર છે આ સગવડિયો સંસાર

સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર
ચકચકતા દાંત પાછળ લબલબતી જીભ રાખે
નિર્દોષપણું ઝુલાવે પાંપણથી
કીકીમાં ઊંડે ઊંડે રંગ વગરનો બ્લાઉઝ રાખે
સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર

આખ્ખેઆખો એક માણસ
નકરી ગટર પહેરીને ભટકે, આની મરજી
બીજો માણસ
પૂમડામાંથી નીતરે, આની મરજી
ત્રીજો માણસ
વંટોળ બનીને વીફરે, આની મરજી
ચોથો માણસ
ટેબલ પર આંગળીએથી ટપકે, આની મરજી
મરજીમાં ચસચસતી જીદ રાખે
સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર

પેલો કરે તો સરસર સરસર
હું કરું તો ચરચર ચરચર
કને પોતાની લીસી-તીણી રીત રાખે
સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર

હું છું કે તું છે, કળવું અઘરું છે
સૌની પાછળ સંસારનું લટકા કરતું પૂછડું છે
સાનમાં સમજી શકાય તો ઠિક્ક
બાકી
સગવડિયો સંસાર છે આ સગવડિયો સંસાર

----------------------------------------------------------------------------------------------------------
તમે પણ તમારી રચના આ umeshgsolanki@gmail.com પર મોકલી શકો છો.
----------------------------------------------------------------------------------------------------------

પ્રતિભાવ જણાવશો
----------------------------------------------------------------------------------------------------------



 

8 comments:

  1. Arjun Patel11/26/2013

    Thank u so much and sending the poem to me. right now I am Newzeland i will write to you after coming to in Inida in the first week of December.
    Congratulation, that you have taken pen in your hand to fight against the social order which has been remained oppressive since thousands of years.
    Thank you once again, keep in touch.
    Kinds regards
    Arjun

    ReplyDelete
  2. Anonymous11/26/2013

    Gone through your blog.
    Like it very much.
    Thanks,
    -- Bharat Suthar, Proprietor, WESTERN CONFAB ENGINEERS, 206, APM Mall,
    Opp. Sun N Step Club, Sola Road, AHMEDABAD - 380 061.

    ReplyDelete
  3. ALL THE POMS ARE SUPERB.
    CONGRATULATION FOR NIRDHAR.
    ALL THE BEST.
    HAVE A NICE DAY.

    ReplyDelete
  4. ઉમેશ ભાઈ -- ખૂબ સુંદર રચનાઓ-- ખૂબ સરસ પ્રયાસ---

    ReplyDelete
  5. Pratibha Thakker11/28/2013

    યક્ષપ્રશ્ન / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

    એક હાથમાં ભૂખ
    ને બીજા હાથમાં મજૂરીકામ લઈને
    હું જન્મ્યો છું
    હે સરજનહારા !
    તારી પૂજા કરવા
    મારે ત્રીજો હાથ ક્યાંથી લાવવો ?

    આ ઉપરાંત બહેનો ની સંયુક્ત કવિતામાં પણ વેદના નું સંવેદન પ્રગટ થયું છે...

    ReplyDelete
  6. ખૂબજ સરસ

    ReplyDelete
  7. Khub saras, badhi j kavitao ma savedana na ni charmsima no sparsh

    ReplyDelete
  8. thank u so much for sending me the poems. every poem was superb.thanks again.

    ReplyDelete