આ અંક્માં
૧. મૂલ્યવાન ભૂખ /
ઉપેન્દ્ર બારોટ
૨. વીજળીના ચમકારે /
વજેસિંહ પારગી
૩. હું તો રણમાં ભૂલો પડ્યો / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. વાલ્મીકિ-બાળકની વેદના / હોઝેફા ઉજ્જૈની
૫. આદત નથી / કનુ પરમાર ‘અપવાદ’
૬. કેમ? / રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’
૭. તેથી / ઉમેશ સોલંકી
૧----------
મૂલ્યવાન ભૂખ / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)
જીવનથી પણ
મૂલ્યવાન છે ભૂખ
ભૂખને તેથી મેં પહેરી છે.
ભર્યું પેટ તો થઈ જાય ખાલી
પણ ભૂખ રહે છે હંમેશા ભરી ભરી.
કાપ્યા છે રસ્તાઓ લાંબા મેં
ભૂખ રહી જો સાથે
એક ડગલું માંડ ચલાયું
એટલો ભરેલા પેટનો ભાર લાગે.
તેથી જીવનથી પણ
મૂલ્યવાન છે ભૂખ
ને ભૂખને મેં પહેરી છે.
૨----------
વીજળીના ચમકારે / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો –
દાહોદ)
વીજળીના ચમકારે
મોતી પરોવવાની આશા લઈને
આભ સામે એકધારી જોતી રહી
પાનબાઈ જેવી મારી આંખ.
વરસો લગી મીટ માંડવા છતાં
કદી આંખે ન પડ્યો
વીજળીનો ચમકાર.
ચમકારાની રાહમાં
આભ સામે તાકી તાકીને
બખોલમાં ઊતરી ગઈ છે આંખ
ને દોરો પકડેલી આંગળીઓ
લાગી છે કંપવા,
એટલે નેજવું કરીને બેઠો છું.
હવે તો –
વીજળી ચમકે તોય શું?
ને વીજળી પડે તોય શું?
૩----------
રણમાં ભૂલો પડ્યો / દેવેન્દ્રભાઈ ખોડાભાઈ
વાણિયા (ખારાઘોડા, જિલ્લો – સુરેન્દ્રનગર)
નથી અજાણ્યો રસ્તો તોયે રણમાં ભૂલો પડ્યો
પેઢી દર પેઢીનો રસ્તો રણવાટ મેં પકડ્યો
હું
તો રણમાં ભૂલો પડ્યો
દાદા ગયા પરદાદા ગયા બાપના રસ્તે બેટો
ટાઢ તડકો સદાય વેઠ્યો, સૂકલકડી થઈ કાયા
અથાગ મહેનત કાંઈ મળે નમ, તોય છૂટે નહિ માયા
હું
તો રણમાં ભૂલો પડ્યો
આશાઓ તો અમને હતી એક દિન કંઇક મળશે
ગારો ચૂસતા પાણી મળશે વ્યાધિ અમારી ટળશે
હું
તો રણમાં ભૂલો પડ્યો
મીઠાના કદી ભાવ ના મળે મોંઘવારી નિત વધતી
વેપારીનું સંગઠન એવું પરેશાની ખૂબ વધતી
હું
તો રણમાં ભૂલો પડ્યો
સંગઠન વિના સબળે અગરિયો ‘દેવેન્દ્ર’ દુઃખ પડતું
સૌ મળી સંગઠન કરો તો દર્દ સૌનું ટળતું
હું
તો રણમાં ભૂલો પડ્યો
૪----------
વાલ્મીકિ-બાળકની વેદના / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)
મા, એ મા
મૂકને આ કોળિયો મારા મોંઢામાં
અને ચાખવા દે મને આ ભેદભાવના સ્વાદ
મા મને આલને પેલી વાસી દાળ
ઊતરી ગયેલી કઢી
પેલા સૂકા રોટલા સાથે
અને ચાખવા દે મને ભેદભાવના સ્વાદ
મને ખબર છે તારું હૃદય ઘણું વિશાળ છે
ખમી લે છે પેલા લોકોની તોછડાઈને
અમાનવીય વર્તનને
મને ખબર પણ પડવા નથી દેતી, મા
પણ હું જાણું છું તું અંદરો અંદર રિબાય છે
તું તારે આલને
પેલાં બેસ્વાદ બની ગયેલાં ભોજન
અને ચાખવા દે મને આ ભેદભાવના સ્વાદ
હું પૂછીશ તારી મેલડી અને ખોડિયારને
જેની તું દિવસરાત પૂજા કરતી
આરતી ઉતારતી
છતાં થાકતી નથી, મા
હું પૂછીશ તારી મેલડી અને ખોડિયારને
કે શા માટે
અરે શા માટે
અમારા સાથે આ ભેદભાવ થાય છે?
હું પૂછીશ એમને સવાલ, મા
અરે તું તારે મૂકને આ કોળિયો મોંઢામાં
અને ચાખવા દે મને આ ભેદભાવના સ્વાદ
હું બાળક છું
પણ પેલા લોકોના વર્તનથી એટલું તો સમજું છું
કે આપણે તેમનાથી અલગ છીએ
નીચા છીએ ગરીબ છીએ
એ મા, મૂકને આ કોળિયો મારા મોંઢામાં
અને ચાખવા દે મને આ ભેદભાવના સ્વાદ
૫----------
આદત નથી / કનુ પરમાર ‘અપવાદ’ (વડોદરા)
મારું સ્વાભિમાન ક્યાં છે?
આમાં તારું સ્વાભિમાન ક્યાં છે?
હું તો વરસોથી મરેલી ગાય જેવો છું
મરેલાને તું શું મારીશ
તારો પણ નર્યો દંભ છે
શિકાર કરવો હોય તો મરેલી ગાયનો શા માટે
છે ઘણા જંગલી આખલા
પણ
તું ક્યાં એવો છે જેવો દેખાય છે
ત્યાં તારું ક્યાં ચાલે છે
લાગે ત્યાં તું બકરી જેવો કે શિયાળવું
હોય હું તારે માટે દૂઝણી ગાય વોટ બેન્કની
બસ હવે બહુ થયું
આ ગાય હવે વહુકી ગઈ છે
આ ગાયમાં એક નવો જીવ આવ્યો છે
નવચેતન આવ્યું છે
હવે એક શ્યામ ક્રાંતિ થશે
ખબરદાર
હવે શિકાર નહીં થાય
શિકારી ખુદ શિકાર બની જશે
બીજું નથી આદત મને શિકાર કરવાની
તારું લોહી મીઠુંય હશે
પણ મને લોહી પીવાની આદત નથી.
૬----------
કેમ? / રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’ (કાજ,
તાલુકો – કોડીનાર, જિલ્લો – ગિર-સોમનાથ)
જાત છે મનુષ્યની આખી નાત
તોયે લોહી કેમ બેરંગ છે?
એકને સૂંચાયેલ સાંઠા જેવું શરીર
બીજું કેમ નરેવું અંગ છે?
એક છે ધનપતિ
બીજો કેમ કંગાળ?
એક છે દેવતુલ્ય જન્મથી
બીજો કેમ હડધૂત છે?
૭----------
તેથી / ઉમેશ સોલંકી
અડધું કશું હોતું નથી
મથી મથીને તોય અડધામાં જિવાય છે,
આંખને તારી આદત રહી
અને તું નથી.
કને હોવાના એંધાણની
છોડી નથી એક ક્ષણ તેં વળી.
સદીઓની સદીઓ
ચક્કર માર્યા કરતી આમ તો
આજુબાજુ તારી ને મારી.
ચક્કર મારતી સદીઓને
સતત આપણે ખલેલમાં નાંખી
ઠેલી ઠેલીને પછી
ગમતી ક્ષણના બાહુપાશમાં રાખી
પણ
ક્ષણ ગમતી
સદીઓની ઘેલી બની
વેગથી અચાનક આવી કને
વેગથી એમ ખેંચી ગઈ તને
કે
એક ક્ષણ, તું ના છોડી શકી મારી કને
તેથી
અડધું કશું હોતું
નથી
મથી મથીને તોય અડધામાં જિવાય છે.
તમામ રચનાઓ ઉત્તમ કક્ષાની છે પરંતુ આ પૈકી દેવેન્દ્રભાઈની રણમાં ભૂલો પડ્યો રચના મને શ્રેષ્ઠતમ લાગી છે. સરસ ઉમેશભાઈ.
ReplyDeleteદેવેન્દ્રભાઈની રણમાં ભૂલો પડ્યો રચના મને શ્રેષ્ઠતમ લાગી છે THE BEST
ReplyDeleteવાલ્મીકિ-બાળકની વેદના / હોઝેફા ઉજ્જૈની VERY GOOD
કેમ? / રાજેન્દ્ર જયાબહેન વાઢેળ ‘જીતા’ VERY GOOD
આદત નથી / કનુ પરમાર ‘અપવાદ’ VERY GOOD
ALL THE REST ARE GOOD. WELL DONE DEAR UMESHBHAI.
સારો પ્રયાસ છે ઉમેશભાઇ. અલબત્ત, દર્દને રોવાનું નથી. દાના માંઝીની જેમ ખભે ઉપાડીને ચાલવાનું છે. ઇસુએ પણ ક્યાં વધસ્થંભ તેના ખભે નહોતો ઉપાડ્યો ? ધન્યવાદ.
ReplyDeleteપ્રિય ઉમેશભાઈ,
Deleteઆનંદ અને આભાર.
તમારી, વજુભાઈ અને ઉપેન્દ્ર બારોટની કવિતાઓ ખૂબ ગમી.
ચંદુ મહેરિયા
Umesh .... I read some of these ... including yours and Hozefa's poems... nice work brothers ... keep it up ... ��
ReplyDeleteSaras kavita 6e.
ReplyDeleteI read all the poems...all are touchy & heart burning...
ReplyDeletethanks
ReplyDeleteall peom r goog
devendrabhai n hofeza...god
ઉમેશભાઇ તમારી દેવેન્દ્રભાઇ અને કનુભાઇની રચનાઓ ખૂબ ગમી. સૌને જય ભીમ.
ReplyDelete