આ અંકમાં
1. એકલવ્ય! તું થઈ ન શક્યો... / વજેસિંહ પારગી
2.
ઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી
3. ગીરવે / દેવજી સોલંકી
4. હનુમાનજી તાડૂક્યા / શૈલેશ ભાંભી
5. બીક ઘણી લાગે / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
6. વિમાન / ડૉ. કનુ પરમાર 'અપવાદ'
7. મારા રસ્તે / ઉમેશ સોલંકી
------1---------------------------------------------------------------------------------
એકલવ્ય!
તું થઈ ન શક્યો... / વજેસિંહ પારગી (ઈટાવા,
જિલ્લો - દાહોદ)
માટીની
મૂર્તિ બનાવીને
તેં
પૂરી એમાં શ્રદ્ધા
ને
પ્રગટાવ્યું માટીમાં ચેતન
ને
સ્થાપી એને ગુરુપદે.
માટીની
હોય કે પથ્થરની
મૂર્તિ
આખર ખોળિયું.
મૂર્તિના
પ્રાણ તો -
સાધકની
શ્રદ્ધા
સાધકનું
તપોબળ.
એકલવ્ય!
તું ખરો સાધક ખરો તપસ્વી
માટીમાં
કરી તેં શ્રદ્ધાને મૂર્તિમંત.
ને
મૂર્તિની સન્મુખ બેસીને
આરાધી તેં ધનુર્વિદ્યા
ને
બની ગયો તું
ભારતવર્ષનો
અનુપમ બાણાવળી.
ને
ઉપેક્ષિતમાં પ્રગટેલી મશાલથી
ઝંખવાઈ
ગયાં સ્થાપિત કોડિયાંઓ.
પણ
દાતરડાને મિયાન નઈં
ને
ભીલભાઈને ગિયાન નઈં
એમ
મારા પૂર્વજ
તું
પણ નીકળ્યો આખર ગમાર.
શિષ્ય
તરીકે તને ન સ્વીકાર
ગુરુની
ગળચટી વાણીથી તું ભરમાયો.
તારી
ધનુર્વિદ્યાથી ઓઝપાયેલા ગુરુએ
ગુરુદક્ષિણાના
નામે માગી લીધું
તારું
સર્વસ્વ.
ને
તેંય તે સમજ્યા વિચાર્યા વગર
કડવી
તૂમડીનો વેલો કાપતો હોય એમ
કચ
દઈને કાપી આપ્યો
સહસ્રબાહુ
જેવો તારો અંગૂઠો.
ને
જગમાં થઈ ગયો
તારી
ગુરુભક્તિનો જયજયકાર.
ધન્ય
તારી ગુરુભક્તિને
જેણે
ઉજાળ્યું તારા નામને.
પણ
તું ભીંત ભૂલ્યો
તારે
તો પેટાવવી જોઈતી હતી
અંધારી
રાત જેવા આદિવાસીઓમાં
અધિકારની
અગ્નિશિખા.
પણ
તું તો અંજાયો આગિયા જેવી ગુરુભક્તિથી
ને
તેં ઓલવી નાખી તારી જ્યોતને.
એકલવ્ય!
તું થઈ ન શક્યો
અંધારામાં
અટવાતી
રાનીપરજનો
રાહબર.
------2---------------------------------------------------------------------------------
ઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)
એણે નામ પૂછ્યું
મેં કહ્યું :
કચરો.
એ મલકાતાં મલકાતાં બોલી :
કચરો !!!
મેં કહ્યું :
હા, કચરો;
કચરો ઢેડ.
દુઃખ એ વાતનું કે
આ નામ
મારી ફોઈએ નહોતું પાડ્યું.
એણે ગામનું નામ પૂછ્યું
હું મૂંઝાયો
એ હસી, ને પૂછ્યું ફરી
શું કહું હું
પણ કહ્યું : ગામ-બહાર
મારું ગામ
જેનું નથી કોઈ નામ
રસ પડ્યો એને
પૂછ્યો ત્રીજો સવાલ :
વ્યવસાય?
મેં કહ્યું :
'ગૂ' ગૅસ કંપનીનો માલિક છું.
વિખ્યાત હોટેલોને
મરેલા ઢોરોનાં માંસની વૅરાયટીઝ
સપ્લાય કરું છું.
પશુઓનાં ચામડાં ઊતરડી
જૅકેટ, બૂટ, બેલ્ટ બનાવી
મોંઘા ભાવે વિદેશોમાં વેચું છું.
લાશોએ
એકવાર પહેરેલાં
ફૅશનેબલ કપડાંને
સમગ્ર ભારતનાં
સ્મશાનગૃહોમાંથી એકઠાં કરી
'શો રૂમ્સ'ની ડિસ્પ્લૅ પર
ફરી સજાવું છું.
એ અધીરી થઈ ગઈ
ફટાફટ પૂછ્યો છેલ્લો સવાલઃ
પ્રેરણા ક્યાંથી મળી?
હું ચિડાયો
ગુસ્સે થયો
મેં તોલી મણની ગાળ
પછી સામે કર્યા સવાલઃ
કેમ
તમારું ને તમારા બાપદાદાનું નામ જ
જ્ઞાનસૂચક છે?
કેમ
તમારા જ શ્રમનું
ડોલરમાં રૂપાંતરણ થાય છે?
કેમ
અમારે ગામ નથી... ગામનું નામ નથી?
કેમ
અમે જ
ઉપાડીએ છીએ માથે મેલું?
કેમ
તમે નથી ખાતાં મરેલાં ઢોરોનું માંસ?
કેમ
તમે નથી પહેરતાં
તમારા વહાલસોયાની લાશ પર
ઓઢાડેલાં કપડાં?
એ ચાલાક હતી
એણે તુરંત
કમર્શીયલ બ્રેક લીધો
જે હજુ સુધી પૂરો નથી થયો!
------3---------------------------------------------------------------------------------------
ગીરવે / દેવજી સોલંકી (શ્રી આટૅસ કોલેજ,
ઝીંઝુવાડા, જીલ્લો - સુરેન્દ્રનગર)
કૂવે
પાણી ભરીને આવતી
મારી સ્ત્રીને
પેલો
ત્રાસી નજરે જોયા કરે છે
ત્યારે થાય છે કે
સાલાની
આંખો ફોડી નાખું
પણ
મારાં હાથ, પગ જીભ
બધું જ
એના ઘેર
ગીરવે પડ્યું છે !
------4--------------------------------------------------------------------------------------------
હનુમાનજી તાડૂક્યા / શૈલેશ ભાંભી (વડાલી, જિલ્લો - સાબરકાંઠા)
શરીર આખું
ધ્રૂજવા લાગ્યું
આંખોમાંથી
અગનજ્વાળાઓ વરસવા લાગી
હનુમાનજી તાડૂકી ઊઠ્યા :
'અરે ઓ,
લોકોને વહેંચ્યા તો વહેંચ્યા
અમનેય...?
એય તમારી દુકાન ચલાવવા !'
હનુમાનજીનો
ક્રોધ ભરેલો અવાજ
કોઈ ન સાંભળી શક્યું
સૂરજ આથમી ગયો હતો
મંદિરોમાં
થઈ રહેલી આરતી-પૂજાનો અવાજ
આકાશ આંબવાનો પ્રયત્ન કરતો હતો
------5--------------------------------------------------------------------------------------------
બીક ઘણી લાગે / ફૂલીબેન
નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા(દેવગઢ મહિલા
સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)
હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
હું તો પગે ચાલનારી, મને એસ.ટી.માં બેસાડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
સંસ્થાની બેનો આવે, મને મંડળમાં જોડાવે
હું તો ઘરમાં સંતાઈ જાતી, હું તો વાડામાં સંતાઈ જાતી
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
બ્હારથી બેનો આવે, મને વાતે વળાવે
મને શરમ ઘણી લાગે, મને બોલતે નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
સંસ્થાની બેનો આવે, મને તાલીમમાં બોલાવે
મને નવું શીખવાડે, મને શરત્યો નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
બ્હારથી બેનો આવે, મને બૅંકમાં બોલાવે
મને સહી કરતા ના આવડે, પૈસા ગણતા ના આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે
------6--------------------------------------------------------------------------------------------
વિમાન / ડૉ. કનુ પરમાર 'અપવાદ' (M.D.), વડોદરા
જોઈ લિસોટો આકાશમાં
થતો મનમાં ઉમળકો
કેવું હશે વિમાન ને સફર એની ?
થતી મનમાં એક ગમગીની
ના મળી બચપણમાં
સાઈકલની પણ સફર,
તો વિમાનની એક સફર નહિ મળે ?
ને કર્યો મનમાં નિશ્ચય
ચાલ વિમાનની એક સફર હું પણ કરું
ફરી આવી સફર નહિ મળે
ફરી જીવનની સફર નહિ મળે
છે મનમાં એક ઉજવણી
ચાલ્યો હું ધીમા પગલે,
મનમાં છે સંકોચ
કયાં જઈશ ? કેવી રીતે જઈશ ?
ફરી આવો ડર નહિ મળે
પહોંચ્યો વિમાનને દરવાજે
મનમાં છે એક ઉમંગ
ચાલ તું પણ ભર એક ઉડાન,
ફરી આવી ઉડાન નહિ મળે
છે પહાડોમાં વાદળ કે વાદળોમાં પહાડ
ને મન મારું ખાલીખમ
ભરી લઉં આ નજારો
તું પણ આજે કહી દે
ફરી આ સમય નહિ મળે
------7--------------------------------------------------------------------------------------------
મારા રસ્તે / ઉમેશ સોલંકી
હળવે ચાલ્યાં, અમે એક રસ્તે.
હવે, એ એના રસ્તે હું મારા રસ્તે
ટેરવાંને ટેરવાંની માયા છૂટી
એનાં ટેરવે ટેરવાં ફૂટ્યાં
ટેરવાં મારાં હથેળીમાં ઘૂસ્યાં
અને, એ એના રસ્તે હું મારા રસ્તે
છેલ્લે જ્યારે
મેં જોઈ એને
ઝાંખા કાળા વાળમાં
પછી ખોઈ એને
હૈયે ત્યારે હામ નહોતી
હામની ઝાંખી ભાળ નહોતી
પણ આંખ હામથી જોતી'તી
નવા-અજાણ્યા રસ્તાને
છાનું છાનું ઉછાળીને
જોર કેટલું હોઈ શકે
ઠાઠ ઠોકરનો માપતી'તી
હતો જ્યારે હું મારા રસ્તે, એ એના રસ્તે
નવા-અજાણ્યા રસ્તા પર
ડગલું માંડ્યું
ડગલું માંડ્યું
ડગલામાંથી
'ઓય મા' કરતું એક પગલું છૂટ્યું
પગલામાંથી લાલ રંગની ધાર નીકળી
ધાર નીકળીને ઊંચે ચડી
ઊંચે ચડીને ઝરણું બની
ઝરણું બનીને નીચે ઊતરી
નીચે ઊતરીને નદી થઈ
નદી થઈ તો ગજબ થયો !
ઠોકરનો શેલારો થયો
એક શેલારો હઈશો
બીજો શેલરો હઈશો
હઈશો હઈશો હઈશો
હઈશો હઈશો હઈશો
વરસોની વણઝાર ગઈ
દરિયાનો અણસાર નથી
પોપચાં પટ પટ થયાંકરે
પટ પટનો લગીર થાક નથી
થાક વગરનાં પોપચાં લઈ
રંગવાળા બાંકડે બેસી
પાનું પુસ્તકનું ખોલ્યું
આખેઆખું પાનું જોયું
પાનુંમાંથી પાનાં થયાં
ટેરવાં થોડાં હળવાં થયાં
પુસ્તક તરત બંધ કર્યું
ઊભા થઈને ડગલું ભર્યું
ઊભા થઈને ડગલું ભર્યું
ને અમે અચાનક ભટકાઈ પડ્યાં
એણે જોયું ન જોયું કર્યું
નજરને મેં સ્વસ્થ કરી
'જોયું ન જોયું'ની કદર કરી
ઠાઠવાળી ઠોકરને
પગ હલાવી સરખી કરી
પછી
એ એના રસ્તે હું મારા રસ્તે
એ એના રસ્તે હું મારા રસ્તે
આ અંકની બધી કવિતાઓ વિષે ટૂંકાણમાં જણાવીશ.''એકલવ્ય! તું થઈ ન શક્યો... / વજેસિંહ પારગી'' સહેજ જુદી રીતે અભિવ્યક્ત કરી છે,મેં એકલવ્ય થીમ પર ઘણી દલિત કવિતાઓ વાચી છે. મારું પર્સનલી માનવું છે કે આપણે એકલવ્ય જેવા મિથકીય પાત્રોને અનુલક્ષીને હૈયાવરાળ કાઢવાનું બંધ કરી દેવું જોઈએ,કેમકે તેમાં કશી વાસ્તવિકતા નથી. પણ વજેસિંહ પારગીને સુન્દર-અલગ ફ્લેવર વાળી રચના માટે અભિનંદન.
ReplyDeleteઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી રચના સોસરવી ખુચી. રચના વાચતા સમયે "હવે આગળ શું થાહે" નો ભાવ મગજમાં રહેતો,અને છેલ્લે સટીક સમાપ્તિ વડે પ્રહાર! મનની ભડાસ એકજ રચનામાં કાઢી નાખી,અભિનંદન.
ગીરવે / દેવજી સોલંકી રચના ટૂંકી પણ પોતાના ભાવો વ્યક્ત કરવામાં સફળ. આભાર.
હું થોડો રેશનલ છું,ક્યારેક જીણું વાચવાની ટેવ છે. કવિતાઓમાં ભગવાનના પત્રો જોઇને ખાસી આવે છે.
"બીક ઘણી લાગે" સુંદર રચના માટે દેવગઢ મહિલા સંગઠન ને ખાસ અભિનંદન.તમે એક પછી એક સુંદર રચનાઓ આપીને નવો ચીલો માંડ્યો છે. નિરંતર લખતા રહો.
વિમાન / ડૉ. કનુ પરમાર 'અપવાદ' ની રચના પહેલી વાર મેં વાચી,સુંદર રચના અને અભિવ્યક્તિ માટે આભાર.
મારા રસ્તે / ઉમેશ સોલંકી ની રચના મારે માટે અઘરી રહી પણ બે વાર મથતા તેને પામી ગયો. "વરસોની વણઝાર ગઈ દરિયાનો અણસાર નથી...." ખુબ સરસ. રચના હિલોળા મારે છે. ખાસ અભિનંદન,ગમ્યું!
thank u very much umesh
ReplyDeleteઆ અંકમાં સાત કવિતાઓ માટે આભાર... એકલવ્ય અને તેવા પાત્રોના ફ્લેવર વાળી ઘણી કવિતાઓ વાચી છે,મારું અંગતપણે માનવું છે કે કવિતાઓમાં આવા મિથકીય પાત્રોને ટાળવા જોઈએ,કેમકે તેમાં કશી સચ્ચાઈ નથી માત્ર ભાવાત્મક જોડાણ જુગોથી રહેલ છે. ઇન્ટર્વ્યૂ / જયેશ સોલંકી સચોટ અને રસપ્રદ છટા વાળી જણાઈ,દરેક લીટી વાચતા 'આગળ શું થશે'નો પ્રશ્ન મગજમાં રહેતો.છેલ્લે કમર્શીયલ બ્રેક લઈને રચના આટોપી.અભિનંદન! દેવગઢ મહિલા સંગઠને કવિતા લખતા રહીને એક નવો ચીલો પાડ્યો છે,ખાસ આભાર,લખતા રહો.'વિમાન' માટે એકંદરે સરળ અને અભિવ્યક્તિ કરવામાં સફળ રહ્યા,અભિનંદન. મારા રસ્તે / ઉમેશ સોલંકી થોડી અઘરી લાગી,બે વાર નઝર મારતા સમજાઈ ગઈ. ઉમેશ સોલંકીને સંકલન માટે અભિનંદન.
ReplyDeleteપરમિતભાઈની વાત સાચી છે. હજારો વર્ષ પૂર્વે આવાં પાત્રો હતાં કે કેમ અને આવી ઘટનાઓ બની હતી કે કેમ તે કોઈ છાતી ઠોકીને કહી શકે નહીં. પરંતુ આવાં પાત્રો-પ્રસંગો સાથે એક ભાવબોધ જોડાયેલો છે અને તેને મિષે માનવજાત પોતાની ભાવના વ્યક્ત કરતી રહે છે. મૂળ મહાભારતમાં `સૂતપુત્રને નહીં પરણું' એવું દ્રૌપદી બોલતી નથી, રામાયણમાં કેવટનો `પગ ધોવાવાળો' પ્રસંગ નથી.અરે, રાધા જેવું પાત્ર પણ કાલ્પિનક હોવાનું વિદ્વાનો માને છે છતાં રાધા-કૃષ્ણનાં અનેક પ્રેમગીતો લખાતાં રહે છે. એટલે જ્યાં સુધી માનવમનમાં અન્યાયબોધ રહેશે ત્યાં સુધી કર્ણ અને એકલવ્ય રહેવાના જ. આખરે સાહિત્ય કે કવિતા એ ભાવનાનું જ સત્ય છે.
ReplyDelete- વજેસિંહ પારગી
ખૂબ સરસ....અભિનંદન....
ReplyDeletevery good.
ReplyDelete