આ અંકમાં
૧. નોટબંધી / રતનબેન મકવાણા
૧. નોટબંધી / રતનબેન મકવાણા
૨. દાંત કકડાવતો અંધકાર / વજેસિંહ પારગી
૩. અભયારણ્ય થયું છે / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. હશે / જયસુખ વાઘેલા
૫. અટકી પડવું જોઈએ / ઉમેશ સોલંકી
૧----------
નોટબંધી / રતનબેન મકવાણા (જેતપુર, તાલુકો-જિલ્લો : મોરબી)
(માળિયા મહિલા શક્તિ સંગઠન)
હું તો વહેલી ઊઠીને બૅન્ક ગઈ'તી રે લોલ
સાથે રે ટિફિન લઈને ગઈ'તી રે લોલ
મેં તો રોટલા લાઇનમાં ખાધા રે લોલ
બૅન્કમાં વારો ન આવ્યો રે લોલ
હું તો ગોદડાં રે સાથે લઈને ગઈ'તી રે લોલ
રાત્રે રે લાઇનમાં સૂતી રે લોલ
મોડે મોડે વારો આવ્યો રે લોલ
વારો આવ્યો ને નોટો ખૂટી ગઈ'તી રે લોલ
ઘરમાં લોટ, રાશન, પાણી ખૂટ્યાં રે લોલ
ફરી બૅન્કમાં ગઈ'તી રે લોલ
બે હજારની નોટ હાથમાં આવી રે લોલ
છૂટાની રામાયણ થઈ'તી રે લોલ
૨----------
દાંત કકડાવતો અંધકાર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)
મારા ખોરડાને અજવાળવા
મારે તો
આકાશના તારા વીણી લાવવા હતા.
પણ ઇશ્વરે તો
દીવા સુધી માંડ પૂગે
એટલા ટૂંકા હાથ દીધા છે.
ભલે એમ તો એમ
તારા નહીં તો દીવો સહી !
મળ્યું તેને સ્વીકારું છું
ને રોજે દીવો પેટાવું છું.
પણ દીવો પપલે ન પપલે ત્યાં
મોગરો વળી જાય છે
કાં તેલ ખૂટી જાય છે
કાં પવન સૂસવે છે
ને હોલવાઈ જાય છે દીવો.
હું હાથ ઘસતો રહી જાઉં છું
ને મારા ખોરડાને ઘેરી વળે છે
કાળા દાંત કકડાવતો અંધકાર !
૩----------
અભયારણ્ય થયું છે / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો : સુરેન્દ્રનગર)
હવે ઘુડખરનું અહીં ભારણ થયું છે
એટલે જ તો અહીં
અભયારણ્ય થયું છે
જિંદગીના પગ તળે ખારાશનું રણ છે
એટલે જ તો દોજખનું
આવરણ થયું છે
અહીં વસે છે માનવીથી બહેતર ગધ્ધા
એટલે જ તો
ઘુડખર-અભયારણ્ય થયું છે
અહીં માનવીના મૂલ તો કંઈ જ છે નહીં
ને ફક્ત ગધેડાનું
અહીં તારણ થયું છે
રોજીરોટી છીનવીને શું વળે શોષિતની
એટલે જ તો
અભયારણ્યનું કારણ થયું છે
૪----------
હશે / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો : સુરેન્દ્રનગર)
થૈ છબી જ્યાં બાળ ટિંગાતાં હશે,
કેટલું સૌ રોજ પીડાતા હશે.
ઊંઘતી વેળા અહમને ઓઢતાં,
માણસો સારા કહેવાતા હશે.
બોલ પંડિત, કઈ નદીનાં જળ વડે,
શૂદ્રતાના મેલ ધોવાતા હશેે.
વાસ, મંદિર ને મસાણો છે જુદાં,
ભેદ મનમાં તોય સચવાતા હશે.
૫----------
અટકી પડવું જોઈએ / ઉમેશ સોલંકી
અટકી પડવું જોઈએ
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ
ચાની કીટલી પર
ચા થીજી જવી જોઈએ
પાનના ગલ્લે સોપારી
કપચી થઈ જવી જોઈએ
લારીમાં શાકભાજી પથ્થર થઈ જવી જોઈએ
પકોડી કૂકા બની જવી જોઈએ (કૂકા - નદીના ગોળલંબગોળ પથ્થર)
પૈસાને સ્પર્શતાં જ
ટેરવાં
મરી ગયેલાં છીપલાં થઈ જવાં જોઈએ
છાપાંના શબ્દો
માણસને ચોંટી જાય જે રીતે
એ રીતે
ચાલતાં ચાલતાં માણસ
જમીન પર ચોંટી જવો જોઈએ
અટકી પડવું જોઈએ
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ.